માબાપ આંગળી ઝાલીને ચાલતા શીખવાડે જીવતા શીખવાડે નહિ !
ત્રિકોણનો ચોથો ખૂણો - ખલીલ ધનતેજવી
નવી પેઢીનું ભણતર અને ઘડતર જુદી રીતે ને કંઈ અંશે નવી રીતે થયું હોવાથી એની વૃત્તિ- પ્રવૃત્તિ પણ આપણાથી અલગ હોય, એવું જે પરિવારમાં સમજી લેવાય છે, એ પરિવારમાં જનરેશન ગેપનો પ્રશ્ન કોઈને પજવતો નથી
જીવવું એ દરેકની પોતાની અંગત જવાબદારી છે. માબાપ આંગળી ઝાલીને ચાલતા શીખવાડે પણ જીવતાં શીખવાડે નહિ. એ માટે કોઈ શાળા કોલેજ પણ નથી ! માણસને આપમેળે જ જીવતાં આવડી જતું હોય છે ! જીવતાં આવડી ગયા પછી જ શાળા- કોલેજ ! શરતો, નિયમો, વહેવાર, રીત-રસમ અને રિવાજો વિગેરે એને લાગુ થાય છે ! એ બધી શરતો અને નિયમોને ગોખવા પડતા નથી ! એ બધું આપમેળે જ આત્મસાત થઈ જતું હોવાથી યાદ રાખવાનો પ્રપંચ કરવો પડતો નથી ! કોઈ નિયમ અથવા શરતો અંગે ફરજિયાત પરીક્ષા આપવાનું ન હોવા છતાં એ વધુ આત્મસાત થઈ જાય છે ! આ બધું આત્મસાત એટલા માટે થાય છે કે એને પરીક્ષામાંથી પસાર થવાનો ડર નથી. પાસ કે નાપાસ થવાની પણ ચિંતા નથી ! જિન્દગીના નિયમોનો કોઈ અભ્યાસક્રમ પણ નથી ! એટલે ટયુશન અને ગોખણપટ્ટીની પણ એને જરૂર પડતી નથી !
જિન્દગી જીવી જવી મહત્વની બાબત છે. પણ એ માટે કોઈ યોજનાપૂર્વકનો અભ્યાસક્રમ નથી. શાળા કોલેજોમાં એની સામે પૂર્વ યોજિત અભ્યાસક્રમ રજુ કરવામાં આવે છે. અને સામે છેડે પરીક્ષાની દહેશત મૂકી દેવામાં આવે છે ! આ દહેશત જ માણસ માટે પડકારરૂપ બની જાય છે ! એ પડકાર ઝીલવાની અને પડકારનો સામનો કરવાની ને એમાંથી હેમખેમ પસાર થઈ જવાની વણમાગી ચિંતા એના ગળે વળગી જાય છે જેની આંચ એના હૈયા સુધી પહોંચે છે. એમાં એની યાદશક્તિ તપે છે, શેકાય છે, દાઝે છે ને દુણાય છે ! આ સ્થિતિમાં એના અભ્યાસક્રમને આત્મસાત કરવું અઘરૂં પડે એ સ્વાભાવિક છે. અને ટયુશન અથવા ગોખણપટ્ટીના પનારે પડવું પડે, એ પણ એટલુંજ સ્વાભાવિક છે ! ને એ બધું પરીક્ષાલક્ષી જ હોવાથી પરીક્ષા સુધી જ યાદ રહે છે, પછી ભૂલી જવાય છે.
કારણ કે એ આત્મસાત ન થયું હોવાથી લાંબા ગાળે ભૂલી જવાય છે ! શાળા કોલેજમાં પૂર્વ આયોજિત અભ્યાસક્રમ ગમે તેટલો સમજી વિચારને તૈયાર કર્યો હોય અને એ મુજબ જ અભ્યાસ થતો હોય તો પણ જિન્દગીના બધા જ ક્ષેત્રે ખપ લાગે એવું શિક્ષણ આપી શકે એવી કોઈ શાળા કોલેજ આપણી પાસે નથી ! શાળા કોલેજમાં ભણતર થાય છે, ઘડતર થતુ નથી. ઘડતર તો જિન્દગી દ્વારા જ થઈ શકે. માણસ જેમ જેમ જિન્દગી જીવવાની પ્રક્રિયામાંથી પસાર થતો જાય છે તેમ તેમ એ ઘડાતો જાય છે ! ભણતર સાથે ઘડતર ભળે તો જ માણસ સંપૂર્ણ શિક્ષિત ગણાય ! શિક્ષણ આપતી સંસ્થાઓ દસ વર્ષ કે પંદર પચ્ચીસ વર્ષ શિક્ષણ આપે છે. જ્યારે જિન્દગીની શાળામાં જીવે ત્યાં સુધી નવું નવું શીખવાનું મળે છે.
