Magazines

આંતરજગતની દુનિયા સાવ અનોખી છે!

By GS TEAM
16 Jun 20262 mins read
આંતરજગતની દુનિયા સાવ અનોખી છે!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

સં સારમાં ઘણાં ભૂલો હશે, પણ મિથિલાના રાજા કુંભના બાગનું એ ફૂલ અનુપમ હતું.

સુંદરીઓનો તો સંસારમાં તોટો નથી, પણ રાણી પ્રભાતીના કૂખે જન્મેલાં દીકરી મલ્લિકા રૂપમાં ને ગુણમાં અજોડ હતાં.

કુમારી મલ્લિકા યૌવન વય પામ્યાં, એટલે રૂપના સાગરમાં જાણે બાઢ આવી. જે જુએ તે મોહ પામે. સાકેતપુરનો પ્રતિશુધ રાજા, ચંપાનગરીનો ચંદ્રછાય નૃપ, શ્રાવસ્તીનો રાજા રુક્મિ, વારાણસીનો ભૂપતિ શંખ, હસ્તિનાપુરનો અદીન ને છઠ્ઠો કાંપિલ્યપુરનો અજિતશત્રુ - આ સહુ કુમારી મલ્લિકાને વરવા પાછળ ઘેલા થઇ બેઠા, ને તન-મન-ધનની બાજી લગાવી બેઠાં.

અચરજ તો જુઓ ! વિવાહના મંડપમાં છ જણા માગણી મૂકનારા અને મહાકુમારી મલ્લિકા તો નૈષ્ઠિક બ્રહ્મચર્યનાં પિપાસુ. અંત:પુરના વિલાસમાં અંત:કરણ સાવ નિર્લેપ, જળકમળવત્.

પિતા ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા. દીકરી એવાં ડાહ્યાં કે એને શીખ આપતાં પોતે શરમાય. રાજાઓ એવા કે હા-ના કરતાં બળતામાં ઘી હોમાય.

કુમારી મલ્લિકાએ કહ્યું, 'આપ ચિંતા ન કરશો. હું એ સહુને મોક્ષકુમારી સાથે પરણાવીશ.'

ને મલ્લિકાએ ઉદ્યાનમાં એક છ ગર્ભગૃહવાળું સુવર્ણ મંદિર બંધાવ્યું. તેમાં હૂબહૂ પોતાના જેવી પ્રતિમા મુકાવી. અંદરથી પોલી રાખી ને મથાળે ઢાંકણું રાખ્યું.

મલ્લિકાકુમારી રોજ ભોજન કરે. એનો એક કોળિયો એ મૂર્તિના પોલા 

ઉદરમાં નાખે. રોજ એક એક કોળિયો સુવર્ણ પ્રતિમાના ઉદરમાં નાખવામાં આવ્યો.

આ તરફ બધા રાજાઓએ 'મલ્લિકા નહિ તો યુદ્ધ આપો.'નું એલાન આપ્યું. યુદ્ધની તૈયારીઓ થઇ ગઈ. સંસારનાંઘણાં યુદ્ધો મોહવશ લડાયાં છે.

એ વખતે તમામ ઉમેદવાર રાજાઓને મલ્લિકાકુમારીએ પોતાના ઉદ્યાન મંદિરમાં મુલાકાતે નોતર્યાં. રાજાઓ સમજ્યા કે ચમત્કારે નમસ્કાર થયા ! હવે કબૂલ થશે.

સહુ ઉદ્યાનમંદિરમાં હાજર થયાં.

એ વખતે સુવર્ણ પ્રતિમા જોઇને સહુ અંજાઈ ગયાં. પ્રતિમાને પ્રાણધારી માની એનાં રૂપગુણની પ્રશંસા કરવા લાગ્યાં. ત્યાં ધીરેથી પ્રતિમાનું મથાળું ખૂલી ગયું.

ભયંકર બદબૂનો એક ગોટો વાતાવરણને આવરી રહ્યો. રાજાઓને ઊલટી થવા જેવું લાગ્યું.

એ વખતે પ્રતિમાની પાછળથી કુમારી મલ્લિકા બહાર આવ્યાં ને બોલ્યાં, 'જે આમાં છે તે મારામાં છે. આ દેહ અસૂચિનો ગાડવો છે ને તમે કાક પંછની જેમ અસૂચિ પાછળ કેમ મરવા-મારવા તૈયાર થયા છો ? આંતરચક્ષુ ખોલો ને આંતરમનને ખોજો.'

કુમારી મલ્લિકાએ એ દિવસે જે ઉપદેશ આપ્યો, એના બળે સમરાંગણ અટકી ગયાં ને તમામ રાજાઓનાં આંતરચક્ષુ ઊઘડી ગયાં.

બાહ્ય ચક્ષુથી માનવી જગતને નીરખે છે. આંતરચક્ષુથી પોતાની ભીતરની દુનિયાને જાણે છે.

બાહ્ય જગતમાં જેમ ઘટનાઓ બનતી હોય છે તેવી જ ઘટનાઓ આંતરજગતમાં બનતી હોય છે. બાહ્ય જગતની ઘટના ઘણીવાર સ્મશાનવૈરાગ્ય બનેે છે, આંતરજગતની ઘટના જીવનને ઘાટ આપનારી બને છે.