મહાકવિ માઘે પોતાનો લોટો ગુમાવ્યો !

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
સં સ્કૃત સાહિત્યના મહાકવિ માઘ. એક દિવસ નદી કિનારે સ્નાન કરવા ગયા. કવિ કોઈ અનોખી પ્રેરણામાં ડૂબી ગયેલા હતા. કોઈ કલ્પનામાં એમનું ચિત્ત ખૂંપી ગયેલું હતું. આથી સ્નાન કરવા માટે હાથમાં રાખેલો લોટો પણ અવરોધરૂપ લાગ્યો. વળી મનમાં થયું કે આવતી કાલે સ્નાન કરવા આવીશ, ત્યારે વળી ફરી લોટો લઈને આવવું તો પડશે.
મહાકવિ માઘે એક ખાડો ખોદ્યો. એમાં લોટો મૂક્યો અને ઉપર નદીની રેતનો ઢગલો કર્યો.
આજુબાજુ સ્નાન કરવા આવેલા સહુ કોઈ આ મહાકવિની વિચિત્ર રીત જોઈને વિચારમાં પડયા. એમને સમજાયું નહિ કે કવિરાજ આવું કેમ કરે છે ? વળી વિચારવા લાગ્યા કે આવા મહાન કવિ જે કરે તેની પાછળ જરૂર કોઈ ગૂઢાર્થ રહેલો હશે. આથી બીજા લોકો પણ સ્નાન માટે લાવેલ લોટો ખાડો ખોદીને દાટવા લાગ્યા અને ઉપર રેતનો ઢગલો કરવા લાગ્યા.
બીજે દિવસે મહાકવિ માઘ સ્નાન માટે આવ્યા. પોતાનો લોટો શોધવા લાગ્યા પરંતુ ક્યાંય એમને લોટો મળ્યો નહીં. બીજા પચાસેક લોટા મળ્યા. બધા ઉપર રેતીનો ઢગ હતો. પરંતુ મહાકવિને પોતાનો લોટો જડયો નહિ.
આથી હતાશ થઈને મહાકવિ માઘ બોલી ઊઠયા.
'ગતાનુગતિકો લોક:
ન લોક: પરમાર્થિક:
ગંગાયા બાલુકા મધ્યે
ગતં મે તામ્રભાજનમ'
એટલે કે લોકો ગતાનુગતિક હોય છે, પાછળ ચાલનારા હોય છે, એમના અનુકરણને કારણે મેં મારો લોટો ગુમાવ્યો.
આજ ધર્મ અને જીવનની ઘણી માન્યતાઓમાં આવી ગતાનુગતિક ઊડીને આંખે વળગે છે. વર્ષોથી ચાલી આવતી રૂઢિનું એમ ને એમ પાલન કરવાની વૃત્તિ જોવા મળે છે. ક્રિયા કે રિવાજનો મર્મ પારખવાને બદલે એનું અનુસરણ વિશેષ જોવા મળે છે.
એક સમયે જીવનની શૈલી અને ક્રિયાઓના ભાવ એકસાથે જોડાયેલાં હતાં. જીવનની શૈલી હવે સદંતર બદલાઈ ગઈ. જ્યારે ક્રિયાઓ એની એ જ રહી. આવી સમજણ વગરની ક્રિયાઓ પાછળ માનવી માત્ર ધનનો વ્યય જ કરતો નથી. બલ્કે જિંદગીના કીંમતી સમયને વેડફી નાખે છે. ગતાનુગતિકતા એ માત્ર અનુસરણ નથી પણ આંધળુ અનુકરણ બને છે, જે સમય જતા માનવીના જીવનને રૃંધી નાખે છે.
સમાજના જે રિવાજો માનવીને માટે હતા તે રિવાજો માટે આજે માનવી હોય એવું લાગે છે. જે ક્રિયાઓ ધર્મની ભાવનાઓ જગાડવા માટે હતી એ ભાવનાઓ ક્યાંક ચાલી ગઈ અને માત્ર જડ ક્રિયાનું અનુસરણ જ જોવા મળે છે.









