તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસ કો છિપા રહે હો?
અનાવૃત - જય વસાવડા .
નોબડી ઈઝ પરફેક્ટ. બેસ્ટ ટેગલાઈન ઈઝ: એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે. ટાંટિયો ખેંચવા આવે એને લાત મરાય, પણ પાસે હોય એ બધાને મારવા જાવ તો પગ આપણો જ દુઃખી જાય
આજકાલ, ફેક હેપિનેસનો ટ્રેન્ડ છે. ઉભે ગળે એકબીજા સાથે બનતું ન હોય એવા હસબન્ડવાઈફ ગામને દેખાડવા માટે ગળા દબાવવાની વૃત્તિ છુપાવી ગળે મળીને કૂચી ફૂ ગુટરગુ કરતા હોય એવા ફોટા પડાવશે અને ઓનલાઈન ગુલાબના ગજરાઓ મેળવશે. ખાર-ખુન્નસ છુપાવી દેશે. બધે જુઓ તો હસતાખેલતા પ્રોફાઈલ પિક જોવા મળશે.
આ રિયલ નથી
And I'll rise up,
I'll rise like the day.
I'll rise up,
I'll rise unafraid.
I'll rise up & I'll do it
a thousand times again.
And I'll rise up,
high like the waves.
I'll rise up, inspite of the aches...
I'll rise up.
હું દિવસની જેમ ફરી ઉગીશ. ડર્યા વિના. કરી બતાવીશ પરાક્રમ હજારો વખત. ઉંચે ઉછળી ફરી આવીશ સમંદરના મોજાંની માફક. ભલે ગમે એટલી પીડા થાય, હું બેઠો થતો રહીશ રગદોળાયા પછી...
કોઈએ કહ્યું નથી કે એ સરળ હશે, માટે આકરું લાગે ત્યારે એ કામ અધવચ્ચે છોડી ન દેવું. દરેક શિખરો તમારી પહોંચમાં જ છે, જો તમે ઉપર ચડવાનું છોડી ન દો તો !
આવા મોટીવેશનનો પાનો ચડાવી દેતા ક્વોટસનો ભંડાર મળશે. સાથે કસરતી મર્ર્દોના બદનના વર્ક આઉટ કરતા ફોટોઝ પણ. સિક્સ પેક એબ્સ ધરાવતું ફિટમફિટ બોડી. ચાલીસીની ઉંમર દસ વર્ષ ઓછી લાગે. ભાંગેલા ખભા સાથે એ એથ્લેટિક ફિટનેસ ધરાવતા વીર નરે તાજેતરમાં ઓબ્સ્ટકલ યાને વિઘ્નો ધરાવતી અઘરી રેસ જીતીને લાંબુ લખાણ એ ન્યુઝના કટિંગ સાથે લખ્યું ઃ દર્ર્દ હતું, થાક હતો. ઈજા હતી. પણ મક્કમ નિર્ધાર હતો કે કરવું જ છે કોઈ પણ ભોગે. પછી બસ દાંત ભીંસીને, મુઠ્ઠીઓ વાળીને આગળ ધસમસવાનું ચાલુ રાખ્યું. અને અંતે મારી અંદર બેઠેલા મારા દુશ્મન જેવા ડરને મેં હંફાવી દીધો.
પ્રેરણાનું પ્રોટીન થીક શેઈક ગટગટાવી લીધું હોય એવી ફીલિંગ આવે છે ને ? આ છે એક્ટર કુશલ પંજાબીના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલની એક ઝલક. હા એ જ કુશલ પંજાબી જેણે હમણાં આપઘાત કર્યો. ફિલ્મો અને ટીવીમાં દેખાયેલો જાણીતો ચહેરો. નમણો અને ફિટનેસઆઇકોન. નેચરલ હેલ્થની ટિપ્સ આપ્યા કરે.
