વિન્ટર વૉક: મોતી જૈસી ઑસ હૈ, ચાંદી જૈસા નીર સ્વપ્ન સુનહરે જમ ગયે, હવા લગે સમશીર !
અનાવૃત - જય વસાવડા .
ચાલવાથી મગજ શાંત થાય છે. પણ એ વોકિંગ ટ્રેડમિલના બેલ્ટ પર ચાર દીવાલો વચ્ચે હોય તો સ્નાયુની કસરત સિવાય માનસિક ફાયદો નથી મળતો. પણ પ્રકૃતિની મોકળાશ હોય ને ઘોંઘાટ-ભીડ ઓછા હોય એવા વાતાવરણમાં હોય તો મનને વિરામ મળે છે. ઝગારા મારતી સ્ટ્રીટ-મોલની લાઈટ્સ કરતા ગ્રીન સ્પેસ દિમાગના એટેન્શન સેન્ટર્સ કન્ટ્રોલ કરે છે
શિયાળની લાળીમાં સરકે સીમ.
રાત્રિઓ પીપળની ડાળી પર થથરે.
લબડે શુષ્ક ચંદ્રનું પાંદ.
અરે, મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું
ફરફરતું...!
વંટોળ થઇને ચરણ ચડયા ચકરાવે
પથના લીરા ચકરવકર
કંઇ ચડતા એની સાથે.
ક્યાં છે ભમ્મરિયાળા કેશ તમારા ?
દોડું-શોધું...
ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય
ક્યાંક ક્યાં હડફેટાયો,
બળદ તણી તસતસતી મેધલ ખાંધ
સરીખો પહાડ દબાયો.
વીંછણના અંકોડા જેવા બિલ્ડિંગોથી
હરચક ભરચક શહેર દબાયા.
જૂવા જેવું ગામ નદીને તટ ચોંટેલું,
એ ચગદાયું
હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે,
મારી આંગળીઓમાં સ્વાદ
હજી સિસોટા મારે !
ક્યાં છે સ્પર્શ-ફણાળો
હજી સ્તનોના ચરૂ સાચવી બેઠેલો
કેવડિયો ક્યાં છે ?
લાખોકરોડો વર્ષોથી
ચહેરો પથ્થરના ઘૂંઘટની પાછળ
છૂપાવી બેઠાં,
માનવતીઓ, ક્યાં છો ?
ક્યાં છો ?
નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો !
સ્વ. રાવજી પટેલની આ લાજવાબ કવિતા છે. અઘરી પડે સમજવામાં એવી. લાળટપકુંઓ એમાં સ્તન શબ્દ પર ચોંટી જાય, પણ ગુજરાતીનો કવિ તીરના 'ફણા' (અણીદાર ભાગ) જેવો સ્પર્શફણાઓ શબ્દ નવો જ 'કૉઇન' કરે છે, એ જોવા માટે એમના ભેજાંનો પનો ટૂંકો પડે. અને જીભની જેમ આંગળીઓ સ્પર્શના સ્વાદથી સિસોટા મારે ! આ કાવ્યનું શીર્ષક છે : અસંખ્ય રાત્રિઓને અંત. જેમાં ઘાસલ પગલું અને બળદની મેધલ ખાંધ જેવા આજે ય તાજાતરીન લાગતા રૂપકો સાથે વાત છે, અનેક રાત્રિ એકલા ભટકતા રહેલા વિરહી પ્રેમીની. એના તલસાટની, એની યાદોની. એણે નિહાળેલી પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જન બાબતે વિસ્મયની.
આ કવિતા યાદ આવે શિયાળાની રાત્રે. ચોમેર સૂનકારનો સન્નાટો અજગરભરડો લઇ ગયો હોય ત્યારે તાપણામાંથી ઉડતા તેજસ્વી સોનેરી તણખાની જેમ. આ વર્ષે વીતેલા ચોમાસાંની જેમ ગુજરાતને ચકચૂર શિયાળો પણ માણવા મળ્યો છે. હાડકાના સાંધા કળે, ફેફસાં શ્વાસથી હાંફે પણ રજાઇની હૂંફ અને ફળફળતા સૂપના સબડકાથી સર્દ શરદની મોસમ ઠંડીમીઠી લાગે !
