'વેલકમ 2020' હવે મન ઝંખે છે પરિવર્તન
વેદના સંવેદના - મૃગેશ વૈષ્ણવ
મુશ્કેલી રૂપી પક્ષીઓ તમારી ચોમેર ઉડતાં જ રહેશે... તમે તેમને અટકાવી નહી શકો... પરંતુ તેમને તમારા માથા પર માળો બાંધવાની પરવાનગી ક્યારેય ન આપશો
શું તમે વિતેલા વર્ષની સફળતા અને નિષ્ફળતાનું સરવૈયુ માંડી નવા વર્ષે જીવનમાં કંઇક ફેરફાર લાવવાનું નક્કી કરી નાંખ્યું ?
જો ૨૦૨૦માં તમારા જીવનમાં પરિવર્તન લાવવા માંગતા હો તો એક વાત યાદ રાખો કે તે માટે કેટલીક મુશ્કેલી અને વેદના તમારે સહન કરવી પડશે. કારણ મુશ્કેલી વેઠયા વિના કોઈ પ્રકારની સિધ્ધિ ક્યારેય મળતી નથી.
માનવ સ્વભાવ એવો છે કે તે વર્તમાન પરિસ્થિતિથી ગમે તેટલા ત્રસ્ત હોય તો યે પરિવર્તનથી કરે છે. 'કમ્ફર્ટ ઝોન'માં રહેવું સહુ કોઇને સરળ અને આરામદાયક લાગે છે. પણ મોટે ભાગે કમ્ફર્ટઝોનમાં રહેવાની ઘણી આકરી કિંમત આપણે ચૂકવવી પડે છે. આ માટે પરેશભાઈનું ઉદાહરણ આપું છું.
પરેશભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. તેમની આવડત અને ક્ષમતાને કારણે કંપની કરોડોનો નફો કરતી થઇ ગઈ છે. પરંતુ કંપનીના માલિક પરેશભાઈને દબડાવ્યા કરે છે, પગાર વધારો કરતા નથી. નફાનો યશ પોતે લે છે અને નુકશાન જાય તો પરેશભાઈને ભાંડયા કરે છે. પરેશભાઇને બીજી કંપનીઓ ઓફર મૂકે છે પરંતુ હાલ તેઓ નોકરી છોડવાનો નિર્ણય લઇ શક્તા નથી... કારણ ?
હાલના સંજોગો સાથે તેમને ફાવટ આવી ગઈ છે. પરિવર્તનનો વિચાર તેમને ચિંતિત અને ભયભીત બનાવે છે. મનમાં લાખ સવાલો ઉભા થાય છે.
બીજી કંપનીનો એમડી. કેવો નીકળશે ?
સંજોગો સુધરે તેની કોઈ ખાતરી ખરી ?
કાલ કોણે જોઇ છે ? નાહકનું જોખમ શા માટે લેવું ? જેમ ચાલે છે તેમ ચાલવા દો. બસ આવું વિચારી વર્ષોથી તેઓ એક જ કંપનીમાં પડયા રહે છે. પ્રતિકૂળતામાં અનુકૂલન સાધવાનું તેમને ફાવી ગયું છે. તેઓ તેમના કમ્ફર્ટઝોનમાં પડયા રહે છે.
આ લોકોને મારે એક ચીની કહેવત કહેવી છે 'મુશ્કેલી રૂપી પક્ષીઓ તમારી ચોમેર ઉડતાં જ રહેશે. તેમને તમે અટકાવી નહીં શકો. પરંતુ મુશ્કેલીરૂપી આ પક્ષીઓને મારા માથા પર માળો બાંધવાની પરવાનગી તમે ક્યારેય ન આપશો.'
એટલે જ નવા વર્ષે તમારે એક નિર્ણય લેવાનો છે. 'વર્તમાન મુશ્કેલ સંજોગો મારે ચલાવી લેવા નથી. મારે તમામ અવરોધોને હડસેલી દઇ, ગમે તેટલી અગવડો ભોગવી પરિવર્તન માટે કમ્મર કસવી છે.'
આવું કરવું શા માટે જરૂરી છે એ સમજાવવા હું નીચેની વાત કહેવા માગું છું.
