ઉકેલાયા છતાં વણઉકલ્યું રહસ્ય
ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિાક
''આ સોનિયા નથી, સાહેબ! તમારી ભૂલ થાય છે.ભગવાનના સમ! આ સોનિયા નથી. '' શરીરમાં હતી એટલી શક્તિ ભેગી કરીને રણજીતે બૂમ પાડી
''સાહેબ, મારી ઘરવાળી સોનિયા ગઈ કાલથી ગૂમ થઈ ગઈ છે.'' તારીખ ૨૫ મી મે,૨૦૧૯ની સવારે બિહારના સોપૌલ જિલ્લાના રાધોપુર પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર વાસુદેવ રાય બેઠા હતા ત્યારે રણજીત યાદવે એમની સામે હાથ જોડીને કહ્યું. '' મોબાઈલ પણ બંધ આવે છે એટલે ચિંતા થાય છે. આ એનો ફોટો.'' રણજીતે ચોવીસ વર્ષની રૂપાળી પત્નીનો ફોટો સાહેબની સામે ધર્યો.
''ઘરમાં ઝઘડો થયેલો કે કોઈની સાથે ભાગી ગઈ છે?''
''સોનિયા કોઈની સાથે ભાગે એવી નથી.ઝઘડામાં મારો હાથ ઉપડી ગયો. એમાં એ રિસાઈને જતી રહી. ફરિયાદ નોંધીને તપાસ કરાવો, સાહેબ! ''
''તારું ગામ? '' ઈન્સ્પેક્ટરે પૂછયું.
''બૈરદાહા.''
''એક કામ કર. '' ઈન્સ્પેક્ટરે ઠંડકથી કહ્યું. ''સરકારી કાગળ બગાડવાનો કોઈ અર્થ નથી.આરામથી ઘેર જા. તારી ઘરવાળી કોઈ સગાને ઘેર કે પિયર ગઈ હશે.ત્રણ-ચાર દિવસમાં ના આવે તો પાછો આવજે. ત્યારે ફરિયાદ નોંધશું.''
રણજીત કરગર્યો પણ પોલીસે ફરિયાદ ના નોંધી.
૨૬ મે,૨૦૧૯. તેલવા ગામમાં કોસી નદી પાસે એક યુવતીની લાશ મળી એટલે આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું. સરપંચે રાધોપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી એટલે આખી ટીમ ત્યાં દોડી આવી.લાશનો ચહેરો બહુ ખરાબ રીતે છૂંદી નાખવામાં આવેલો.ગામમાંથી કોઈ એ યુવતીને ઓળખતું નહોતું એટલે કાયદેસરની બધી વિધિ પતાવીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. કોઈ વાલીવારસની જાણ નહોતી એટલે સ્થાનિક અખબારોને જાણ કરીને લાશને હોસ્પિટલના કોલ્ડરૂમમાં ત્રણ દિવસ માટે મૂકી રાખવાની સૂચના આપી.
છાપામાં સમાચાર વાંચીને બીજા દિવસે કોરિયાપટ્ટી ગામથી જનાર્દન પાસવાન અને એની પત્ની કલિયાદેવી રાધોપુર દોડી આવ્યા.ઈન્સ્પેક્ટરને મળ્યા. લાશ જોઈને એ બંને ભાંગી પડયા. ''આ અમારી દીકરી સોનિયા છે,સાહેબ! જમાઈએ જ એને મારી નાખી છે.પોતે પકડાય નહીં એ માટે એ રાક્ષસે મારી ફૂલ જેવી દીકરીનું મોઢું છૂંદી નાખ્યું છે. '' જનાર્દને આક્રોશથી કહ્યું.