યુરોપિયન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા અને એક દીકરો ય હતો, પણ શરૂઆતના વર્ષો પછી આજકાલ બહુ થાય છે, એમ પ્રેમનો ચાર્મ ઓસરી જતાં અને જોડે રહેવાનું ઘર્ષણ વધી જતાં લગ્નજીવન ડામાડોળ થઈ ગયું. પત્ની બાળક સાથે પરદેશ જતી રહેલી અને કુશલ એકલો પડી ગયેલો. કરિઅરમાં નવું થતું નહોતું કશું. મિડલાઈફ ક્રાઈસિસમાં શરીર પણ બહારથી ચુસ્ત હોવા છતાં અંદરથી પાકટતાનો પગરવ સંભળાવતું હોય. અને ખમતીધર દોસ્તો છતાં વધુ એક સેલિબ્રિટીએ આપઘાત કર્યો.
ઠીક છે, જાણીતાથી વધુ અજાણ્યાઓ ય અકાળ જતા રહે છે. 'થવા કાળ' કહીને આપણે મન મનાવતા રહીએ. પણ આ કેસ થોડો ધ્યાન ખેંચે એવો શા માટે - એનું કારણ તો શરૂઆતમાં જ લખ્યું છે. આ એવી વ્યક્તિનો આપઘાત હતો જે ખુદ મોટીવેશનલ માઈન્ડ અને બ્યુટીફુલ બોડી ધરાવતો હતો ! હજુ છેલ્લી ઘડી સુધી બીજા થાકેલાઓને પ્રેરણા આપવાનું શેરિંગ કરતો હતો. કૈંક અંશે નોબેલ પ્રાઈઝ વિનર લેખક અર્નેસ્ટ હેમિંગ્વે જેવું.
એકલા મધદરિયે ઝઝૂમતા બુઝુર્ગ માછીમારની તોફાનો સામે છેલ્લા શ્વાસ સુધી ટકરાવાની જીજીવિષાની કહાનીથી કંઇક હારેલાઓને પડકારાનો પ્રાણ આપનાર લેખક બીમારીથી કંટાળી જાતે ગોળી ખાઈ ગુજરી ગયેલા ! પેલા ભય્યુજી મહારાજ નહિ ? પાવરબ્રોકર વીવીઆઈપી સ્ટેટસ ને સત્સંગનો આધ્યાત્મિક દર્શનનો ટોળાં એકઠાં કરતો ઉપદેશ આપનાર સ્યુસાઈડ કરી મરી ગયા ! આખી જિંદગી દુઃખ -દર્ર્દ દૂર કરતી મનોરંજક ફિલ્મો બનાવનાર મનમોહન દેસાઈ અને અદ્ભુત હાસ્યકલાકાર રોબિન વિલિયમ્સ પણ આમ જ આત્મહત્યાથી ગયા ! ટીવી એન્કર, એક્ટર, બિઝનેસમેન, શેફ, સ્ટુડન્ટ, હાઉસવાઈફ, પોલીસ ઓફિસર બધામાં આવા અણધાર્યા આપઘાતના સમાચાર આવે છે. એક રાજકારણીઓ સિવાય !
રાજકારણીઓ હારનો ડર અને લોકોની ટીકા ઘોળી પી જવાની પ્રેક્ટિસ સાથે જ એન્ટ્રી કરે છે આપણે ત્યાં. એટલે વ્હીલચેરમાં ય ખેંચ્યા કરે. એમના ખૂન થાય, પણ આપઘાત નહીં ! અડવાણી અપમાન સહન કરી લે કે એનડીતિવારી સ્કેન્ડલ પચાવી જાય પણ એમ મરીને મેદાન ન છોડે ! મતલબ, એમની પાસે આપઘાતનું એન્ટીડોટ છે. એ છે ગીતાસાર. ક્યા હાર મેં, ક્યા જીત મેં.. કીંચિત નહીં ભયભીત મૈં, કર્તવ્યપથ પર જો મિલા.. યે ભી સહી, વો ભી સહી ! પરિણામોથી વિચલીત ન થવું. નવી ચૂંટણીની આશાવાદી બનીને તૈયારી રાખવી. લોકોના વખાણટીકાને ગણકારવા નહીં. એ તો બોલ્યા કરે, ને ભૂલ્યા કરે.