લક્ષ્મીધર કવિનું પ્રાચીન સંસ્કૃત મુક્તક છે. વરસાદી વાદળો જતાં આકાશ ચોખ્ખું થયું છે, ત્યારે ત્રણ બાબતો પ્રકૃતિ યુવતીઓ પાસેથી શીખે છે : ચંદ્ર સુંદરીઓના શિયાળામાં ગુલાબી રતુમડાં થયેલા ગાલ પાસેથી ચમક શીખે છે. કમળના ફૂલ એ રૂપાંગનાઓના શ્વાસમાંથી મદમાતી સુગંધ શીખે છે. ઘટાદાર ઘાટીલા ઉરોજ મલપતા હોય એવી એ રમણીઓની ચાલ પાસેથી હંસીઓ વળાંક સાથે તરવાનું શીખે છે ! આમ થાય છે, વિન્ટરનું વેલકમ ફંકશન.
અને પછી આવે હેમંત. ગાઢ થતી ઠંડી. એમાંય સંસ્કૃત મુક્તક કહે છે કે નિદ્રાવ્યાજાજ્જડિમવિધુરા યત્ર ગાઢે હિંમતૌ, રામા: કંઠગ્રહમશિથિલં પ્રેયસામાદ્રિયન્તે ! મતલબ, સુંદરીઓ ટાઢને લીધે સ્થિર થઇ જાય છે, પણ ઊંઘતી નથી. એમની આસ્થા એક જ બાબતમાં હવે રહે છે : ગાઢ ટાઢમાં કસીને કરેલા પ્રિયજનના ચુસ્ત આશ્લેષ પર ! લક્ષ્મીધર અગેઇન : ધુમ્મસને લીધે સૂરજ ઝાંખો પડે છે, અને પોતાના સ્વામીની આ અવદશા જોઇને દિવસ વધુ ને વધુ નબળો પડતો જાય છે.
એટલે સંકોચાય, ત્યારે વિસ્તરે છે રાત. દિવસના પરાજયથી ફુલાઇને હેમંતરાત્રિઓ લાંબી થતી જાય છે ! અને કવિ શુભાંકે સદીઓ પહેલા લખ્યું કે, ઉનાળામાં ચાલતા પંખા હવે આરામ કર. ચંદનલેપ, તને નમસ્કાર. ફૂલમાળા, અત્યારે દર્શન બંધ તારા. હવે તો બસ એક દીવડો જ જોઇએ આખી શિયાળાની રાત, નર-નારીના અમૃતમય આલિંગનના સાક્ષી તરીકે !
આ શિયાળાની રાત એટલે ડેકોરેટેડ સાયલન્સ. વાતાવરણ જ નહિ, રસ્તાઓ પણ શુધ્ધ થઇ ગયા હોય એવું લાગે. નાકના ફોયણાં કે મોંમાંથી હળવા ધુમાડા એમ જ શ્વાસ સાથે નીકળતા હોય. કાનની આઇસકોલ્ડ થઇ ગયેલી બૂટ પર શીતળ પવન ચૂમકીઓ લેતો હોય. પીઠ પર કરોડરજ્જૂમાં લખલખું લઇ આવતું ટાઢોડું પ્રહાર કરતું હોય. તડપ જાગે ગરમ કોફીમાં તજ, મધ, કેસર, મરી, સૂંઠ નાખીને ચુસ્કી લેવાની. ઘીથી લચપચતા અડદિયાની સોડમ યાદ આવકતા ઠિઠુરાયેલા ફેફસાં પહોળા થાય.
ટયુન ઈન ધ બોન્સ સંભળાય અને પશ્ચિમમાં તો ધોળા બરફ આસપાસ કાળો અંધકાર છવાય શિયાળાની હાડ ગાળતી દાંત કડકડાવતી ધુ્રજતી રાતે. એવી વિન્ટરી નાઇટ વિશે જાણીતી અંગ્રેજી કવિતા લિન્ડસી કશરની છે. ધ સ્કાય ઈઝ ડાર્ક એન્ડ ગ્રાઉન્ડ ઈઝ વ્હાઈટ, ધ વર્લ્ડ ઈઝ પીસફુલ ઈન વિન્ટર્સ નાઈટ. નો વન એરાઉન્ડ, નો સાઉન્ડ ટુ બી હર્ડ, નોટ એ લાફ, નોટ એ કાર, નોટ ઈવન એ બર્ડ. ફોર એ મોમેન્ટ, ઈટ્સ સ્નો એન્ડ મી, આઇ સ્માઇલ ઇનસાઇડ, આઇ ફીલ સો ફ્રી ! અર્થાત, જ્યારે આકાશ ઘેરું અને ધરતી (બરફથી) ઉજળી બને, ત્યારે જગત ખામોશ થાય છે. કોઇ ટોળાના હસવાનો, કારના ટાયરનો કે પંખીનો ય અવાજ ન સંભળાય એવા શિયાળું એકાંતમાં શ્વેત હિમ વચ્ચે હું મારી જાતને અનુભવી શકું છું, અને ક્ષણમાત્ર માટે પામું છું મુક્તિ !