''ગયા મહિને પિયર આવી ત્યારે મેં જ એને આ ચંપલ અપાવેલા. '' ચોધાર આંસુએ રડતી માતાએ ચંપલ ઓળખીને કહ્યું. ''રાક્ષસ જેવા એ રણજીતને ફાંસીએ ચડાવો,તો જ મારી દીકરીનો જીવ ગતે જશે, સાહેબ! ''
''બે વર્ષથી પરણીને સાસરે ગઈ છે પણ સુખનો છાંટોય મારી દીકરીએ નથી જોયો. સાસુ અને સસરા પણ દહેજ માગીને મારઝૂડ કરતા હતા. ત્રણેયે ભેગા થઈને મારી દીકરીને મારી નાખી. '' જનાર્દને ઈન્સ્પેક્ટરના પગ પકડયા. ''એમને આકરામાં આકરી સજા કરો,સાહેબ!''
જરૂરી કાર્યવાહી પછી એ લાશનો કબજો એના મા-બાપને આપવામાં આવ્યો. એમના ગામ જઈને એ લોકોએ લાશના વિધિસર અંતિમ સંસ્કાર કર્યા. ૩૦ મી મે, ૨૦૧૯ ના દિવસે પોલીસે બૈરદાહા પહોંચીને રણજીત,એના પિતા વિષ્ણુ યાદવ અને માતા ગીતાદેવીની ધરપકડ કરી.
''અલ્યા,બૈરીને મારી નાખીને તું તો પાછો ફરિયાદ નોંધાવવા આવેલો.આવી ચાલાકી કોણે શીખડાવી તને? '' રણજીતના ગાલ પર જોરદોર તમાચો મારીને ઈન્સ્પેક્ટરે પૂછયું. રણજીત લથડીને પડયો.
''હું એને શા માટે મારું? '' માંડ માંડ ઊભા થઈને રણજીતે કહ્યું. ''એ પ્રેગ્નન્ટ હતી.ત્રણ મહિના પછી તો એ અમારા દીકરાને જનમ આપવાની હતી.એ બે જીવની હત્યા હું શા માટે કરું? '' રડમસ અવાજે એ બબડયો. ''ભગવાનના સમ-એ ગૂમ થઈ છે ત્યારથી ઊંઘ ઊડી ગઈ છે.ભૂખ પણ મરી ગઈ છે... ''
ઈન્સ્પેક્ટરે કચકચાવીને બીજો તમાચો માર્યો.રણજીતને વાળથી ખેંચીને ઊભો કરીને ગાળોનો વરસાદ વરસાવ્યો. પછી ટેબલ ઉપરથી ફોટો ઉઠાવીને રણજીતના ચહેરા સામે ધર્યો.
''બહુ વહાલ હતું એના ઉપર તો આવી રીતે મોઢું કેમ છૂંદી નાખ્યું? અમને મૂરખ બનાવવા? '' ખૂણામાં બેઠેલા મા-બાપ દીકરાને માર ખાતો જોઈને રડતા હતા. એમની સામે જોઈને ઈન્સ્પેક્ટરે ઉમેર્યું. ''આ તો સારું થયું કે સોનિયાના મા-બાપે એને ઓળખી કાઢી. બાકી તમે તો બિન્દાસ બીજી બૈરી લાવીને દહેજ પડાવવાના હતા.''
''આ સોનિયા નથી, સાહેબ! તમારી ભૂલ થાય છે.ભગવાનના સમ! આ સોનિયા નથી. '' શરીરમાં હતી એટલી શક્તિ ભેગી કરીને રણજીતે બૂમ પાડી. ''અમારા ઘરમાં આવ્યા પછી આવો જિન્સ ને ટોપનો ડ્રેસ તો એણે ક્યારેય પહેર્યો નથી. '' એણે આવું કહ્યું એટલે વિષ્ણુ અને ગીતાદેવી પણ હિંમત કરીને ઊભા થયા. લાશનો ફોટો જોઈને એ બંનેએ પણ હાથ જોડીને કહ્યું. ''રણજીતની વાત સાચી છે,સાહેબ,આ અમારી વહુ નથી.થોડીઘણી એના જેવી લાગે છે પણ આ સોનિયા નથી!''
