'હું કંઇક છું!' એ એવો ચેપી રોગ છે કે જે બધાને લાગુ પડે છે !
ત્રિકોણનો ચોથો ખૂણો - ખલીલ ધનતેજવી
તમે જે કપરી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છો એ દિવસો ભલે ભૂલી ગયા હોવ પરંતુ એ પરિસ્થિતિમાંથી તમને બહાર કાઢનાર એ દિવસો ભૂલતો નથી
આજે દરેક માણસ પોતાનામાં જ રચ્યોપચ્યો રહે છે ! દરેકને એમ છે કે 'હું કંઇક છું!', એ ચેપી રોગ છે ને એ રોગ બધાને લાગુ પડયો છે ! એ રોગ વેઠી શકાતો નથી ત્યારે ક્યારેક પ્રસંગોપાત ચિલ્લાઇ ઊઠે છે 'હું કંઇક છું!' બધા જ આ રીતે પોતાની મસ્તીમાં મસ્ત હોય તો આ સમાજને દુ:ખડાં રડવાનો શો અધિકાર છે ? હું કંઇક છું' એમ સાબિત કરવા માટે કોઇ યોગ્ય કારણો તો હોવા જોઇએને ? એય નથી ! હું કંઇક છું, એવો દાવો કરનારે એવી કોઇ ધાડ મારી નથી ! 'હું કંઇક છું' નો રોગ જેને લાગુ પડયો હોય તો એ સામેવાળાને તો ગણકારે જ નહિ ને ? અને ગણકારે તો આઇ એમ સમથિંગમાંથી સંમથિંગ જ ગાયબ થઇ જાય અને પોતાને સાવ ખાલી ખોખા જેવી અનુભૂતિ થયા વગર રહે નહિં ! જો કે પોતે સાવ ખાલી ખોખા જેવો છે, એવું તો એ પણ જાણતો હોય છે.
પણ બધા જ ડંફાસો મારતા હોય ત્યાં એ ચુપ રહે તો ઝાંખો ના પડી જાય ? જેની પાસે પોતાનું અજવાળું નથી એને પણ પારકા પાસેથી લીધેલા ઉછીના અજવાળે ઝળહળતા રહેવું છે ને એ માટે એને આંતરિક કષ્ટ વેઠવો પડે છે ! ચકલીને શાહમૃગ બનવાનો વિચાર આવે, એ દિવસથી જ એના દુ:ખના દા'ડા શરૂ થઇ જતા હોય છે. કારણ કે હંસ બની શકવાની નથી ને હંસની ઇર્ષા કરી કરીને જીવનભર રીબાયા કરશે.
પારકા અજવાળે ઝળહળવું એ શરમજનક સમસ્યા છે ! આમ તો સમસ્યા વિનાનું જીવન કલ્પી પણ શકાય નહિ. દરેકને કોઇને કોઇ સમસ્યા તો હોય જ છે. જીવતા રહેવું હોય તો સમસ્યાઓનો સામનો કરવાની પણ તૈયારી રાખવી પડે ! મરેલા માણસને કફનની પણ સમસ્યા નથી હોતી ! મોત અને જિન્દગી જેના હાથમાં છે એ કુદરતને આપણે ભૂલી ગયા છીએ ! રાતે ઊંઘી જનાર માણસ જીવનથી અને દુનિયાથી વિખૂટો પડી જતો હોય છે.
સવારે જાગીને પથારીમાં બેઠો થાય છે ત્યારે નવું જીવન પ્રાપ્ત થાય છે. આપણને જીવતા જગાડયા એ માટે કોઇ દિવસ કુદરતનો ઉપકાર માન્યો છે ખરો ? કુદરત જેવું કંઇ છે એ પણ આપણને ક્યાં ખ્યાલ હોય છે. મુસીબતમાં જ ઇશ્વર કે અલ્લાહ બધાને યાદ આવે છે. આ પ્રકારનું નગુણાપણું આપણા જીવનમાં પણ જોવા મળે છે.
તમારૂ નામ વટાવીને આગળ આવી જનાર માણસ તમારી પાસે આવીને ભાગ્યે જ કબૂલ કરશે કે તમારા નામની ઓળખ આપવાથી મારૂં કામ થઇ ગયું ! વાત અહિ સુધી હોય તો ધ્યાન બહાર રાખીએ. પણ તમારા નામથી કે તમારી સિફારશથી આગળ આવનાર માણસ તમારો એહસાન માનવાને બદલે તમારો હરીફ બની જતો હોય છે. આવા સ્વાર્થી માણસો ઝડપથી એકલા પડીને નિરાધાર થઇ જતા હોય છે !
