Get The App

યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો...

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો... 1 - image


ઘડીક માટે બંને વચ્ચે મૂક સંવાદ રચાઇ ગયો. મોબાઇલ બંને માટે હાથવગો હતો છતાં એકબીજાનો નંબર લેવાની જરૂર ન લાગી. સાથે સાથે એકબીજાએ પોતાના ઘેર આવવાનું ઈજન પણ ન આપ્યું. કારણ આ ચાહત બંને જણ માટે તદ્દન અંગત હતી. ભીતરમાં સઘરાયેલી મહામૂલી મૂડી હતી

ક્યારેક કોઇક કારણસર રમવા આવવામાં એક પાત્રની ગેરહાજરી હોય તો બીજું પાત્ર ઉદાસ થઇ જાય. પણ પછી એ અંગેની કોઇ પૂછપરછ કે તપાસ કશું જ નહીં

૨૯ -૩૦ વરસનો એક યુવક તેની પત્નીને લઇ કોઇ કામસર એક પોળમાં ગયો, જ્યાં યુવકે શરૂઆતના ચૌદેક વર્ષ વીતાવ્યા હતા. યુવકનું મકાન પોળના પહેલા જ માળે ખાંચામાં હતું. પોળની રચના એવી હોય છે કે પોળનું થોડું અંતર કાપો એટલે ડાબી કે જમણી બાજુ વિશાળ રસ્તો આવે જેની બંને બાજુ ત્રણ-ચાર મજલાના હારબંધ મકાનો હોય, જેને ખાંચો કહેવાય છે. કોઇકને રહેણાંકનું સરનામું આપવું હોય તો કયો ખાંચો છે એ કહેવું પડે. જેટલી પોળ મોટી એટલા ખાંચા વધારે. યુવકનું ઘર પહેલા જ ખાંચામાં હતું. તે એ ઘર સામે ઊભો રહ્યો. ખરીદનારે તો મકાનને આધુનિક ઓપ આપી દીધો હતો પણ યુવકના માનસપટ પર પોતાનું ઘર ચિત્રિત થયું.

પ્રવેશદ્વાર એટલે સુંદર કલાકૃતિવાળા કાળા સિસમના તોતિંગ બારણા, બંને બારણાની મધ્યમમાં મોટા પિત્તળના કડાં, એક બારણા પર ઘરને તાળુ મારવા લટકતી જાડી લોખંડની સાંકળ, મનોવેગે યુવક અંદર જાય છે. પેસતા જ ખડકી આવે, જેની એકબાજુ નહાવા માટેનું ગરમ પાણી કરવા માટેનો ત્રાંબાનો કે પિત્તળનો બંબો, બંબા પાછળ મોટા ત્રાંબાના ઢાંકણવાળું ટાંકુ - તેને અડીને જ પાણિયારૂં, જેમાં વચ્ચે માટીનું મોટું માટલું, જેની આજુબાજુ પિત્તળ ને ત્રાંબાના બેડાં, જેના ઢાંકણાને બુઝારૂ કહેવાય. ખડકી પછી આવે વિશાળ ચોક. જ્યાં યુવક તેના નાના ભાઇ-બ્હેન સાથે રમતો. ઉનાળામાં રાતે કુટુંબના વડીલોની બેઠક જામતી. યુવકને પાણિયારાને અડીને આવેલા રસોડામાં રસોઇ કરતી મા દેખાઇ. વર્ષો પહેલા ઈંધણ તરીકે માત્ર લાકડાં કે કોલસા જ અસ્તિત્વમાં હતા. અગ્નિ પ્રગટાવવાના સાધન તરીકે ચૂલો ને સગડી વપરાતા.

ચોકની બીજી બાજુ ઉપરના માળે જવા માટે લાકડાની નિસરણી. પોળના જૂના ઘરની યાદથી યુવક થોડો ભાવુક થઇ ગયો. આજે તો શહેરના પોશ વિસ્તારના ચાર બેડરૂમવાળા વૈભવી અને આધુનિક સુવિધાથી સુસજ્જ ફ્લેટમાં રહે છે, પણ ત્યાં આજે 'એન્ટિક'માં ગણના થાય તેવો બંબો, ટાંકુ કે પાણિયારૂ નથી. યુવક થોડેક આગળ ગયો. પોળની મધ્યમાં ખૂબ વિશાળ ખાલી જગ્યા હોય છે જેને ચોકઠું કહે છે. સાંજનો સમય હતો તેથી પોળના છોકરાં-છોકરીઓ હુતુતુતુ, ખો-ખો, પકડદાવ કે નાગોલ્ચુ જેવી રમત રમતાં હતાં, રમતાં છોકરાઓમાં અનેરો ઉલ્લાસ, આનંદ ને પરસ્પર આત્મિયતા જોઇ યુવક આભો થઇ ગયો. જાતિ-ધર્મ કે આર્થિક અસમાનતા કે ભેદભાવનું નામનિશાન નહોતું.