''તમે સાચા ને હું જુઠ્ઠો?'' ઈન્સ્પેક્ટરે ત્રાડ પાડીને એ બંનેને ધક્કો મારીને ખૂણામાં હડસેલી દીધા. ''એ બાપડીના મા-બાપ તો લાશ જોઈને ચોધાર આંસુએ રડતા હતા. એની માએ તો ચંપલ પણ ઓળખી કાઢયા.અમે બધા ખોટા ને તું એકલો શાહુકારનો દીકરો? '' એણે કંટાળા સાથે ઉમેર્યું. ''બચવા માટેના ફાંફા મારવાને બદલે ગુનો કબૂલી લે તો માર ખાવામાંથી છૂટીશ.કઈ રીતે તારું ડાચું ખોલાવવું એ કરામત અમને આવડે છે. સીધી રીતે ભસી મર. નહીં તો એવી દશા થશે કે તને મરી જવાનું મન થશે. સમજણ પડી?''
''સાહેબ,આ સોનિયા નથી. '' રણજીત કરગર્યો. ''ભગવાનના સમ.આ મારી બૈરી નથી.હું એને ઓળખતો નથી.મેં એને મારી નથી.તો પછી કબૂલાત શેની કરું?''
''તારે કબૂલાત નથી કરવી તો નસીબ તારું.'' ઈન્સ્પેક્ટરે બૂમ પાડીને બે કોન્સ્ટેબલને બોલાવ્યા. ''આ ડોસા-ડોસીને લોકઅપમાં નાખો અને આ નાલાયકને નાગો કરીને સંડાસમાં લઈ જાવ. સવાર સુધીમાં એ પોપટની જેમ બોલતો થઈ જાય એવી ટ્રિટમેન્ટ કરવાની છે.''
વિષ્ણુ અને ગીતાદેવીને લોકઅપમાં પૂર્યા પછી જમાદારો રંગમાં આવી ગયા. રણજીતના તમામ કપડાં ઊતરાવીને એને સંડાસમાં લઈ ગયા અને માત્ર બિહારની પોલીસને જ આવડે એવા લાઠી અને ડંડાના કરતબ વારાફરતી બધા કોન્સ્ટેબલોએ શરૂ કર્યા.
રણજીતની દર્દનાક ચીસોથી રાધોપુર પોલીસ સ્ટેશનની દીવાલો કંપી ઉઠી પણ દમન અટક્યું નહીં. આ માણસ ગુનો કબૂલ કેમ ના કરે? એ જીદ સાથે પોલીસની બર્બરતા વધુ આક્રમક બની. રણજીતની ચીસો સાંભળીને ગીતાદેવી લોકઅપની દીવાલો સાથે માથું પટકીને રડતી હતી. બે હાથ વચ્ચે માથું પકડીને વિષ્ણુ લોકઅપના ખૂણામાં લાચાર બનીને બેઠો હતો.
દસેક કલાકની મારઝૂડ પછી સંડાસમાં એસિડનો બાટલો જોઈને એક થાકેલા કોન્સ્ટેબલે આંખના ઈશારાથી જ બીજાને પૂછયું કે આની ટ્રાય કરવી છે? બીજાએ ઈશારાથી જ સંમતિ આપી કે માત્ર ટ્રાયલ જેટલો જ લેજે. મારથી સોળ પડેલા ખુલ્લા શરીર ઉપર એસિડના છાંટા પડયા ત્યારે રણજીતે વેદનાથી જે ચીસો પાડી એ સાંભળીને ગીતાદેવી હચમચી ઉઠી.દીકરાની દર્દનાક ચીસો જાણે શારડી બનીને માતાના હૈયાને વલોવતી હતી. પસાર થતા ઈન્સ્પેક્ટર પાસે એણે ખોળો પાથર્યો. ''સાહેબ,એક મિનિટ મારા દીકરાને મળવા દો.મારું કહ્યું એ માનશે. ''
સંડાસમાં દીકરાની દશા જોઈને માતાએ એની સામે હાથ જોડયા. ''દીકરા, આ લોકો તને મારી નાખે એને બદલે એ જે કહે એ કબૂલ કરી લે,મારા પેટ,અમારી ચિંતા ના કરતો. માથે ભગવાન જેવો ધણી છે. તું જીવતો રહીશ તો એ કંઈક રસ્તો સૂઝાડશે.''
