ભક્તો બે પ્રકારના: રોમન અને ચીની !
ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ
કલાશોખીન બાદશાહે દેશવિદેશની કલાનો અભ્યાસ કર્યો. એણે રોમના ચિત્રકારોની ચિત્રકલાની પ્રશંસા સાંભળી, તો એ જ રીતે ચીનના ચિત્રકારોની ઘણી વાતો સાંભળી.
ક્યાં રોમ અને ક્યાં ચીન ! આ બંને દેશના ચિત્રકારોએ રંગ અને રેખાથી કેવું ભાવ પ્રાગટય કર્યું છે તે જાણવાની ઇચ્છા થઈ. રાજાએ બંને દેશના ચિત્રકારોને પોતાના મહેલમાં સાદર નિમંત્રણ આપ્યું.
મહેલના એક વિશાળ ખંડમાં એમને એક એક દીવાલ આપી અને કહ્યું કે તમે આના પર એવી ચિત્રકલા કરો કે જેમાં તમારા હૃદયનો ભાવ પ્રગટ થતો હોય. બંને દિવાલની વચ્ચે પડદો રાખ્યો.
રોમન ચિત્રકારોએ રોમના ઇતિહાસના ભવ્ય અને તેજસ્વી પાત્રો આલેખ્યાં, જ્યારે ચીનના ચિત્રકારોએ પહેલાં એ દીવાલને ઘસી ઘસીને સાફ કરવાનું કામ કર્યું. પછી એને પોલીશ કરવા લાગ્યા. આખી દીવાલ ચળકાટવાળી બનાવી દીધી.
થોડા સમય બાદ બાદશાહ જોવા માટે આવ્યા. રોમના ચિત્રકારોની ચિત્રકલા જોઈને અત્યંત ખુશ થયા, જ્યારે ચીનના ચિત્રકારોની દિવાલ જોઈને આશ્ચર્ય પામ્યા. દીવાલ પર કોઈ રંગ કે રેખા નહોતા. આ શું ? આથી જ બાદશાહે આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, 'અરે ! ક્યાં છે તમારી ચિત્રકલા ?'
ચીનના કલાકારોએ વચ્ચેનો પડદો હટાવી દીધો અને રોમન ચિત્રકલાનું પ્રતિબિંબ એમાં પડયું. ચીની કલાકારોએ દીવાલને ઘસી ઘસીને એટલી બધી પોલીસવાળી કરી હતી કે એમાં અસલ તસવીરથી પણ વધુ સુંદર પ્રતિબિંબ લાગવા માંડયું અને દીવાલના ચળકાટને કારણે એ વધુ ઝગમગવા લાગી.
ઈશ્વરના ભક્ત ચીની કલાકારો જેવા હોય છે. જેઓ માત્ર પોતાના મન અને હૃદય નિર્મળ કરવા પર ધ્યાન આપે છે. આવા હૃદયમાં જ ઇશ્વરપ્રીતિ સાચા સ્વરૂપે પ્રગટી શકે છે અને નિતાંત શુદ્ધ હૃદયમાં સનાતન સત્યનો પ્રકાશ પ્રગટતો રહે છે. બીજા પ્રકારના ભક્તો એવા છે કે જે રોમન લોકો જેવા છે.
એમના મન અને હૃદયની દીવાલ પર એમના પોતાના આગ્રહો, વિગ્રહો, માન્યતાઓ એ બધા આકારીત થયેલા હોય છે. એમનું લક્ષ્ય બાહ્ય જગતની શોભા સુધી સીમિત હોય છે. એમને બાહ્યાડંબરમાં રસ છે. જ્ઞાાનના પ્રદર્શનનો શોખ છે.