Get The App

માણસ પાસે પોતાને પુરવાર કરવાની સ્વતંત્રતા નથી!

ત્રિકોણનો ચોથો ખૂણો - ખલીલ ધનતેજવી

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
માણસ પાસે પોતાને પુરવાર કરવાની સ્વતંત્રતા નથી! 1 - image


આપણે વર્તમાન યુગને વિજ્ઞાાનયુગ તરીકે ઓળખીએ છીએ, પણ આ વિજ્ઞાાનયુગની શરૂઆત ક્યારે થઇ? કોણે કરી? એ આપણે જાણતા નથી !

વીસમી સદીના પૂર્વાધ પછીના ઉત્તરાર્ધની શરૂઆતથી જ માણસની સંખ્યા ઘટવા માંડી છે ! પણ હવે તો માણસ રહ્યો જ નથી, અને નવાઈની વાત એ છે કે આપણને એની જાણ પણ નથી !

તમે ક્યારેય તમારી જાતે એવું પૂછ્યું છે ખરૂં કે, હું કોણ છું? પૂછી જૂઓ! શું જવાબ મળે છે? સાથે એ વાત પણ ધ્યાનમાં રાખજો કે જવાબ તમે તરત જ આપી દીધો કે એ માટે વિચારવું પડયું? વિચાર્યા પછી તમે જે જવાબ આપ્યો હોય તે જવાબ સાચો જ હશે એમ કેમ માની લેવાય? પણ એમાં વિચારવાનું શું હોય? શું તમે તમને પોતાને ઓળખતા નથી કે હું કોણ છું?'' નો જવાબ આપવા વિચારવું પડે? આ પ્રશ્ન સાવ સહેલો છે, પણ ખૂબ જ અઘરો છે! કોઇની સાથે બોલાચાલી થઇ જાય ત્યારે સામેવાળાને આપણે ઓળખતા હોવા છતાં પૂછી નાખીએ છીએ કે, 'તું છે કોણ?' આનો જવાબ આપવા માટે એને પોતાનો અધિકાર પુરવાર કરવો પડે! એ પુરવાર થઇ પણ જાય તો પણ મૂળભૂત રીતે એ જવાબ સાચો નથી હોતો! કોઇ બીજાની વાત શું કામ કરવી? તમે ખુદને 'હું કોણ છું?

નો સાચો જવાબ આપી શકવાના નથી! તમે કહેશો, હું વહેપારી છું! હું બિલ્ડર છું ! હું ખેડૂત છું ! હું કવિ અથવા લેખક છું ! હું પોલીસ કમિશનર છું ! હું કલેકટર છું! આવું બધું તમારી ઓળખ માટે તમે કહેશો પણ ખરેખર તમે જે છો એ કહેવાનું ચૂકી જાવ છો! હું કહું, તમે કોણ છો?- 'તમે માણસ છો!'પણ એ કહેવાની તમને એટલા માટે જરૂર નથી પડતી કે તમે માણસ છો એ તો એ જાણે છે. પણ તમે કલેક્ટર કે કમિશનર છો એવું એ જાણતો નહિ હોય એટલે તમે એને તમારી કારોબારી ઓળખ આપો છો! કયાંક કલાર્ક મળે છે, કયાંક શિક્ષક મળે છે, કયાંક કલેક્ટર કે કમિશનર મળે છે. પણ માણસ કયાંય મળતો નથી! ઓળખ માટે થોડી ઊંડી પૂછપરછ કરી એ તો હિન્દુ મળે છે, જૈન મળે છે, મુસ્લિમ મળે છે, પણ ઊંડા ઊતર્યા પછી પણ માણસ મળતો નથી! સમગ્ર સમાજમાં માણસનો કોઇ માન-મરતબો જ નથી! અહિ પાવર અને હોદ્દાનું બહુમાન થાય છે. માણસનું નહિ! માણસ તરીકે તમે સમાજમાં રહી જ નથી શકતા.

એ માટે તમારી મનુષ્યતા ખપ લાગતી નથી. નાગરિકતા ખપ લાગે છે! સમાજમાં રહેવા માટે માણસ હોવું જરૂરી નથી. નાગરિક હોવું જરૂરી છે. માણસનું અસ્તિત્વ લૂપ્ત થઇ ગયું હોવાનો આથી વિશેષ તમારે શું પુરાવો જોઇએ છે? માણસ એક ભયાનક ભ્રામકતા છે. માણસ કયાંય નથી!ખરેખર માણસ કયાંય નથી? માનસિકતા પર હથોડો ઝીંકાયો હોય એવી અનુભૂતિ વેઠવી પડી ત્યારે અચાનક એક ઉદાહરણ યાદ આવ્યું! ઉદાહરણ કાલ્પનિક છે પરંતુ વાસ્તવિકતાને અદાલતના કઠેરામાં ખડી કરી દેવાની તાકત ધરાવે છે! વાત એમ છે કે એક ગરીબ નિરાધાર માણસ સવારથી કામની શોધમાં ગામમાં ભટકે છે બપોર થઇ જાય છે. પણ આજે કામ નથી મળતું એને તરસ લાગે છે.

