કૂતરાં પુરાણનો એક અધ્યાય
જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ
છાપાંમાં રોજેરોજ કેટલાય માણસોને કૂતરાં કરડયાંના સમાચાર વાંચી કૂતરાંની વસતી વધતી જ જાય છે... અને કોર્પોરેશનના અધિકારીઓ બેધ્યાન રહેતા હોય તેવો અહેસાસ થાય છે.કૂતરાંના કરડવાના સમાચારો વારંવાર વાંચતાં મને મહાભારતની એક કથા યાદ આવે છે.
કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયા પછી ભારે નરસંહાર અને તેમાંય કુટુંબીજનોના મૃત્યુ પછી પાંડવોમાં જયેષ્ઠ યુધિષ્ઠિરને વૈરાગ્ય આવે છે અને તે હિમાલય જવા એમના ભાંડુઓ સાથે પ્રસ્થાન કરે છે. માર્ગમાં વારાફરતી એમના ભાંડુઓ મૃત્યુ પામતા જાય છે, પણ એક કૂતરો પૂરી વફાદારીથી યુધિષ્ઠિરની પાછળ સ્વર્ગના દ્વાર સુધી પહોંચે છે. કૂતરાનો આટલો બધો પ્રેમ અને વિશ્વાસ માણ્યા પછી યુધિષ્ઠિર કૂતરાને સ્વર્ગમાં પ્રવેશ ના મળે તો પોતેય જવા તૈયાર નથી એવો સંકલ્પ કરે છે.
મહાભારતમાં કૂતરાની વફાદારીની આ કથા વાંચીને મને કિશોરાવસ્થામાં અને એ પહેલાં કૂતરાં માટે સદ્ભાવ પેદા થયો હતો.
નસીબજોગે અમારા ફળિયામાં જ કૂતરી વિવાઈ અને તેને ચારપાંચ ગલુડિયાં આવ્યાં. એમને જોતાં જ કૂતરા સાથે (અ)મારે દોસ્તી થઈ ગઈ. એમની વાંકી પૂંછડી હલાવતાં કુરકુરિયાને રમાડવાના આનંદમાં નિશાળ પણ વિસારે પડતી. કેવાં મઝાનાં કુરકુરિયાં આપણાંય જાણે સ્વજન હોય- (એ 'સ્વજન' તો હતાં જ) તેમ પગ ચાટવા આવે, ખોળામાં બેસવા પડાપડી કરે... ત્યારથી કૂતરાં મારા જીવનમાં આનંદનો એક અંશ બની ગયાં હતાં એને દૂધ પિવડાવતાં એમની જે વાંકી ઊંચી પૂંછડી પટપટ થાય એ જોતાં એમના પર વહાલ વરસી જતું.
ધર્મરાજા યુધિષ્ઠિરના વંશજને માટે પ્રેમ ઊભરાતો લાડઘેલાં ગલુડિયાં નિરાંતે જાણે બાપનો ખોળો હોય તેમ ખોળામાંય ઘૂસી જતાં. કચવાટથી આપણે એને ખસેડવા-હડસેલીએ તો પૂંછડી હલાવીને અમારી ખુશામત કરવા લાગી જતા.
બચપણમાં કોઇકવાર નિશાળના માસ્તરે લેસન ભરભેજ (ભેજું ભરાઇ જાય તેટલું) આપ્યું હોય ત્યારે કોઇ તુક્કોય આવી જતો કે દફતરમાં ચોપડાને બદલે નિશાળમાં ગલુડિયું સંતાડીને લઇ જઇએ તો ?
પણ એ તો બચપણના તુક્કા.
ગલુડિયાં માટે - કૂતરા માટે પ્રેમ ઊભરાઈ જવાની ઉંમર વીતી ત્યાં તો એકવાર નિશાળેથી ઘર તરફ વળતાં કોઇ અટકચાળાએ સૂતેલા કૂતરાને કાંકરો મારી છેડયું. એની બપોરની ઊંઘ બગડી એટલે સહસા એ ભસવા માંડયું. છોકરો દોડયો એટલે એની પાછળ દોડયું. છોકરાની સાથે કમનસીબે હું ય હતો. કૂતરાથી બચવા એક ઘરના ઓટલા પર ચડીને લાખો પાયે જાન બચાઈ બસ, ત્યારથી અમારો ેં ટર્ન યુટર્ન થઇ ગયો. હવે કૂતરા માટે નફરત થાય છે. એને જોતાં જ ગભરાટ થઇ જય છે.
