અશ્વિની ચાર મહિના માટે સાધના કરવા આશ્રમમાં ગઇ છે એવો મેસેજ આવ્યો અને...
ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિક
રાજુએ નિર્ણય જાહેર કર્યો. 'જો તારે આવું જ વર્તન રાખવું હોય તો એક છત નીચે સાથે જીવવાનું શક્ય નથી. તું તારી મરજી મુજબ જીવજે. દીકરીને લઈને હું ગામડે જતો રહીશ. ભૂલ સમજાય અને પસ્તાવો થાય ત્યારે આવજે. મારું બારણું તારા માટે કાયમ ખુલ્લું જ હશે.'
કોલ્હાપુરની પાસે નાનકડા ગામમાં રહેતા જયકુમાર બિદ્રે અને એમની પત્ની સુમિત્રાને સંતાનમાં બે દીકરીઓ અને એ પછી એક દીકરો. મોટી દીકરીને પરણાવીને સાસરે વિદાય કરી એ પછી સુમિત્રાની માનસિક હાલત કથળી ગઈ. મૂઢની જેમ બેસી રહે અને ગાંડપણનો એટેક આવે ત્યારે આખું ઘર માથે લે. નાની દીકરી અશ્વિની અત્યંત સુંદર અને હોંશિયાર હતી. એ ગ્રેજ્યુએટ થઈ એટલે પિતા એના માટે મુરતિયાની તપાસ કરતા હતા, ત્યારે અશ્વિની નોકરી માટે પરીક્ષાઓ આપતી હતી.
અશ્વિનીએ મહારાષ્ટ્ર પબ્લિક સવસ કમિશન દ્વારા લેવાયેલી પરીક્ષામાં સફળતા મેળવી અને પૂનામાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે નિમણૂંક મળી.
એ પછી કોલ્હાપુરમાં રહેતા રાજુ ગોરે સાથે અશ્વિની બિદ્રેના લગ્ન થયા. પોલીસ ખાતામાં નોકરી કરતી પત્નીને સહાયરૂપ થવા માટે રાજુએ એની સાથે પૂના રહેવાનું સ્વીકાર્યું.
ઈ.સ.૨૦૦૯ માં એમને ત્યાં દીકરીનો જન્મ થયો. ઈ.સ.૨૦૧૨ માં જ્યારે દીકરી ત્રણ વર્ષની થઈ ત્યારે અશ્વિનીની સાંગલીમાં લોકલ ક્રાઈમ બ્યુરોમાં ટ્રાન્સફર થઈ.
એ પછી એના જીવનમાં પરિવર્તન આવ્યું. ક્રાઈમ બ્રાન્ચમાં ઈન્સ્પેક્ટર તરીકે અભય કુરૂન્દકરની ધાક હતી. કોલ્હાપુરના ખમતીધર પરિવારના આ નબીરાને રાજકારણીઓ સાથે એવા સંબંધો હતા કે એણે કાયમ મલાઈદાર પોસ્ટિંગ જ મેળવેલું. સ્નાયુબધ્ધ ફિલ્મી હીરો જેવો દેખાવ અને રંગીન સ્વભાવ, જલસાથી જીવવાની આદત અને દાદાગીરીથી ઊભી કરેલી ધાક. સાથે કામ કરનારી કોઈ પણ યુવતીને આકર્ષી શકે એટલી ચાલાકી પણ અભય પાસે હતી. સતત સહવાસમાં રહેતી અશ્વિનીને એણે લપેટમાં લીધી. બંનેનો સંબંધ માત્ર ઑફિસ પૂરતો જ ના રહ્યો.પોલીસ બેડામાં એમના સંબંધોની ચર્ચા થવા લાગી અને એ વાતના પડઘા અશ્વિનીના પતિ રાજુના કાન સુધી પણ પહોંચ્યા.
નખશિખ સજ્જન રાજુએ ઊડતી વાત સાંભળી ત્યારે એ ચમક્યો, પરંતુ અશ્વિની ઉપરના વિશ્વાસને લીધે એને લાગ્યું કે સહેજ મીઠાશથી બોલવાનો સંબંધ હોય તો પણ ઈર્ષાળુ સહકર્મચારીઓને આવી અફવા ફેલાવવામાં મજા પડતી હોય છે.