સ્વાર્થ માણસનો વારસાગત સ્વભાવ છે. સ્વાર્થ ખાતર આપણને કોઇની સાથે સંબંધો કેળવવા પડે. આપણા સ્વાર્થ માટે કોઇનો અથવા કોઈના નામનો ઉપયોગ કરવો પડે. એમ કરવું ખોટું નથી. કારણ કે કોઈના નામે આપણું કાર્ય પણ થઈ જાય છે ને એ માટે જેના નામનો ઉપયોગ કર્યો હોય, એને પણ કશું નુકશાન થતું નથી ! કોઈની મદદ લેવી અથવા કોઈના નામનો ઊપયોગ કરવો પડે તો એ વ્યક્તિની એ બાબતની જાણ કરવી આપણી નૈતિક ફરજ છે.
જે લોકોને આ નૈતિકતાની જાણ નથી એવા લોકો સ્વાર્થ પૂરો થતાં જ સંબંધોને લાત મારી અળગા થઈ જતા હોય છે! તમારી મદદથી, તમારી સિફારિશથી કે તમારા નામનો ઊપયોગ કરીને આગળ આવી જતો માણસ તમારી સામે જ તમારાથી ચડિયાતો હોવાનું વર્તન કરે છે ત્યારે એનામાં રહેલી માણસાઈના ડૂસકા એને સંભળાતા નથી ! તમે જેની મદદથી આગળ આવ્યા હો અને મદદ કરનારથી પણ તમે સાચે જ ચડિયાતા થઈ ગયા હોવ ત્યારે પણ તમને મદદ કરનાર સામે પૂરેપૂરી વિનમ્રતા દાખવવી જોઈએ.
મદદ કરનાર માણસ તમારા પર ઉપકાર કર્યો હો. એવું ન માનતો હોવા છતાં ક્યારેક કપરી પરિસ્થિતિમાં તમને એને મદદ કરી છે. એ વાત એ ભૂલતો નથી. તમે જે કપરી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છો એ દિવસો ભલે ભૂલી ગયા હોવ પરંતુ એ પરિસ્થિતિમાંથી તમને બહાર કાઢનાર એ દિવસો ભૂલતો નથી. સારા માણસો મદદ કરીને કહી બતાવતા નથી. પરંતુ મદદ કરી હોવાનું તો એમને યાદ રહી જતું હોય છે.
જગતમાં કોઈ માણસ સ્વાર્થહિન નથી. સ્વાર્થ પણ માણસનું અંગત કર્તવ્ય છે. પોતાનું કામ પોતે કરવું એ જો કર્તવ્ય ગણાતુ હોય તો સ્વાર્થ વગર એ થઈ શકે નહિ. લાભાર્થ શબ્દની સંધી છૂટી પાડીએ તો લાભ-અર્થ થાય. એટલે કે પોતાના કે ગમે તેના લાભ અર્થે કામ કર્યું હોય એ લાભાર્થ કહેવાય. એમ સ્વાર્થની સંધી છૂટી પાડીએ તો સ્વ અર્થ થાય. એટલે કે પોતાના માટે કામ કરવું.
પોતાના અંગત હિત માટે કામ કરવું ! એને સ્વાર્થ કહેવાય. તો એવો સ્વાર્થ કેળવવો એ ગુનો નથી ! સ્વાર્થ હેતુલક્ષી શબ્દ છે. એના દુરઉપયોગને કારણે એ શબ્દ વગોવાયો છે. આમ તો કોઈપણ વસ્તુ ગમે તેટલી સુંદર હોય પણ એનો દૂરઉપયોગ થવા માંડે તો એ સુંદર વસ્તુ પણ નકામી લાગવા માંડે છે.
સ્વાર્થનું પણ એવું જ છે. જ્યાં સુધી એનો દૂરઉપયોગ ન થાય ત્યાં સુધી એ મૂલ્યવાન છે. સ્વાર્થને વ્યાપક રૂપે જોઈએ તો આપણા સમગ્ર વાણી વર્તનમાં આપણને સ્વાર્થ દેખાશે. કોઈની પાસે મદદ અથવા કંઈ મેળવી લેવા બાબત પૂરતી સ્વાર્થ નીતિ પૂરતી નથી. અમસ્તા મૈત્રી ભાવે કોઈને મળવા જવું એ પણ સંબંધો ટકાવી રાખવાનો સ્વાર્થ જ ગણાય !
