રાત્રે સાડા ત્રણ વાગ્યે કોઈ ચાલતું હોય એમ પગરવ સંભળાયો...
ક્રાઈમવૉચ - મહેશ યાજ્ઞિાક
સુખુભાની વાત સાંભળ્યા પછી એ ડરી ગયો હતો. લાઈટ બંધ કરીને અંધારામાં ઊંઘવાની હિંમત નહોતી.
ચેન્નાઈથી જ વિમાન મોડું ઉપડેલું એટલે સુકેતુ અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યો ત્યારે સાડા સાત વાગ્યા હતા. ચોવીસ વર્ષના સુકેતુ પાસે સામાનમાં માત્ર સુટકેસ હતી. હોસ્પિટલનું નામ મામાએ આપેલું એટલે ટેક્સી કરીને એ સીધો હોસ્પિટલ પહોંચ્યો. આઈ.સી.યુ. વૉર્ડ છઠ્ઠા માળે હતો.
તમામ અપરિચિત ચહેરાઓ વચ્ચે જઈને પોતાનો પરિચય આપવાનો હતો એટલે લિફ્ટમાં જ એણે આંગળીઓથી વાળ વ્યવસ્થિત કર્યા. આઈ.સી.યુ.વૉર્ડની બહાર સોફા પર નાના નાના ગૃપમાં માણસો બેઠા હતા ત્યાં સુકેતુ તાકી રહ્યો. પાંચ-છ ગ્રામીણ પુરુષોનું ટોળું જોઈને સુકેતુએ ધારણા કરી કે ગામડેથી જાદવજીદાદાની સાથે આ લોકો જ આવેલા હશે. ચેન્નાઈમાં મામાને ફોન કરીને માહિતી આપનાર વડીલનું નામ શાંતિભાઈ હતું એટલી ખબર હોવાથી એ સીધો ત્યાં ગયો.
'શાંતિદાદા?' બધાની સામે પ્રશ્નાર્થ નજરે તાકીને એણે પૂછયું. ટોળામાંથી શાંતિભાઈએ આગળ આવીને સુકેતુના ખભે હાથ મૂક્યો. 'મેં જ તારા મામાને ફોન કર્યો હતો, બેટા! હવે તું આવી ગયો એટલે અમને ધરપત થઈ.'
'તમારો ફોન આવ્યો ને મામાએ વાત કરી કે તરત જે ફ્લાઈટ મળી એ પકડીને આવી ગયો.' આસપાસ ઊભેલા બીજા માણસો આ બંને સામે તાકી રહ્યા હતા. એમની સામે જોઈને શાંતિભાઈએ કહ્યું. 'અલ્યા, તમે બધાએ આને ના ઓળખ્યો?'
પ્રશ્ન પૂછયા પછી એમણે જ માહિતી આપી. 'જાદવજીદાદાને સંતાનમાં એક માત્ર દીકરો ધીરજ. આજથી અઢારેક વર્ષ પહેલા એના કોઈ દોસ્તારની બેનના ભૂજમાં લગ્ન હતા.' એમણે સુકેતુના માથે હાથ મૂક્યો. 'અત્યારે આ ભડભાદર જવાનિયો લાગે છે પણ એ વખતે તો એ પાંચ વર્ષનો ટેણિયો હતો. એને તાવ આવતો હતો એટલે એને જાદવજીદાદા પાસે મૂકીને ધીરજ અને એની વહુ ત્યાં ગયેલા.'
બધાની સામે જોઈને આગળ બોલતી વખતે એમના અવાજમાં પીડા ઉમેરાઈ. 'છવ્વીસમી જાન્યુઆરીએ ત્યાં ભૂકંપ આવ્યો એમાં એ બંને દેવલોક પામ્યા. આના મામા-મામી મદ્રાસથી દોડતા આવ્યા. પાંચ વર્ષના ભાણિયાને એના મામા-મામી મદ્રાસ લઈ ગયા એ પછી આજની ઘડી ને કાલનો દિ.આ છોકરો ક્યારેય અહીંયા આવ્યો જ નથી.'
