Get The App

જેવા આપણે, એવું છે આ જગત .

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
જેવા આપણે, એવું છે આ જગત                             . 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

એ ક સ્ત્રીને અહંકાર જાગ્યો. એને થયું કે મારો દેહ કંઈ સ્થૂળ કે ભૌતિક નથી, પરંતુ મારો દેહ તો અતિ દિવ્ય છે.

અહંકાર વકરે એટલે માનવીને પાગલ બનાવી દે. એ નારી પાગલ બની ગઈ અને માનવા લાગી કે એની કાયા અત્યંત દિવ્ય છે, અલૌકિક છે. આ લૌકિક અને ભૌતિક જગતમાં એના જેવો દેહ બીજી કોઈ સ્ત્રી ધરાવતી નથી.

આ પાગલ નારી રાત-દિવસ પોતાની કાયાની સારસંભાળ લેવા લાગી. શરીરને દિવ્ય માની સાચવવા લાગી.

એનાં સગા-સ્નેહીઓ માટે એનું પાગલપન પ્રશ્નરૂપ બની ગયું. એને આવા ખ્યાલમાંથી મુક્ત કઈ રીતે કરાવવી ? દિવ્ય, ભવ્ય કે ભગવાન હોવાનો ખ્યાલ પણ માનવીના પાગલપનમાંથી જન્મે છે.

આખરે એક તરકીબ શોધી કાઢી. એક વિશાળ અરીસો લાવવામાં આવ્યો. એ નારીને અરીસામાં એના દેહનું પ્રતિબિંબ જોવા કહ્યું.

અરે ! આ શું ? જે દેહને એ દિવ્ય અને અદ્ભુત માનતી હતી, એ દેહ તો અન્ય સહુ કોઈના જેવો જ છે. જે શરીરને એ અલૌકિક માનતી હતી, એ શરીર સહુ કોઈના જેવું જ છે.

એના ક્રોધની સીમા રહી નહીં. એણે પથ્થર ઉઠાવીને દર્પણ પર ફેંક્યો. દર્પણના ટુકડે ટુકડા થઈ ગયા, છતાં એનો ગુસ્સો શમ્યો નહીં. એ ટુકડાઓને લઈને એના ચૂરેચૂરા કરવા માંડી.

કોઈએ એ પાગલ સ્ત્રીને અટકાવી. એને કહ્યું કે હવે દર્પણ તૂટયા પછી એના આમ ચૂરેચૂરા કરવાનો શો અર્થ ?

પાગલ સ્ત્રી ચીસ પાડીને બોલી ઊઠી,

'અરે ! આ દર્પણ તો મારા શરીરને ભૌતિક બનાવી દે છે. હું આવી નથી, હું તો દિવ્ય દેહધારી અલૌકિક નારી છું અને આ દર્પણ તો મને સામાન્ય સ્ત્રી ઠેરવે છે.'

હકીકતમાં દર્પણ જ વ્યક્તિનું સાચું રૂપ બતાવે છે. વ્યક્તિ જેવી હોય તેવું જ તેનું પ્રતિબિંબ દર્શાવે છે. માનવી જેવો હોય એવી જ એને દુનિયા લાગશે. એ પ્રપંચી હશે તો જગત એને તરકટી લાગશે. એ લુચ્ચો હશે તો દુનિયા સ્વાર્થી દેખાશે. એ પાપી હશે તો દુનિયા પાયમાલ થઈ ગયેલી લાગશે. એ પુણ્યશાળી હશે તો જગત સજ્જનોથી ઉભરાયેલું દેખાશે.

જેવા આપણે હોઈએ તેવું જગત દેખાય. માણસ પોતાની જાતને ઓળખ્યા પછી જ જગતને સાચા સ્વરૂપે જાણી શકે છે.