સાર્વજનિક પરબ જેવું તો ક્યાંય હતું નહિ, એણે એક દુકાનદારને આજીજી કરી- 'શેઠ, પાણી પીવડાવશો? દુકાનદારે ઠંડા કલેજે જવાબ આપ્યો ' હમણાં કોઈ માણસ નથી !' પેલા તરસ્યાએ ફરી આજીજી કરી - ' શેઠ ! બહુ તરસ લાગી છે !' અને દુકાનદારે ફરી એવો જ રૂક્ષ જવાબ આપતાં કહ્યું -' તને કહ્યું તો ખરૂં કે હમણા કોઈ માણસ નથી ! હમણાં થોડીવાર બેસ. માણસને આવવા દે ! માણસને આવતાં વાર લાગી. પેલા તરસ્યા માણસે બે ત્રણ વખત પાણી માટે આજીજી કરી અને દરેક વખતે દુકાનદારે એક જ જવાબ આપ્યા કર્યો- 'હમણાં માણસ નથી ! પેલાને ખુબ જ તરસ લાગી હતી. એનાથી  બોલી જવાયું - ' શેઠ ! થોડીવાર માટે તમે માણસ ન બની શકો ? અને દુકાનદારનો પિત્તો ગયો. એને માણસ થવું ગમ્યું નહિ ! પેલાને પાણી પીવડાવ્યા વગર ગાળો દઈને ખદેડી મૂક્યો ! માણસ હોત તો આ તરસ્યા માણસને પાણી મળ્યું હોત ! આના પરથી તો સાબિત થાય છે ને, કે માણસ નથી !

માણસ તો ક્યારનોય નથી ! ખૂબ જ દુરના ભૂતકાળમાં સીતાહરણ અથવા દ્રૌપદીના ચીર હરણની છુટી છવાઈ માંડ એક બે ઘટનાઓ જ આપણને જડે છે ! વર્તમાનમાં રોજેરોજ પારાવાર અમાનવીય દુર્ઘટનાઓ સર્જાવા લાગી છે. તોય આપણને માણસની ખોટ સાલતી નથી ! વીસમી સદીના પૂર્વાધ પછીના ઉત્તરાર્ધની શરૂઆતથી જ માણસની સંખ્યા ઘટવા માંડી છે ! પણ હવે તો માણસ રહ્યો જ નથી, અને નવાઈની વાત એ છે કે આપણને એની જાણ પણ નથી ! માણસ પત્રકમાં પણ નથી. મતદાર યાદી બને છે પણ એમાં મતદારના નામો હોય છે. અને જે મતાધિકાર મળ્યો છે એ નાગરિકને મળ્યો છે. માણસને નહિ ! આપણી લોકશાહી પણ નાગરિકોને આધિન છે.

માણસ આધિન નથી ! નાગરિકતાની શોધમાં સમગ્ર તંત્રને કામે લગાડી દેવામાં આવ્યું છે પણ માણસની શોધ માટે આપણી પાસે કોઈ જોગવાઈ નથી ! સરકારી કર્મચારી પર ફોજદારી કેસ થાય તો એને નોકરીમાંથી પાણીચુ પકડાવી દઈને ઘરે બેસાડી દેવામાં આવે છે. જેના પર હત્યા અને બળાત્કારના કેસ ચાલતા હોય એવા નરાધમોને ઘરે બેસાડી દેવાને બદલે આપણે સંસદમાં અને વિધાનસભાઓમાં બેસાડીએ છે. કારણ કે આપણે નાગરિકો છીએ ! નાગરિકો આ જ કામ કરતા હોય છે. માણસ હોત તો આવું ન કરતા.

સાવ એવું પણ નથી કે માણસ ક્યાંય નથી ! ક્યાંક હજી ય માણસ છે. પણ એની બોલતી બંધ કરી દેવામાં આવી છે. માણસનો અવાજ સાંભળવા ન મળતો હોય તો માણસ હોવાનો એહસાસ પણ આપણને ક્યાંથી હોય ? સમગ્ર દેશ ભ્રષ્ટાચાર અને અનૈતિકતાનું નર્ક બની ગયું છે, એવું કહેનાર છે કોઈ માણસ આપણી વચ્ચે ? આ ભ્રષ્ટાચાર શેનો છે ? આ હત્યા અને બળાત્કારની ઘટનાઓ કેમ સર્જાય છે ? દેશને સ્વર્ગ બનાવવો હોય તો માણસની જરૂર પડશે. માણસે કાર્યરત થવું પડશે. માણસને કાર્યરત થવા માટે તંત્ર તરફથી પ્રોત્સાહિત કરવો પડશે.

