Magazines

આજનો માનવી કાંટા જેવો બની ગયો છે!

By GS TEAM
30 Dec 20252 mins read
આજનો માનવી કાંટા જેવો બની ગયો છે!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

એ ક સમર્થ સમ્રાટના ત્રણ દરબારીઓએ મોટી ભૂલ કરી. ત્રણેય દરબારીઓને સમ્રાટ સમક્ષ હાજર કરવામાં આવ્યા. ત્રણેયનો અપરાધ સરખો હતો, પરંતુ સહુના આશ્ચર્ય વચ્ચે સમ્રાટે ત્રણેયના જુદી જુદી સજા ફરમાવી.

એક દરબારીને પાંચ વર્ષની કારાવાસની સજા કરી. બીજાને દેશનિકાલ આપ્યો, જ્યારે ત્રીજા વિશે સમ્રાટે માત્ર એટલું જ કહ્યું,

'તમારી પાસેથી મેં આવી અપેક્ષા કરી રાખી નહોતી. તમારે માટે મારા દિલમાં ઊંડો આદર હતો.' ગુનો સરખો, પણ સજા જુદી, એથી ય વિશેષ તો આ સજાનું પરિણામ પણ જુદું આવ્યું.

પાંચ વર્ષની કેદ પામેલો દરબારી કારાવાસમાં દોસ્તોની મંડળી જમાવીને આનંદથી રહેવા લાગ્યો. એને કારાવાસ સહેજે કઠિન ન લાગ્યો. બીજાને દેશનિકાલ મળ્યો, તો એણે પરદેશમાં જઈને વેપાર શરૂ કર્યો, પણ ત્રીજાની દશા ઘણી વિચિત્ર થઈ. એને કોઈ સજા થઈ નહોતી, છતાં અંતરમાં એ પોતાની ભૂલને કારણે સતત રીબાતો હતો.

મનોમન એ વસવસો કરતો કે મારે માટે સમ્રાટને કેટલો બધો આદર હતો ? મને કેવો બધા ખાનદાન માનતા હતા અને મેં આવું કર્યું ! બીજાને સજા કરી અને મને માફ કરી દીધો !

એનો પ્રશ્ચાત્તાપ વધવા લાગ્યો. ભીતરમાં આકરી સજા ભોગવતો હતો. એણે મનોમન નક્કી કર્યું કે મારે સારા માનવી બનવું જોઈએ. મારા વિશેની અપેક્ષાઓને અનુરૂપ 

થવું જોઈએ. બન્યું એવું કે આ પશ્ચાત્તાપને કારણે આ ગુનેગાર દરબારીનું એક અદના સજ્જનમાં પરિવર્તન થયું. એ સેવાકાર્યો કરવા લાગ્યો. બીજાઓને મદદ કરવા ખડે પગે ઊભો રહેવા લાગ્યો.

આનો અર્થ જ એ કે જે માનવીના શુભ તત્વો પર નજર રાખે છે એનું શુભતત્વ અચૂક મહોરી ઊઠે છે. બીજી વ્યક્તિમાં અશુભ તત્વ જોનાર અને એની ટીકા કરનાર એના પોતાના અશુભ તત્વને જ વધુ બહાર લાવે છે.

આજનો માનવી કાંટા જેવો બન્યો છે. વધુને વધુ સાંકડો થતો ચાલ્યો છે. બીજી વ્યક્તિ પર વિશ્વાસ કરવાને બદલે અવિશ્વાસથી આરંભ કરે છે. સામી વ્યક્તિને શ્રદ્ધાથી જોવાને બદલે શંકાથી જુએ છે. આને કારણે અશુભ ફુલીફાલી ઊઠયું છે અને શુભતત્વને શોધવા જવું પડે છે.