Magazines

જીવનમાં, અસંતોષ અને ત્રાસ અનુભવતા લોકો માટે ખાસ!

By GS TEAM
2 Jun 20268 mins read
જીવનમાં, અસંતોષ અને ત્રાસ અનુભવતા લોકો માટે ખાસ!

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- સોશિયલ મીડિયા પરનાં આ અર્ધસત્યની તુલના સામાન્ય માણસ પોતાની વાસ્તવિક જિંદગી સાથે કરે છે ત્યારે તે હતાશ ચોક્કસ થાય છે

શ રવરી ઉદાસ છે, થાકેલી અને હારેલી દેખાય છે, પથારીમાં પડખા ઘસે છે પણ આંખમાં નીંદરનો એક છાંટોય નથી. તેને લાગે છે કે આ દુનિયામાં તે સાવ એકલી અટુલી છે. ૪૫ વર્ષ સુધીનો તેનો એકપણ દિવસ સારો નથી ગયો. જિંદગીએ તેને માત્ર તિરસ્કાર અને ટ્રોમા જ આપ્યા છે. તેને સતત એક પ્રશ્ન થાય છે કે ચારેય બાજુથી જ્યારે સંજોગો વિપરીતજ હોય તો પછી વ્યક્તિ ખુશ પણ કઈ રીતે રહી શકે? મનનો અસંતોષ અને ખાલીપો દૂર કરવા તે ફરી પાછી પોતાની નજર મોબાઈલનાં સ્ક્રીન પર સ્થિર કરે છે. 

ફોન જોતાવેંત તેને સમજાય છે કે એના ફ્રેન્ડ લિસ્ટમાં માત્ર ગુજરાત અને ભારતનાંજ નહિ પણ યુ.કે., યુ.એસ.એ.. ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ એમ દેશ વિદેશનાં હજારો મિત્રો છે અને આ બધા સાથે તે ઓનલાઈન જોડાયેલી છે. મનફાવે ત્યારે આંગળીનાં ટેરવેથી એક મેસેજ કરી કે પછી ફોન ડાયલ કરી તે મનગમતી વ્યક્તિ સાથે પેટ ભરીને વાતો કરી શકે છે. ઇન્સ્ટા પર તેના લાખો ફોલોવર્સ છે અને એફબી પર હજારો લોકો તેની પોસ્ટની રાહ જોતા બેઠા હોય છે. તેની એક પોસ્ટ મુકાય કે સેંકડો લોકો થમ્સઅપ કરી અને પોસ્ટને લાઈક કરે છે. આ બધું વિચારીને સરવરી બે ઘડી ખુશ થાય છે પરંતુ બાજુમાં ઘસઘસાટ ઘોરતા ચિન્મયને જોઇને તેની ખુશી ચાલી જાય છે. તે વિચારે ચડે છે કે આ માણસ આટલો નીરસ, શુષ્ક અને બોરિંગ કેમ છે?' 

તેને એ બધા પ્રસંગો યાદ આવે છે જ્યારે કાશ્મીરનાં ડાલ લેકમાં બોટ પર મુસાફરી કરતી વખતે આ માણસને તેની આંખોમાં આંખ નાખવાનું સુજ્યું નહતું. તેને યાદ આવે છે કે સ્વિટ્ઝર્લેન્ડનાં ભારે ઠંડી ભરેલા વાતાવરણમાં પણ આ માણસને મારો હાથમાં હાથ પકડીને દોડવાની ઈચ્છા થઇ નહતી. આવા તો સંખ્યાબંધ પ્રસંગો તેને યાદ આવે છે જેમાં તેની ઉર્મિઓને દફનાવી તેણે આ માણસને જીરવવાનો ટ્રોમા સતત સહેવો પડયો હતો. 

નફરત અને રોષ સાથે પથારીમાં શાંતિથી ઘોરતા પતિને જોઈ તે ઉભી થાય છે. રઘવાટમાં અડધી રાત્રે આમતેમ આંટા મારે છે અને બારીમાંથી બહાર જુએ છે એટલે એને યાદ આવે છે કે સિંગાપોરની મોંઘીદાટ ક્રૂઝમાં આ માણસ લઇ તો ગયો પરંતુ જ્યારે એક મનગમતું ડ્રીંક લેવાનો એણે પ્રસ્તાવ મુક્યો ત્યારે એ બરાડી ઉઠયો કે ક્રૂઝમાં બધુંજ મફત છે. ૬ જાતના કિચનમાં સેંકડો વાનગી છે, ૩૨ પ્રકારના આઈસ્ક્રીમ છે. જોઈએ તે અનલિમિટેડ ઠંડા પીણા છે એમાંથી કંઈપણ લઇ લે ખાલી ખોટો ખર્ચો શા માટે કરાવે છે?' આ વાક્ય યાદ આવતાંજ તે સમસમી જાય છે. એને યાદ આવે છે કે આ અઠવાડિયાની ક્રૂઝનો પ્રવાસ તેની એકમાત્ર ઈચ્છા પૂરી ન થતાં તેને કેદ જેવો લાગ્યો હતો. 

