Get The App

જૂઠ બોલે કૌવા કાટે, આનાથી મોટુ જૂઠાણું શું હોય?

ત્રિકોણનો ચોથો ખૂણો - ખલીલ ધનતેજવી

Updated: Feb 18th, 2020

GS TEAM

Google News
Google News
જૂઠ બોલે કૌવા કાટે, આનાથી મોટુ જૂઠાણું શું હોય? 1 - image


ટેકનોલોજીના નામે આધુનિકતાએ આપણને ઘણું બધું નવું નવું આપ્યું છે એ સાથે પાછી ના વાળી શકાય એવી પ્રચલિત લોક પરંપરા આપણે ગુમાવી બેઠાં છીએ!

ઘણીવાર એવો વિચાર આવે છે કે આપણી પાસે ભાષા ન હોત તો આપણું શું થયું હોત ? અન્ય પ્રાણીઓથી આ આપણને આદરભેર નોખા તારવી આપતી કોઇ વસ્તુ હોય તો તે ભાષા છે !  છતાં આપણે ભાષાનો આદર કેટલો કરીએ છીએ ? ખરેખર તો આપણે ભાષાનો ઉપકાર માનવો જોઇએ ! આપણી પાસે ભાષા ન હોત તો સામેવાળાને જીભથી ચાટી ચાટીને આપણી લાગણીઓની અભિવ્યક્તિ કરવી પડી હોત ! તો ય પૂરેપૂરા વ્યક્ત થવાયુ ન હોત !  પણ આપણી પાસે ભાષા છે. આપણને જે કહેવું છે તે કહી શકીએ છીએ.

પણ કહીએ છીએ ત્યારે આપણને એવો ખ્યાલ  રહે છે ખરો કે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ ? એટલું સારૂં છે કે ભાષાનો ઉપયોગ ક્યારે કઇ રીતે કરવો, એની સમજ છે આપણને !  એ સમજ ન હોય તો તમારો શબ્દ કાં તો તમને ન્યાલ કરી જાય કે કાં તો બરબાદ કરી નાખે ! શબ્દ તમારા માથે મુગટ પણ પહેરાવે અને ક્યારેક મુગટ સાથે તમારૂં માથું પણ ઊતારી લે ! આવી અમૂલ્ય ભાષાની અદબ જાળવવાનું આપણે ચૂકી ગયા છીએ. બોલવા, લખવા કે વાંચવામાં એના નિયમો આપણે જાળવીએ છીએ ખરા ? હૃસ્વઇ અને દીર્ધઇમાં રહેલા ફરકનો આપણે અમલ કરીએ છીએ ખરા ? આશ્ચર્ય ચિન્હ, પ્રશ્નાર્થ ચિન્હ, અલ્પ વિરામ, અને પૂર્ણ વિરામ અને અનુસ્વાર ભાષામાં પ્રયોજાય છે તે કંઇ અમસ્થા  નથી હોતા !  એ ચિન્હ દ્વારા જ ભાષાનો ખરો અર્થ સમજાય છે.

ત્યાં પેલા બેઠા છે ત્યાં જ એ પણ બેઠાં છે !  આમાં એક 'બેઠા' સાદો છે અને બીજામાં અનુસ્વાર છે ! બેઠા પુરૂષવાચક શબ્દ છે અને 'બેઠાં' અનુસ્વારને કારણે મહિલાવાચક શબ્દ બને છે. એ જ રીતે વિરામ ચિન્હ પણ વાતનો આખો અર્થ જ બદલી નાંખે છે. નાકાબંદીમાં પોલીસ કોઇને રોકે છે ! એ પાછો વળે છે, શહેરમાં આવી મેયરને વાત કરે છે. મેયર એને ચિઠ્ઠી લખી આપે છે, લો આ ચિઠ્ઠી દેખાડજો ! હવે પોલીસ મૂઝાય છે.  ચિઠ્ઠીમાં લખ્યું હોય છે કે 'રોકો મત જાને દો!' આ વાકયમાં એક અલ્પવિરામ કે પૂર્ણવિરામની જરૂર હતી.