એ છતાં, શંકાનો કીડો સળવળતો હતો. એણે ચૂપચાપ પત્નીના વર્તનનું નિરીક્ષણ શરૂ કરી દીધું. બહારના મિત્રોની મદદથી એણે અભય કુરૂન્દકર વિશેની માહિતી મેળવી. થોડા સમય પછી એને ખાતરી થઈ ગઈ કે આ બધી વાતો માત્ર ધુમાડાની નથી, હકીકતમાં આગ પણ લાગી ચૂકી છે. એ અગ્નિની જ્વાળાઓ પોતાના સંસારને ભસ્મીભૂત કરી નાખે એ અગાઉ કોઈ ઉપાય શોધવો પડશે.
મન મક્કમ કરીને એણે એક દિવસ અશ્વિનીને પોતાની સામે બેસાડીને પૂછયું. 'આ બધું છે શું? લોકોની વાત સાચી છે?'
પતિની સામે આંખ મિલાવવાની હિંમત નહોતી એટલે કશોય જવાબ આપ્યા વગર અશ્વિનીએ માત્ર માથું ઝૂકાવી દીધું.
'પ્લીઝ, લિસન..' લાચાર પતિના અવાજમાં પીડા હતી. 'આપણે માણસ છીએ, ભગવાન નથી. ભૂલ થાય એમાં કોઈ પાપ નથી. આપણી દીકરીના ભવિષ્ય માટે તારી ભૂલને માફ કરીશ. આ રસ્તેથી પાછી વળી જા.'
પથ્થરની મૂતની જેમ અશ્વિની નીચું જોઈને જ બેઠી હતી.
'તારાથી પંદર વર્ષ મોટો એ માણસ પરણેલો છે. એની પત્ની અને દીકરો-દીકરી કોલ્હાપુરમાં રહે છે, તને આ વાતની ખબર છે?' પતિએ પૂછયું.પત્ની ચૂપચાપ સાંભળતી હતી.
'એ માણસે પોતાની હવસ સંતોષવા તને ફસાવી છે. પોલિટિશ્યનોના પીઠબળથી પૈસા બનાવે છે. જિલ્લાના પોલીસવડાએ ખાનગીમાં રાજ્યના પોલીસવડાને કાગળ લખ્યો છે કે આ કરપ્ટ ઈન્સ્પેક્ટર ડિપાર્ટમેન્ટની ખાનગી માહિતી વેચે છે. એ ખબર છે?'
સૌંદર્યથી છલકાતી પત્ની મોં ખોલતી નહોતી. આકરા મનોમંથનમાં અટવાયા પછી રાજુએ નિર્ણય જાહેર કર્યો. 'જો તારે આવું જ વર્તન રાખવું હોય તો એક છત નીચે સાથે જીવવાનું શક્ય નથી. તું તારી મરજી મુજબ જીવજે. દીકરીને લઈને હું ગામડે જતો રહીશ. ભૂલ સમજાય અને પસ્તાવો થાય ત્યારે આવજે. મારું બારણું તારા માટે કાયમ ખુલ્લું જ હશે.'
અશ્વિની મૂંગી જ રહી એટલે દીકરીને લઈને રાજુએ વતનમાં જવા તૈયારી કરી. એ બંને ઘરમાંથી નીકળે એ અગાઉ અશ્વિનીએ મોં ખોલ્યું. 'તમારા માટે આદર છે, લાગણી છે પણ અભય સાથે સંબંધ એવો છે કે પાછા વળવાનું શક્ય નથી.સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લગ્ન કરવાનું એણે વચન આપ્યું છે.'
'સમજાવવાનો કોઈ અર્થ નથી, છતાં, સાંભળ. એ લંપટને માત્ર તારા શરીરમાં રસ છે. લખી રાખ.ક્યારેય એ લગ્ન નહીં કરે.પસ્તાય ત્યારે પાછી આવજે.'