આવા તો ઘણાબધા કન્ટ્રીમાં ચિન્મય તેને લઇ ગયો હતો પણ આ બધાંજ અનુભવોમાં ટ્રોમાથી વિશેષ કશુંજ નહતું. પિતાનાં આ સ્વભાવની વાત તે બાળકોને પણ કરતી. પોતાના અભાવ અને અસંતોષ ભરેલા ટ્રોમેટિક પ્રસંગોને વર્ણવતી અને બાળકો પણ માતાની એ વાત સાથે સંમત થઇ ગયેલા કે આ માણસે (પિતાએ) તેમના જીવનમાં સુખનો એક સૂરજ ઉગવા દીધો નથી માત્ર ટ્રોમાજ આપ્યા છે. નિરાશાનાં વિચારો કરતાં કરતાં શરવરી ઇન્સ્ટા પર સાન્યાના ફ્લેશ થતા ફોટા જુએ છે. પતિ સુકેશ સાથે તે કેવા કપડા અને કેવો પોઝ આપી થાઈલેન્ડના ફુકેતમાં મ્હાલતી હતી. એને મનમાં થયું કે જેને માટે ગમે તેટલું કરો તો પણ હંમેશા મહેણાં ટોણા મારતી અને અભાવ અને અસંતોષ દર્શાવતી સાન્યાને તેનો પતિ ખુશ રાખવા માટે કેવા કેવા નુશ્ખાઓ કરી શકે છે. મેઈડ ફોર ઈચઅઘર લાગતાં આ યુગલને જોઇને તે વધારે નિરાશ થાય છે, લઘુતા અનુભવે છે અને પોતાના વીતેલા વર્ષો પર અફસોસ વ્યક્ત કર્યા કરે છે.

તેને યાદ આવે છે કે સાન્યા અને સુકેશનાં ઝઘડા છેક ડિવોર્સ સુધી પહોંચી ગયેલા. સંતાનોએ પણ સુકેશને સંભળાવી દીધેલું કે તેઓ મમ્મી પરનો આ ત્રાસ ચલાવી નહીં લે. સુકેશે બાળકોને સમજાવેલા કે  ઘરમાં રસોયો છે, બે નોકર છે. તારી મમ્મીને ફરવા માટે ૧ કરોડની ગાડી છે. મનફાવે તે ખરીદવાની છૂટ છે અને એ ઈચ્છા કરે ત્યાં હું એને લઇ જાઉં છું પછી એને ત્રાસ છે કઈ વાતનો?    

છોકરાઓને સુકેશ આમ તેમ સમજાવી ૫૦ વર્ષે સુકેશ પત્ની સાન્યાને દસમાં હનીમુન પર લઇ ગયેલો. એના ફોટાઓ મીડિયા પર જોઈ શરવરી પોતાની સરખામણી સાન્યાની ચમકદાર જિંદગી સાથે કરવા માંડે છે. આ બધા વિચારોથી શરવરીના મનમાં રોપાયેલું અશાંતિનું બીજ ધીરે ધીરે વટવૃક્ષ થવા માંડે છે.

રાત્રે ઊંઘ આવતી નથી. એટલે એફબી અને ઇન્સ્ટા પર લોકોની સ્ટોરીઝ અને ફીડ જોયા કરે છે. આ બધું જોતા શરવરીને લાગે છે કે લોકો કેટલું પરફેક્ટ જીવન જીવે છે. કોઈક ફોટામાં 'હેપ્પી ફેમેલી' નાં ફોટા પણ દેખાય છે. બ્રાન્ડેડ કપડા પહેરીને મોંઘાદાટ રેસ્ટોરન્ટમાં જમતું આ ફેમેલી કેટલું સુખી છે એવું વિચારી તે પોતાના નસીબ પર રોદણાં રડવા લાગે છે. તેને થાય છે કે 'માત્ર મારી સાથેજ આવું કેમ બન્યું?' સોશીયલ મીડિયાની પોસ્ટ જોતા જોતા શરવરી સૂઈ જાય છે અને સવારે તેની આંખ ખુલે છે ત્યારે ચિન્મય ગાર્ડનમાં કસરત કરતો હોય છે અને શરવરી ઉઠતાંવેંત હાથમાં મોબાઈલ લઇ સર્ફિંગ કરવા લાગે છે. તેની ગઈકાલની પોસ્ટને કેટલી લાઈક અને કોમેન્ટ્સ મળી એ ચકાસે છે ત્યારે તેને જણાય છે કે સાન્યાની ફુકેતની પોસ્ટના દસમાં ભાગની પણ લાઈક કે કોમેન્ટ એને મળી નથી. એટલે સવાર સવારમાંજ તે વધારે બેચેન બની જાય છે અને ગુસ્સામાં ગાર્ડનમાં કસરત કરતા ચિન્મય તરફ દોડી જાય છે અને કહે છે 'તમને મારી કંઈ પડી છે પણ ખરી? 