અસહ્ય મારથી શારીરિક અને માનસિક રીતે ભાંગી પડેલા રણજીતે હાર સ્વીકારી લીધી.ઈન્સ્પેક્ટરે જે રીતે કહ્યું એ રીતે કબૂલાત કરી લીધી. ઈન્સ્પેક્ટરે તાબડતોબ પ્રેસ અને સ્થાનિક ન્યુઝ ચેનલવાળાને બોલાવ્યા.માત્ર અડતાળીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાખનાર બાહોશ ઈન્સ્પેક્ટર વાસુદેવ રાયનો જયજયકાર થઈ ગયો. ચાર્જશીટ બની ગયું અને ૩૦મી મે,૨૦૧૯ના દિવસે રણજીતને ખૂનના આરોપસર અને એના મા-બાપને હત્યામાં મદદ કરવાના આરોપ સાથે જેલમાં ધકેલી દેવામાં આવ્યા.
સમય વહેતો ગયો.ગીતાદેવીના ભાઈનું અવસાન થયું એ કારણે તારીખ ત્રીસમી ઓક્ટોબર,૨૦૧૯ ના દિવસે એ જામીન પર છૂટીને બૈરદાહા ગામમાં પાછી આવી.
હિન્દી ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવી ઘટના એ પછી બની.બીજી નવેમ્બર,૨૦૧૯ની સવારે કાખમાં ત્રણ મહિનાના દીકરાને તેડીને સોનિયા ગામમાં આવી! આખું ગામ ટોળે વળ્યું.ગીતાદેવીની આંખમાં હર્ષના આંસુ છલકાયા.પુત્રવધૂ અને પૌત્રને છાતીએ ભીંસીને એ ખૂબ રડી. એ બંનેને સાથે લઈને એ સીધી રાધોપુર પોલીસ સ્ટેશને પહોંચી.
''સાહેબ,આ સોનિયા તો જીવતી છે. '' ત્યાં પહોંચીને એણે ચીસાચીસ કરી.ઈન્સ્પેક્ટર હાજર નહોતા એટલે આ દ્રશ્ય જોઈને બાકીના પોલીસવાળા ડઘાઈ ગયા.હવે શું કરવું એ સમજાયું નહીં એટલે હેડ કોન્સ્ટેબલે એમને ધૂત્કારીને કાઢી મૂક્યા. ''આ શું નવું નાટક માંડયું છે?અહીંથી ભાગો નહીંતો બંનેને પૂરી દઈશ.''
અંદર પૂરી દે એ પછી શું થાય છે એ ગીતાદેવીએ અનુભવ્યું હતું એટલે વધુ દલીલ કર્યા વગર એ પાછા બૈરદાહા પહોંચી ગયા.ગામના સામાજિક કાર્યકર અનિલકુમારસિંહની છાપ પારકી છઠ્ઠીના જાગતલ જેવી હતી.ગીતાદેવી અને સોનિયા એની પાસે ગયા અને મદદ માગી. ''પોલીસવાળાને કરગરવાની જરૂર નથી.'' વાત સાંભળ્યા પછી એણે ધરપત આપી. ''મારા ગાડીમાં બેસી જાવ.આપણે સુપૌલ કોર્ટમાં જ જઈએ.એ પછી પોલીસ આપણને કરગરશે. ''
ત્યાં પહોંચતા અગાઉ એમણે રસ્તામાં જ ફોનથી વકીલ સાથે ચર્ચા કરી લીધી. સુપૌલ સિવિલ કોર્ટમાં કેસ ચાલ્યો.ઈન્સ્પેક્ટર વાસુદેવ રાય, એસ.ડી.ઓ.પી.વિદ્યાસાગર અને એસ.પી. મનોજકુમારની એક જ દલીલ હતી કે જ્યારે દીકરીનો બાપ કહે કે આ મારી દીકરીની જ લાશ છે ત્યારે એ માનવું જ પડે.