આ ઝમેલામાં પોળના લક્ષાધિપતિ ગૃહસ્થનો નબીરો ય રમતો હોય ને નાકા ઉપર ટેબલ નાખી કપડાને ઈસ્ત્રી કરનાર ધોબીનો દીકરો ય રમતો હોય. કોઇક ઘરના મોટા ઓટલા ઉપર કિશોરીઓ પાંચિકા રમતી હતી તો કોક પગથીયાની રમત રમતી હતી. અવાચક થઇ ગયેલ યુવક રમનાર છોકરાંઓના સમૂહમાં પોતાની જાતને શોધી રહ્યો હતો. સામેના ઘરમાંથી એક આઠેક વરસનો છોકરો દાદાની આંગળી ઝાલી બહાર ઓટલા પર દાદાની બાજુમાં બેસી ગયો. થોડીક જ વારમાં દાદી આવીને બેઠા. માએ વાડકીમાં મમરા જેવું ચાવણું આપ્યું હશે તેમાંથી એક દાણો દાદાને ખવડાવતો ને દાદીને તો નાની-મોટી હરકતો કરીને પજવતો. દાદીના મોં સુધી દાણો લઇને પાછો ખેંચી લેવાતો. બંને જણ બોખા મોંએ હસીને ખુશ થતા. યુવકને યાદ આવ્યું કે પોતાના માતા-પિતા સાથે શહેરમાં આવ્યો તે દરમિયાન જીવનની છેલ્લી ક્ષણો સુધી દાદા-દાદી તો પોતાના વતનમાં જ રહ્યા. તેને કારણે દાદા-દાદીના વાત્સલ્યથી તે વંચિત જ રહ્યો.

 એવું કહેવાતું કે પરીઓના દેશની વાતો કે પછી બાળ-કાનુડાની વાતો માત્ર દાદી-દાદા પાસેથી જ સાંભળવા મળતી. આવી ભાવસભર લાગણીઓથી પોતે વેગળો રહ્યો તેવી ગ્લાનિ સાથે એ ત્યાંથી જ પાછો ફરી ગયો ને પોળના બારણે પહોંચ્યો. અચાનક જ એક ચીર પરીચિત અવાજ સંભળાયો : 'અરે ! શૈલુ, તું અહીં ક્યાંથી ?' ઘડીભર શૈલુ (યુવક) પગથી માથા સુધી રોમાંચિત થઇ ધૂ્રજી ઊઠયો. 'આ અવાજ તો નીનુનો.' પાછળ વળીને જોયું તો માત્ર ભણકાર જ હતો. ઝડપથી પોતાના વાહનમાં બેસી ઘેર પહોંચી ગયો.

નીનુનું નામ નિરાલી. પોળમાં શૈલુ ને નીનુ બંને બાજુ-બાજુના જ મકાનમાં રહેતા હતા. માસુમ ને મોહક ચહેરો, સપ્રમાણ શરીરનો બાંધો ને કાળા ભમ્મર ને લાંબા બે ચોટલા, વસ્ત્ર-પરિધાન કે ટાપ-ટીપનો વિવિધતાને સ્થાન નહોતું. સ્વભાવે હસમુખી ને ખૂબ બોલકી. રોજ સાંજના સમયે દોડીને શૈલુના બારણા સુધી આવવાનું ને જોરજોરથી બૂમ પાડી શૈલુને બોલાવવાનો ને સામે આવે એટલે તેનો હાથ ઝાલી રમવા માટે ચોકઠામાં પહોંચી જવું. આ એનો રોજનો નિયમ.

નિયતિના નિયમાનુસાર છોકરો કે છોકરી કિશોરાવસ્થા તરફથી યૌવનાસ્થાના પહેલે પગથિયે ડગ માંડે છે ત્યારે અનાયાસે કોઇક છોકરાને સાથે રમનાર વૃંદમાંથી એક છોકરી ગમવા માંડે છે ને છોકરીને છોકરો, આવું વિજાતીય આકર્ષણ બહુ સહજ છે. આનો પહેલો જ પ્રતિભાવ રમત દરમિયાન દ્રષ્ટિગોચર થાય છે. મનગમતા પાત્રને દાવમાંથી બચાવવા સામેથી 'આઉટ' થઇ જવું. 'ગમવું'નું આ પહેલું ચરણ છે. 'ગમવા'ની આ સંવેદના ખૂબ નિર્દોષ ને નિર્દંભ છે. આમાં નથી કોઇ પ્રેમનો એકરાર, નથી કોઇ પ્રેમચેષ્ટા કે નથી એકાંતમાં મળવા માટે ખૂણા-ખાંચરા શોધવાની પ્રવૃત્તિ. હા ! જ્યારે પણ એકબીજાને જુએ ત્યારે મોં પર એક અનોખી ને ઉત્કૃષ્ટ પ્રસન્નતા છવાઇ જાય, સાથે ચાર આંખો હસી ઊઠે.

