અખંડ સૌભાગ્યવતી ભવ:, એ આશીર્વાદ છે કે પતિ પહેલાં મરી જવાનો અભિશાપ?
ત્રિકોણનો ચોથો ખૂણો - ખલીલ ધનતેજવી
આપણે મોતનો ડર ગળે બાંધીને જ જીવવાનું ? એ જ સાચું છે ! મરવાની શરતે જ આપણને જીવન પ્રાપ્ત થયું છે !
કોઇ પણ કાર્ય કરતા પહેલાં માણસ અવશ્ય વિચારતો હોય છે કે આમાં લાભ છે કે નુકશાન છે ? આ સ્થિતિ માણસ જાત પૂરતી સીમિત નથી. તમામ પશુપક્ષીઓ અને જેના આપણે નામ પણ જાણતા નથી એવા જીવજંતુઓ પણ વિચારતા હોય છે ને ભયના માર્ગે જવાને બદલે સુરક્ષિત માર્ગે જવાનુ પસંદ કરે છે. બંદૂકનો ભડાકો સાંભળી ઝાડ પરના બધા જ પક્ષીઓ ઉડી જતા હોય છે. શા માટે ? બંદૂકના ધડાકાથી એ ડરી જાય છે. આ ડર શાનો છે ? પોતાની કાયા પરનું એકાદ પીછું ખરી પડવાનો ભય છે ? ના, મોતનો ડર હોય છે.
જંગલમાં હરણની પાછળ વાઘ પડયો હોય ત્યારે હરણની દોડવાની ગતિ જોવા જેવી હોય છે ! આ ગતિ, આ શક્તિ, એણે ક્યાંથી પ્રાપ્ત કરી ? એ શક્તિ જિન્દગીએ એને આપી છે કે મોતના ડર દ્વારા પ્રાપ્ત થઇ છે, એ નક્કી કરવું અઘરૂં છે ! ઉંદર બીલાડીથી ડરે છે. એ ડર શાનો છે ? એની પૂંછડીમાં ફેકચર થઇ જવાનો ભય હોય છે એને ? ના, એને ખાઇ જવાનો ડર છે ! એને પણ મોતનો જ ડર હોય છે ? મચ્છર પણ ટપલી મારતાં પહેલાં જીવ બચાવવા ઊડી જતો હોય છે ! એને પણ મોતનો ડર છે ! અજાણી નદીના પાણીમાં પગ મૂકતાં પહેલાં માણસ વિચારે છે, પાર ઉતરાશે કે વચમાં ક્યાંક ડૂબી જવાશે ? આ બધી જ ઘટનાઓના સરવાળાનો જવાબ મોત હોય છે.
એટલે કે આપણે મોતનો ડર ગળે બાંધીને જ જીવવાનું ? એ જ સાચું છે ! મરવાની શરતે જ આપણને જીવન પ્રાપ્ત થયું છે ! આ વાત સ્પષ્ટ રીતે સમજાય એવી હોવા છતાં આજ સુધી કોઇએ એવુ કબૂલ્યુ નથી કે હું મરવા માટે જીવું છું ! દરેક પાસે જીવવા માટેના અનેક પ્રકારના હેતુઓ હોય છે, અનેક પ્રકારની યોજનાઓ હોય છે, અનેક પ્રકારના સંબંધો હોય છે અને આ બધા માટે હું જીવું છું. પરંતુ મરવા માટે હું જીવું છું, એ કોઇ કહેતું નથી ! જીવનના અન્ય હેતુઓ પાર પડે કે ના પડે એ વિશે નિશ્ચિતરૂપે કંઇ કહી શકાય નહિ, પરંતુ મરણનું એવુ નથી. મરણ ક્યારેય નિષ્ફળ જતુ નથી. એ જીવ લઇને જ જંપે છે !
