Magazines

ઘડીભરની કેદ છે કે જીવનભરની? .

By GS TEAM
9 Dec 20252 mins read
ઘડીભરની કેદ છે કે જીવનભરની?                                 .

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

બા દશાહના ફરમાનનો એક ફકીરે વિરોધ કર્યો. કાચા કાનનો બાદશાહ આ વિરોધ સાંખી શક્યો નહીં. એના ગુસ્સાનો પાર ન રહ્યો. ક્રોધે ભરાઈને એણે ફકીરને જેલમાં પૂર્યો.

ફકીરનો એક મિત્ર એને કારાવાસમાં મળવા આવ્યો. સાથોસાથ એણે સૂફિયાણી સલાહ પણ આપી કે મફતની આ બધી માથાકૂટ રહેવા દે, તું તારે ખુદાની ખિદમત કર. આવી ઝંઝટમાં શા માટે પડયો ?

ફકીરે કહ્યું, 'જ્યારથી જીવનમાં પરમાત્માનો આભાસ થયો છે, ત્યારથી સત્ય સિવાય બીજું કશું સૂઝતું નથી. આ સત્યનો કોઈ વિકલ્પ રહ્યો નથી. ન તો અસત્યને સાંખી શકું છું, કે ન તો એની સાથે સમાધાન કરી શકું છું, વળી આ કેદ તો માત્ર ઘડીભરની જ છે ને ?'

જેલના ઉપરીએ ફકીર અને તેના મિત્ર વચ્ચેની વાતચીત સાંભળી એણે જઈને બાદશાહને કહ્યું કે ફકીર તો લેશમાત્ર નમતું જોખવા તૈયાર નથી. એ તો એમ માને છે કે આ કેદ માત્ર ઘડીભરની જ છે.

આ સાંભળીને બાદશાહ વધુ ક્રોધે ભરાયો. એણે કહ્યું,

'જાવ, એ પાગલ ફકીરને કહી દો એને કે ઘડીભરની કેદ નથી, પરંતુ જીવનભરની કેદ છે.'

ફકીરે બાદશાહનો હુકમ સાંભળ્યો ત્યારે એ જોરજોરથી હસવા લાગ્યો અને બોલ્યો, 'મારા પ્યારા બાદશાહને કહી દેજો કે શું જિંદગી ઘડીભરથી વધારે સમયની છે ખરી ?'

ફકીરના આ જવાબમાં જીવનનું સત્ય પામવાનો પ્રયાસ હતો. જે જીવનને સનાતન માને છે, 

એ જીવનને વેડફી નાખે છે. જે જીવનમાં મરણને જોતો નથી, તે સાચું જીવન જીવતો નથી.

બાદશાહ વિચારમાં પડયો. ફકીરની વાત એના દિલમાં વસી ગઈ અને એને કારાવાસમાંથી મુક્ત કર્યો. એય હકીકત છે કે જીવન એ તો આજ આવ્યું ને કાલ જશે, પરંતુ જીવનને સદાકાળ માનનારો ભૂલો પડેલો માનવી એને ક્યારેય સત્તાથી તો ક્યારેક સંપત્તિથી વીંટાળી દે છે. એને માટે જીવન એ જીવન રહેતું નથી. માત્ર સત્તા, સંપત્તિ કે ભોગવિલાસનું માધ્યમ જ રહે છે. જે આવી એક જ બારી ખોલીને જીવન ગુજારે છે એને જીવનભર જીવનનો મર્મ લાધતો નથી.

જે જીવનની 'ઘડીભરતા'ને જાણે છે, જે એની ક્ષણભંગુરતાને પારખે છે એ જ માનવીનું જીવન શાશ્વત જીવનનું આરંભબિંદુ બની શકે છે.