તારીખ ૨૩ ડિસેમ્બર,૨૦૧૯ ના દિવસે ચુકાદો આવ્યો.
''આ કલંકરૂપ ઘટના માટે પોલીસની લાપરવાહી જવાબદાર છે. રણજીત અને એના મા-બાપને જેલમાં પૂરી રાખવાનું જે ગેરકાયદેસર કૃત્ય પોલીસે કર્યું છે એને હેવાનિયત કહેવાય. પોલીસના આ કૃત્યને વખોડવા માટે મારી પાસે શબ્દો નથી.'' સુપૌલ સિવિલ કોર્ટના એડિશનલ જજ રવિરંજન મિશ્રાના અવાજમાં પીડા હતી. નીચું જોઈને ચૂપચાપ ઊભેલા પોલીસોની સામે એમણે નજર કરી અને એમના અવાજમાં સખ્તાઈ ઉમેરાઈ. ''પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી એ ખામીભરી હતી અને એમાં ભારોભાર લાપરવાહી દેખાય છે. અડતાળીસ કલાકમાં જ ખૂનનો ભેદ ઉકેલી નાખ્યો એવી બડાશ મારીને મીડિયામાં પબ્લિસિટી મેળવવાની લ્હાયમાં એક નિર્દોષ પરિવાર ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો એ ઘટના પોલીસતંત્ર ઉપર કાળા ધબ્બા સમાન છે.''
એકેએક શબ્દ ઉપર ભાર મૂકીને એમણે આગળ કહ્યું. ''આ કેસમાં તપાસ કરનાર પોલીસ અધિકારીની અણઆવડત અને અયોગ્યતા છતી થાય છે. એની અક્ષમતા અને ફરજ પ્રત્યેની ઉદાસીનતાથી પોલીસની છાપ ખરડાઈ છે. નાગરિકો પ્રત્યેના વર્તનમાં પોલીસની આવી ઘોર બેદરકારી અને લાલિયાવાડી માફ કરી શકાય એવી નથી. પોલીસે જેમને ગુનેગાર ઠરાવ્યા છે એ ત્રણેયને હું નિર્દોષ જાહેર કરું છું.કોઈ પણ જાતના કારણ વગર જેલમાં રહીને એમણે જે ત્રાસ વેઠવો પડયો એ બદલ એમને રૂપિયા છ લાખનું વળતર આપવાનો આદેશ કરું છું. આ છ લાખ રૂપિયા રણજીતને તાત્કાલિક ચૂકવી આપવામાં આવે અને એ પછી સરકારને યોગ્ય લાગે તો આ રકમ તપાસ કરનાર પોલીસ અધિકારીના પગારમાંથી વસૂલ કરી શકે છે.''
બૈરદાહા ગામમાં એ દિવસે ઉત્સવ જેવું વાતાવરણ હતું. ''સોનિયાબહેન,આ લોકોની દાસ્તાન તો દર્દનાક છે, પણ આ છ મહિના તમે ક્યાં હતા?'' અનિલકુમારસિંહે પૂછયું.
એ રહસ્ય જાણવા માટે તો બધા ઉત્સુક હતા.
