નકામી વાતોથી જીવન નકામું બની જાય છે ! .

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
આ શરે પચીસસો વર્ષ પહેલાંની આ વાત છે. ભગવાન બુદ્ધ બિહારમાં વિહાર કરતા હતા. એમની સાથે ભિખ્ખુઓનો વિશાળ સમુદાય હતો. ભગવાન બુદ્ધ ક્યાંક રોકાય, ક્યાંક ઉપદેશ આપે અને આમ ધર્મયાત્રા ચાલતી રહેતી.
બિહારના એક ગામમાં ભગવાન બુદ્ધ પધાર્યા હતા. એમની મધુર વાણીથી આખુંય વાતાવરણ પવિત્ર બન્યું હતું. એ પછી ભિખ્ખુઓએ ભોજન લીધું. ભોજન પછી બધા આરામ કરતા હતા.
એવામાં એક ચર્ચા જાગી. ચર્ચા હતી કે ભારતવર્ષનો સૌથી મોટો રાજવી કોણ ? કોઈ સૌથી વધુ સૈન્ય ધરાવનારને મોટો રાજવી ગણે તો કોઈ સૌથી વધુ પ્રદેશ ધરાવનારને મોટો રાજવી ગણે. કોઈ સેનાની ગણતરી કરે તો કોઈ અંત:પુરની રાણીઓના સરવાળા કરે.
વાત બરાબર જામી. ચર્ચા છેડાઈ ગઈ. એક ભિખ્ખુએ કહ્યું : 'જુઓ, સૌથી મોટો રાજવી તો મગધરાજ બિમ્બિસાર ! જાણે કુબેર જ જોઈ લો ! એના ધનભંડાર આગળ બીજા તો ભિખારી જેવા લાગે.'
તરત જ બીજા એક ભિખ્ખુએ જોરદાર વિરોધ કરતાં કહ્યું : 'રાજા તો પ્રસેનજિત. એના જેવો બીજો રાજા કોઈ નહીં. એની શક્તિ અને સૈન્ય આગળ સહુ કોઈ પાણી ભરે.'
આમ ચર્ચા ચાલતી હતી ત્યાં ભગવાન બુદ્ધ પધાર્યા. એમણે જોયું તો ભિખ્ખુઓ વાદ-વિવાદમાં ડૂબેલા હતા. એમણે પૂછ્યું :
'કઈ બાબતની ચર્ચા ચાલે છે ? કયા વિષય પર વિચારો છો ?'
ભિખ્ખુઓને ભગવાન આવતાં આનંદ થયો. એમણે વિચાર્યું કે
વિવાદની જરૂર નહીં રહે. ભગવાન પાસે જ આનો ઉકેલ માગી લઈએ.
એક વૃદ્ધ ભિખ્ખુએ કહ્યું : 'પ્રભુ, એક પ્રશ્ન જાગ્યો છે. અમારામાં મતભેદ ઊભો થયો છે. અમે વિચારીએ છીએ કે કયો રાજા મહાન ? કોનો વૈભવ ચડે ? રાજા પ્રસેનજિતનો કે મગધરાજ બિમ્બિસારનો ? ઘણા વખતથી અમે આની ચર્ચા કરીએ છીએ. હવે આપ જ આનો ઉત્તર આપો.'
ભગવાન બુદ્ધે કહ્યું : 'હે ભિખ્ખુઓ, તમે જ્યારે દુન્યવી વૈભવ છોડયો છે, ત્યારે બીજાના વૈભવની વાતમાં સમયને વ્યર્થ વેડફાય નહીં, સંસારનો વૈરાગ્ય લીધા પછી સાંસારિક સુખોની ચડસાચડસીની વાતનો અર્થ શો ? ભિખ્ખુ તરીકે કાં તો તમારે ધર્મવાર્તા કરવી જોઈએ અથવા તો ધર્મચિંતન કરવું જોઈએ. આવી વ્યર્થ વાતોમાં એક પણ પળ વેડફવી જોઈએ નહીં.'
ભગવાન બુદ્ધની આ વાત સાંભળીને ભિખ્ખુઓને મનોમન શરમ આવી પણ હકીકત એ છે કે માનવી કામની વાતો કરતાં નકામી વાતોમાં સમય વધુ ગાળે છે. ક્યારેક તો નકામી વાતોમાં સમય ગાળીને પોતાના કામમાં પ્રમાદ કરતો હોય છે તો ક્યારેક પોતાની નિષ્ક્રિયતાને સાચી ઠેરવવા કોશિશ કરતો હોય છે.
માનવીનું જીવન ઘણીવાર કરવાનાં કાર્યોને બદલે નકામાં કાર્યોમાં વ્યતીત થઈ જાય છે. આવું જીવન જીવનારને જીવ્યાનો અસંતોષ ડંખવા લાગે છે અને તેને કારણે એ પરિતાપ અનુભવે છે.