એમણે સુકેતુ સામે જોયું. 'મને તો બેટા, તારા નામનીયે ખબર નથી.'
'સુકેતુ.' બધાની સામે જોઈને સુકેતુ બોલ્યો. 'મામા-મામીએ એકેય વેકેશનમાંય મને અહીં આવવા ના દીધો. એ પછી ભણવા માટે અમેરિકા ગયો.ચાર વર્ષ ત્યાં રહીને પાછો આવ્યો એના દસમા દિવસે જ આ સમાચાર મળ્યા કે તરત દોડી આવ્યો.' શાંતિભાઈનો હાથ પકડીને એણે પૂછયું. 'દાદાને થયું છે શું?'
'તારો દાદો ચોર્યાસી વર્ષનો થયો પણ ક્યારેય માંદો નથી પડયો. અચાનક શું થઈ ગયું કે એમને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયા. ગામના વૈદે કીધું એટલે અહીં લાવ્યા, પણ અહીંના મોટા ડાક્ટરોએ તો દાદા કોમામાં છે એમ કહીને આઈ.સી.યુ.માં પૂરી દીધા.'
સામે ઊભેલા સુકેતુનું નખશિખ નિરીક્ષણ કરીને એમણે ઉમેર્યું. 'તું સમજદાર છે એટલે સાચું કહેવામાં વાંધો નથી.ડૉક્ટરે કીધું કે બહુ આશા જેવું નથી. અમે મૂંઝાણા એટલે તારા મામાને ફોન કર્યો કે જાદવજીદાદાનો એકનો એક વારસદાર તમારે ત્યાં છે એને મોકલો તો છેલ્લી ઘડીએ એમના આત્માને શાંતિ થાય.'
એમણે ફરીથી સુકેતુના માથે હાથ મૂક્યો. 'હાશ! ઓગણીસ વર્ષેય તું દાદાને મળવા આવ્યો ખરો!હવે અમારે કોઈ ઉપાધિ નહીં. દાદાને છેલ્લે છેલ્લે પૌત્રનું મોઢું જોવા મળશે.'
'હવે આવી ગયો છું એટલે ચોવીસેય કલાક દાદાની પાસે જ રહીશ.' આભારવશ નજરે બધાની સામે જોઈને સુકેતુએ હાથ જોડયા. 'તમે લોકોએ આટલા દિવસ એમની સંભાળ રાખી એટલે હવે તમે આરામ કરો. દાદા આંખ ખોલે ત્યારે મને ઓળખે છે કે નહીં એ મારે જોવું છે. 'એના અવાજમાં લાગણીની ભીનાશ ભળી.' ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે એમણે મને જોયેલો. તોય જોશે કે તરત પારખી લેશે.'
આઈ.સી.યુ. માં પાટશન પાડીને દરેક દર્દી માટે અલગ રૂમ જેવું બનાવેલું હતું. દાદાના પલંગની સામે સ્ટૂલ પર બેસીને સુકેતુ એમની સામે તાકી રહ્યો. સાડા પાંચ ફૂટના પાતળા દેહ પર જાત જાતની નળીઓ લગાડેલી હતી.નાક ઉપર ઓક્સિજનનો માસ્ક લગાવેલો હતો. બાજુમાં મોનિટરના સ્ક્રીન પર આડીઅવળી રેખાઓ સળવળતી હતી. સફેદ ચાદર અને સફેદ પાટશનની દીવાલો વચ્ચે દાદાનો શ્યામ રંગ વધુ કાળો લાગતો હતો. દાદાના કરચલીવાળા ચહેરા સામે તાકીને સતત ત્રણ દિવસ એ હોસ્પિટલમાં જ રહ્યો.
ચોથા દિવસે સાંજે શાંતિભાઈ આવ્યા. 'આજે તું ઘેર જા.આવ્યો છે ત્યારથી ખડે પગે દાદાની ચાકરી કરી છે.'
