આંતરસંવાદના અભાવે વિસંવાદ જ મળે છે!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ગો પાલકૃષ્ણ ગોખલે લેખ લખતા હતા. એમની બાજુમાં એમનો નાનો દીકરો લેસન કરતો હતો. લખતાં લખતાં શાહી ખૂટી ગઈ. ગોખલેજીએ દીકરાને કહ્યું, ''બેટા, ખડિયો લઈ આવ તો.''
એમનો દીકરો ખડિયો લાવ્યો. ગોખલેજી લખવામાં મશગૂલ હતા. એમણે હાથ લાંબો કર્યો, પણ વાત વિપરીત બની.
એમના દીકરાએ ખડિયો એમના હાથમાં આપ્યો, પણ લખવામાં પરોવાયેલા ગોખલેજી પોતાના હાથમાં એને બરાબર પકડે એ પહેલાં હાથ છોડી દીધો. ખડિયો ગાલીચા પર પડયો, શાહી બધી ઢોળાઈ ગઈ અને ખડિયો ફૂટી ગયો. નાના બાળકે આ જોયું અને ડરી ગયો. ડરનો માર્યો થરથર ધૂ્રજવા લાગ્યો. એને એમ કે હમણાં પિતાજીનો માર ખાવો પડશે.
ગોખલેજીએ પૂછ્યું, ''બેટા, ખડિયો કેવી રીતે પડી ગયો ?''
દીકરાએ કહ્યું, ''પિતાજી, હું આપના હાથમાં એ બરાબર આપી શક્યો નહિ તેથી.''
ગોખલેજીએ એને ટપલી મારીને કહ્યું, ''ના, એમ ન કહે. મેં બરાબર ખડિયો પકડયો નહોતો તેથી.''
બાળકે ફરી કહ્યું, ''ના, ના, પિતાજી ! ના, એવી વાત નથી, ભૂલ મારાથી જ થઈ.''
મહાનુભાવ ગોખલેએ ફરી કહ્યું,
''ના, ના, મારું મન લેખમાં રોકાયેલું હતું અને બેધ્યાનપણે જ ખડિયો પકડવા ગયો. ખડિયો પકડવા મારે મારું ચિત્ત એ તરફ રાખવું જોઈતું હતું. મેં મારી ફરજનું સરખી રીતે પાલન ન કર્યું, ભૂલ તારી નહિ પણ મારી છે.''
માનવીનું ચિત્ત અન્યના દોષો શોધવામાં જ પોતાના દોષોનો વિચાર કરી શકતું નથી.
એને ક્યારેક તો બીજાની ખામી જોવાની જ આદત પડી જાય છે. સમય જતાં એ અન્યની ખામીને પોતાનો આગવો ગુણ માનવા લાગે છે અને જાણે પોતાનો ગુણ પ્રદર્શિત કરતો હોય એ રીતે બીજાની ખામીની વાત કરતો હોય છે.
ખામી શોધવાને કારણે જ માણસ આત્મદર્શનની પ્રક્રિયાથી ઘણો આડો ફંટાઈ જાય છે. બીજાની જાતને જોવા જતાં પોતાની જાત સાવ અજાણી રહી જાય છે.
પોતાની જાતને જાણવા એકાંત જોઈએ. પોતાની જાતને સમજવા આંતરસંવાદ જોઈએ. આજનો માનવી આવા આંતરસંવાદથી ઘણો વેગળો થયો છે અને તેથી જ એને વિસંવાદ સર્જવામાં વધુ આનંદ આવે છે.