ઇન શોર્ટ, એક્સપર્ટ પાસેથી શીખવાની પ્રક્રિયા સિવાય બીજાના અભિપ્રાયોને તુચ્છ ગણીને ચાલવું. ભલે, એરોગન્ટ લાગીએ, પણ ગણકારવા જ નહીં. એ તુમાખીનો તોરીલો ગર્વ ઘમંડ નથી, પણ નબળી ક્ષણોમાં નિર્લેપ નિઃસ્પૃહ બનાવી દેતું કવચ છે. કાચબાગેંડામગરની છાલ જેવું. સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ. સંજય દત્ત નેગેટીવમાંથી પોઝિટીવ ઉદાહરણ છે આ બાબતે. થઇ શકે એટલી બધી જ બદનામી અને ઠાવકાઈમાં ઓછી બુદ્ધિ. પણ ડ્રગ્સ, જેલ, ગુંડાગીરી, બ્રોકન મેરેજીઝ, સ્વજનોના અવસાન, ફ્લોપ કરિઅર, લફરાં બધા છતાં જીવવાનું ટકાવી રાખ્યું. તો ધીરેધીરે બધું માફસાફ થતું ગયું !
એક બીજી ઈન્ટરેસ્ટિંગ એન્ટીસ્યુસાઈડ મેડિસીન. બહુ બધું સાગરપેટા બનીને ગળી ન જવું અંદર. એમ જ તબિયત ખરાબ થઇ જાય. ગુસ્સો બીજાનો ખુદ પર કાઢવામાં સુગરબીપી હાઈ થઇ જાય. ફિઝીક્લ નુકસાન કે પાછલા બારણાની ખટપટ ગોસિપમાં રસ લઈને સ્વાસ્થ્ય બગડવાને બદલે ભડાસ ઇન્સ્ટન્ટ કાઢી લેવી. વિવેક જ્યાં રાખવાનો હોય ત્યાં અચૂક જાળવવો જ. પણ નમ્ર થવાની લાહ્યમાં નબળાં ન બનવું.
ખોટા ટ્રોલ છાપ ટપોરીઓ કાયર સમજીને મેથી મારવા આવે એના કરતા કડવા થઈને એમને ઠોકવા સારા. તરત હિસાબ ચૂકતે. ઈમેજની પરવા કરવામાં ઘણા પોતાની હેલ્થ પર ભારણ વધારે. એના કરતાં તાબડતોબ જૂઠા ક્રિટિકકપટીઓને મૂષકમોવાળા સમજીને સબોડી નાખવાના શબ્દોથી. આ ય એક સેલ્ફથેરાપી છે. સ્ટ્રેસમાં બોલ દબાવવાની કે ધ્યાનમાં ચીસો નાખી ઠેકડા મારવાની વિધિઓ આવે એવું જ.
પણ ટ્રિક એટલી જ કે, આ વિડીયો ગેઈમની મારામારીની જેમ ઠંડા કલેજે થવું જોઈએ. ફુરસદે કામ બગાડયા વિના. ગેરકાનૂની હરકતો કે ગંદાગલીચ અપશબ્દો બાજુ પર રાખી કટાક્ષની કટાર વાપરવી. વધુ તેજ ધાર હોય. સામાને ધંધે લગાડવાના છે, આપણા કામધંધા બગાડવાના નથી જીદે ચડીને ! ટેન્શન કાચની સમક્તિ ફિલ્મ સૂરજના ગરમ કિરણોને રિબાઉન્ડ રિફલેક્ટ કરી અંદર ટાઢક આપે એવું. ખુદ આક્રોશમાં વિચલીત ન થવું પણ તોડભાંગ કરતા બાળકની જેમ ગેલમાં રહેવું. ડિપ્રેશનની દવાઓ ગળવા કરતા ડેરિંગનો દાવો સારો જ.