બાપ-દીકરી ગયા એ પછી અશ્વિની અને અભયના સંબંધો વધુ ઘનિષ્ટ બન્યા.
- આટલી પૂર્વ ભૂમિકા અને પાત્ર પરિચય પછી અગિયારમી એપ્રિલ,૨૦૧૬ ની ઘટના પર આવીએ.
વહેતા સમય સાથે એમની દીકરી નવ વર્ષની થઈ ચૂકી હતી. બેલાપુરમાં કોંકણ ભવનમાં આવેલ સ્ટેટ સી.આઈ.ડી.માં અશ્વિનીનું પોસ્ટિંગ હતું. નવી મુંબઈમાં રોડપાલી વિસ્તારમાં એ ભાડે રહેતી હતી.
અભય કુરૂન્દકર સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે થાણે રૂરલ સંભાળતો હતો અને ભાયંદરમાં મુકુંદનિવાસમાં એનો ફ્લેટ હતો. પતિ- પત્નીની જેમ જ એ બંને શનિ-રવિમાં સાથે રહેતા હતા. દરેક મુલાકાત વખતે અશ્વિની કરગરતી હતી એ છતાં અભયે એની સાથે લગ્ન નહોતા કર્યા.
તારીખ ૧૧-૪-૨૦૧૬. સાંજે અશ્વિની પોતાના ફ્લેટમાંથી બહાર નીકળી અને વાચમેનને કહ્યું કે હું ચારેક દિવસ નથી,એટલે દૂધવાળાને ના પાડજે.
એ પછી ચૌદમી તારીખે એના બનેવીને અને કલ્યાણ પોલીસ સ્ટેશનના ડી.સી.પી. પ્રમોદ શેવાલેને અશ્વિનીના મોબાઈલ પરથી વોટસેપ મેસેજ મળ્યો કે 'હું ઉત્તર પ્રદેશના એક આશ્રમમાં ત્રણ-ચાર મહિના માટે વિપશ્યનાની સાધના માટે જાઉં છું.'
બે મહિના પછી કલ્યાણ પોલીસ સ્ટેશનમાંથી અશ્વિની બિદ્રેના પિતા જયકુમાર ઉપર ફોન આવ્યો કે અશ્વિની બિદ્રે નોકરીમાં આવતી નથી એટલે એ જ્યાં હોય ત્યાંથી અમારી સાથે વાત કરાવો. એના બીજા દિવસે અશ્વિનીના મકાન માલિકનો ફોન આવ્યો કે બે મહિનાનું ભાડું ચડી ગયું છે અને મેડમનો કોઈ કોન્ટેક્ટ થતો નથી.
ગાંડી પત્નીને એકલી મૂકીને જયકુમાર નીકળી ના શકે. એમણે મોટી દીકરી અને જમાઈને ફોન કર્યો. જમાઈએ કહ્યું કે અશ્વિનીનો મેસેજ આવેલો. એ ચારેક મહિના માટે વિપશ્યનાની સાધના કરવા ગઈ છે એટલે ચિંતા ના કરતા. દીકરા આનંદને ચેન્નાઈની એક કંપનીમાં નોકરી મળેલી એટલે એ ચેન્નાઈ રહેતો હતો. એને ફોન કરીને બાપે ચિંતા વ્યક્ત કરી. આનંદે પણ બનેવી સાથે વાત કરીને પિતાને સમજાવ્યું કે ગભરાતા નહીં. એ સાધના કરવા ગઈ છે ત્યાં મોબાઈલની છૂટ નથી.લાચાર બાપને એણે આશ્વાસન આપ્યું કે રજાનો મેળ પડશે ત્યારે હું આવી જઈશ.