વર્ષો પહેલાં એક ગામમાં પાંચ ભાઈઓ રહેતા હતા. પાંચેયમાંથી કોઈપણ કોઈ પ્રકારનો કામધંધો કરતા ન હતા. અને આળસુની જેમ પડયા રહેતા હતા. પિતૃઓ તરફથી વારસામાં એક જીર્ણશીર્ણ ઘર મળ્યું હતું. ઘરની પાછળ એક વાડી હતી જેમાં એક શીંગનું ઝાડ હતું. તેના પર રોજ દસબાર શીંગ પાકતી. પાંચેય ભાઈઓ આ શીંગ બાફીને ખાઈ પેટ ભરતા. બસ.... આરામથી પડયા પડયા તેમનું જીવન પસાર થતું.
એક દિવસ એક દૂરના સગા તેમને ઘેર 'રહેવા આવ્યા. કુટુંબની બેહાલી જોઈ વ્યથિત થયા. તેમને થયું કે આ લોકોની અવદશાનું મૂળ આ શિંગનું ઝાડ છે. એનાથી આ લોકો પેટિયું રળી લે છે. એટલે મહેનત મજૂરી કરવાની તેમની દાનત રહી નથી. રાત્રે બધા ભાઈઓ ઉંઘમાં ઘોરતા હતા ત્યારે તેમને પેલું શિંગનું ઝાડ કાપી નાંખ્યું અને અંધારામાં ત્યાંથી રવાના થઇ ગયા.'
બીજે દિવસે ભાઈઓએ ઉઠીને જોયું તો શિંગનું ઝાડ ત્યાં ન હતું. બધાએ પેલા સગાને ભાંડયો : 'આ તે કેવો માણસ નીકળ્યો ? જે થાળીમાં ખાધું તેમાં જ થૂંક્યું ?'
પાંચ દસ દિવસ ઘેરા શોકમાં પસાર થયા પરંતુ ખાલી પેટે હવે મોઢામાંથી ગાળો પણ નીકળતી ન હતી. સહુ કામધંધો શોધવા નીકળી પડયા. આજીવિકા નીભાવવા અગવડ ભોગવી, મુશ્કેલીઓનો સામનો કર્યો. એટલે જ તેમનામાં છૂપાયેલી ક્ષમતા અને આવડત બહાર આવ્યા. ધીરે ધીરે બધા ભાઈઓ પગભર થયા. બાફેલી શીંગની જગ્યાએ પૂરૂં ભાણું જમતા થયા.
ગમે તેવી વર્તમાન પરિસ્થિતિમાં ગાડું ગબડાવ્યે રાખતા લોકોએ એક વાત સમજવી પડશે કે વર્તમાન સંજોગો અસ્વીકાર્ય હોય તો પણ ગમે તેટલી મુશ્કેલી અને પીડા વેઠી સુખ સગવડોનો ભોગ આપીને પણ પરિસ્થિતિમાં પલ્ટો લાવવાનો દ્રઢ સંકલ્પ કરવો પડશે.
એવા કેટલાયે લોકો છે જે પોતાના નાનકડા ગામની સુખ સાહ્યબી છોડી મોટા શહેરમાં કીસ્મત અજમાવવા આવે છે. શહેરમાં ચાલીઓમાં રહે છે અને પોતાના સંજોગો સામે લડે છે. તેમના મનમાં એક દ્રઢ સંકલ્પ હોય છે કે જીવનમાં કંઇક કરી બતાવવું છે. આગળ વધવું છે. સફળતાની અને સિધ્ધિની એક પછી એક ઉંચાઈએ પહોંચવું છે. એ લોકો પરિવર્તન લાવવા માટે તત્પર હોય છે. કારણ તેઓ એમ વિચારે છે કે 'આમ પણ હું ભોંયતળીયા પર પડયો છું. આથી નીચે જવાની કોઈ જ શક્યતા નથી. મારે માટે એક જ દિશા ખુલ્લી છે. હું જે કંઇ કરીશ તેમાં મારી તો પ્રગતિ જ થવાની છે.'
તમે પણ જો તમારા વર્તમાન સંજોગોથી સંતુષ્ટ ન હોવ અને જીવનમાં બદલાવ લાવવા માંગતા હોવ તો સલામતીનો ખ્યાલ છોડી દો.સંજોગોના ગુલામ બહુ સમય રહ્યા આથી વધુ ગુમાવવાનું કંઇ જ નથી એમ સમજી પરિવર્તન માટે નવા વર્ષે તૈયાર રહો