''એમણે મારા ઉપર હાથ ઉપાડયો ત્યારે મારી કમાન છટકેલી.'' સોનિયા ધીમા અવાજે યાદ કરીને બોલતી હતી. ''ઘરમાંથી નીકળીને આપઘાતનો વિચાર આવેલો પણ પેટ સામે નજર પડી એટલે માંડી વાળ્યું.એક મામા દિલ્હીમાં છે એટલે એમના ઘેર જવાનું નક્કી કર્યું. હાઈવે ઉપર પહોંચીને બસની રાહ જોતી હતી. ઝઘડાને લીધે કંઈ ખાધું નહોતું.હીરાના દાગીના પહેરેલી એક બાઈ કાર લઈને જતી હતી. એણે મારી પાસે આવીને કાર ઊભી રાખી.ભૂખ અને ઉચાટથી મારું કરમાયેલું મોઢું જોઈને એને દયા આવી.એણે પૂછયું કે ક્યાં જવાનું છે?મેં દિલ્હી કહ્યું કે તરત એણે કહ્યું કે વાંધો ના હોય તો મારી કારમાં બેસી જા.હું એની જોડે આગળ બેસી ગઈ.રસ્તામાં એણે કહ્યું કે પેટમાં છોકરું છે અને તું ભૂખી રહે એ ના ચાલે. એણે મને ક્રીમવાળા બિસ્કિટ અને લસ્સી આપી.
એ બધું પેટમાં ગયું એ પછી શું થયું એ મને કંઈ ખબર ના પડી. આંખ ઉઘડી ત્યારે હું કોઠી જેવા એક બંગલામાં હતી અને મારી ઉંમરની દસેક રૂપાળી યુવતીઓ પણ ત્યાં હતી.એમની સાથે વાત કરી એ પછી ધીમે ધીમે ખબર પડી કે મને કારમાં બેસાડનારી કિરણ નામની બાઈ છોકરીઓને વેચવાનો ધંધો કરે છે.ત્રણ મહિના પછી સુવાવડ આવવાની હતી એટલે ત્યાં સુધી તો મારે શાંતિ હતી. ગાઝિયાબાદના એ બંગલામાંથી છટકવાનો આમેય કોઈ રસ્તો નહોતો.આરામથી ખાઈ-પીને ત્યાં રહી.મારો મોબાઈલ તો એ ડાકણે પહેલેથી જ લઈ લીધો હતો.કોઈના નંબર મોઢે યાદ પણ નહોતા. એટલે ઈશ્વર ઉપર શ્રધ્ધા રાખીને દિવસો પસાર કર્યા. છોકરાનો જન્મ થયો ત્યારે હોસ્પિટલમાં પણ મારા ઉપર ચોકીપહેરો હતો.
પાછી આવ્યા પછી સતત ભાગવાનું વિચારતી હતી પણ ફૂલ જેવા છોકરાને સાચવીને ભાગવું કઈ રીતે? હાથમાં વ્યવસ્થિત એને પકડી શકાય એવડો થાય ત્યાં સુધી રાહ જોયા વગર છૂટકો નહોતો.એ અઢી મહિનાનો થયો એ પછી સાંજના સિક્યોરિટી ગાર્ડને ભૈયા..ભૈયા કહીને ગેટ પાસે રોજ પાંચેક મિનિટ ઊભી રહેતી હતી. એક સાંજે એ સહેજ આઘોપાછો થયો કે તરત દોડીને રિક્ષામાં બેસી ગઈ અને રેલ્વે સ્ટેશને પહોંચી ગઈ. જે ટ્રેન ઊપડતી હતી એમાં બેસી ગઈ.પછી આગલા સ્ટેશને ઊતરી ગઈ. રડીને સ્ટેશનમાસ્તરને મારી વાત કહી તો એમણે મને ખાવા આપ્યું અને બૈરદાહાની ટિકિટ કરાવી આપી. અહીં આવ્યા પછી આ રામકહાણીની ખબર પડી.''
આ તરફ રાધોપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરને બે સમસ્યા મૂંઝવે છે. આ છ લાખના ચાંદલા માટે સોનિયાના મા-બાપ ઉપર કોઈ કેસ કરી શકાય કે નહીં ? બીજો અઘરો સવાલ એ કે પેલી લાશ કોની હતી?