આનંદ છેક જાન્યુઆરી,૨૦૧૭માં મુંબઈ આવ્યો. બહેનના ફ્લેટમાં એણે ઝીણવટથી તપાસ કરી,વાચમેનને પૂછયું અને માહિતી મેળવી કે ઈન્સ્પેક્ટર અભય કુરૂન્દકર અહીં અનેક વાર આવતો હતો. એકત્રીસમી જાન્યુઆરીએ નવી મુંબઈ પોલીસ સ્ટેશનમાં એણે ફરિયાદ નોંધાવી કે અશ્વિની બિદ્રે ગૂમ થઈ છે. એણે પોતાના બનેવી રાજુ ગોરને પણ ઘટનાની જાણકારી આપી.રાજુ ગોરે તો તરત જ કહી દીધું કે ઈન્સ્પેક્ટર અભયે જ એને ગૂમ કરી છે.
આનંદ અને રાજુ બંનેએ મળીને અશ્વિની બિદ્રેની તપાસ વધુ સઘન રીતે કરવામાં આવે એ માટેના પ્રયત્નો શરૂ કર્યા પરંતુ પોલીસનો પૂરતો સહકાર મળતો નહોતો. બાપ તરીકે જયકુમારનું હૈયું કકળતું હતું. એણે તત્કાલિન મુખ્યમંત્રી ફડનવીસને આત્મ વિલોપનની ધમકી આપી. અંતે, સી.એમ.આફિસમાંથી સૂચના મળ્યા પછી પોલીસે ઝડપ વધારી.
ઈન્વેસ્ટિગેશનની જવાબદારી એ.સી.પી. સંગીતા શિંદે-અલ્ફાન્સોને સોંપવામાં આવી. સંગીતા બાહોશ હતી અને સાયબર ટેકનોલોજીમાં એની માસ્ટરી હતી. અશ્વિનીના ફ્લેટમાં આવીને એ અશ્વિનીના લેપટોપ અને કોલ ડિટેઈલ્સ ઉપર મચી પડી.ગુગલ ડ્રાઈવમાં મહેનત કરીને એણે ખજાનો શોધી કાઢયો.
અગાઉ આનંદ અને રાજુએ એની પાસે શંકા રજૂ કરેલી કે ઈન્સ્પેક્ટર અભય કુરૂન્દકરે જ એને ગૂમ કરી છે. પોતે જે માહિતી મેળવી એના આધારે એણે પુરાવા શોધી કાઢયા. અશ્વિની અને અભયના અસંખ્ય અંતરંગ ફોટાઓ અને લાંબી લાંબી વાતો તો ઠીક પણ અભય અશ્વિનીને ધમકાવતો હોય અને ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપતો હોય એનું રેકોડગ પણ એણે શોધી કાઢયું.
એ ઉપરાંત, સૌથી મહત્વનો પુરાવો એ મળ્યો કે ૧૧-૪-૨૦૧૬-જે દિવસે અશ્વિની ગૂમ થઈ એ દિવસે સાંજે અભયનું અને એનું મોબાઈલ લોકેશન એક જ હતું. મીરા-ભાયંદર રોડ પરની હોટલ વેસ્ટર્નમાં બંને એક સાથે હતા.
અંતે,૨૦૧૭ની સાતમી ડિસેમ્બરે ઈન્સ્પેક્ટર અભય કુરૂન્દકરની ધરપકડ કરવામાં આવી.મોબાઈલના કોલ રેકર્ડ પરથી એ પણ જાણવા મળ્યું કે અભયનો એક અંગત મિત્ર પણ એ સમયે એમની સાથે હતો. એ નામ જાહેર થયું એટલે પોલીસ પણ ભડકી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાણાંપ્રધાન અને ભાજપના કદાવર નેતા એકનાથ ખડસેનો સગો ભાણિયો ધ્યાનેશ્વર ઉર્ફે રાજેશ પાટિલ પણ અભયની સાથે હતો. એ રાજેશ ભૂસાવળ તાલુકા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ હતો.હોટલો અને કન્સ્ટ્રક્શનનો એનો મોટો કારોબાર હતો. આ ઉપરાંત અભયનો ડ્રાઈવર કુંદન ભંડારી પણ ત્યાં હતો.