સુકેતુના ખભે હાથ મૂકીને એમણે સમજાવ્યું. 'તું તો તારા દાદાની ડેલીનેય ભૂલી ગયો હશે. ગામમાંથી સુખુભા ખબર કાઢવા આવ્યા છે. એ પાછા જાય ત્યારે એમની ગાડીમાં બેસી જજે. તારા જાદવજીદાદાના રસોડામાં ખજૂર, કાજુ, બદામ ને ચવાણું- બધુંય હાજર સ્ટોકમાં હશે. ત્યાં જઈને આરામ કર. સવારે નિરાંતે આવજે.' આટલું કહીને એમણે ડેલીની ચાવી સુકેતુને આપી.
હોસ્પિટલના પાકગમાંથી સુખુભાએ એમની કાર બહાર કાઢી અને સુકેતુ એમાં બેઠો ત્યારે રાતના નવ વાગ્યા હતા. 'તારા દાદાનું એકે એક કામ પરફેક્ટ. સો વીઘા જમીનનો વહીવટ સંભાળે છે.ધંધૂકાથી હુસેની વકીલને બોલાવીને તારા નામનું વિલ પણ પાકા પાયે કરાવી નાખ્યું છે.' એક કલાકના પ્રવાસ દરમ્યાન સુખુભા માહિતી આપતા રહ્યા.
ગામમાં પહોંચીને એમણે કાર ઊભી રાખી. 'લ્યો આવી ગઈ તમારી ડેલી.' સહેજ મર્માળુ હસીને એમણે સુકેતુ સામે જોયું. 'તું ઘરનો છોકરો છે એટલે તને કોઈ ઉપાધિ નહીં નડે. બાકી છેલ્લા પચાસ વર્ષમાં તારા દાદા સિવાય ગામના બીજા કોઈએ આ ડેલીમાં રાત રહેવાની હિંમત નથી કરી. મારીયે જિગર ના ચાલે.'
સુકેતુએ ચમકીને સુખુભા સામે જોયું 'એવું કેમ?'
'પચાસ વર્ષ પહેલા આ ડેલીમાં તારી દાદીનું ખૂન થયું હતું! લોકો કહે છે કે તારી દાદી દેખાવમાં પદમણી જેવી હતી.
સાગના સોટા જેવી ઊંચી ને આરસની પૂતળી જેવી ગોરી ગોરી!'
સુકેતુ કારમાંથી ઊતરીને સુખુભાની સામે ગભરાટથી તાકી રહ્યો હતો. એના ચહેરા પર ગૂંચવાડો હતો.
'તને એ વાતની કંઈ ખબર નથી?' સુખુભાએ પૂછયું.
'થોડીઘણી ખબર છે.' સુકેતુએ કહ્યું. 'દાદી બહુ રૂપાળા હતા. દાદાના એક નોકરે એમના પર રેપ કરવા પ્રયત્ન કરેલો પણ દાદીએ મચક ના આપી એટલે દાદીનું મર્ડર કરીને એ નાલાયક ભાગી ગયેલો. બસ, એટલી ખબર છે.'
'એ હરામી ફૂલાજીને તારા દાદાએ ખેતરમાં સાથી તરીકે રાખેલો. છ હાથ ઊંચો અને રંગીલો ગીલીન્ડર. ફાવ્યો નહીં એટલે કોશથી તારી દાદીનું માથું છૂંદીને એ ભાગી ગયો પછી ક્યારેય પકડાયો નથી. એ વાતનેય પચાસ વર્ષ થઈ ગયા.ગામમાંથી બે-ચાર માણસે શરૂઆતમાં તારી દાદીનો પરચો જોયો એ પછી ડેલીમાં રાત રોકાવાની કોઈએ હિંમત નથી કરી.' સુકેતુના ચહેરા પરનો ગભરાટ પારખીને એમણે ધરપત આપી. 'પણ તું આ ઘરનો વારસ છે એટલે તને એ નહીં કનડે. છતાં, તકલીફ લાગે તો ચબૂતરા સામે મારી વાદળી ડેલી ખખડાવજે.'
'નો પ્રોબ્લેમ.' હિંમત ભેગી કરીને સુકેતુ બબડયો.
