Magazines

કઈ સંપત્તિની ખોજ કરીએ! .

By GS TEAM
4 Nov 20252 mins read
કઈ સંપત્તિની ખોજ કરીએ!                                 .

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

ખે ડૂત પાક લણી લે, પછી નીચે અનાજના કણ પડયા રહે. આવા કણ વીણીને એક ઋષિ પોતાનું ગુજરાન ચલાવે. લોકો એમને 'કણાદ' કહે.

પોતાના રાજ્યમાં એક ઋષિ આવી રીતે જીવે છે, એ સાંભળીને રાજા બેચેન બની ગયો.

રાજાએ વિપુલ ધન-ધાન્ય સાથે રાજ્યના મહામંત્રીને કણાદ ઋષિ પાસે મોકલ્યા. પોતાના રાજ્યમાં એક તપસ્વી ઋષિની આવી દુર્દશા કેમ ચાલે ?

મહામંત્રીએ મહર્ષિ કણાદ સમક્ષ ધન-ધાન્ય ઠાલવ્યાં, ત્યારે મહર્ષિએ એટલું જ કહ્યું,

'હું સર્વ વાતે સુખી અને સંતોષી છું. આ ધન કોઈ નિર્ધનને આપજો. આ ધાન્ય કોઈ ભૂખ્યાને ભેટ ધરજો.'

વિસ્મય પામેલો મહામંત્રી પાછો ફર્યો અને એણે રાજાને સઘળી હકીકત કહી. રાજાએ વિચાર્યું કે જેની પાસે વસ્ત્રમાં માત્ર લંગોટી છે અને ખાવા માટે ભોજનના કણ જમીન પરથી આ રીતે ભેગા કરવા પડે છે તેના જેવો લાચાર અને નિર્ધન બીજો કોણ હોય ? રાજાએ માન્યું કે મહર્ષિને કદાચ મહામંત્રી સાથે મોકલાવેલાં ધન-ધાન્ય ઓછાં પડયાં હશે.

અગાઉથી ત્રણ ગણાં ધન-ધાન્ય લઈને રાજા મહર્ષિ કણાદ પાસે ગયો, ત્યારે મહર્ષિએ એનો અસ્વીકાર કરતાં એટલું જ કહ્યું,

'જેમને ધનધાન્યની જરૂર છે તેમને આ વહેંચી દેજો. મારી પાસે તો બધું જ છે.'

રાજા પાછો ફર્યો. એણે પોતાની બુદ્ધિશાળી રાણીને વાત કરી. રાણીએ કહ્યું, 'આપે મોટી ભૂલ કરી. સાધુને કંઈ આપવાનું ન હોય. એની પાસેથી તો લેવાનું હોય. જેની પાસે અંદર કંઈ છે તે જ બહારનું બધું છોડવા સમર્થ હોય છે.'

રાજાને પોતાની ભૂલ સમજાઈ અને મહર્ષિ પાસે જઈને ક્ષમા માગી.

સાચે જ જેની પાસે અંદરની સંપત્તિ હોય છે તેને બહારની સંપત્તિ કોઈ રીતે આકર્ષી શકતી નથી. બહારની સંપત્તિ લોભ, લાલસા અને પ્રલોભન જગાડે છે. જીવનને સદા અસંતુષ્ટ રાખે છે. આવી બાહ્ય સંપત્તિની આજે રેલમછેલ હોય, તો કાલે એ સમૂળગી ચાલી જાય છે. એનાથી ભાઈ-ભાઈ વચ્ચે હેત-પ્રીતનાં તોરણ બંધાવવાને બદલે સાત સાત ભવનાં વેર જાગે છે.

બહારની સંપત્તિનું સાચું રૂપ જોનાર એની આપત્તિને ઓળખે છે. એવી વ્યક્તિ અંદરની સંપત્તિને પામવા પ્રયત્ન કરે છે. આવી સંપત્તિ મળ્યા પછી કશું શોધવાનું રહેતું નથી. કશું પામવાનું રહેતું નથી.

માત્ર હૃદયમાં સદૈવ સંતોષ અને આનંદનો મહાસાગર છલકાતો રહે છે !