ઈંટ જોઈને પ્રજા ઈમારતની કલ્પના કરે છે !
ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ
રાજવૈભવના પ્રદર્શનના શોખીન રાજા સમરસિંહ પોતાની સઘળી સંપત્તિ રાજમહેલની ભવ્ય શોભા માટે ખર્ચવા લાગ્યા. આમ કરવા જતાં એમનો રાજભંડાર ખાલી થવા લાગ્યો. રાજા માત્ર એક જ વાતનો ખ્યાલ રાખતા હતા. કે એના ભવ્ય, કિંમતી અને વૈભવશાળી મહેલને જોવા આવનાર એની કેવી પ્રશંસા કરે છે ! આ પ્રશંસા સાંભળીને સમરસિંહનું અભિમાન પુષ્ટ થતું.
રાજના મંત્રીને આની ખૂબ ચિંતા થવા લાગી એટલે એ એક સંન્યાસી પાસે સલાહ લેવા ગયા અને કહ્યું, ''અમારા રાજા રાજમહેલના વૈભવ માટે અઢળક સંપત્તિનો વ્યય કરે છે. પ્રજાના કલ્યાણની વાત તો બાજુએ રહી, પણ રાજની સુરક્ષાનો પણ પૂરતો પ્રબંધ કરતા નથી, આથી કૃપા કરીને રાજાને આપ એવું માર્ગદર્શન આપો કે તેઓ મહેલની પાછળ સંપત્તિનો આંધળો વ્યય કરવાનું છોડી દે.''
સંન્યાસી રાજા સમરસિંહ પાસે ગયા અને સમરસિંહે એમની રીત મુજબ સંન્યાસીને મહેલ બતાવવાનું શરૂ કર્યું. સંન્યાસીએ રસપૂર્વક મહેલ નિહાળ્યો, પણ આ માટે પ્રશંસાનો એક શબ્દ ઉચ્ચાર્યો નહીં.
રાજાને પારાવાર અકળામણ થઈ એટલે એનાથી પૂછાઈ ગયું, ''આપે મારો ભવ્ય મહેલ જોયો, પણ એને વિશે પ્રશંસાનો એક શબ્દ ન કહ્યો. શું એમાં કોઈ ખામી નજરે પડી છે ?''
સંન્યાસીએ કહ્યું, ''હે રાજન્ ! તમારો મહેલ સાચે જ અતિ ભવ્ય અને વૈભવશાળી છે. આ મહેલ તો દીર્ઘકાળ સુધી રહેશે, પરંતુ લોકો એમાં રહેનારાને યાદ કરશે ખરા ?''
રાજા સમરસિંહે કહ્યું, ''મહારાજ, આપની વાત હું સમજી શક્યો નહીં. શું આવા વૈભવશાળી મહેલને મારા વહાલા પ્રજાજનો વિસરી જશે ?''
સંન્યાસીએ કહ્યું, ''હે રાજન ! રાજાનું કર્તવ્ય તો એ છે કે એવાં સત્કાર્યો કરે કે પ્રજા તેને કદી વિસરે જ નહીં. મહેલમાં વસનાર રાજાએ મહેલની ઈંટ એવી મજબૂત કરવી જોઈએ કે જેથી આ ઈમારત જોઈને એની પાયાની ઈંટનો, એના રચયિતાનો સહુ વિચાર કરે. જો ઈંટ મજબૂત હોય તો જ સદીઓ સુધી ઈમારત ટકે છે. એ જ રીતે રાજાએ પ્રજાકલ્યાણની મજબૂત ઈંટ મૂકી હોય, તો જ સદીઓ સુધી આ મહેલને જોઈને લોકો એ કલ્યાણકારી, પ્રજાને સુખાકારી આપનારા રાજાને યાદ કરશે? બાકી આ વૈભવશાળી મહેલનો અર્થ શો ?'' સંન્યાસીની વાત સાંભળીને રાજાની આંખ ઊઘડી ગઈ.