તારીખ બાર અને તેરની કોલ ડિટેઈલ્સ પરથી અન્ય એક સાગરીતનું નામ પણ જાણવા મળ્યું. અભયનો બાળગોઠિયો મહેશ ફલણીકર પણ એ દિવસોમાં અભયની સાથે જ હતો. ૨૭મી ફેબ્રુઆરી,૨૦૧૭ના દિવસે એ ત્રણેયની પણ ધરપકડ કરવામાં આવી. રાજેશ પાટિલે બચાવમાં કહ્યું કે અભય વારંવાર ફોન કરીને મને બોલાવતો હતો પરંતુ એ સમયે હું અંધેરીમાં મિત્રો સાથે દારૂ પીતો હતો એટલે હું ત્યાં નહોતો ગયો. પરંતુ સંગીતા અલ્ફાન્સોએ શોધેલા પુરાવા સજ્જડ હતા એટલે એની આ વાર્તા પોલીસે ના સ્વીકારી.
એ સમયે આનંદે ફરિયાદ કરી કે નવી મુંબઈ પોલીસ કમિશનર નગરાળે સાવ ઢીલી તપાસ કરીને ગુનેગારોને છાવરે છે. બિદ્રે અને ગોરે પરિવારે સરકાર પાસે ત્રણ માગણી કરી. પહેલી એ કે આ લોકો વગદાર છે અને પુરાવાનો નાશ કરશે અને અમને હેરાન કરશે એટલે એમને જામીન ના મળવા જોઈએ. બીજું કે જ્યાં સુધી કેસનો નિકાલ ના આવે ત્યાં સુધી એસીપી સંગીતા અલ્ફાન્સો જ આખા કેસનું સુપરવિઝન સંભાળે. પરિવારની ત્રીજી માગણી એ હતી કે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ઉજ્જ્વલ નિકમની(કસાબ વિરૂધ્ધ કેસ લડેલા એ) નિમણૂંક કરવામાં આવે.
અખબારો અને ટીવી ચેનલોએ આ ઘટનાને સારું કવરેજ આપ્યું અને એમાં એકનાથ ખડસેનો ભાણિયો પણ સંડોવાયેલો હતો એટલે આ ઘટના મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ચમકી. એન.સી.પી.ના ધારાસભ્ય હેમંત ટકલેએ ઉગ્રતાથી કહ્યું કે અભય કુરૂન્દકરને માત્ર સસ્પેન્ડ જ કેમ કર્યો છે ? એને બરતરફ કેમ નથી કર્યો? ટકલેએ સિસ્ટમ ઉપર પ્રહાર કરીને પૂછયું કે આવા માણસને રાષ્ટ્રપતિના હાથે ગેલેન્ટ્રી એવાર્ડ કઈ રીતે મળે છે? જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી રણજિત પાટિલે ખુલાસો કર્યો કે અભયને આ એવાર્ડ જાન્યુઆરીમાં મળેલો જ્યારે એની ધરપકડ છેક ડિસેમ્બરમાં થઈ છે, એ છતાં, અમે એ પાછો લેવા માટે કેન્દ્ર સરકારને લખ્યું છે.
સિનિયર ઈન્સ્પેક્ટર અભય કુરૂન્દકર અને ભાજપના મોટા નેતા એકનાથ ખડસેનો સગો ભાણિયો રાજેશ પાટિલ- એમની પૂછપરછમાં પોલીસ આકરી કઈ રીતે બને? લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાજી.. જેવો ઘાટ હતો.
અભયનો બાળગોઠિયો મહેશ ફલણીકર પૂનામાં બન્ક કર્મચારી હતો. પોલીસે એના પર પૂરી તાકાત વાપરી. ઉલટતપાસમાં મહેશ ફલણીકરે જે વટાણા વેર્યાં એ સાંભળીને પોલીસવાળા હબકી ગયા.
મહેશે કબૂલાતમાં કહ્યું કે લગ્ન કરવા માટે અશ્વિનીના દબાણથી કંટાળીને અભયે કાયમી છૂટકારો મેળવવાનું નક્કી કરેલું. અગિયારમી એપ્રિલે રાત્રે જ પોતાના ભાયંદરના ફ્લેટ પર અભયે અશ્વિનીને ગળું દબાવીને મારી નાખેલી. એ પછી ઈલેક્ટ્રિક કટરથી અશ્વિનીની લાશના ટૂકડા કરેલા.માથું અને બીજા અંગો ફ્રીઝમાં રાખેલા. ફ્રીઝમાં ધડ સમાયું નહીં એટલે ધડને પતરાની એક ટ્રંકમાં સંતાડેલું.