જો કે,કાયમ એ નહી કરવાનું, સાચા સંબંધો ખોટી પારકી પંચાતની ચર્ચાઓમાં બલિ ન ચડી જાય એનું ધ્યાન રાખવાનું. એવું થાય તો એ સ્ટ્રેસબસ્ટિંગ નથી, નાદાની છે. નિજમસ્ત રહેવાનું શીખો તો આ ભેદ પારખતાં આવડી જાય. પછી મજાક કરીને કેમ કોઈનો ફાલુદાછાપ ફજેતો કરવો એની ફાવટ આવી જાય. એન્ડ લાફ્ટર ઈઝ લાઈફ સેવિંગ ડ્રગ. બીજા પર તો ઠીક, ખુ' પર હસતાં રહેવું લહેરથી. પોતાનું પેઈન્ટિંગ નહિ, પણ કાર્ટૂન બનાવતા આવડે તો કોઈ ઉછીના ક્વોટસની જરૂર નથી. આપોઆપ અંદરથી આપઘાતના વિચારો ઘટતા જશે. રિમેમ્બર, કોઈના કચરા જેવા અભિપ્રાયો દેખાડાના વિનય વિના બેપરવાહ થઈને તમે ફગાવી દો, ત્યારે પોતાની કારી ફાવતી ન હોઈ રઘવાયા એ થશે. ડિપ્રેસ એ થશે. હોશ ખોઈને ભૂલો એ કરશે.
પણ કુશલ પંજાબી આજના યુગની બે-ત્રણ મોટી અદ્રશ્ય આફતોનો વધુ એક રિમાઈન્ડર આપે છે. એક છે, એકલતા. એકાંતનો બહેક ભીડભાડ ને રોજીંદી ઘટમાળથી મુક્ત થવા જોઈએ. પણ એનો અર્થ જાત સંકોરીને ઘરના ખૂણામાં ઢબૂરાઈને એન્ટી-સોશ્યલ કોકડું થઇ જવું એ નથી. કોઈ મીટર સતત મળવાનું ટાળી એકલો પડયો જ રહેતો હોય તો એના હાલચાલ ખાસ પૂછવા. અંદર ઉભરા લાગણીઓના આવે જ. સુખ ને દુઃખ બેઉની ભરતી ચડે. પ્રેશર કૂકરમાં સીટી ન વાગે તો કૂકર ધડાકાભેર ફાટે. એ ગમે એવા ટેમ્પરરી હોય, કાલાઘેલા હોય, એ ઠાલવવા માટે કોઈક સ્વજન જોઈએ. માટે ફ્રેન્ડસ સારા હોય એ મેન્ટલ હેલ્થ માટે સારું.
નહિ તો જાત સાથેની દોસ્તી કેળવવાની અઘરી કવાયત સર્જરી પછીની કસરત સમજીને ય કરવી પડે ફરજીયાત. અને બિન્દાસ બની અજાણ્યાઓ સામે સોશ્યલ નેટવર્ક પર એવા તરંગો શેર કરતા શીખવું પડે. અગેઇન, વિવેચકોની સાડીબારી વિના. કોઈ છોકરીને કોઈ છોકરો હોટ લાગે કે છોકરાને છોકરી તો એ અંતરંગ સખાસખીઓને શેર કરે જ. દુનિયાનો ધારો છે. આપણે ઓડિયન્સને ફ્રેન્ડ માનવું.
જેન્યુઈન હશો મસ્તી પૂરતા તો બબૂચકો સિવાય કોઈને ઓફેન્સીવ નહીં લાગે. પણ જે ઈમોશન હોય એ મનમાં ન ઘૂંટી રાખવા, વાત-પિત્ત-કફનું સંતુલન ખોરવવા. મીઠો ખજૂરનો ગર ખાઈને ઠળિયા થૂંકીએ એમ ગુલાબ સાચવી કાંટા પાછા પધરાવી જ દેવા બેબાક. બધું જો સતત અંદર ઘૂંટાયા કરે તો એસિડ લાંબા ગાળે પોતાના પાત્રને જ ઓગાળે એવું થવાનું જ. મોટી બીમારી આવે કાં મોટી ભૂલ થાય જાહેરમાં. કે પછી આવો અકાળ અંત.