જિન્દગીની શાળામાં શિક્ષણ પૂર્ણ થયાની કોઈ અવધિ નથી ! માણસ જીવે ત્યાં સુધી રોજેરોજ નવું નવું શીખતો રહે છે અને જુદી જુદી રીતે ઘડાતો રહે છે. આખું આયખું પૂરૂ થઈ જાય પણ ભણતર અને ઘડતરનું કામ તો છેક સુધી અધૂરૂં જ રહે છે. જ્યાંથી એણે અધુરૂં છોડયું ત્યાંથી એની આગામી પેઢી શરૂ કરે છે એટલે જે તમે શીખ્યા નથી તે તમારી આગામી પેઢી શીખે છે.
એટલે આજની નવી પેઢીનાં કૃત્યો આપણને અજાણ્યા લાગે છે ને ક્યારેક આપણે એની ટીકા કરી બેસતા હોઈએ છીએ. નવી પેઢીનું ભણતર અને ઘડતર જુદી રીતે ને કંઈ અંશે નવી રીતે થયું હોવાથી એની વૃત્તિ- પ્રવૃત્તિ પણ આપણાથી અલગ હોય, એવું જે પરિવારમાં સમજી લેવાય છે, એ પરિવારમાં જનરેશન ગેપનો પ્રશ્ન કોઈને પજવતો નથી ને રાબેતા મુજબ ચાલ્યા કરે છે !
પરીક્ષા પણ શાળા કોલેજ પૂરતી સીમિત નથી. માણસને જિન્દીભર જુદી જુદી જાતની પરીક્ષામાંથી પસાર થવું પડે છે અને તે શાળા કોલેજ કરતાં અઘરી પરીક્ષાઓ હોય છે. શાળા કોલેજમાં પરીક્ષા માટે ગોખીને યાદ રાખવાનું હોય છે. તે પરીક્ષા પછી ભૂલી જવાનું હોય છે. જ્યારે જિન્દીમાં પરીક્ષા આપવાની ન હોવા છતાં ઘણું બધું યાદ રાખવું પડે છે! શાળા કોલેજના વિદ્યાર્થીઓને પણ કલાસની પ્રવૃત્તિ કરતાં કલાસ બહાર કેમ્પસમાં બનેલી ઘટનાઓ કોઇને લાંબા ગાળે ને કોઇને જીવનભર યાદ રહી જતી હોય છે. કારણ કે એ ઘટનાઓ શાળાકોલેજની બહારની દુનિયાની ઘટનાઓ હોય છે.
જિન્દગીની ઘટનાઓ ગોખ્યા વગર, ટયુશન વગર પણ મોઢે થઇ ગઇ હોય છે. શાળા કોલેજમાં તો પાઠય પુસ્તકની જ વાતો યાદ રાખવાની હોય છે. જ્યારે જિન્દગીમાં તો કયાં કયાંથી કેટલું બધું યાદ રહી જતું હોય છે. યાદ રાખવું પડતું હોય છે. સગા સંબંધીઓ, શુભેચ્છકો, પ્રિય મિત્રો વિગેરેને યાદ રાખવા પડે છે ને પ્રસંગોપાત યાદ કરવા પડે છે! આપણને દગો દેનાર વ્યક્તિ ભૂલાતી નથી. પરંતુ એ વ્યક્તિને ભૂલી જવાય તો વાંધો નહિ પણ આપણા પર એહસાન કરનારને ક્યારેય ન ભૂલવો જોઇએ.
એહસાન કરનારને ભૂલી જનાર એહસાન ફરામોશ ગણાય. નગુણો ગણાય આમતો વચન-વાયદા પણ ભૂલવા ન જોઇએ. તમે કોઇને કહો કે કાલે સાંજે હું તમને મળવા આવીશ. અને તમે એને મળવા ન જાવ એ પણ નૈતિક ગુનો ગણાય! તમારા ભરોસે બીજા કોઇની મુલાકાત એણે ટાળી દીધી હોય, અને તમે ન જાવ તો સામેની વ્યક્તિની મૂલ્યવાન સાંજ તમારી રાહ જોવામાં વેડફાઇ જતી હોય છે! છેવટે એના મુખમાંથી નિસાસો સરી પડતો હોય છે. એનો પણ નિસાસો લાગતો હોય છે. પ્રતિક્ષકની પણ હાય ન લેવી જોઇએ મળવાનો વાયદો એ પણ એક પ્રકારનું કમિટમેન્ટ છે. માણસે પોતાનું કમિટમેન્ટ ન ભૂલવું જોઇએ!
