Magazines

દુ:ખ એ માનવઆત્માની શુદ્ધિનું પ્રબળ સાધન છે!

By GS TEAM
9 Jun 20262 mins read
દુ:ખ એ માનવઆત્માની શુદ્ધિનું પ્રબળ સાધન છે!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

જો શુઆ લીબમન નામના એક જોશીલા અને આદર્શવાદી યુવક પાસે કેટલાય મનોરથ અને મહેચ્છા હતા. એક દિવસ એણે આવી એક યાદી બનાવી કે કઈ કઈ વસ્તુ પોતાના જીવનમાં મળે તો એ ધન્ય થઈ જાય. જે લોકોએ એમના જીવનમાં આ બધું મેળવ્યું હતું, તેમના તરફ એમણે અહોભાવ દાખવ્યો હતો. આમાં સ્વાસ્થ્ય, સુખ, સૌંદર્ય, સંપત્તિ જેવી ઘણી બાબતોનો સમાવેશ થતો હતો. જોશુઆ લીબમન આ યાદી લઈને એક વૃદ્ધની પાસે ગયો અને તેમને આ યાદી ચકાસી જવાનું કહ્યું. એણે કહ્યું કે આમાં જીવનની એકેએક પ્રાપ્ત કરવા યોગ્ય મહત્વની બાબતો આવી જાય છે. પેલા વૃદ્ધે આ યાદી વાંચીને કહ્યું કે આમાં જીવનમાં સૌથી વધુ સાર અને ઉપદેશ આપનારી બાબત તું ભૂલી ગયો છે.

જોશુઆ લીબમને ભારે તકેદારી રાખીને આ યાદી તૈયાર કરી હતી. કેટલાય દિવસો સુધી આ વિશે એણે વિચાર કર્યો હતો. પણ વૃદ્ધે કહ્યું કે આનો ખ્યાલ વિચારથી નહીં આવે, બલકે અનુભવથી આવે તેવો છે.

યુવાન જોશુઆ લીબમને સૌથી વધુ મહત્વની બાબત કઈ છે, તે જણાવવા વિનંતી કરી ત્યારે પેલા અનુભવી વૃદ્ધે કહ્યું કે જીવનમાં સૌથી વધુ મહત્વની બાબત દુ:ખ છે, જેના જેવો બીજો કોઈ શિક્ષક નથી.

માનવીને એના વ્યક્તિત્વના ગુણદોષની સાચી ઓળખ દુ:ખનું વિશ્લેષણ કરવાથી મળે છે. કદાચ એના જીવન પર આવેલા દુ:ખનું કારણ એનો ગુસ્સો, ક્રોધ કે કામવિકાર હોય અથવા તો કોઈ વહેમ કે વ્યસન હોય. આ રીતે દુ:ખના મૂળમાં જઈને એ જીવનનાં સત્યને શોધે છે.

'દુ:ખ સબકો માંજતા હૈ' એ કવિ અજ્ઞોયજીની પંક્તિ દુ:ખનું ગૌરવ દર્શાવે છે. દુ:ખ એ ગુણકારી ઔષધ છે. એ ઉગ્ર કે અપ્રિય લાગશે, પણ સાચી રીતે સમજનારને માટે ઉદ્ધારક બને છે. વ્યક્તિ સ્વસ્થ બને છે. સ્વસ્થ એટલે 'સ્વ'માં સ્થિર થવું. આવી સ્વસ્થતાથી જીવન પ્રત્યેનો એક ગંભીર દ્રષ્ટિકોણ એને પ્રાપ્ત થાય છે અને તેના વૈચારિક જગતની પ્રૌઢતા વધે છે. આ રીતે દુ:ખ એ માનવઆત્માની શુદ્ધિનું પ્રબળ સાધન છે.