બીજું એ કે, ગમે એટલી પ્રસિદ્ધિ હોય, સુંદરતા હોય - પણ જો ઘર ઠેકાણે નથી, અંગત સંબધોમાં તણાવ છે તો એ બધા પોપ્યુલારિટી કે બ્યુટી તો ખાલી ખોખાં છે પૂંઠાના. ભલે પ્રમોશન કે મોટો કોન્ટ્રાંકટનો ચેક મળ્યો હોય પણ બોયફ્રેન્ડ / ગર્લફ્રેન્ડ કે પાર્ટનર કે બાળક / માં-બાપ કોઈ સાથે જોરદાર ઝગડો કે રૂસણા ચાલતા હશે તો મૂડ ખાટી કઢી જેવો થઇ ગયો હશે. બહાર પ્રોફેશનલ સકસેસના ગમે એટલા કિલ્લા સર કરો, ઘરના છાપરાં ઉડી ગયા હશે તો ચેનથી ઊંઘી નહીં શકો. માટે બધું દોડતાભાગતા ગમે એમ મેળવી લેવાની લાલસા પર લગામ તાણી થોડા તડકામાં મીઠાં છાંયડા જેવા સંબંધો ઉછેરવા પર ધ્યાન આપવું. ઉછેરવા, મતલબ માત્ર વાવવા નહીં. થોડો સમય ને મહેનતનો ભોગ આપી એને ખાતર આપવું.
આજકાલ, ફેક હેપિનેસનો ટ્રેન્ડ છે. ઉભે ગળે એકબીજા સાથે બનતું ન હોય એવા હસબન્ડવાઈફ ગામને દેખાડવા માટે ગળા દબાવવાની વૃત્તિ છુપાવી ગળે મળીને કૂચી ફૂ ગુટરગુ કરતા હોય એવા ફોટા પડાવશે અને ઓનલાઈન ગુલાબના ગજરાઓ મેળવશે. ખાર-ખુન્નસ છુપાવી દેશે. બધે જુઓ તો હસતાખેલતા પ્રોફાઈલ પિક જોવા મળશે. આ રિયલ નથી. ચોવીસે કલાક કોઈ હસવાના કે જલસાના મૂડમાં ન રહી શકે. ફોટો રહી શકે, માણસ નહીં. પણ આપણે થાકીએ છીએ, ડરીએ છીએ, ફેઈલ જઈએ છીએ, નથી આવડતું, ભૂલ થઇ ગઈ એવી નિખાલસ કબૂલાતને બદલે પરાણે ફેસલિફ્ટ રાખશે. હળવા થી સહજભાવે તકલીફ કહો તો કોઈ મદદ કરે. પૂછો તો રસ્તો જડે. બીજાઓને સલાહો આપવામાં પાવરધા લોકો જાતને સંભાળી ન શકે એવું બને.
નોબડી ઈઝ પરફેક્ટ. બેસ્ટ ટેગલાઈન ઈઝ: એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે. ટાંટિયો ખેંચવા આવે એને લાત મરાય, પણ પાસે હોય એ બધાને મારવા જાવ તો પગ આપણો જ દુઃખી જાય. એવું ય થતું હોય છે કે ઘણી વાર માણસ અમુક સરસ વાતો ઓટો સજેશન રૂપે કરતા હોય.