એ વિરામ ચિન્હ કેવી રીતે અર્થ બદલી નાખે છે એ જુઓ! 'રોકો મત, જાને દો! અને 'રોકો, મત જાને દો!' આ બંને વાક્યોમાં એક જ પ્રકારના શબ્દ પ્રયોજાયા હોેવા છતાં વિરામ ચિન્હને કારણે અર્થ બદલાય છે - 'રોકો, મત જાને દો !'  અને 'રોકો મત, જાને દો !' રોકો પાછળ આવતો વિરામ ચિન્હ મત પછી  આવ્યો હોય તો જ એને જવા દેવાય ! જે ભાષા આપણું કાર્ય સુધારી આપે છે એજ ભાષા કાર્યને બગાડી પણ શકે છે ! ભાષાનો ઉપયોગ કયારે અને કોની સામે કરવાનો હોય એનો ખ્યાલ રાખવો જોઈએ. ક્યારેક શબ્દો અસરકારક નથી હોતા, રજૂઆત અસરકારક હોય છે.

કોઈ સામાન્ય સમજ ધરાવનાર માણસ કોઈ સરકારી અધિકારી સમક્ષ વાત કરે છે પણ રજુઆત નબળી હોવાને કારણે અધિકારી એની વાત પર ધ્યાન નથી આપતા ! એ જ વાત કોઈ શિક્ષિત અને સમજદાર માણસ રજુ કરે છે ને અધિકારીને ગળે ઊતરી જાય છે ! ભાષાની રજુઆત પણ એક પ્રકારની કળા છે ! ભાષા સદુપયોગ માટે બની છે, પણ એનો દૂરૂપયોગ ન કરીએ તો આપણે માણસ ના કહેવાઈએ. કોઈની લાગણી દુભાય એ રીતે બોલવું, અથવા જૂઠું બોલવું, એ ભાષાનો દૂરુપયોગ જ કહેવાય ! સામેવાળાની લાગણી દુભાવવી અને જૂઠું બોલવું, એ તો આપણી ખાસ લાક્ષણિકતા છે.

સદીઓ જૂનું હોવા છતાં ફિલ્મ ' બોબી' દ્વારા જાણીતુ થયેલ ગીત ' જૂઠ બોલે કૌવા કાટે, કાલે કૌવે સે ડરીયો ! આ ગીત સાંભળવું ગમે પરંતુ સમજવું અઘરૂં છે. આનાથી મોટું જૂઠાણું શું હોઈ શકે ? કારણ કે આ ગીત માટે મૂળ પ્રશ્ન છે. 'કાળો કાગડો !' આ કાળા કાગડાને જૂઠ સાથે શું લેવા દેવા છે? જૂઠ બોલનારને એ શા માટે કરડે ? રાજકારણમાં તો કોઈ સાચું બોલતા નથી, બોલે છે તે પાળતા નથી ! પણ એમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો તદ્દન સાચું બોલ્યા અને બોલ્યા તે પાળ્યું પણ ખરું ? જુદા જુદા પક્ષના ઉમેદવારો મતદારો પાસે ગયા અને મતદારોએ દરેકને મત આપવાની બાબતમાં વચન આપીને રાજી પણ કર્યા અને મતદારોએ પોતાનું વચન પાળી દેખાડયું.

દરેક  ઉમેદવારને દિલ્હીના મતદારે કહ્યું. ' આપ આયે તો અચ્છા લગા, ન આતે તો ભી હમને તો ' આપ હી' કો વોટ દેને કી ઠાન લીએ. જે ઉમેદવાર ગયો એને મતદારોએ કહ્યું ' હમ તો આપ કો હી મત દેંગે !' અને ઉમેદવારો ખુશ થઈ જતાં ! એમને એમ કે અમને જ વોટ આપવાનું વચન આપ્યું છે, પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થયા ત્યારે સૌને સમજાયું કે મતદારો ના 'આપ કો હી મત દેંગે !' નો અર્થ એ કે અરવિંદ કેજરીવાળાના પક્ષનું નામ જ 'આપ' છે. અને મતદારોએ સાચું જ કહ્યું કે હમ તો આપ હી કો વોટ દેંગે !'

