Magazines

અતિ અને અલ્પની મધ્યમાં રહેવું તે ચમત્કાર

By GS TEAM
1 Jul 20252 mins read
અતિ અને અલ્પની મધ્યમાં રહેવું તે ચમત્કાર

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

મં દિરના પવિત્ર વાતાવરણમાં એક સંતનું પ્રવચન ચાલી રહ્યું હતું. એવામાં એક શ્રોતા એકાએક ઊભો થઈ ગયો.

એણે સંતને ઉદ્દેશીને કહ્યું કે ઈશ્વરની વાત તમે શું જાણો ? હું તમને સમજાવું.

સંત વિનમ્રતાથી સભામાં બેસી ગયા અને પેલો શ્રોતા પોતાની વાત કહેવા લાગ્યો. એણે કહ્યું,

'મારા ગુરુ એટલે મારા ગુરુ. તેઓ નદીના એક કિનારે ઊભા રહેતા અને તેમનો શિષ્ય નદીના બીજા કિનારે ઊભો રહેતો. બંને વચ્ચે આડી નદી હોય. તેમ છતાં એક કિનારા પર ઊભેલા ગુરુ પોતાની કલમથી લખે. બીજા કિનારા પર ઊભેલા શિષ્યના કાગળમાં એ લખાઈ જાય. આવા ચમત્કારિક હતા મારા ગુરુ.'

શ્રોતાની વાત પૂરી થઈ. સંત ઊભા થયા અને બોલ્યા, 'અમે આવા નાના કે સામાન્ય ચમત્કારો કરતા નથી.'

પેલા શ્રોતાએ કહ્યું, 'તો તમે તમારી શક્તિની વાત કરો. તમે આનાથી ક્યા મોટા ચમત્કારની વાત કરો છો ?'

સંતે કહ્યું, 'અમે એક જ ચમત્કાર જાણીએ છીએ. જ્યારે ઊંઘ આવે ત્યારે ઊંઘી જઈએ છીએ અને જ્યારે ભૂખ લાગે ત્યારે ભોજન કરીએ છીએ.'

અને વાત પણ સાચી છે કે પહેલો ચમત્કાર તો મદારી પણ કરી શકે છે, પરંતુ સંતની વાત એ સાચો ચમત્કાર છે. શરીરની આવશ્યક ક્રિયાઓને પૂરી જાગૃતિથી, સાક્ષીભાવથી, સમ્યક્ રૂપે પૂર્ણ કરવી એ ઘણું અઘરું કામ છે. જે ભોજન વખતે ભોજનની બાબતમાં બરાબર જાગૃત અને હાજર 

હશે તે વધુ ભોજન નહીં કરે, પરંતુ જે ભોજનની બાબતમાં જાગૃત નહીં હોય તે મોટા ભાગે આદતથી ભોજન કરશે. આવશ્યકતાથી નહીં.

યુવાની હોય કે બુઢાપો હોય, પણ ભોજનની ટેવમાં તફાવત થતો નથી.

આહાર અને નિદ્રા જો જાગૃતિપૂર્વક કરવામાં આવે તો તેનો યથાર્થ ઉપયોગ થયો ગણાય. અજાગૃત કે અસાવધ રહીને એ કરવામાં આવે તો એ આપણો ઉપયોગ કરે છે. આથી જીવનની ક્રિયાની જાગૃતિ માણસને અતિમાંથી બચાવે છે. અતિ અને અલ્પની વચ્ચે રહેવું એ જ જીવનનો સૌથી મોટો ચમત્કાર છે.