બીજાના બહાને ખુદને ય પાઠ પાક્કો કરાવવા. મરીઝ, ગાલિબ, શેકસપિયર, રામગોપાલ વર્મા, આદિત્ય ચોપરા, ઈમ્તિયાઝ અલી ઉત્કટ પ્રેમની કહાણીઓ અને કવિતાઓ કહી ગયા. તો શું એમની લવલાઈફ ગ્રેટ હતી ? ના બ્રોકન રિલેશનના અનુભવોમાંથી એમનામાં ધાર આવેલી. પણ એમના જેવું બીજા પર ન વીતે એ કરુણાભાવ કે એમનામાં જે અધૂરપ વાસ્તવમાં રહી ગઈ એ કલ્પનાના વિશ્વમાં પૂરી કરવાના પ્રયાસ રૂપે એ બધું કહી ગયા છે. એટલે કેવળ શબ્દોથી કોઈની સ્થિતિનું આકલન ન કરવું. સુદામાના તાંદૂલ પરથી કહ્યા વગર સમજી જવાની માધવદ્રષ્ટિ રાખવી !
ઉંચીઉંચી વાતો કે સુખસ્મિતના ખજાના ઉલેચનારા લોકો ય બ્લેન્ક થઈ શકે. સમય સમય બલવાન હૈ ! કે આવી વાતો કરતા અને હસતાહસાવતા લોકો અંદરથી ખાલી થઈને ઉલેચાતા જતા હોય, એવું ય બની શકે. ક્યાંક સંકેત મળે. કુશલ પંજાબીના આ બધા ડાહ્યા સુવાક્યો અને કઠોર પરિશ્રમના ફોટો વચ્ચે જોકર ફિલ્મ પર એક લાંબી પોસ્ટ હતી. ચાહકોને ખબર ન પડે, પણ પોતાનાઓ ધ્યાન આપે તો સમજી શકે કે ક્યાંક કશુંક બરાબર નથી.
ગમે તો સુશોભિત કાચ ઝગમગે, કોઈ તૂટેલી કરચ ભીતર ખૂંચે છે. પૂછો તો કોઈ ન ય કહે માટે નિરીક્ષણ કરવું પડે, વાતો કરતા કરતા ઇનડાયરેકટલી જાણી લેવું પડે. કમબખ્ત એકબીજા માટેનો સમય જ ક્યાં કોઈ પાસે હોય છે ? બધા પોતપોતાની સ્ટ્રગલમાં બિઝી છે. પેરન્ટસ પણ, ચિલ્ડ્રન પણ. સંજય દત્ત ટકી ગયો, કારણ કે એક સમજદાર બાપ પડખે હતો. ડિટ્ટો , સલમાન. બાકી, સુરજ પંચોલીએ હમણાં બખાળા કાઢયા કે મારા બાપની ભૂલો ને અકોણા સ્વભાવને લીધે મારી કારકિર્દીની બરબાદી થઈ ગઈ.
માટે પતિ, પત્ની, મિત્ર, સંતાન, વાલી, પાડોશી કોઈક રાખો જેની પાસે હૈયું ઠાલવી શકો. સેલિબ્રિટીઝ નહી., એમની પાસે સમય ન હોય સંવેદના હોય તો પણ. નિકટ સ્વજન કોઈ. અને ના જ જડે તો કોઈ શોખ રાખો. જેમાં ડૂબીખૂંપી જવાનું મન થાય. એમ વેદના વિસારે પડે, ક્યાંક તલ્લીન થઈએ તો. અહં, અનીતિ, અવિવેક, અદેખાઈ, અવ્યવસ્થાની આદતો સુધારો તો આપોઆપ સ્ટ્રેસ ઘટશે. જે બન્યું એ થોડી ચીસાચીસ પછી, બીત ગઈ સો બાત ગઈ કહીને દિમાગ ખંખેરીને સ્વીરવાની ટ્રેનિંગ આપવી પડે જાતને. ડાન્સ સ્ટેપ શીખીએ એમ જ.