અબજો પ્રકારના પ્રાણીઓમાં કુદરતે એક માત્ર માનવપ્રાણીને વાચા આપી છે ! એ વાચાની ઉપયોગિતા માટે માણસે સ્થળ...કાળ મુજબ વિવિધ પ્રકારની ભાષાનું ઘડતર કર્યું ! એ માટે અક્ષરનું નિર્માણ થયું, અને અક્ષરની સામુહિકતાએ શબ્દનું સર્જન કર્યું. આટલું બધુ કર્યા પછી પણ એને બોલવા પર પ્રતિબંધનો સામનો કરવો પડે એથી વિશેષ એના પર બીજો કયો અત્યાચાર હોઇ શકે ? આપણે ટોચને જ જોઇએ છીએ. ટોચને જ વખાણીએ છીએ ! પણ એ ટોચ જેના પર ઊભી છે એ ઝાડના મૂળ વિશે આપણને ક્યારેય કશો વિચાર આવતો નથી ! જેમ આપણે ઝાડના મૂળને ગણકાર્યા વગર માત્ર ટોચને જ ઓળખીએ છીએ બસ એજ રીતે આપણે વર્તમાન યુગને વિજ્ઞાાનયુગ તરીકે ઓળખીએ છીએ, પણ આ વિજ્ઞાાનયુગની શરૂઆત ક્યારે થઇ ? કોણે કરી ?

એ આપણે જાણતા નથી ! વિજ્ઞાાનની શરૂઆત અક્ષરની શોધથી થઇ છે અને જેને અક્ષરની શોધ કરી એ સૌથી પ્રથમ અને સૌથી મહાન વૈજ્ઞાાનિક કહેવાય ! અક્ષરની શોધ ન થઇ હોત તો આજે હું આ લખી શક્યો ન હોત ને મારી વાત તમારા સુધી પહોંચી શકી ન હોત ! આજે વિજ્ઞાાન ચંદ્ર અને મંગળથી પરિચિત થવા મથી રહ્યું છે એ મથામણ પણ અક્ષર વિના શરૂ થઇ ન હોત ! અક્ષર વિના સાયન્સ ભણાવી શકાયું ન હોત ! સામાજિક ક્ષેત્રે, ધાર્મિકક્ષેત્રે, રાજકીયક્ષેત્રે વેપારધંધા ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે અક્ષરનો જ મહિમા છે. અક્ષરે ઇશ્વરની ઓળખ આપી. અક્ષરે માબાપની ઓળખ આપી ! આ લોક પરલોક જેવા શબ્દો અક્ષરે જ આપણને પ્રદાન કર્યા છે ! અક્ષરની શોધ સૌથી મહાન શોધ છે.

ગઇકાલે પણ એ મહાન હતી, આજે પણ મહાન છે ને આવતીકાલે પણ એ મહાન રહેશે ! આ એક જ શોધ ઉપર બધી શોધો નિર્ભર છે ને નિર્ભર રહેશે ! અને એ ન ભૂલતા કે એ શોધ માણસે જ કરી છે. આજે એજ માણસ પાસેથી પોતાનું માણસપણું પુરવાર કરવાની સ્વતંત્રતા આંચકી લેવામાં આવે છે ? માણસના બોલવા પર પાબંદી લગાવી દેવામાં આવે છે ? એની અભિવ્યક્તિ પર પહેરો બેસાડી દેવામાં આવે છે ? માણસે જેને સેવક બનવા પ્રોત્સાહિત કર્યો એ સાહેબ બની ગયો અને પોતે એનો ગુલામ થઇ ગયો. ભલે કહેવાતું હોય કે ભારત આઝાદ દેશ છે.

ભલે કહેવાતું હોય કે ભારતને ગુલામીમાંથી મુક્તિ મળી છે ! પણ એ સ્થિતિ નકરી ભ્રામક પુરવાર થઇ છે. અંગ્રેજો ગયા તો હવે દેશી અંગ્રેજો આવી ગયા છે. એમની નીતિ અંગ્રેજો કરતાં ય ભૂંડી છે. ગુલામીમાંથી મુક્તિ મળી એ વાતનો એહસાસ પણ થતો નથી. કારણ કે આજે પણ ગુલામી પ્રથા ચાલુ છે. ફરક એટલો જ કે આજે ગુલામોના વસ્ત્રો ઉજળા થયા છે અને હાથપગની બેડીઓ છે પણ દેખાતી નથી !

શું થયું છે, શેનો આ ઘોંઘાટ છે,

સૌના ચહેરા પર કશો રઘવાટ છે !

Tags :