'સવારે મારો માણસ ચા-નાસ્તો આપી જશે. આઠ વાગ્યે મારે અમદાવાદ જવાનું છે. તારે હોસ્પિટલ જવું હોય તો તૈયાર રહેજે. હું લેતો જઈશ.' સુકેતુએ હકારમાં માથું હલાવ્યું અને સુખુભા ગયા.
તાળું ખોલીને સુકેતુ ડેલીમાં પ્રવેશ્યો. મોબાઈલના અજવાળે એણે લાઈટની સ્વીચ શોધી. પાંચેક વર્ષની ઉંમરે જ વિદાય લીધેલી એટલે અહીંનુ કોઈ સ્મરણ સચવાયેલું નહોતું. જાદવજીદાદાની આ વિશાળ ડેલી અને સો વીધા જમીનનો પોતે એક માત્ર વારસદાર હતો એ છતાં, સુખુભાએ જે કહ્યું એ સાંભળ્યા પછી એ ફફડી ગયો હતો.
ચેન્નાઈમાં મામા-મામીએ સગા દીકરાની જેમ ઉછેર્યો હતો. ક્યારેક વાત વાતમાં દાદાના અને પપ્પાના બે-ચાર મિત્રોના નામ પણ સાંભળેલા. દાદીના ખૂનની ઘટનાનો પણ ક્યારેક ઉલ્લેખ થયેલો પણ રૂપસુંદરી જેવી દાદી પ્રેતાત્મા બનીને પરચા બતાવે છે એ વાત તો અત્યારે પહેલી વાર સાંભળી. ગામલોકો પાસેથી કદાચ મામા-મામીએ આ વાત સાંભળી હશે એટલે જ એમણે મને અહીં આવવા દીધો નહીં હોય.. દાદાના વિશાળ ઢોલિયા જેવા પલંગ ઉપર બેસીને એણે મનોમન તાળો મેળવ્યો.
સુખુભાની વાત સાંભળ્યા પછી એ ડરી ગયો હતો. લાઈટ બંધ કરીને અંધારામાં ઊંઘવાની હિંમત નહોતી. પલંગની સામે દીવાલ ઉપર ટીવી જોઈને એણે રાહત અનુભવી. ટીવી ચાલુ કરીને એણે પલંગમાં પગ લંબાવ્યા. અંધકારમાં આંખ બંધ કરીને ફફડાટમાં જાગતા રહેવાને બદલે સવાર સુધી ટીવી જોવામાં વાંધો નહીં આવે. રિમોટ પકડીને એ ચેનલો મચડતો રહ્યો.
દીવાલ પરની ઘડિયાળમાં સાડા ત્રણ વાગ્યા હતા. એ વખતે જાણે કોઈ ચાલતું હોય એ રીતે પગલાંનો અવાજ સંભળાયો એટલે સુકેતુના રૂંવાડા ઊભા થઈ ગયા. બોચીથી શરૂ કરીને આખી પીઠ પરસેવે રેબઝેબ થઈ ગઈ. હમણાં જ છાતી ફાડીને આખું બહાર આવી જશે એ રીતે હૃદય ધબકવા લાગ્યું. ટીવી ઉપરથી નજર હટાવીને સામે બારણાં તરફ જોવાની પણ એનામાં હિંમત નહોતી.
'અલ્યા, ડેલી ઉઘાડી રાખીને કોણ છે અંદર? લાઈટ કોણે ચાલુ રાખી છે?' કોઈ પુરુષે ઘાંટો પાડીને ધ્રૂજતા અવાજે પૂછયું એટલે સુકેતુના જીવમાં જીવ આવ્યો. એણે સામે જોયું. દાદાની જ ઉંમરનો એક વૃધ્ધ બનિયન અને લેંઘો પહેરીને બારણે ઊભો રહીને એની સામે તાકી રહ્યો હતો. 'અલ્યા, તું તો સો ટકા ધીરજનો દીકરો લાગે છે.આટલા વર્ષે દાદાની ખબર કાઢવા આવ્યો,ભાઈ?'
અંદર આવીને એમણે પૂછયું અને પછી ટીવી સામે જોયું.'ભલા માણસ, આરામ કરવાને બદલે ઉજાગરો કેમ કરે છે?'
