Get The App

આપણે જ આપણી જાતને છેતરાવા માટે છૂટી મૂકી દેતા હોઈએ છીએ!

ત્રિકોણનો ચોથો ખૂણો - ખલીલ ધનતેજવી

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
આપણે જ આપણી જાતને છેતરાવા માટે છૂટી મૂકી દેતા હોઈએ છીએ! 1 - image


આપણી ચાપલુસી કરનાર માણસ જ આપણને ગમે છે ! અને પાછા કહીએ પણ ખરા 'ખુશામત તો ખુદા કો ભી પસંદ હૈ!' આમ આપણું મૂલ્યાંકન કરવાને બદલે ખુદાનું મૂલ્યાંકન કરી નાખીએ છીએ !

કોઈપણ માણસને ઓળખવાની આપણી અંગત જીદ આપણને જ પરેશાન કરતી હોય છે. માણસ એક એવું પ્રાણી છે કે એ ક્યારેય પૂરેપૂરો ઓળખાતો નથી ! છતાં એની સાથે સંબંધ કેળવતાં પહેલા એને ઓળખી લેવો જરૂરી છે ! પણ એમાં ઊંડા ઊતરવું પડે ! એ માટેનો સમય ક્યાંથી લાવવો ? ધારો કે એ માટે તમે સમય ફાળવી શક્યા હોય તો એમાં જ તમારો સમય ખર્ચાઈ જાય ને તમે જેની સાથે સંબંધ કેળવવા ઈચ્છતા હો એ ક્યાંક બીજે સરકી જતો હોય છે ને બીજી બાજુ ઊંડાણ અને વહેણની શક્તિનો માપ કાઢ્યા વગર અજાણી નદીમાં ભુસકો મારવામાં પણ જોખમ રહેલું છે ! ખૂબ ઊંડા ઊતરવામાં પણ જોખમતો છે જ ! ઊંડાણમાં ઊતરીએ અને આપણે જ આપણને સામે મળી જઈએ તો એકવાર તો આપણે ડરી જઈએ અને સાથે ખાતરી પણ થઈ જાય કે આપણે પોતે જ આપણી જાતને ઓળખી શક્યા નથી ! માણસને ઓળખવો હોય તો માણસમાં નહિ, માણસના સ્વભાવમાં ખણખોતર કરવી જોઈએ ! એના સ્વભાવમાં સાલસતા અને સરળતા હોય તો આપણને ગમે. કેટલાકને વાતોડિયા લોકો વધારે ગમતા હોય છે.

કારણ કે વાતોડિયા લોકો થોડાક ચબરાક પણ હોય છે. એની ચબકારી જ સામે વાળાને આકર્ષી લેતી હોય છે ! એનો સ્વભાવ આપણને માફક આવી જાય તો કોઈને ય પૂછ્યા વગર આપણે એની સાથે દોસ્તી કરી લેતા હોઈએ છીએ ! આપણને ગમતી વાતો કરનાર માણસ આપણને બહુ ગમતો હોય છે ! અને અહિ જ આપણે આપણી જાતને છેતરાવા માટે છૂટી મૂકી દેતા હોઈએ છીએ ! સ્વભાવની અનેક વ્યાખ્યા છે.

આપણને માફક આવતો સ્વભાવ જ જો આપણને ગમતો હોય તો સ્વભાવની વ્યાખ્યા બદલાઈ જાય છે ! સામેવાળાને ન ગમતી વાત કરવી એ પણ એક સ્વભાવ છે ! એ સ્વભાવને ક્યા ખાતે જમા કરીશું ? કોઈપણ સાચો હોય, આખા બોલો હોય અને તમારા વિશે તમે જેવા છો એવા જ એ તમને તમારા મોઢા પર જ રોકડું પરખાવી દે તો  એ તમને અળખામણો લાગશે ! ગમે તેને રોકડું પરખાવી દેવું, એ પણ એક સ્વભાવ છે ! પણ આપણને એ ગમતો નથી ! સાચા અર્થમાં એ આપણી ટીકા કરે તો એ સ્વીકારી લેવાને બદલે એને આપણી ઈર્ષા આવે છે.

એ આપણા પર જલે છે, એવું અર્થઘટન કરીને એ સાચા બોલા માણસથી આપણે દૂર રહેવું પસંદ કરીએ છીએ ! એનો અર્થ એ કે આપણી ચાપલુસી કરનાર માણસ જ આપણને ગમે છે ! અને પાછા કહીએ પણ ખરા 'ખુશામત તો ખુદા કો ભી પસંદ હૈ !' આમ આપણું મૂલ્યાંકન કરવાને બદલે ખુદાનું મૂલ્યાંકન કરી નાખીએ છીએ !

