Magazines

પ્રગટને જોનારને કદી પ્રાપ્તિ થતી નથી! .

By GS TEAM
10 Mar 20263 mins read
પ્રગટને જોનારને કદી પ્રાપ્તિ થતી નથી!                     .

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

એ ક યુવાન ઈશ્વરની શોધમાં ઠેર ઠેર ઘૂમતો હતો. સાધુસંતોની સેવા કરીને શાસ્ત્રોનું અધ્યયન કર્યું.

આ શોધમાં એને એક વૃદ્ધ સંન્યાસી મળી ગયા. યુવાને વૃદ્ધ સંન્યાસીને વિનંતી કરી કે એને એમની સાથે રાખે.

વૃદ્ધ સંન્યાસીએ એની વાતનો સ્વીકાર કર્યો, પણ એ યુવાન સાથે શરત કરી કે પોતે ગમે તે કરે, તો પણ પ્રશ્ન કરવો નહીં, કશું પૂછવું નહીં, માત્ર ધૈર્ય રાખીને જોયા કરવું. આવું ધૈર્ય રાખશે તો જ એને પોતાની સાથે રાખવા વૃદ્ધ સંન્યાસીએ તૈયારી બતાવી.

યુવાને શરતનો સ્વીકાર કર્યો. સાંજ ઢળી ત્યારે બંને એક નદી પાસે આવ્યા. સંન્યાસીઓને જોઇને એક નાવિકે આદરપૂર્વક પ્રણામ કર્યા અને એમને સેવા રૂપે નાવમાં બેસાડી સામે કિનારે લઇ ગયાં, પરંતુ વૃદ્ધ સંન્યાસી જ્યારે નાવમાં બેઠા હતા, ત્યારે નાવમાં કાણું પાડતા હતા.

આ જોઈને યુવક અકળાઈ ઉઠયો. એને થયું કે એક તો મફતમાં સેવાભાવથી નાવિક નાવમાં બેસાડે છે અને એના ઉપકારનો બદલો આવી રીતે અપકારથી કેમ આપે છે ?

યુવાન સાધુએ આ અંગે પૂછ્યું, તો તરત જ વૃદ્ધ સંન્યાસીએ કહ્યું કે, 'મારી કોઈપણ વર્તણૂક વિશે તારે પૂછવું નહીં એ શરત તું ભૂલી ગયો ? હવે એક જ રસ્તો છે કે કાં તો તને હું રહસ્ય કહું અને તારે મારી પાસેથી વિદાય લેવી અથવા તો તારી એક ક્ષતિ એક વાર માફ કરું.'

યુવાન સાધુ લાંબો સમય ધૈર્ય રાખી શક્યો નહીં. ફરી બીજે દિવસે આવી જ ઘટના બની.

 જંગલમાં રાજા અને એનો એકમાત્ર રાજકુમાર મળ્યા. રાજાએ સંન્યાસીનો આદરસત્કાર કર્યો. રાજાનો ઘોડો થોડો આગળ નીકળી જતાં વૃદ્ધ સંન્યાસીએ રાજકુમારને પકડીને એનો હાથ સાવ મચડી નાખ્યો.

યુવાન સાધુથી આ સહન ન થઇ શક્યું. એણે તરત પ્રશ્ન કર્યો કે, 'રાજાએ તમને આટલું માન આપ્યું અને તમે એના દીકરાનો હાથ વિના કારણે કેમ મચકોડી નાખ્યો ?'

વૃદ્ધ સંન્યાસીએ કહ્યું, 'તેં ફરી વાર શરત તોડી છે એટલે હવે મારે તને વિદાય આપવાની રહે છે, પરંતુ તારા બંને પ્રશ્નનો ઉત્તર હવે આપી દઉં. જઇને તપાસ કર કે જે નાવમાં આપણે બેઠા હતા એ નાવને નાવિક કિનારે મૂકીને એને ઘેર ગયો હતો. રાત્રે ડાકુઓ એ જ નાવનો ઉપયોગ કરીને સામે કિનારે આવેલા ગામમાં ધાડ પાડવા જતા હતા અને ડૂબી ગયા. એવી જ રીતે જંગલમાં મળેલો તે રાજા ઘણો ક્રૂર હતો, પણ રાજકુમાર તો એથી ય વધુ ક્રૂર અને ઘાતકી હતો. એ રાજ્યમાં એવો નિયમ છે કે સર્વ અંગો પૂર્ણ હોય એને જ રાજવી બનાવવો. રાજકુમારનો હાથ મચકોડી નાખ્યો એટલે હવે રાજા નહીં બને અને પ્રજા યાતનામાંથી ઊગરી જશે.'

યુવાન સંન્યાસી આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયો. વૃદ્ધ સંન્યાસીએ વિદાય આપતાં કહ્યું, 'એટલું યાદ રાખજે કે જે વ્યક્તિ માત્ર પ્રગટને જ જુએ છે તે સત્ત્વને પામી શક્તો નથી.'

સાચે જ માત્ર પ્રગટની ઉપાસના કરનારાઓએ આ જગતને ઘણા ઊંધા પાટા બાંધ્યા છે. જીવનના બે અર્થ હોય છે : એક પ્રગટ અને બીજો અપ્રગટ. માત્ર પ્રગટ અર્થને જ પકડનાર માનવી જેટલું દેખાય છે એટલું જુએ છે, પરંતુ જીવનનાં બધાં તથ્યોનો એક અપ્રગટ અર્થ પણ હોય છે.

પ્રગટ અર્થની પ્રાપ્તિ સહજ છે, અપ્રગટ અર્થની પ્રાપ્તિ કઠિન છે. એ જિંદગીનાં બધાં તથ્યોથી ઉપર અદ્રશ્ય રીતે રહેલો છે, જે અપ્રગટને પામે છે એ સત્ય સુધી પહોંચે છે.