દરેક સારી બાબતમાં ક્યાંક ખરાબ બાબત વળગેલી હોય છે. જેને આપણે આડ અસર કહીએ છીએ. જ્યાં અસરકારકતા હોય છે ત્યાં જ આડ અસર હોય છે. આડઅસર માટેની આપણી સજાગતા માત્ર દવાઓ પૂરતી જ સીમિત છે. અમુક પ્રકારની દવામાં આડ અસર હોય છે. એવું આપણે જાણીએ છીએ. પરંતુ અમુક જ નહિ, તમામ પ્રકારની દવાઓમાં આડઅસર હોય છે. લોક ભલે કહેતા હોય પણ આયુર્વેદિક દવામાં પણ આડઅસર હોય છે. એટલું સમજી લઇએ કે જ્યાં અસર છે ત્યાં આડ અસર છે ! અસર ન હોય તો આડઅસર ક્યાંથી જન્મે ? શ્રધ્ધા ન હોત તો અંધશ્રધ્ધાનો જન્મ થયો હોત ખરો ? અંધશ્રધ્ધા એ આપણી શ્રધ્ધાની આડઅસર છે ક બીજુ કંઇ ? નિસ્વાર્થ અને નિ:શક પ્રેમ પણ આડઅસરથી મુક્ત નથી ! જ્યાં પ્રેમ છે ત્યાં શંકા પણ છે. આ શંકા એટલે બીજુ કંઇ નહિ, એ પ્રેમની આડઅસર જ હોય છે. એવી જ રીતે મૃત્યુ પણ જીવનની આડઅસર જ છે ! જીવન ન હોત તો મૃત્યુ પણ ન હોત !
કોઇ પણ સારી અને સાચી બાબત આડઅસરથી અલિપ્ત રહી શકે નહિ ! દુવાઓ અને આશીર્વાદ તો હૈયાના હેતનું પ્રાગટીકરણ છે. એમાં વહાલ છે. લાગણી છે ને એક પ્રકારનો ઉમળકો પણ છે. અને આશીર્વાદ એના ભલા માટે જ આપતા હોય છે. પણ આપણને ક્યારેય એ ખ્યાલ નથી આવતો કે જેમ બધી જ બાબતમાં આડઅસર હોય છે, તેમ આશીર્વાદમાં પણ આડઅસર જેવું તત્વ હોય જ છે ! લગ્ન મંડપમાં ચોરીના સાત ફેરા ફર્યા પછી કન્યા માબાપને અને વડીલોને પગે લાગે છે ત્યારે એ બધા 'અખંડ સૌભાગ્યવતી ભવ' જેવા આશીર્વાદ આપે છે ત્યારે એમની આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે ને કન્યા પણ ભીતરથી ગદગદિત થઇ જાય છે.
આ આશીર્વાદમાં પણ ક્યાંક અભિશાપ લપાઇને બેઠો હોવાનો અહેસાસ કોઇ દિવસ આપણને થાય છે ખરો? અખંડ સૌભાગ્યવતી કહીએ છીએ ત્યારે આપણને ક્યારેય એવો ખ્યાલ આવે છે કે પતિ પહેલાં મરી જવાના અભિશાપ સાથે આપણે દીકરીને સાસરે વળાવીએ છીએ! દીકરી માબાપ પાસેથી પતિ પહેલાં મરી જવાના અભિશાપ સાથે સાસરે વિદાય થાય છે! હવે તમે વિચાર કરો કે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દીકરીના આયુષ્ય માટે છે કે જમાઇના આયુષ્ય માટે છે? આવા જ એક બીજા પ્રકારના આશીર્વાદ પ્રચલિત છે. પગે લાગતા સંતાનોને માબાપ અને વડીલો 'આયુષ્યમાન ભવ' જેવા આશીર્વાદ આપે છે ને કહે છે જીવતો રહે અને સો વર્ષનો થા! માબાપના આશીર્વાદની તુલના થઇ શકે નહિ! એનું મૂલ્ય અને મહત્વ પણ આંકી શકાય નહિ.
માબાપના આશીર્વાદ સર્વોચ્ચ હોય છે. છતાં એમાં પણ અભિશાપના તત્વો સંતાઇને બેઠા હોય છે. જીવતો રહે ને સો વર્ષનો થા એ આશીર્વાદ છે કે લાચાર બુઢાપા માટેનો અભિશાપ છે? સો વર્ષ જીવવું એટલે શું? નિ:સહાય, નિરૂત્સાહી, નિરૂપાય અને લાચારીની અંતિમ અવસ્થા! આશીર્વાદમાં બુઢાપાની લાચારી હોય ખરી? પણ એ લાચાર બુઢાપો આશીર્વાદની આડ અસર જ કહેવાય! અને અસર કરતાં આડઅસર વધુ દુ:ખદાયી હોય છે! શુભકામનાઓની આંગળી ઝાલીને જ અશુભ કામનાઓ ચાલતી હોય છે. શ્રધ્ધાના ખભે બેસીને જ અંધશ્રધ્ધા આગળ વધે છે. પ્રેમથી ચકચૂર આંખોમાં પણ શંકાના સાપોલિયા સળવળતા હોય છે! અસર છે ત્યાં જ આડઅસર છે, જીવન છે ત્યાં જ મૃત્યુ છે. આ સત્ય છે અને સત્યનો આદર થવો જોઇએ.