આખી રાત ઘોરીને અહીં સવારના પોરમાં ગાર્ડનમાં કસરત કરો છો તો મારી રાત કેવી ગઈ એવું પૂછવાનું તમારામાં સૌજન્ય છે ખરું? કેટલા લાગણીશૂન્ય અને સ્વાર્થી માણસ છો તમે. તમને માત્ર તમારા વિકાસ, તમારા ધંધા અને તમારીજ વાતોમાં રસ છે. શું હું કોઈ આ ઘરની નોકરાણી છું કે પછીતમારી જરૂરિયાતો પૂરી કરવા માટેની કોઈ હાઉસકીપર છું?'

પત્નીની વાત સાંભળી અને ચિન્મય તેની પાસે જાય છે. તેને બેડરૂમમાં લઇ જઈ ખોળામાં સુવડાવે છે અને પછી કહે છે 'ડાર્લિંગ તને થયું છે શું? તું રાત્રે મોડેથી સુવે છે. સવારે વહેલી ઉઠી જાય છે. આખો દિવસ તું થાકેલી અને હતાશ દેખાય છે. તારું કોઈ કામકાજમાં મન  નથી લાગતું  શું છે આ બધું? હજી ગયા મહિનેજ તો આપણે યુ.એસ.એ. ની બમ્પર ટ્રીપ કરી આવ્યા તો પણ તું ખુશ કેમ નથી દેખાતી?' શરવરીએ જવાબ આપ્યો 'મને ખુશ રાખવા તમારે શું કરવું જોઈએ એની તમને ખબર પડે છે ખરી? વિદેશોની ટ્રીપ પર જવાથી આજની મોડર્ન પત્નીને ખુશ રાખી શકાતી નથી અને આમ પણ તમે મને એટલોબધો ત્રાસ આપો છો કે મારા જીવનમાં ખુશીનો સૂરજ ઉગ્યો નથી.'

પત્નીની વાત સાંભળી ચિન્મય વિચારવા લાગે છે કે આ શરવરીને ખુશ રાખવા માટે મારે કરવું શું? તે મેરાઈટલ કાઉન્સિલર પાસે જઈને બધી વાત કરે છે. મેરાઈટલ કાઉન્સિલર શરવરીની પણ બધી વાત સાંભળે છે અને શરવરીને કહે છે કે તમે એક મહિના માટે મોબાઈલ ફોન વાપરવાનું બંધ કરો. તમે અત્યારે ડીપ્રેશનમાં છો અને તમારા ડીપ્રેશનનું કારણ સ્ક્રીન છે. તમારે યોગ્ય મનોચિકિત્સકની દવાની જરૂર છે.

સરવરી આ સલાહ સાંભળી ભડકી જાય છે પરંતુ યેનકેન પ્રકારે પત્નીને ખુશ રાખવા માંગતો ચિન્મય તેને મનોચિકિત્સક પાસે ઘસડી જાય છે. 

આજના આ મોર્ડન યુગમાં શરવરી જેવી માનસિકતા ધરાવતા લાખો કરોડો સ્ત્રી-પુરુષો અને યુવક-યુવતીઓ છે. કારણ આ લોકો સવારે આંખ ખુલતાવેંત પ્રાર્થના કરવા નથી બેસતા પણ સીધો મોબાઈલ ફોન હાથમાં લે છે. ટેકનોલોજીના કારણે આજે પ્રત્યેક માણસ આખી દુનિયા સાથે જોડાયેલો છે. આટલા બધા લોકો સાથે ઓનલાઈન જોડાયેલ હોવા છતાં માણસ અંદરથી પહેલા કરતા વધારે એકલો છે, થાકેલો છે અને અશાંતિ તથા અસંતોષનો અનુભવ કરે છે. જોકે આ બધી અનુભૂતિઓ પાછળ સામાજિક, આર્થિક અને વ્યક્તિગત કારણો હોય શકે પરંતુ મોટામાં મોટું કારણ સ્ક્રીનમાં છુપાયેલ સોશિયલ મીડિયાની ્રવર્ચ્યુઅલ લાઈફ છે. આ જિંદગી ઘણી આકર્ષક લાગે છે. તે દરેક વ્યક્તિને પોતાના તરફ ખેંચે છે પરંતુ તેની પાછળ દોટ લગાવ્યા પછી અંતે તો હાથમાં એકલતા, ખાલીપો, થાક, નિરાશા અને અસંતોષ જ રહે છે.