શેક્સપિઅરના સુખ્યાત સોનેટ ૯૭માં ય શિયાળાના ફિક્કા પાંદડાઓની મોસમને 'વિધવાની કોરી કૂખ' સાથે સરખાવાઇ છે. તો અભિનેત્રી દિપ્તી નવલે લખ્યું છે : સર્દ તન્હાઇ કી રાત, ઔર કોઇ દેર તક ચલતા રહા યાદોં કી બુક્કલ ઓઢે ! સ્મરણના મફલર-કાનટોપી-ધાબળા તેજ થાય એવા શિયાળામાં સવારે વહેલા ઊઠવું એટલે ધીમું નરક ! મધરાતના ગરમ ઢોકળાં ખાઇને ચડેલા ઊંઘના કેફને તોડતો એલાર્મ એટલે જમરાજનો પાશ. હિન્દીમાં ફરે છે મોબાઇલ પર પતા જરા કિસી કો ન ચલતા, એક મહિના જો ન નહાય.. ઝંઝટ ન હોય પસીને કે, ન સૂરજ હી હૈ મુંહ ઝુલસાય / ખર્ચા પાઉડર ડિઓ કા સબ, રોજ હી દેખો બચતા જાય... ઢકા રહે જો યે તન અપના, મચ્છર ભી કાટન કો ન પાય ! પરેશાની કોઇ ન હૌવે જો સોતે સોતે લાઇટ જાય,.. કાહે કો તૂ ઠંડ ઠંડ કરે, ઠંડ તો અપની જાન બચાય !
આપણો શિયાળો તો મનલુભાવન ઋતુ છે, ગરમીથી બફાઇ જતા દેશમાં ! અને એમાં કાઠિયાવાડમાં ઘૂંટા - વરાળિયાની કે દક્ષિણ ગુજરાતમાં પોંક - ઊંબાડિયાની મોજ જેવી જ લહેજત છે - વિન્ટર વોકની. શિયાળુ રાત્રે ચાલવા નીકળવાની. એમાં શરૂ થાય વિચારોની અંતરયાત્રા. સાદ સંભળાય ભીતરનો કારણ કે બહારની દુનિયા મૌન થઇ ગઇ હોય છે.
ગાંધીજીના એક પ્રકારના માનસિક ગુરૂ એવા ઋષિતુલ્ય અમેરિકન લેખક હેનરી ડેવિડ થૉરોએ નાઇટ વૉક પર 'નાઇટ એન્ડ મૂનલાઇટ' નામનો લાંબો નિબંધ લખી નાખ્યો હતો ! દ્રશ્યો ધૂંધળા થાય, ત્યારે નિરીક્ષણ તેજ થતું હોય છે. જ્યારે જાણીતા સ્થળો પણ અજાણ્યા લાગે એવી શિયાળુ રાતે 'ચાંદની રાતે નીકળતી ચર્ચાતી સફર' (કર્ટસી : સૈફ પાલનપુરી) બાબતે થોરો શું લખે છે ?
''રાત્રે ચાલવું એટલે કુદરતનું સાવ અલગ પાસું નિહાળવું. જ્યારે બધા સૂતાં હોય, ત્યારે કદાચ આસપાસનું સૌંદર્ય વધુ જાગતું હોય છે. દિવસ કરતાં રાત વધુ વ્હાલી લાગે છે. ધમાલ વિનાની શાંતિ. અને આપણે કેમ ચંદ્રને આપણો મિત્ર ન બનાવી શકીએ ? એની ચાંદનીમાં ચાલી ન શકીએ ? સંસ્કૃત વાંચો (જી હા, થોરો સંસ્કૃતપ્રેમી હતો !) તો ચાંદાની કવિતાઓથી એ આપણી વધુ નજીક સરકતો લાગશે.
એ અલૌકિક ભાસતા ચંદ્ર ખીલવાની રાતે આપણે જો ચાલીએ નહિ, તો શું એ એનો વેડફાટ ન ગણાય ? એનું ઉગવું વ્યર્થ ન થાય ? ચાંદની એવી રોશની છે, જે ચાલનાર પથિકને માર્ગ દેખાય એટલું અજવાળું તો આપે છે, પણ એની ભીતરનો પ્રકાશ બૂઝાઈ જાય એમ ચકાચૌંધ નથી કરી દેતી ! માત્ર લાઈટથી નહિ, પોએટિક ઈન્ફલ્યુઅન્સ યાને કાવ્યકેફની અસરથી પણ ચંદ્રને માપવો જોઈએ !''
