ભગવાન બુદ્ધે કહ્યું કે હું જુદા પ્રકારની ખેતી કરું છું
ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ
મગધ રાજ્યના નાનકડા ગામમાં વસતા બ્રાહ્મણ ભારદ્વાજે એક ભોજન-સમારંભ યોજ્યો હતો. એના ખેતરમાં આકરી મહેનત કરીને ધાન્ય ઉગાડનારા ખેડૂતોને એ મિજબાની આપતો હતો. આ સમયે ભગવાન બુદ્ધ અહીંથી પસાર થતા હતા. એમણે આ દ્રશ્ય જોયું એટલે તેઓ ખેતરના છેડે ભિક્ષાપાત્ર લઈને ઊભા રહ્યા.
બ્રાહ્મણ ભારદ્વાજની આ ભિક્ષુક પર નજર પડી. એ ભગવાન બુદ્ધને જાણતો નહોતો. એણે તો વિચાર્યું કે ક્યાં રાત-દિવસ પરસેવો પાડીને કામ કરતા આ ખેડૂતો અને ક્યાં આ તૈયાર ભોજન આરોગતા ભિક્ષુઓ ! ન એમને કશું વાવવાનું છે કે ન કશું લણવાનું છે ? એમને તો માત્ર તૈયાર ભોજન ઉડાવવાનું છે.
બ્રાહ્મણ ભારદ્વાજે ભિક્ષાપાત્ર લઈને ઊભેલા ભગવાન બુદ્ધને કહ્યું, ''અમે તો મહેનતનું રળી ખાનારા છીએ. ધોમધખતા તાપમાં ખેતર ખેડું છું. મુશળધાર વરસાદ વચ્ચે વાવણી કરું છું અને કડકડતી ઠંડીમાં લણણી કરું છું. રાત-દિવસ ખેતીનું ધ્યાન રાખું છું અને એમાંથી ઊગેલા અનાજથી મારો નિર્વાહ ચલાવું છું. તમે આવી કોઈ મહેનત કરતા નથી અને માત્ર ભિક્ષા માગતા ભટકી રહ્યા છો.''
ભગવાન બુદ્ધે હસીને કહ્યું, ''ભાઈ, હું પણ ખેતી કરું છું. માત્ર તારાથી થોડી જુદા પ્રકારની.''
આ સાંભળીને બ્રાહ્મણ ભારદ્વાજ ખડખડાટ હસી પડયો, ''તમે અને ખેતી ? તમે તો ખેડવાને બદલે ચાલો છો. વાવવાને બદલે યાચના કરો છો અને લણણી કરવાને બદલે અમારી સમક્ષ ભિક્ષાપાત્ર ધરો છો. તમે તે વળી ક્યાંના ખેડૂત ? નથી તમારી પાસે હળ કે નથી કોઈ ઓજાર. છે માત્ર ભિક્ષાપાત્ર. તમારી ખેતી તે વળી ક્યા પ્રકારની ?''
ભગવાન બુદ્ધે કહ્યું, ''પ્રજ્ઞાા એ મારું હળ છે. પાપભીરુતા એ હળનો વચલો દાંડો છે. મનરૂપી દોરાથી તે હળ બાંધેલું છે. સ્મૃતિ એ મારા હળનું ફળુ છે. અને એ જ મારી ચાબુક છે. મારો ઉત્સાહ એ મારા બળદ છે. શ્રદ્ધા એ બીજ છે. તેના પર સદાચરણ રૂપી વર્ષા થાય છે. મારી ખેડની દિશા એ નિર્વાણ છે.
મારી ખેતી એ સર્વ દુ:ખથી મુક્ત કરીને અમૃતફળ આપનારી છે.'' બ્રાહ્મણ ભારદ્વાજ સંતોની ખેતીને સમજ્યો. એ તરત જ મોટી થાળીમાં દૂધની ખીર લઈને આવ્યો અને કહ્યું, ''હે ભગવન્ ! આપ આ ખીરનો સ્વીકાર કરો. હું તો જમીનની ખેતી કરું છું. આપ તો માનવમનમાં પુણ્યની ખેતી કરો છો.''
ભગવાન બુદ્ધે કહ્યું, ''હે ભારદ્વાજ ! મને ભિક્ષા આપવામાં તને સંશય જાગ્યો, માટે આજે તારી આ ભિક્ષા નહીં સ્વીકારી શકું. તું અન્ય કોઈ સંતને એનાથી સંતૃપ્ત કરજે.''
આજે સમાજમાં સાધુ-સંતોની ટીકા કરવાની એક ફેશન ચાલી છે. ક્યાંક થોડોક સડો હોય તો આખા સાધુ સમાજને સડેલો બતાવવાની રીત ચાલી છે. આ દેશની સંસ્કૃતિને ટકાવી રાખનારું બળ સાધુ-સંતો હતા અને છે. માટે ખોટા સાધુને ખુલ્લા પાડીને સાચા સાધુનો સત્સંગ કરવો જોઈએ. ભગવાન બુદ્ધે બ્રાહ્મણ ભારદ્વાજને અંતિમ વાક્ય એ કહ્યું કે, ''સાધુ-સંત એ પુણ્યનાં ખેતરો છે.''