એકવાત બધા સમજી લે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનાં માધ્યમ પર લોકો પોતાની જિંદગીનું માત્ર સુંદર, સફળ અને ખુશ દેખાતું પાસુજ બીજા સામે મુકે છે. આ ફોટાઓ, ફીડ કે વિડીઓ કોઈની સંપૂર્ણ જિંદગી બતાવતા નથી. અહીંયાં ચિંતા, દુ:ખ, નિરાશા, થાક અને જીવનનાં સંઘર્ષોને છુપાવી દેવામાં આવે છે. સંબંધોની કડવાશ છુપાવીને હેપ્પી ફેમેલીનાં ફોટાઓ મુકાય છે. ચહેરાની કરચલીઓ કે આંખ નીચેના કાળા કુંડાળા એ શરીરની ખામીઓને ફિલ્ટર પાછળ છુપાવી દેવામાં આવે છે. સોશિયલ મીડિયા પરનાં આ અર્ધસત્યની તુલના સામાન્ય માણસ પોતાની વાસ્તવિક જિંદગી સાથે કરે છે ત્યારે તે હતાશ ચોક્કસ થાય છે. 

શરવરીની સંપૂર્ણ વિગતો જાણ્યા પછી એવું જણાયું કે તે 'ડિસ્ટોર્ટેડ પર્સેપ્શન' નો શિકાર છે. તેના જીવનમાં બનેલી બધીજ ઘટનાઓમાં માત્ર નકારાત્મકતાજ દેખાય છે. તેનો પતિ પોતાનાથી બનતું બધુજ કરતો હોવા  છતાં શરવરીને તો આખી જિંદગીજ ત્રાસદાયક લાગે છે. શરવરીને સમજાવાયું કે તમે તમારું સાચું સ્વરૂપ જ ભૂલી ગયા છો. તમારી સહજતા અને વાસ્તવિક ઓળખને પાછળ મૂકી તમે ફક્ત સ્ક્રીન પરની લાઈફ જીવી રહ્યા છો. તમે જ્યારે કુદરતની વચ્ચે ફરવા જાવ છો ત્યારે કુદરતની શાંતિને માણવા કરતાં સેલ્ફી અને ફોટા લેવામાં તમારો સમય વેડફો છો. આ આભાસી જીવન તમને ક્યારેય સુખ, શાંતિ અને સંતોષ આપી શકશે નહીં.

સોશિયલ મીડિયા અને સ્ક્રીન લવર્સને મારે ખાસ કહેવું છે કે જીવનમાં ખુશ રહેવું હોય તો સવારના પહોરમાં ફોન જોવાને બદલે ખુલ્લું આકાશ અને વૃક્ષો જૂવો અને ખુલ્લી હવામાં ઊંડા શ્વાસો લો. રાત્રે સૂતા પહેલા મોબાઈલમાં ખોવાઈ જવાને બદલે પરિવાર સાથે બેસો, વાતચીત કરો અને જીવનની સારી વિતાવેલી ક્ષણને યાદ કરો. રોજ રાત્રે કૃતજ્ઞાતા પ્રદર્શિત કરવાનો સમય ફાળવો. તમને કેટલા પ્રેમાળ માં-બાપ, પતિ-પત્ની મળ્યા છે તે બદલ કુદરતનો આભાર માનો. તમને જે કઈ મળ્યું છે તે ઉત્તમ છે અને શ્રેષ્ઠ છે એવું સમજી વર્તમાનમાં આનંદથી જીવવાની આદત પાડો. જીવનના નાના મોટા પ્રસંગોને ટ્રોમા કે ત્રાસમાં ખપાવી સંબંધોમાં કડવાશ ન લાવો.

ન્યુરોગ્રાફ :

તમારી ખુશીનો માપદંડ બીજા કોઈની પ્રોફાઈલથી નહીં પણ તમારા મનના સંતોષથી નક્કી કરશો તો મન ધીરે ધીરે શાંત થવા માંડશે અને મહોરી ઉઠશે.