આપણે નિહાયત ભ્રામક અવસ્થામાં જીવીએ છીએ ! આપણને ગમતી વાતો માફક આવે છે. ન ગમતી વાત સાચી હોવા છતાં આપણને ગમતી નથી. એનો અર્થ એ કે આપણે સત્ય નો ઇન્કાર કરીને આપણી જાતને ભ્રામકતામાં ડૂબાડી દઇએ છીએ! કોઇ નાહકની ટીકા કરતો હોય તો એ આપણને ન ગમે એ સ્વાભાવિક છે.

પણ આ સ્થિતિમાં ભાગેડુ વૃત્તિ છોડીને સ્હેજ પણ વિચલિત થયા વગર એની ટીકાનો અનુરૂપ જવાબ આપીને એની ટીકા સાચી હોવાનું પુરવાર કરવા એને મજબૂર કરવો જોઇએ! એમ ન કરી શકો તો એની ટીકા સ્વીકારી લેવા તમારે મજબૂર થવું પડે! આપણી કોઇ ટીકા કરતું હોય તો તાત્કાલિક ચીડાઇ જવાને બદલે આપણા વિશેની એની ટીકા સાચી છે કે ખોટી, એ જાણવા પોતાની જાતમાં ડોકિયું કરી લેવા પૂરતી ધીરજ આપણે કેળવવી જોઇએ અને આપણીવાણી વર્તન અને વૃત્તિઓનું પરીક્ષણ કરવું જોઇએ. આપણા વિશેની ટીકા સાચી હોય તો એ સાચાબોલા માણસ સાથે આત્મીયતા પૂર્વક દોસ્તી કરી લો. અને ટીકા સાચી ન હોય તો લોકોને નીચા પાડી દેવાની એની વૃત્તિ અથવા કુટેવને જાહેરમાં ઉઘાડી પાડી દેવી જોઇએ!

આ બધા સારા માઠા પ્રપંચો સંબંધો માટે છે. સંબંધમાં જેટલી સુંવાળપ છે એટલી જ ખતરનાક બરછટતા પણ છે! છતા સંબંધો અનિવાર્ય છે! સંબંધોમાં રહેલા ખતરા વિશે અખતરા કરતા રહેવાનું અને તે પણ સામેવાળાને જાણ ન થાય, સામેવાળાની લાગણી ન દુભાય એ રીતે અખતરા ચાલુ રાખવા ઘરખમ સમજદારીની આવશ્યકતા છે. સંબંધ વગર માણસ સમાજમાં જીવી શકે નહિ! જેને ભીડ કંટાળાજનક લાગે છે એને એકલતા એનાથી બમણી કંટાળાજનક લાગે છે.

નિક્ટના સગાસંબંધી ઉપરાંત થોડાક મિત્રો પણ હોવા જોઇએ. સગાઓ સાથે ઠાવકાઇથી બેસવું પડે છે, અને એ ઠાવકાપણાનો આપણને ભાર લાગવા માંડે છે. મિત્રોમાં જઇએ તો બધી જ રીતે ઠલવાઇને હળવા થઇ જવાતું હોય છે! મજાક મશ્કરીમાં નરદમ હળવાશ પ્રાપ્ત થાય છે. ઘણા ઘરોમાં કૌટુમ્બિક સભ્યો વચ્ચે મૈત્રી ભર્યું વાતાવરણ જોવા મળે છે! એવા પરિવારો કપરા સમયમાં પણ હળવાશ અનુભવતા હોય છે! બાપ-દીકરા વચ્ચે મૈત્રી સંબંધો સ્વાભાવિક છે.

પણ દીકરી સાથેના મૈત્રી સંબંધથી બાપ ને વધુ આત્મીયતા કેળવાય છે! એકબીજાને મળતા રહેવું જરૂરી હોવા છતાં વચ્ચે થોડું અંતર રાખીને મિલન મુલાકાતોનું આયોજન કરવું જોઇએ! રોજેરોજ મળવાથી સંબંધનું મહત્વ ઘટે છે! એક બીજાને મળવાની આતુરતા પછીની મુલાકાતમાં મઝા આવે છે. સતત અથવા નિરંતર મળવાથી આતુરતા સર્જાતી નથી અને આકર્ષણ જેવું પણ કશું રહેતું નથી.