આ જ તેઓ વચ્ચેની ઉત્તમ અભિવ્યક્તિ. ક્યારેક કોઇક કારણસર રમવા આવવામાં એક પાત્રની ગેરહાજરી હોય તો બીજું પાત્ર ઉદાસ થઇ જાય. પણ પછી એ અંગેની કોઇ પૂછપરછ કે તપાસ કશું જ નહીં. શૈલુ ને નીનુ આવી જ નિર્દોષ ચાહતના બે પાત્રો. તે સમયે કુમારિકાઓ બહુ નાની ઉંમરથી હાથમાં રંગબેરંગી કાચની બંગડીઓ પહેરતી. રમત દરમિયાન એવું બને કે શૈલુથી નીનુના હાથની બંગડી નંદવાઇ જતી, તે અપરાધભાવ અનુભવતો. શાળાએ જતાં માતા તરફથી બે-ચાર આના શીંગ-ચણા ખાવા માટે મળતા.

તે બચાવીને તેમાંથી બંગડીઓ ખરીદીને નીનુના હાથમાં રમતાં ભેરૂઓની હાજરીમાં તેના હાથે પહેરાવી દેતી. આજની આધુનિક અભિવ્યક્તિ જીુીીા લ્લીચિા, સ્અ ન્ર્પી જેવી અસ્તિત્વમાં નહોતી. માત્ર નીનુના મોં ઉપર અનોખી ખુશી શૈલુ અનુભવી શકતો. ક્યારેક શૈલુ રમવા આવે ત્યારે તેના શર્ટના (તે જમાનાનું ખમીસ) બટન તૂટી ગયા હોય તે નીનુના ધ્યાનમાં આવતું. તે પણ એવા જ બટન લાવી શૈલુને આપતી. આજ તેઓની પરસ્પરની  મોંઘેરી સૌગાદ.

સમયાંતરે પોળમાં વસતા રહીશો શહેરના પોશ વિસ્તારની સોસાયટીઓના ફ્લેટ કે ટેનામેન્ટમાં રહેવા ચાલ્યા ગયા. શૈલુ-નીનુ છૂટા પડયા, કાંઇ જ વિરહનો વિવાદ નહીં, માત્ર હસીને એકબીજાને વિદાય આપી. ક્રમશ: બંને જણા પોતાના દાંમ્પત્યજીવનમાં ને વ્યવસાયમાં ગોઠવાઇ ગયા હશે. પરસ્પરની ચાહતને અણમોલ મૂડી સમજીને ૃહૃદયના ભંડકીયામાં ધરબી દીધી. ક્યારેક નવરાશના સમયે કદાચ યાદ કરી લેતા હશે. નીનુને વિચાર આવી જાય કે શૈલુ વિચાર - નીનુ ક્યાં હશે ? કેવી લાગતી હશે ? બસ ! આટલું જ !

બંને જણે જીવનના આઠેક દસકા વટાવ્યા પછી કોઇક સ્નેહીજનની દીકરીના લગ્ન પ્રસંગે બંને મળ્યા. નીનુ એના પતિ સાથે આવી હતી, શૈલુ તેની પત્ની સાથે. અચાનક શૈલુની નજર નીનુ પર પડી. ખૂબ લાંબા સમય પછી મળ્યા તેથી બંને જણા ખુશ થયા. નીનુએ પોતાના પતિને શૈલુની પોળનાં પડોશી તરીકે ઓળખાણ કરાવી. ઘડીક માટે બંને વચ્ચે મૂક સંવાદ રચાઇ ગયો. મોબાઇલ બંને માટે હાથવગો હતો છતાં એકબીજાનો નંબર લેવાની જરૂર ન લાગી. સાથે સાથે એકબીજાએ પોતાના ઘેર આવવાનું ઈજન પણ ન આપ્યું. કારણ આ ચાહત બંને જણ માટે તદ્દન અંગત હતી. ભીતરમાં સઘરાયેલી મહામૂલી મૂડી હતી. શૈલુ ને નીનુએ અનુભવ્યું કે તેઓના શરીર પર વૃદ્ધાવસ્થાએ ભરડો જરૂર લીધો છે છતાં મોં ઉપરની સુરખો અકબંધ છે. એવું બને કે જીવનના અંત સુધી પરસ્પર ચાહતની શાન ને ગરિમા તદ્દન મૂકપણે જાળવશે ને એકબીજાને મીઠી યાદને ક્યારેય વિસારશે નહીં.

- કૌમુદી બક્ષી

Tags :