જૂઠ બોલે કૌવા કાટે, ગીત સમજણો થયો ત્યારથી સાંભળતો આવ્યો છું! મુસ્લિમ સમાજમાં લગ્ન પ્રસંગે મહિલાઓ દ્વારા ઢોલક પર ગીત ગાવાની સદીઓ પુરાણી પરંપરા છે. લગ્ન પ્રસંગે ચારપાંચ દિવસ રોજ રાતે ચા-પાણીના નામે ગીતોની રમઝટ બોલાય છે. એમાં લગ્નસંબંધી મૌલિક ગીતો કરતા 'ફિલ્મો'ના ગીતો વધુ ગવાય છે અને તે સ્થાનિક બહેનો જ ગાય છે. વર્ષો પહેલાં એ માટે મુસ્લિમ સમાજમાં મીરાસી જ્ઞાાતિ તરીકે ઓળખાતા વર્ગની બહેનો (મીરાસણો) ને લગ્નના ગીતો ગાવા સ્પેશ્યલ બોલાવવામાં આવતી! એ ત્રણ ચાર દિવસ ત્યાં જ રોકાય અને રાતે ઢોલક વગાડીને લગ્નગીતો ગાય એમને બે જોડી કપડાં આપવામાં આવતા પૈસા પણ નક્કી કર્યા મુજબ આપવામાં આવતા એ ઉપરાંત એમના ગીતોથી ખુશ થઇને બહેનો તરફથી સલામીના પૈસા મળે એ અલગ અને જતીવેળાએ ઊંચકાય એટલું અનાજ પણ બાંધી આપે!

શરૂઆતમાં લગ્ન સંબંધી સરસ ગીતો સંભળાવે જેમજેમ રાત જાય તેમ તેમ ગીતોનો મિજાજ બદલાય પછી ફટાણા પણ ગવાય ને રમુજી, ગીતો પણ ગવાય! ક્યારેક એમનામાંની કોઇ બહેન પુરૂષનાં કપડાં પહેરીને નાટક જેવું દ્રશ્ય સર્જાય ત્યારે આવા ગીતો ગવાય- 'મૈં કયા કરૂં હાય મુઝે બુઢ્ઢા મિલ ગયા' આવા પ્રસંગે છોકરાઓને પણ ઘરમાંથી કાઢી મૂકે અને બારણાં બંધ કરી દેવામાં આવે.મૈ કયા કરૂં રામ મુજે બુઢ્ઢા મિલ ગયા' ગીત વર્ષો પછી ફિલ્મ 'સંગમ' માં લેવાયું. જૂઠ બોલે કૌઆ કાટે, 'બોબી' ફિલ્મમાં લેવાયું. 'નજર લાગી રાજા તોરે બંગલે પર જો મૈં હોતી બનકી કોયલિયા, ટહુક રહેતી રાજા તોરે બંગલે પર/ જો મૈ હોતી રાજા બેલા ચમેલિયા લિપટ રહેતી રાજા તોરે બંગલે પર/ આ ગીત ફિલ્મ 'કાલા પાની' માં લેવાયું!

એ ઉપરાંત 'ઇન્હી લોગોને લે લીના દુપટ્ટામેરા' ફિલમ 'પાકીઝા'માં આવ્યું. આવા અનેક ગીતો મુસ્લિમ સમાજમાં લગ્ન પ્રસંગે ગવાતાને વર્ષો પછી ફિલ્મોમાં લેવાયા. હવે એ મીરાસી પ્રથા પણ રહી નથી ને એ લોકગીતો પણ રહ્યા નથી. લગ્ન પ્રસંગે ગીતો ગવાય છે પણ તે ફિલ્મી ગીતો જ ગવાય છે! ટેકનોલોજીના નામે આધુનિકતાએ આપણને ઘણું બધું નવું નવું આપ્યું છે એ સાથે પાછી ના વાળી શકાય એવી પ્રચલિત લોક પરંપરા આપણે ગુમાવી બેઠાં છીએ! આજના લગ્ન પ્રસંગોમાં ઉજવણી ઓછી ને ઉધામા વધારે હોય છે.  કયાં એ મીરાસી તેહજીબની મીઠાશ અને કાં આ ડીજે નો ઘોંઘાટભર્યો રઘવાટ?

યે આલમ હૈ કિ જૈસે મોજેં સાહિલ તક નહીં આતી,

તુમ આંખો તક તો આતી હી મગર દિલ તક નહીં આતી!

Tags :