Get The App

ઓળખાણ આફતની ખાણ છે ?

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
ઓળખાણ આફતની ખાણ છે ? 1 - image


એક વાર બસમાં મુસાફરી કરતાં ટિકિટચેકરને પૈસા આપવા માટે મારી પાસે પાંચસોની નોટ હતી. મેં એની સામે નોટ ધરી એટલે એ ઘુમરાયો : 'તમે હજી બસના પહેલા ફેરામાં પાંચસોની નોટ ક્યાં કાઢો છો ? મારી પાસે પાંચસોના છૂટા નથી. બસો રૂપિયા છૂટા આપો.'

'મારી પાસે ય છૂટા નથી.' મેં જરા કચવાઇને કહ્યું : 'તમારે પેસેન્જરોને આપવા માટે છૂટા રૂપિયા રાખવા જોઇએ ને ! એ તમારી ફરજ છે.' કંડકટર ધૂંધવાયો : 'મહેરબાન ! મને સવાર સવારમાં મારી ફરજ ના સમજાવો. લાવો પાંચસોની નોટ. ટિકીટના વધેલા પૈસા ટર્મિનસ પર માગી લેજો.'

કંડકટરે તો ખીજમાં મને આફતનું પડીકું વળગાડવા માંડયું. હું મૂંઝાયો. ટર્મિનસ પર હું ક્યારે પૈસા લેવા જઉં ? વધેલા પૈસા લેવાનું ભૂલ્યા તો પૈસા ગયા ! બસ કંડકટર ઓછો યાદ કરાવવાનો હતો !

હું ઝઘડાખોર ઉતારુઓમાંનો નહોતો. મારી મૂંઝવણ વધી ગઇ. આસપાસના કોઇ ઉતારુ પાસેથી પાંચસોના છૂટા મળી જાય તો !

પણ પાંચસોની ઢગલાબંધ ખોટી નોટો બજારમાં ફરતી હોય ત્યારે કયો અભાગિયો પાંચસોની નોટ હાથમાં ઝાલે ? કંડકટર મારી સામે ઘૂરકિયા કરતો બીજા ઉતારુઓ પાસે ટિકિટ માટે પહોંચી ગયો.

હું આ અણધારી અકળાવી મૂકનારી પરિસ્થિતિમાં ફાંફા મારતો રહ્યો.

પંદરેક મિનિટ પછી કંડકટર ટિકિટોનું વિતરણ કરીને પાછો મારી પાસે આવ્યો. આશાભર્યા મુખે પૂછ્યું.. 'છૂટા રૂપિયા મળ્યા ?'

જવાબમાં એણે ખભે લટકાવેલું પર્સ દેખાડીને જરાતોરમાં કહ્યું : 'બધી દસ દસની ને વીસ વીસની નોટો છે. એ બધી તમારે માટે ગણવા બેસું કે ધંધો કરું ?'

એ ડ્રાયવરની સીટ પાસે મિજાજથી જતો રહ્યો. થોડીવારે અચાનક મારું નસીબ ખૂલ્યું. મારી બેઠકોની હરોળમાં બારી પાસે કોઇ સજ્જન બેઠા હતા. તેમણે મને ધીમેથી સાદ કર્યો : 'તમારી પાંચસોની નોટ લાવો. મારી પાસે છૂટા સો સોની થોડી નોટ છે.'

હું હરખાઇ  ઊઠયો. આભારની દ્રષ્ટિથી મેં એમની સામે જોયું.

એમણે હાથ લંબાવ્યો. મેં એમના હાથમાં પાંચસોની નોટ મૂકી.

એમણે પાંચસોની નોટ જોતાં જ સ્વીકારી લઇને મને સો સોની પાંચ નોટો ગણી આપી. મારું મન એમના પ્રત્યે કૃતજ્ઞાતાથી ભરાઇ ગયું.

મેં આભાર માનતાં સહેજ પૂછ્યું : 'તમે મને ઓળખો છો ?'

'સહેજસાજ' એમણે સહજ ભાવે કહ્યું. મને એ સહજસાજ પણ કેવી રીતે ઓળખે તેની મને નવાઇ લાગી.

ઓળખાણ આફતની ખાણ કોણે કહી ? અમે સહજસાજ વાત શરૂ કરી.

અમે બંને દસ માળી ફ્લેટમાં રહેતા હતા. ફ્લેટને સાતમે માળે એ રહેતા હતા. હું પાંચમે માળે રહેતો હતો.

ઓફીસે જતાં એ લિફ્ટમાંથી ઊતરતાં લિફ્ટ પાંચમે માળે આવે ત્યાં અમે પરસ્પર જોઇએ પણ અમારી ભાષા મૌનની !

પ્રવાસી બસમાં અકસ્માત જરાક વાતનો વહેવાર થયો. એમના વિશે થોડી વિગત પછી. એમણે ય મારી સાથે થોડી ..... - વાક્યોની આપ-લે કરી.

એ પ્રસંગ પત્યા પછી અમે લિફ્ટમાં અને નીચે ઊતર્યા પછી પરસ્પર સ્મિત વેરતા, અને એમ કરતાં ચાલતા ચાલતા વાતચીત થતી.

એમાંથી અમારી ઓળખાણ વધી.

મેં કહ્યું : 'હું પોતે ફ્લેટમાં રહું છું પણ અમારી લાઇનમાં રહેતા કોઇને ય ઓળખતો નથી. બધાંના ફ્લેટનાં બારણાં જ બંધ હોય છે.'

'મારું ય એવું છે.' એમણે કહ્યું : 'કોઇ સાથે ઓળખાણ કરવામાં મને જરા સંકોચ થાય છે. કેટલાક ઓળખાણ વધતા જ એનો લાભ લેવાની તક શોધે છે. એમની વાત કદાચ અનુભવે સાચી હશે. એમને માટે ઓળખાણ આફતની ખાણ બની હોય.'

પણ મને સમજાઇ ગયું કે બધી ઓળખાણ આફતની ખાણ હોતી નથી. ક્યારેક એ જ્યાફતની ઓળખાણ પણ બની રહે છે.

Tags :