શિયાળાની સવારે મોર્નિંગ વૉક માટે નીકળતાં જ ન જાણે કેમ સોસાયટીના એક કૂતરાને ઘૂરકવા માંડતું જોઇને યુ ટર્ન (ેં ોહિ) લેવો પડે છે.
ભણી ગણીને નોકરી મળતાં તો મળી. એક શેઠને ત્યાં નામું લખવાની. બેકારી કરતાં ગમે તેવી સામાન્ય નોકરી પણ સારી એમ મન મનાવ્યું.
શેઠની ઓફિસે રોજ નામું લખવાનું થાય. પણ એકવાર શેઠ રજા પર હતા. એમણે ફોન પર મને એમને બંગલે આવવાનો સંદેશો મોકલ્યો.
શેઠનો બંગલો શેઠના ઊપસેલા ઉદર જેવો વિશાળ હશે એ જોવાનું કુતૂહલ લઇને એમના બંગલે પહોંચ્યો. દરવાજા પર શેઠનું નામ હતું. એટલે તરત અંદર પ્રવેશ કર્યો. જરાક આગળ વધ્યો ત્યાં તો ન જાણે ક્યાંથી કોઇ ટાઇગર છાપ કૂતરો મારી તરફ ધસ્યો. સહસા પીછેહઠ કરી હું ઝાંપા બહાર નીકળી ગયો. શેઠને બંગલે કેમ કરી પહોંચવું તેની વિમાસણમાં હતો. દરવાજાની અંદર ડોકિયા કરતો હતો કે ક્યારે પેલો 'જમદૂત' આઘો પાછો થાય.
એવામાં એક બાઈ દરવાજાની બારીમાંથી અંદર જતી હતી.
શેઠની નોકરાણી જેવી લાગી. મને દરવાજાની અંદર ડોકિયાં કરતો જોઈ પૂછયું : 'કોનુ કામ છે ?'
મેં શેઠનું નામ દીધું. નોકરાણી કહે : 'મારી પાછળ આવો.'
નોકરાણીનો અનુચર બની હું એની પાછળ ચાલ્યો. એ જ પેલો ડાઘિયો મારી સામે આવ્યો. મારા મોતિયા મરી ગયા.
હું એની પાછળ બે ડગલાં હટયો. કૂતરાએ નોકરાણી સાથે લાડ કરતાં પૂંછડી પટપટાવવા માંડી. નોકરાણીએ એને જરા પંપાળતાં મને કહ્યું :
'કરડશે નહિ, ચાલો. હું એની પાછળ પાછળ ડાઘિયા સામે ડરથી અને આત્મવિશ્વાસથી જોતો શેઠના બંગલા પાસે પહોંચ્યો. ડાઘિયો નોકરાણીની સાથે જ લાડ કરતો ચાલતો હતો.
મેં બેશરમ થઇને નોકરાણીને વિનંતી કરી.
એ સહેજ હસી : 'કોઇને કરડે તેવો નથી. અજાણ્યાને જ ભસે છે.'
'પણ ભસવાનું મૂકીને કરડવા દોડે તો ?'
બાઇ મારી ભીરુતા જોઇ મલકી. મને કહે : 'ચાલો ઠેઠ મૂકી જઉં.'
શેઠના બંગલાના બારણા સુધી એ મૂકી ગઈ. મને હાશ થઈ.
હજી સુધી ધર્મરાજાના વંશજ - જમરાજાનો ડર મનમાંથી ગયો નથી.
કૂતરાનો - સ્વજનોનો ય ડર કેવો લાગે છે તે છાપામાં સમાચાર પરથી જાણ્યું.