આ સ્થિતિ બાપદીકરાનાં સંબંધમાં જોવા મળે છે. જનરેશન ગેપની અવસ્થામાં બાપદીકરા વચ્ચેનો મૈત્રીસંબંધ મોટીવેશનનું કારણ બને છે. પરંતુ બાપદીકરો સતત સાથે રહેતા હોવાથી બંને વચ્ચે એકબીજાને મળવાની આતુરતા અને આકર્ષણ જેવી અનુભૂતિ થતી નથી. આ સંદર્ભમાં નવ્વાણું ટકા કિસ્સા એવા બને છે કે બાપદીકરા વચ્ચે ગમે તેટલી અતૂટ મૈત્રી હોવા છતાં એ દીકરાનાં લગ્ન સુધી જ અતૂટ રહે છે !  પછી તૂટે છે.

લગ્ન પછી દીકરાઓ બાપના મિત્રને બદલે પ્રતિસ્પર્ધી બની જતા જોવા મળે છે !  આ ફલાણાનો દીકરો એવો પરિચય એમને ગમતો નથી ! એ પોતાની આગવી ઓળખ ઊભી કરવાના અભરખામાં જાણે અજાણે બાપનો હરીફ બની જતો હોય છે ! દીકરી ભાગ્યે જ બાપ સાથે સ્પર્ધા કરતી હોય છે. લગ્ન પછી તો બાપને મળવાની દીકરીની આતુરતા વધુ તીવ્ર બને છે અને એ ધારદાર તીવ્રતા સાથે બાપને મળે છે ત્યારે ખરેખર દીકરી 'વ્હાલનો દરિયો'  સાબિત થાય છે ! 

વર્તમાન યુગમાં નવી પેઢીને સંયુક્ત કુટુમ્બના અર્થની પણ જાણ નહિ હોય ! દીકરાઓ લગ્ન પછી જુદા થતા જ હોય છે, એ ઘટના હવે નવી નથી ને આ આશ્ચર્યજનક પણ નથી !  પણ માબાપની સ્થિતિ દયાજનક બની જતી હોય છે. પાછલી ઉંમરમાં હવે આપણે રાખીને શું કરવું છે, એમ માનીને પોતાનું સર્વસ્વ દીકરાઓને સોંપી દેનાર બાપને દીકરાઓના  ઓશિયાળા બની જવું પડે છે. માબાપના ગુજરાન માટે દીકરાઓ વચ્ચે વારાબંધાય છે.

અલગ થતા દીકરાઓ નજીકમાં જ રહેતા હોય તો માબાપ માટે જમવાની વ્યવસ્થા સવારે મોટા દીકરાને ત્યાં અને સાંજે નાના દીકરાને ત્યાં. અઠવાડિયામાં આ ક્રમ બદલાય. પછી નાના દીકરાને ત્યાં સવારે અને મોટા દીકરાને  ત્યાં સાંજે જમવા જવાનું ! આમાં સાંજના વારામાં નિયમિતતા જળવાતી નથી. સાંજે કોઇ ફંકશનમાં જવાનું હોય તો માબાપને કહી દેવામાં આવે ! અમે ત્યાં જમીને આવીએ છીએ. તમે સવારનું પડયુ છે એ ગરમ કરીને જમી લેજો ! અને માબાપને એ સૂચન સ્વીકારી લીધા વગર છુટકો નથી.

કોઇ જગ્યાએ સાંજ-સવારના વારાને બદલે અઠવાડિયાના વારા બંધાય. એક અઠવાડિયું આ દીકરાને ત્યાં, ને એક અઠવાડિયું બીજા દીકરાને ત્યાં !  આ પરિસ્થિતિમાંથી પસાર થતા માબાપની લાગણી લોહીલૂહાણ થઇ જતી હોવા છતાં બોલી શકાતું નથી. દીકરાઓને ત્યાં વારાફરતી જમવા જવાની લાચારી વેઠવી  એનાથી મોટી કોઇ સજા હોઇ શકે નહિ !  ખરેખર એવા માબાપની દયા પણ આવે છે ને એમની મૂર્ખામી પર ગુસ્સો પણ આવે છે.

દીકરાઓ ગમે તેટલા પ્રમાણિક હોય તો પણ તમે એમને એટલું બધું ન આપી દો કે પાછલા  જીવનમાં તમારે દીકરાઓ સામે હાથ લાંબો કરવો પડે ! જીવનભર દીકરાઓ તમારી સામે હાથ લાંબો કરતા આવે એ સ્થિતિ મરતા સુધી જાળવી રાખવી જોઇએ ! મર્યા પછી તો બધું એમનું જ છે ને !

દોસ્તી આપણી વચ્ચે ટકે છે ના છુટકે

આપણા સૌના સંબંધો નભે છે ના છુટકે,

ગરમી વર્તાય છે ક્યાં લોહીની સગાઇમા,

બસ હવે નામના સગપણ બધે છે ના છુટકે !

Tags :