રિપીટ,કેવળ ભોળિયા બેવકૂફો જ કેહવાય એ બધી વાતો સાચી માની લે. સર્વાઇવલ ઈન્સ્ટિંકટને લીધે બધામાં વત્તેઓછે અંશે પોલિટિક્સ હોય જ છે. જગત આખામાં. સુખી હોવાનો દેખાડો બધા કરે પણ માંહ્યલા ગુણ મહાદેવજી જાણે. ડિવોર્સ ફાઈલ કરનારા અગાઉ બડાશો મારતા હોય હેપી મેરેજની અને અને ફેમિલી ફોટો પડાવતા ભાગ માટે કોર્ટે ચડતા હોય. સફળતાની વાતો કરનારા નાદારીના કાગળો તૈયાર કરે અને વીરતાની વાતો કરનારા ઓનલાઈન બુલીમવાલીને હોસ્પિટલમાં સ્પિરિટની વાસમાત્રથી તમ્મર આવી જાય અને ઓપરેશનના નામથી વાઘને બદલે ઉંદર જેવા ફટ્ટુ થઇ જાય એ નજરે જોયું છે. માટે આ પોપડાંના મેકઅપને ચહેરો ન માનવો.
હમણાં એક વાઈરલ વિડીયો થયો. નાનકડી ઢીંગલી જેવી બચ્ચીના બાપા ટીખળી હશે. તો દીકરીની મસ્તી કરવા એને રેપરમાં વીંટીને ખોટેખોટી ગિફ્ટ આપી. એક કેળું ! રમકડું નહિ, ચોકલેટ નહિ, ગેઇમ નહિ... પણ સિમ્પલ બનાના. પછી વિડીયો ઉતારવા બેઠા કે છોકરી જે મોં મચકોડે ને રોકકળ કરે એ રેકોર્ડ કરીએ.
ને થયું સાવ ઉલટું ! બાળકીએ તો ભારે ઉમંગ અને ઉત્સાહથી બનાના બનાના કરી મૂક્યું. સાદું ફ્ળ જોઈને હરખના હિલોળે ચડી ગઈ ! દુઃખી થવાને બદલે રાજીરાજી થઈ ગઈ. કે વાહ જે મળ્યું એ કેવું મજાનું. ન કોઈ ફરિયાદ, ન ગુસ્સો, ન ભેંકડો. કેવળ આનંદની કિલકારી અને એકસાઈટમેન્ટનું એન્જોયમેન્ટ ! એમાં પ્રાઈસ ટેગ જોઇને રજી થાય એ વધુ પડતા ઉંમરવાળા !
બીજાનું સુખ ઘણાને પોતાને થતો અન્યાય લેવાદેવા વગર લાગે ને એની ચુભન ખટકે. સતત બીજા પાસે કેવું બધું સારું છે,ને આપણી પાસે એ નથી એની હાયબળતરામાં જ બધા એમ જ બરબાદ થયા કરે કે કોઈકને નડયાકનડયા કરે. જે મળ્યું એનો મહોત્સવ કરો આજનો આનંદ લો. સંતાપ નહિ, સ્નેહ અનુભવો. જે છે એને રાજીપાની રમત બનાવી દો. જીવનમાં મોટી ઘટનાઓની માનસિક બોજ વધારતી રાહ ન જુઓ. નાનીનાની સીધીસરળ મોજ માણતા શીખો. મહત્વ ખુશીનું છે. ખજાનાનું નહિ !
જાણકારોને વાંચતા અને જીવનને જીવતા જડેલી સાચે જ હેપીનેસ વધારતી થોડી વનલાઈન ટિપ્સ આ રહી. અમુક તરત ગળે ઉતરશે, અમુકમાં સૂગાળવા નાકના ટીચકાં ચડશે. પણ સાયન્ટીફિક અને પ્રેક્ટિકલ છે ઃ ૧. વચ્ચે વચે હોય એવા દેખાવું. ઉંમર કે અણઆવડત કે ચહેરો કે મૂડ કાયમ છુપાવવા નહિ ૨. જાત ભૂલી જઈએ એવા કોઈ માધ્યમવાચન કે લેખન, રમત કે સંગીત, ચિત્ર કે ધ્યાન, ફિલ્મ કે ફૂડ - બીજાને દેખાડવા નહિ, ખુદને સુધારવા પકડી રાખવા ૩. બહુ ભૂતકાળ વાગોળવો નહી, સ્મરણોમાં ડૂબકી મરાય, ડૂબી ન જવાય. આગળ તરફ ધ્યાન રાખવું. ૪. નાનીનાની પ્રવૃત્તિઓમાં જાત વ્યસ્ત રાખવી. વિચારવાયુ થવા ન દેવો. ૫. કોઈ બાબત અટકાવવાના વધુમાં વધુ પાંચ-સાત પ્રયાસ પૂરી નિષ્ઠાથી કરવા.