વર્તમાન ડિઝીટલ યુગે લોકોની યાદદાસ્ત પર અમુક અંશે કબજો જમાવી લીધો છે. મોબાઇલ ફોન ના કારણે લોકોએ ટેલિફોન ડાયરી લખવાનું છોડી દીધું છે. હવે ફોન નંબર મોબાઇલમાં જ સેવ થતાં હોય તો ડાયરી લખવાની ઝંઝટમાં કોણ પડે અગાઉ લેન્ડલાઇન પર વાતચીતનો વહેવાર હતો ત્યાં સુધી ટેલિફોન નંબરની ડાયરી ફોન પાસે જ રાખી મુકાતી હતી. એમાં અવારનવાર આવતા મોટા ભાગના ફોન નંબર તો મોઢે થઇ જતા હતા. જે નંબર મોઢે ન થયા હોય એ માટે ફોન નંબરની ડાયરી કામ લાગતી હતી. મોબાઇલ ફોન આવતાં હવે કોઇનાં નંબરો મોઢે હોતા નથી ને પાસે ફોન નંબરની ડાયરી પણ હોતી નથી!
કેટલાક લોકો સ્વભાવે જ ભૂલકણા હોય છે. આ સ્થિતિને કેટલાક લોકો અભિશાપ ગણે છે ને કેટલાક લોકો એને આશીર્વાદ કહે છે. ભૂલકણા પણાને એટલા માટે અભિશાપ કહેવામાં આવે છે કે, અગાઉ કરેલી ભૂલને એ ભૂલી જતો હોવાથી એની એજ ભૂલ એ ફરી કરી બેસે છે ને ફરી દુઃખી થાય છે! એ જ ભૂલકણો સ્વભાવ આશીર્વાદ એટલા માટે ગણાય છે, જીવનમાં વીતી ગયેલી દુઃખદ પ્રસંગો અને દગાખોર વ્યક્તિઓ એને યાદ આવતા નથી.
એ બધું યાદ આવે તો રૂઝાઇ ગયેલા જખ્મોમાં ફરીથી ખંજવાળ શરૂ થઇ જતી હોય છે ને એ માણસ દુઃખી થતો હોય છે! સિક્કાની બે બાજુ હોય છે એમ યાદદાસ્તનું પણ એક પડખું સુખદ હોય છે ને એક પડખું દુઃખદ હોય છે! આપણામાં કહેવત છે કે 'બોલે એના બોર વેચાય' ને એની સમાન્તરે બીજી કહેવત છે ''કે ન બોલ્યામાં નવ ગુણ'' માણસ બોલીને બોર વેચે કે ન બોલીને નવ ગુણ પ્રાપ્ત કરે? બે ધારી તલવારની જેમ યાદદાસ્ત પણ બોલીને બોર પણ વેચી આપે છે અને ન બોલીને નવગુણ પ્રાપ્ત કરી આપે છે.
કેટલાક ચિંતકો ભૂતકાળ ભૂલી જઇ ભવિષ્ય પર નજર રાખવાની સલાહ આપે છે! એટલે કે જે થયું એ થઇ ગયું, એને જતું કરીને હવે આગળ વધો! આમતો આ સલાહ જીવનમાં ઉપયોગી હોવા છતાં એની યોગ્યતામાં ઉણપ વર્તાય છે! આમ તો માણસ ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચેના વર્તમાનમાં જીવે છે. ભૂતકાળ તદ્દન વાસ્તવિક છે. કારણ કે પ્રસંગો અને ઘટનાઓ એની વાસ્તવિકતાના પુરાવા છે.
ભવિષ્યનું અસ્તિત્વ તદ્ન કાલ્પનિક છે! એટલે કે ભૂતકાળ સાચો છે અને ભવિષ્યકાળ કાલ્પનિક છે. ભૂતકાળને ભૂલી જવું, એટલે કે વાસ્તવિકતાને ભૂલી જવાની સલાહ એટલા માટે યોગ્ય નથી કે ભૂતકાળના અનુભવો વર્તમાન જીવનમાં ખપ લાગતા હોય છે. જેની પાસે ભરચક ભૂતકાળ છે એ માણસ એકલો પડી ગયો હોવા છતાં એકલતા અનુભવતો નથી! ભૂતકાળને યાદ કરીને એટલા સમય પૂરતું જીવી ગયેલી જિન્દગી એ ફરી એકવાર જીવી જતો હોય છે.
માનવી જ્યારે નિખાલસ હોય છે,
એ ઘડી પૂરતો જ માણસ હોય છે!