'તમને ઓળખ્યા નહીં.' લગીર સ્વસ્થ થઈને સુકેતુએ એમને કહ્યું.
'ક્યાંથી ઓળખે? ચડ્ડી પહેરવાનું ભાન નહોતું ને તારો મામો તને મદ્રાસ લઈ ગયો પછી ગામનાને તું ક્યાંથી ઓળખે?' એ વૃદ્ધે હસીને કહ્યું. 'હું તલકશી.. તલકશી ડાયા. તારા દાદાનો જિગરી દોસ્તાર.જોડેનું ઘર એ મારું.'
'યસ.. યસ.. મામા પાસેથી તમારું નામ તો ઘણી વાર સાંભળ્યું છે.' સુકેતુએ તરત નિખાલસતાથી કબૂલ્યું. 'દવાખાનેથી સુખુભા સાથે અહીં આવ્યો. એમણે પચાસ વર્ષ જૂની કથા યાદ કરાવીને ફફડાવી દીધો હતો. તમે એકદમ આવ્યા ત્યારે ખરેખર ગભરાઈ ગયેલો.'
તલકશીભાઈ એની પાસે પલંગમાં બેઠા. 'તું ઘરનો છોકરો છે એટલે સાચી વાત તને કહેવામાં વાંધો નહીં.' ફિક્કું હસીને એમણે સુકેતુ સામે જોયું. 'મન ઉપર ભાર વેંઢારીને જીવું છું. એમ માન કે તારી પાસે હૈયું ખોલીને ભાર હળવો કરવા જ આવ્યો છું. એ ગોઝારી રાત પછી તારો દાદો મારો ઓશિયાળો થઈને જ જીવ્યો છે. કટોકટીની એ પળે મેં બુદ્ધિ વાપરી ના હોત તો આખો ઈતિહાસ જુદો હોત!'
સુકેતુ આશ્ચર્યથી એમની સામે તાકી રહ્યો.
'લોકો જુદું સમજે છે પણ એ આખી વાર્તા સાવ અલગ હતી.' તલકશીભાઈનો ઘોઘરો અવાજ ધ્રૂજતો હતો. 'તારા દાદાને તો તેં જોયાને? સાવ સુકલકડી અને ખેંપટ. રંગ સીસમ જેવો તોય પૈસાના જોરે પરી જેવી કન્યાને પરણેલા. એ વખતે તો આખું ગામ તારી દાદીનું રૂપ જોઈને મોંમાં આંગળાં નાખી ગયેલું. ખેતીમાં મદદ કરવા તારા દાદાએ ફૂલાજીને સાથી તરીકે રાખેલો. એ રાત્રે ખેતરના ઝાકળિયામાં સૂઈ રહે ને ક્યારેક તમારે ત્યાં ડેલીના ખૂણામાં કોઢ પાસે પડયો રહે.'
સુકેતુ શ્વાસ રોકીને સાંભળતો હતો.
'એ ફૂલાજી પિક્ચરના હીરો જેવો રૂપાળો ને રંગીલો. જાદવજી તો ભગવાનનો માણસ. એ અંધારામાં રહ્યો ને પેલા બંનેની આંખ મળી ગયેલી. સરકારી કામે તારો દાદો અમદાવાદ ગયેલો અને બે દિવસ રોકાવાનો હતો.પણ કામ વહેલું પતી ગયું એટલે પાછો ઘેર આવી ગયો. રાતે એક વાગ્યે એ હળવેથી ડેલીમાં પ્રવેશ્યો ત્યારે દુનિયાનું ભાન ભૂલીને તારી દાદી અને ફૂલાજી આ જ ઢોલિયા ઉપર પ્રેમલીલામાં ખોવાયેલા હતા. એમને તો તારા દાદાના આગમનનુંય ભાન નહોતું.