પણ પછી જીદે ચડવાને બદલે જતું કરી વહેવા દેવી ઘટનાને ડેમના દરવાજા ખોલીને. ઈશ્વરઈચ્છા. ૫. બહુ ભારેખમ શોબાજીના કપડાં જ સતત ન પહેરવા. જાતને બાળકના વિસ્મયવાળી રાખવી. મતલબ કેઝયુઅલ. ફોર્મલ નહીં. ૬. સફેદ ને કાળા જેવા ડલ રંગોનો અતિરેક ટાળવો. આસપાસ વસ્ત્રોે હોય કે દીવાલો રંગીન રાખવી. બ્રાઈટ, વાયબ્રન્ટ કલર્સ. ૭. બધું ખાવું પણ વચ્ચે વચ્ચે સાવ ન ખાવું. અને મોટે ભાગે ઘરનું ખાવું ૮. ચાલવું, કીપ વોકિંગ. એવરીડે. બહાર નીકળીને.
૯. ઘર કે બહાર પીળી ઉદાસ લાઈટ્સ વચ્ચે રહેવાનું ટાળવું. સફેદ ટયુબલાઈટ ને વ્હાઈટ એલઈડી બેસ્ટ. ૧૦. એકલા એકલા ન આવડે તો ય નાચવું, ગાવું ને ફરવા નીકળવું કંપની ખુદની. ૧૦. અકરાંતિયાની જેમ નહિ, પણ હેવ ગુડ સ્ટ્રેસ ફ્રી લવેબલ સેક્સ. હાર્ટ, બ્રેઈન સ્ટ્રોક, કેન્સર જેવા અનેક રોગોનું એક કારણ ખાડે પડેલી સેક્સલાઈફની અરસિકતા છે. એ ય એક હોર્મોન થેરેપી છે. ૧૧. વ્યસનોના ગુલામ ન જ થવું. અતિની ગતિ નહીં.
૧૨. નાના ભૂલકાંઓ સાથે કાયમ રમવું. પપીઝ પણ ચાલે. ૧૩. બહુ મોટી નહિ, પણ આગળ કશુંક કરવાની યાદી બનાવતા જવી જેથી એ સપના પુરા કરવામાં ચિત્ત ચોંટે. ૧૪. ઘરમાં ઝાઝી દલીલ કરવી નહિ. બૂમબરાડા પાડી પછી વાત ભૂલી જવી. ભલે સાચા હોઈએ ને નમતું જોખવું પડે. જીવો ને જીવવા દો. માન ને સ્પેસ, આપો એટલ સામા મળે ૧૫. પ્રકૃતિના ખોળે રહેવું. ખેતીબાગાયતીપશુપાલન ન કરો તો ય રાત કે દિવસ મૌન રહી નેચર માણવાનું વ્રત લેવું ૧૬. મોબાઈલમાં કોલ કે મેસેજ આપણી ફુરસદે જ લેવાવાંચવા. ને જજમેન્ટલ લોકોને ગાંઠવા જ નહિ.
બસ ત્યારે, આ બધામાં મરવાનું જમરાજાનો પાડો શિંગડા નહીં ભરાવે ત્યાં સુધી યાદ જ નહીં આવે !
ઝિંગ થિંગ
''પતિ ઔર પત્ની કે બીચ જો ( સ્પેસ કે બજાય ) ગેપ આતા હૈ, વોહી તો વો હૈ ''
( મસ્ત હળવીફૂલ ફિલ્મ નવી પતિ, પત્ની, ઔર વોનો સંવાદ )