Magazines

'હું' નો પરાજય કરીએ કે 'હું' નો વિજય મેળવીએ !

By GS TEAM
23 Dec 20252 mins read
'હું' નો પરાજય કરીએ કે 'હું' નો વિજય મેળવીએ !

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

જમાનાના બે મહાન સંતનો અણધાર્યો મેળાપ થયો.

એક સંત સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા. એમનો વિશાળ શિષ્ય-સમુદાય હતો. કેટલાય લોકો એમના ઉપદેશને અનુસરતા હતા.

નવાઈની વાત એ હતી કે આ બંને સંતોની ઉપદેશ પરસ્પરથી તદ્દન વિરુદ્ધ હતો. એક સંત જે વાત કહે તેનાથી સાવ જુદી જ વાત બીજા સંત કહેતા હતા. એમના વિચારો એકબીજાથી બિલકુલ વિરુદ્ધ હતા.

એક વાર આ બંને સંતની મુલાકાત થઈ. પરસ્પરને ભેટી પડયા અને નિરાંતે આત્મજ્ઞાનની વાતો કરવા લાગ્યા.

પહેલા સંતે પૂછ્યું, 'હે મહાનુભાવ ! આપ તો પરમ જ્ઞાની છો. આપે જીવનભર સત્યની શોધ કરી છે. તમારા આધ્યાત્મિક અનુભવોનું નવનીત શું ?'

બીજા સંતે ઉત્તર વાળ્યો, 'બસ, મે ંતો જીવનભર 'હું' ને ખોવાનો જ પ્રયત્ન કર્યો. મારા 'હુ' ને ધીરે ધીરે પણ સતત હારતો ગયો. હવે 'હું' છે જ નહીં, માત્ર 'તું' જ છે. મને ક્યાંક 'હું' દેખાતો જ નથી. બધે 'સર્વ' જ દેખાય છે. 'હું' ને ઓગાળીને એની (ઇશ્વરની) જ મરજી પ્રમાણે જીવ્યા કરવું એ કેવી મજા ! આ વિશે તમારો અનુભવ શું છે ?'

આનો ઉત્તર આપતાં સંતે કહ્યું, 'ઓહ ! મારો અનુભવ ! બસ, હું તો માત્ર 'હું' નો અનુભવ કરું છું. 'હું' સિવાય બીજું કશું નથી. હું જ સૃષ્ટિને બનાવું છું. એવા 'હું' ના વિજયમાં કેટલો બધો આનંદ છે. એ 'હું' માં જ સર્વસ્વનું નિગરણ કરી દઉં છું ને 'અહં બ્રહ્માસ્મિ'નો અનુભવ કરું છું.'

આ બંને સંતના શિષ્યો સાવ 

વિરોધી વાત સાંભળીને મૂઝવણમાં પડી ગયા. એક 'હું' ને પરાજિત કરતો ગયો અને બીજો 'હું' પર વિજય મેળવતો ગયો. કેવો વિરોધ !

બંને સંતોએ પોતાના અનુભવનું નવનીત કહ્યું અને એકબીજાને પ્રેમથી ભેટી પડયા. બંને બોલી ઊઠયા, 'ઓહ ! આપણા રસ્તા જુદા પણ સત્યોતો એક જ. આપણે બંને જુદા જુદા માર્ગોએ ચાલ્યા અને છતાં અનુભવ તો એકસરખો જ થયો.'

પરમાત્માને પામવાને માટે કાં તો 'હું' ની લીલા સમાપ્ત કરી દેવી જોઈએ અથવા તો 'હું' પર વિજય મેળવવો જોઈએ, જીતી લેવો જોઈએ. જે 'હું' ની લીલા સમાપ્ત કરી દે છે, એને જે પામવાનું હોય છે તે પામી શકે છે. જે થવાનું હોય છે તે થઈ જાય છે. 'હું' વિલીન થતાં આત્મામાં અદ્ભુત આનંદ પ્રગટે છે. ત્રીજા અર્થમાં 'હું' પર વિજય મેળવતાં સમગ્ર બ્રહ્માંડનો અનુભવ થાય છે અને એ દ્વારા માનવીને શાંતિ પ્રાપ્ત થાય છે.