પણ જ્યાં આદર છે ત્યાં અનાદર છે, અનાદર હોય તો જ આપણે જીવી શકીએ આવી બધી અનૂભૂતિઓ સાથે જીવીએ તો જીવાય જ નહિ! મૃત્યુ, એ નક્કી છે પણ મરવાની ધાકે જીવીએ તો જીવી શકાય નહિ, મૃત્યુ સાથે પળ બે પળનો મિલાપ છે, એનો અનાદર કરીએ તો ચાલે! જીવન સાથે તો લાંબા વર્ષો સુધી નિભાવવાનું છે. જીવનનો અનાદર ન થઇ શકે! જીવન સુખી હોય કે દુ:ખી, એનો તો આદર કરવાનો જ હોય! મૃત્યુ આવકાર્ય છે પણ આદરણીય નથી! છતાં એનો આદર કરવાનો શિરસ્તો માણસે જાળવ્યો છે. જીવતા માણસને મળવા રોજ બેચાર માણસો આવતા હોય છે. પરંતુ એની અંતિમયાત્રામાં ટોળાં ઉમટી પડે છે! મૃત્યુનો આદર કરવો એ તો આપણી સંસ્કૃતિ, આપણી તેહજીબનો અવિભાજ્ય શિરસ્તો છે.
આપણે જીવન નામના એક એવા ઘોડા પર સવાર છીએ કે એને દોડાવવા માટે ચાબુક પણ રાખીએ છીએ ને એને કાબુમાં રાખવા લગામ પણ ચડાવીએ છીએ! આપણે એક સાથે બબ્બે નીતિઓના ખભેહાથ મૂકીને ચાલીએ છીએ. ઘોડાને દોડાવવા માટે ચાબુક ફટકારિયે છીએ તો પછી એને જેટલું દોડાય એટલું દોડવા દો ને! શા માટે એની લગામ ખેંચો છો? આપણને ગતિ પણ જોઇએ છે અને સ્થિરતા પણ જોઇએ છે. અને એ વાતનો ખ્યાલ પણ રાખવો પડે છે કે એ સ્થિરતામાં સ્થિતપ્રજ્ઞાતા ન હોવી જોઇએ! એટલે કે આપણને ચાબુક પણ જોઇએ છે ને લગામ પણ જોઇએ છે! ચાબુક અને લગામ વચ્ચેનું સંતુલન જાળવવું જરૂરી છે ને એટલા માટે એ બંને વસ્તુઓ આપણા હાથમાં હોવી જોઇએ જે ઘોડાની લગામ બીજાના હાથમાં હોય એ ઘોડા પર સવારી ન કરવી જોઇએ.
એનો ચાબુક પણ પારકા હાથમાં ન હોવો જોઇએ. આપણે ઘોડા પર બેઠા હોઇએ આપણું ધ્યાન કયાંક બીજે હોય ને પેલો પાછળથી ચાબુક ફટકારે ને ઘોડો ઓચિંતો ઉછળે તો આપણે ભોંયભેગા થઇ જઇએ, વ્યાજના ઘોડા પર સવાર ન થવું જોઇએ. વ્યાજના ઘોડાને ચાબુક પણ નથી ને લગામ પણ નથી અને સમયમર્યાદા પણ નથી! વ્યાજનો ઘોડો ચોવીસ કલાક એક ધારી ગતિથી ચાલતો જ રહે છે! તમારો વેપાર ધંધો કે નોકરી આઠ કલાક કે બાર કલાક ચાલે છે. વ્યાજનો ઘોડો ચોવીસ કલાક ચાલતો જ રહે છે! લગામ અને ચાબુક, બંનેનું કાર્ય અલગ છે અને વિરોધાભાષી છે. ચાબુક દોડાવવાનું કામ કરે છે અને લગામ રોકવાનું કામ કરે છે. છતા આ બંને આપણે એક સાથે રાખવા પડે છે. આ બેવડી નીતિ છે. પરંતુ જીવનના દરેક ક્ષેત્રે સંતુલન જરૂરી છે અને સંતુલન માટે આવી બેવડી નીતિ જરૂરી છે!
જેને તેને તું ખબર પૂછયા ન કર,
હું મઝામાં છું મારી ચિંતા ન કર