હત્યા કર્યા પછી એણે મને તાત્કાલિક બોલાવેલો.હું આવ્યો ત્યારે રાજેશ પાટિલ અને અભય મારી રાહ જોઈને જ બેઠેલા.ફ્રીઝમાંથી માથું અને બીજા અંગો કાઢીને ધડ સાથે જ ટ્રંકમાં ખોસી દીધા.ડ્રાઈવર ભંડારીએ કાર સ્ટાર્ટ કરી. ટ્રંક ડેકીમાં મૂકીને અમે ત્રણેય વસઈની ખાડી પાસે ગયા. ટ્રંકને વસઈની ખાડીમાં પધરાવીને ભંડારી અને રાજેશ પાટિલ પાછા ગયા. એ ટ્રંક બહાર દેખાતી તો નથીને એની ખાતરી કરવા માટે હું અને અભય રાત્રે સાડા ત્રણ સુધી ત્યાં જ ઊભા રહ્યા હતા!
કમકમાટી ઉપજાવે એવી આ કબૂલાતે વિસ્ફોટ જેવું કામ કર્યું. અભયના ફ્રીઝ અને કારનો પોલીસે કબજો લીધો.વસઈની ખાડીમાં સ્થાનિક માછીમારો ઉપરાંત લશ્કરની મરિન વિંગ પાસેના આધુનિક સાધનો દ્વારા ટ્રંકની તપાસ શરૂ કરવામાં આવી.
ઉજ્જ્વલ નિકમે ના પાડી એ પછી સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પ્રદીપ ઘરાટેની નિમણૂંક કરી.મે ૨૦૧૯માં પનવેલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં નવી મુંબઈ પોલીસે નવસો પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું. પોલીસના વ્યવહાર સામે પ્રદીપ ઘરાટે પણ આક્રોશ ઠાલવીને કહ્યું કે આ કેસમાં પોલીસ કોઈ રસ નથી લેતી. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં આઈ.પી.સી.૩૦૨ હત્યા,૨૦૧ ગુનાના પુરાવાનો નાશ અને ૩૬૪ ખૂન માટે અપહરણ આ ત્રણ જ કલમ લગાવેલી હતી.
પ્રદીપ ઘરાટે દલીલો સાથે રજૂઆત કરીને એ ચાર્જશીટમાં વધારાની કલમો ઉમેરાવી.ખૂન કર્યા પછી અશ્વિનીના મોબાઈલથી અભયે અશ્વિનીના બનેવીને અને કલ્યાણ પોલીસને વોટસેપ મેસેજ મોકલ્યા હતા કે જેથી કોઈ તાત્કાલિક અશ્વિની બિદ્રેની તપાસ ના કરે. વળી, અશ્વિની પરણેલી હતી એટલે વ્યભિચાર ઉપરાંત ગુનાઈત કાવતરું,ફોર્જરી વગેરે કલમો પણ લગાડવામાં આવી.
અશ્વિનીની દીકરીને કોર્ટમાં બોલાવવામાં આવી અને એના લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું કે જેથી એના ડી.એન.એ. અને અભયના ફ્લેટમાંથી મળેલા લોહીની સાથે સરખામણી કરી શકાય.
અશ્વિની બિદ્રેની લાશના ટૂકડા હજુ સુધી મળ્યા નથી. દીકરીને યાદ કરીને વૃધ્ધ બાપ ક્યારેક રડી પડે છે. પાગલ માતાને કંઈ ખબર જ નથી. ભાઈ આનંદ બિદ્રે અને પતિ રાજુ ગોરે સંતાપમાં દિવસો વીતાવે છે. જામીન મંજૂર નથી થયા એટલે અંતિમ ચુકાદાની રાહ જોઈને ચારેય આરોપીઓ જેલમાં બંધ છે.