Magazines

ગરીબાઈ ધનમાં નહીં, પણ મનમાં વસે છે!

By GS TEAM
24 Jun 20252 mins read
ગરીબાઈ ધનમાં નહીં, પણ મનમાં વસે છે!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

શ હેરની બહાર આવેલા જંગલમાં એક સંતપુરુષ પધાર્યા હતા. ગામ લોકો અત્યંત ભાવથી એમના દર્શન કરવા જતા હતા.

આ સંતના પ્રભાવની કેટલીય વાતો શહેરના રાજવીએ સાંભળી. કોઈ કહેતું કે, 'આ સંત તો મનના મસ્ત બાદશાહ છે. એમને જગતની કશી પરવા નથી.'

કોઈ કહેતું કે 'આ સંતની વચનસિદ્ધિ એવી છે કે એ જે કંઇ બોલે તે ફળે છે. એમના આશીર્વાદથી અપાર સુખની પ્રાપ્તિ થાય છે.'

રાજાએ સંત વિશે આવી કેટલીય વાતો સાંભળી, તેથી સંતના દર્શને જવાનો વિચાર કર્યા. ઘનઘોર જંગલમાં આ સંત કમર પર એક લૂંગડું વીંટાળીને બેઠા હતા.

રાજાએ વિચાર કર્યો કે લોકો પણ કેવા પાગલ છે ! જેના શરીર પર એક સારું કપડું નથી. અરે ! પૂરું શરીર ઢાંકવાનાં વસ્ત્રો નથી, એ મસ્તીનો બાદશાહ કહે છે ! અરે ! મારા જેવા રાજાને રોજ બત્રીસ પકવાન મળે અને આ બિચારાને એક પકવાનનાય ફાંફા છે !

રાજાને લોકોની મૂર્ખામી અને સંતની ગરીબી પર દયા આવી. એમણે સંત પાસે જઇને નમસ્કાર કર્યા તેથી કહ્યું,

'આજે રાજા ખુદ સામે ચાલીને તમારે આંગણે આવ્યો છે. તમારું દારિદ્ર ફેડવા આવ્યો છું.'

સંતના ચહેરા પર સ્મિત ફરકી રહ્યું. એ જોઇને રાજાએ કહ્યું, 'મારા રાજ્યમાં મેં ગરીબોને જોયા હતા, પણ આપના જેવો કોઈ ગરીબ મેં જોયો નથી.'

'આવી હાલત હતી તો મને કોઇના દ્વારા કહેવડાવવું હતું ને. ખેર ! આ લો કિંમતી વસ્ત્રો અને થોડી સોનામહોર.'

સંત બોલ્યા, 'રાજન ! મારે આવી કોઈ જરૂર નથી. આ બધું તમે પાછું લઇ જાવ. તમારી લાગણી માટે હું આભારી છું.' રાજાને સંતની વાત પસંદ પડી નહીં. પણ કરે શું ? રાજાએ સંતને કહ્યું.

'ખેર ! આપને ન સ્વીકારવું હોય તો આપની મરજી હું તો તમારા આશીર્વાદ લેવા આવ્યો હતો. મને આશીર્વાદ આપો.'

સંતે પૂછ્યું, 'રાજન્ ! તમને કયા આશીર્વાદ આપું ?'

રાજા બોલ્યો, 'હજી મારી ઘણી ઇચ્છાઓ અતૃપ્ત રહેલી છે. વિશાળ રાજ છે પણ હજી એટલું જ બીજું રાજ જીતવું છે. ધન-વૈભવ છે પણ હજી વધારે ઐશ્વર્ય મેળવવું છે, તમારી પાસે એના આશીર્વાદ માગું છું, તમે ભલે ગરીબ હો પણ સંત છો ને.'

સંત ખડખડાટ હસી પડયા અને બોલ્યા, 'રાજન ! ગરીબ કોણ કહેવાય ? જે માંગે તે ભિખારી. જે કશું ન માંગે તેને ગરીબ કેમ કહેવાય !'

ઐશ્વર્યની યાચના કરનારો રાજવી ગરીબીની વ્યાખ્યાના વિચારમાં ડૂબી ગયો.

જે માનવી સતત માગતો રહે છે તે મનથી ગરીબ રહે છે. તૃષ્ણાને કારણે એ ભીખ માંગતો ભિખારી રહે છે.

જીવનનું સત્ય જે પામે છે તેને સર્વસ્વ મળી જાય છે. જીવનનું રહસ્ય જે જાણે છે તેને રળવાનો અભરખો રહેતો નથી. ગરીબાઈ ધનમાં નથી. વસ્ત્ર કે વાનગીમાં નથી. માનવીના મનમાં વસે છે.