નહિ ઘરના નહિ ઘાટના...
જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ
મળતા મળી ગયેલો મિત્ર જગન ક્યારે નિકટનો સાથી બની રહ્યો તેનું હેસાન નથી. મિત્ર, પત્ની અને પડોશી સત્કાર્યોનાં સ્વરૂપ હોય છે એમ માનવું ગમે છે.
હું - વિનોદ જોશી અને જગન-જગન મહેતા ક્યારેય એક સોસાયટીમાં સાથોસાથ ક્રિકેટ મેચ રમ્યા હોઈએ કે હોળી ધૂળેટી - પણ કદી ય લંગોટિયા ભેરુ નહોતા.
સ્કૂલમાં કે કોલેજમાં એક સાથે, એક વર્ગમાં પણ અમે કદી સાથે નહોતાં છતાં કાળનો ક્રમ એવો કે અમે બંને આધેડ - બેંતાળા - પિસ્તાળાવાળા એક સારી કંપનીમાં કોઈ બોસની નીશ્રામાં સાથે થઈ ગયા. બંને પોતપોતાના વિષયમાં નિષ્ણાત અને હાથીપગા પગારદાર.
મોટા રૂમમાં એક મોટા ટેબલ પર અમે બંને સામ સામેની ખુરશી પર ફાઈલો ઉથલાવતા.
શરૂ શરૂમાં જગન મહેતા મને વિનોદભાઈ જોશી તરીકે ઓળખતા - સંબોધતા... એમ કરતાં ક્રમે ક્રમે હું એને જગન કહેતો અને એ મને વિનોદ કહેતો થઈ ગયો અને એથી ય આગળ મૈત્રીનો વિકાસ થતા અમે પરસ્પર ટૂંકારે - જગન અને વિનોદ કહેવા માંડયા. આ બધું કાળ ક્રમે બનતું ગયું. કેમ કરતાં નિકટતા વધી એ શોધવા માટે સ્મૃતિ ખોતરવી નથી.
ઓફિસનો જૂનો પટાવાળો અમારો (પં) પાળેલો હતો. એ અમારી નાની મોટી સગવડો સાચવી લેતો.
ઓફિસમાં રીસેસનો ટાઇમ અમારે માટે હસીખુશીનો અને ચા પીવાનો હતો. હું ટિફિનમાં નાસ્તો લાવતો. હું એને પણ નાસ્તામાં સાથ આપવા આગ્રહ કરતો, પણ ધરાર એની ના જ હોય. માત્ર એકવાર મેં એને પરાણે નાસ્તામાં આવેલું સમોસુ ચખાડયું એ પ્રસન્ન થઈ ગયો... 'ભાભી નાસ્તા બહુ ટેસ્ટી બનાવે છે.'
તું કેમ ટિફિન લાવતો નથી.
એ જરા ખચકાઈને કહેતો : 'મારે ભાભી છે, તારે ભાભી નથી.'
એના શબ્દોએ મને ચમકાવી મૂક્યો.
જગન પરણેલો નહોતો ? કુંવારો જ હતો. સાડા ચાર દાયકા થઈ ગયા છતાં... ?
અંગત વાતોમાં જાણવા મળ્યું કે એના માબાપ ગુજરી ગયા હતા. મામાએ સહારો આપ્યો હતો, પણ એ છુટયા પછી જગન એકલો જ રહેતો.
'પણ તેને એકલા કેમ ગમતું હશે ?'
ન્યાતમાં છોકરીની છત હતી. જગન મોટો પગારદાર હતો, છતાં કેમ લગ્ન નહિ કરતો હોય ? મને એના જમવાની ફિકર થઈ. 'તું રોજ જમે છે ક્યાં, કોઈ રસોઈ કરવા આવે છે ?'
'ના રે ના. શહેરમાં આટલી બધી હોટલો તહેનાતમાં છે પછી ઘરનાં રોટલા શા માટે ખાઈએ ?' ખોટી બેફિકરાઈથી એ બોલ્યો.