આપણે આવી ઘણું સુંદર સુંવાળી બાબતોને ખોટી રીતે ઊપયોગ કરીને ખરબચડી કરી નાંખી છે! લોભ, મોહ, માયા, આ શબ્દો જીવન સાથે એવા સંકળાઈ ગયા છે કે એના વગર જીવાય નહિ. પરંતુ આપણા સંતો વિગેરે આપણને લોભ ન રાખવાની સલાહ કેમ આપે છે? મોહ માયાનો ત્યાગ કરવાની સલાહ કેમ આપે છે? એ તો જગત પ્રત્યેની મોહમાયાનો ત્યાગ કરીને સાધુ ગઇ ગયા, પણ અમારે કયાં તમારી જેમ સાધુ થવું છે? અમને શા માટે લોભ ન હોય? અમને શા માટે સમાજ- દુનિયા પ્રત્યે મોહમાયા ન હોય? લોભ છે, મોહ છે અને માયા છે, એટલે તો જીવાય છે.
માણસને કોઇ વસ્તુનો લોભ ન હોય, કશામાં મોહ કે માયા ન હોય તો આ જગત નિરસ ન લાગે? આ જીવન નિરસ ન લાગે? આવી ઘોર નિરસતામાં જીવાય શી રીતે? અને એ નિરસતામાં ન જીવાય તો શું સાધુ થઇ જવાનું? આત્માને પરમાત્મા સાથે એકરૂપ કરી દેવા સાધુ થનાર આંગળીના વેઢે ગણાય એટલા જ ગણ્યાગાંઠયા હોય છે. બાકીના મોટા ભાગના સાધુઓમાં કેટલાક જીવનથી હારી ગયેલા સાધુ થઇ ગયા હોય છે ને કેટલાક સાધુતાને પણ કારોબાર ગણીને સાધુ થઇ ગયા હોય છે જેને જીવતાં આવડે છે, એવા માણસને સાધુ થવાની ઇચ્છા થતી નથી.
એ કોઇવાર જીવનની બાજી હારી જાય તો એ હારેલી બાજી પાછી જીતી લેવા પ્રયત્ન કરશે પણ સાધુ તો નહિ જ બને? આપણો સમાજ પારસ્પારિક સંબંધો પર નિર્ભર છે. અને સંબંધોના અનેક પ્રકાર છે. અને એે દરેક નો સંબંધ પરસ્પર મોહમાયા પર ટકી રહ્યો છે! પણ સ્વાર્થની જેમ લોભ, મોહ અને માયાનો પણ ખોટી રીતે ઉપયોગ થયો છે અને થતો હોય છે એટલે એ શબ્દો પણ વગોવાઇ ગયા છે.
દરેક બાબતમાં અતિશયોકિત નિષેધ હોવી જોઇએ. બાકી તો સ્વાર્થ, લોભ, મોહ અને માયા સંસારી જીવન માટે અત્યંત ઉપયોગી છે અને જાળવી રાખવા જેવી બાબત છે! એના વગર જીવન આકરૂં થઇ પડશે.
જીવનની દરેક બાબતમાં સૌથી વધુ અસરકારક કોઇ ચીજ હોય તો એ માણસની નીતિ છે. સ્વાર્થ, લોભ, માયા વિગેરે સૌને સરખા હોય પરંતુ નીતિ એક સરખી નથી હોતી. નીતિ પદાર્થને સુંદર પણ બનાવી શકે અને કદરૂપો પણ બનાવી શકે! નીતિ સારી પણ હોય છેને ખતરનાક પણ હોય છે. સ્વાર્થ અને મોહમાયા પર બંને પ્રકારની અસરકારકતા દાખવે છે!
માણસમાં સ્વાર્થ હોય, લોભ હોય, મોહ-માયા હોય તેનો વાંધો નથી પણ નીતિ સારી હોવી જોઇએ!
માણસે બીજું કંઇ ના થઇ શકે તો કમ સે કમ પોતાના, વાણી વર્તન પ્રત્યે ધ્યાન આપવું જોઇએ. જીવન વ્યવહારમાં ફર્સ્ટ પ્રાયોરીટિ વાણી વર્તનને આપવી જોઇએ! જેનું વર્તન જોવું ગમે અને વાણી સાંભળવી ગમે એવો માણસ વગર પ્રયાસે આકર્ષક બની જતો હોય છે! લોકો આકર્ષાઇ આપ મેળે એની પાસે ખેંચાઇ આવતા હોય છે. એેવા માણસને મિત્રોની ખોટ સાલતી નથી, ચાહકો અને શુભેચ્છકો શોધવા જવું પડતું નથી! પોતાની આસપાસ આવું વાતાવરણ સર્જાય ત્યારે એ માણસે પોતાની વિવેકબુધ્ધિની સતત માવજત કરતા રહેવું પડે!
દિલ કહે છે જે ગયા છોડીને, પાછા આવશે.
ભાગતા ને હાંફતા દોડીને પાછા આવશે.