કોઢમાંથી કોશ લઈને તારો દાદો ત્યાં આવ્યો અને ફૂલાજીના માથા ઉપર કોશ ઝીંકી. આખા શરીરની બધી તાકાત ભેગી કરીને એમણે ઘા કર્યો હતો પણ પેલો લોંકડી જેવો ચાલાક એટલે વીજળીના ચમકારાની ઝડપે એણે માથું ખસેડી દીધું ને તારી દાદીનું માથું વધેરાઈ ગયું ! તારા દાદાના શરીરમાં ઝનૂન ઉભરાતું હતું. દાંત ભીંસીને એણે બીજો પ્રહાર કર્યો ફૂલાજી ઉપર. એ વખતે એ બચી ના શક્યો.
આવેશમાં આવીને તારા દાદા થાક્યા ત્યાં સુધી ફૂલાજીનું માથું છૂંદતા રહ્યા! પછી ભાન આવ્યું એટલે ગભરાઈ ગયા કે હવે શું કરવું? હળવે રહીને સાદ પાડીને એમણે મને બોલાવ્યો. એ સમયે કંઈ વિચારી શકે એવી એમની હાલત નહોતી. દોસ્તની બાંધી મુઠ્ઠી જળવાઈ રહે અને એના ઉપર કોઈ દોષ ના આવે એ માટે મેં વાણિયા બુધ્ધિ વાપરીને ફટાફટ ફેંસલો કર્યો. ફૂલાજીની લાશને પોટલામાં બાંધીને અમે બંને સીમમાં ગયા.
એ લાશની સાથે મોટા પથરા બાંધીને એને ભમ્મરિયા કૂવામાં પધરાવી દીધી. પછી ઘેર આવીને તારી દાદીની લાશને કપડાં પહેરાવ્યા. એ પછી ચીસાચીસ કરીને ગામ ભેગું કર્યું. ભાઈબંધની આબરૂ તો બચાવવી પડેને? એ જેલમાં જાય એ કેમ ચાલે? ભમ્મરિયા કૂવામાંથી ફૂલાજીની લાશ કોઈને ક્યારેય જડવાની નહોતી. વાત સાંભળીને આખું ગામ હથિયારો લઈને ફૂલાજીને શોધવા નીકળ્યું પણ એ ક્યાં મળવાનો હતો? વાર્તા પૂરી!'
સુકેતુ ફાટી આંખે તલકશીભાઈ સામે તાકી રહ્યો હતો.
'આરામથી ઊંઘી જા, બેટા! ઘરમાં કોઈ ભૂતબૂત નથી.' આભારવશ નજરે સુકેતુ સામે જોઈને એ બબડયા. 'તું આવ્યો એટલે આટલા વર્ષે મારોય મનનો ભાર હળવો થયો..' હળવેથી ઊભા થઈને એ આવ્યા હતા એ જ રીતે જતા રહ્યા.એ પછી સુકેતુ નિશ્ચિંત થઈને સૂઈ ગયો.
સવારે સુખુભાનો માણસ ચા-નાસ્તો આપી ગયો.એ પતાવીને આઠ વાગ્યે ડેલીને તાળું મારીને સુકેતુ બહાર ઊભો રહ્યો. સુખુભાએ કાર રોકી એટલે એ સુખુભાની જોડે ગોઠવાઈ ગયો.
રાતની વાત એવી હતી કે સુખુભાને સીધી રીતે તો કંઈ પૂછાય નહીં. સુકેતુએ શબ્દો ગોઠવીને પૂછયું. 'બાપુ, મારા દાદાના એક ખાસ ભાઈબંધ હતા- તલકશીદાદા. એ બહુ હોંશિયાર અને ચાલાક છે એવું મામા કહેતા હતા..'
'સાવ સાચું.' રસ્તા ઉપરના ટ્રાફિક સામે નજર રાખીને જ સુખુભાએ જવાબ આપ્યો. 'એ તલકશીદાદો ભલભલાને ભૂ પીવડાવી દે એટલો ચતુર હતો. પણ હાર્ટએટેક સામે હારી ગયો.ગઈ દિવાળીએ જોરદાર એટેક આવ્યો એમાં પાંચ જ મિનિટમાં તલકશીદાદાએ દેહ મૂકી દીધેલો...'
એ બોલતા હતા ને સુકેતુ સ્તબ્ધ હતો.