મને વિચાર આવી જતો કે એકવાર એને ઘેર જઈ વિગત જાણું.
પણ એ મને આમંત્રણ આપતો જ નહિ. અને હું મારે ઘેર બોલાવું તો ય એ ધરાર ના પાડતો. 'હું તને બોલાવી શકતો ના હોઉ તો તારે ઘેર શી રીતે આવું ?' આ એનો નક્કી જવાબ હતો.
'પણ તને ઘરમાં એકલા એકલા ગમે છે ?' કોઈ કંપની વિના પત્ની હોય તો...
'શી જરૂર ? પત્ની વિનાનું ફ્રીડમ નિરાંતે ભોગવી શકાય. કશી કચ કચ નહિ... પરણ્યા હોઈએ તો બધો વખત ઘરમાં પત્ની જ પત્ની ! બહાર જાવ તો એ પત્ની, ઘરમાં ય પત્ની, ચોવીસ કલાકની કોઈનીય હાજરી કેમ ગમે ? ભલેને પછી એ પત્ની હોય ?'
એની દલીલો મને નવાઈ ભરેલી લાગી. ઘરમાં એકલ પુરૂષ કોઈ નાજુક કે ગમતી સોબત વિના ચાર ચાર દસકા સુધી રહે એ મને ગળે ઉતરે તેવી વાત ના લાગી. એ નહિ પરણવાના બહાનાં ભલે બતાવતો હોય પણ મને અંતરથી એમ પ્રતીત થવા માંડયું કે એને લગ્ન માટે કશોક પ્રોબ્લેમ હોવો જોઈએ. કદાચ બે-ત્રણ વાર એને ઈન્ટરવ્યુમાં છોકરીએ રિજેક્ટ કર્યો હોય. કંઈક તો કારણ હોવું જોઈએ.
કુંવારાઓને પરણવાની તાલાવેલી હોય, વિધુરો પણ એ માટે ઉતાવળા હોય ત્યારે આ જગન કેમ લગ્નથી દૂર ભાગે છે ?
એ નક્કી કશીક અંગત વાત છુપાવે છે.
અમારો સંબંધ હવે અંગત વાતો સુધી ય પહોંચ્યો હતો. મેં એકવાર ઓફિસ છૂટયા પછી એને રોક્યો, 'જગન' જો હું કે તું પરસ્પર કશી વાત છુપાવતા નથી. મારા ઘરની વાત પણ હું તને કહું છું. મારી મૂંઝવણ પણ તને કહું છું. તને મારો વિશ્વાસ નથી ? જો વિશ્વાસ ઊઠી ગયો હોય...
'ના ના, ના, ના' એકદમ જગન રૂંધાયેલા કંઠે બોલી પડયો. 'મને તારા પર વિશ્વાસ છે એટલી જાત પર પણ નથી.'
'ત્યારે તારું મન છૂટું કર. મને તું કારણ કહે - શા માટે ચાર ચાર દસકા એકલતામાં કાઢીને દુ:ખી થયો.'
'વિનુ, મારી અંગત વાત હું કોઈને કહેતો નથી. કોઈને મેં આજ સુધી મારું ખુલ્લું મન આપ્યું નથી. પણ તારો મારા પર અટલ પ્રેમ અને વિશ્વાસ જોઈને તને જ મારી મૂંઝવણ કહું છું.'
હું એની સામે જોઈ રહ્યો.
એણે દબાયેલા અવાજે કહ્યું... 'વિનુ મને સ્ત્રી માત્રનો વિચિત્ર ડર કે પ્રભાવ લાગે છે. થોડી બીક - મુંઝવણ થાય છે.'
'પણ શા કારણે ? ચોખ્ખી વાત કર.'
વિનુ ! એક બે પ્રસંગ મારા જીવનમાં એવા બની ગયા કે હું હવે સ્ત્રીઓથી દૂર રહેવાનું પસંદ કરું છું.
પણ એવી શી વાત છે ? શેનો ડર ?
જગને પોતાના અનુભવની વાત શરૂ કરી.
(આવતા અંકે પૂરૂં)