દિવસે તો બધા દોડતા રહે છે. બહુ ઓછા રાતના ચાલતા હોય છે. રાત્રિચર્યા (નાઈટવોકનું સંસ્કૃત) એ તો - દિવસને ભૂલાવી દેવાનો કસબ છે. ધોધમાર પ્રકાશના સૂરજને બદલે આસમાનમાં સિતારાઓ ટમટમતાં હોય છે. પાંદડાઓને બદલે પશુઓનો ધ્વનિ સંભળાય જંગલમાં ! પતંગિયાઓને બદલે આગિયા ઉડતા દેખાય અને કોયલના ટહૂકાને બદલે દેડકાં-તમરાં-કંસારીની તુનતુનતુનની ધુન (સરાઉન્ડ સાઉન્ડમાં) ચોખ્ખી સંભળાય ! આપણા લોહીમાં જાણે (ટાઢમાં ચાલતી વખતે ટાઇટ થતાં કપડાંને લીધે) અંગાર ભળે.
ખેતરો પર લહેરાતો પવન, ડોલતું ઘાસ, લશ્કરની જેમ ભૂમિ પર ઝૅળુંબતા છાપરાંના પડછાયા ! ખડકો, વૃક્ષો અને ટેકરીઓ જાણે ભેદી કાવત્રાંખોર જેવા લાગે. શેડોઝથી રચાતું કલાત્મક લેન્ડસ્કેપ ! ચાંદનીમાં ચમકતાં પાણીના ખાબોચિયાં એવા લાગે કે દિવસના પ્રકાશે ત્યાં રાતવાસો કરી આરામથી લંબાવ્યું છે ! હિન્દુ પુરાણોમાં રાતના સમુદ્રના તળિયે સૂર્યનો પ્રકાશ પોઢે છે, એવી રમ્ય કવિકલ્પના છે.
જંગલો ઘેરા અને ભારેખમ થાય એવી રાતે, ડાળી પાંદડામાંથી ગળાઈચળાઈને આવતો આછેરો પ્રકાશ. રાતના ચાલો ત્યારે આપણી સૂંઘવા અને સાંભળવાની શક્તિ વધી જાય. ઠંડક વચ્ચે અચાનક ગરમાટો આપતો પવન સ્પર્શી જાય, અને જોમ ચડે. જ્યાં આખો દિવસ કામ ચાલ્યું હોય ત્યાંની હવા થાકોડો ખાતી હોય અને ઉષ્માસભર લાગે, એમાં શ્રમના ઉચ્છવાસ ભળેલા હોય ! માલિક વિનાનો કૂતરો આમતેમ દોડે, એ રીતે રાત્રે રસ્તો આમતેમ ખોવાઈ જાય ! આખો દિવસ ગરમી શોષતી રેતીની ઠંડી સપાટી અંદર હાથ નાખો એટલે 'વોર્મ્થ' અંદર મળે.
ડયુ એન્ડ ડાર્કનેસવાળી નાઈટમાં આખા દિવસના બોજ અને થાકનું 'રિસ્ટોરેશન' થતું રહે. (બેટરી રિચાર્જ !) રાતના જંગલમાં શિકારી પ્રાણીઓ ઉર્જાવાન થઈને બહાર નીકળે, એમ દિમાગમાં ચાલતી વખતે
વિચારો આવે! રાતનું કાળું રેશમી વસ્ત્ર ધરતીને ઢાંકે અને જ્વાળામુખીની જેમ એ વાદળ વચ્ચે લપકતી આગની જ્વાળાની જેમ બુદ્ધિ સતેજ થાય. ચોખ્ખું હવામાન હોય એવી રાત્રે ચાલવું એ પણ ઔષધિ છે. એમાં આળસુ થઈ ઘોરતા રહે એ બીજે દિવસે એની કિંમત ચૂકવે છે.
ભારતે સોમ યાને ચંદ્રને પવિત્ર ગણ્યો છે. કુદરત જ એક રજવાડી શિક્ષક છે. કોઈ વચ્ચે ભેદ કર્યા વિના એ જ્ઞાાન આપતું શાસન કરે છે. ચાંદની રાતના પ્રકાશ જેવી ઝગમગ ક્ષણો જીવનની યાદ આવે ચાલતા ચાલતા !
થોરોની ફિલસૂફીને સાયન્સનો પણ સપોર્ટ છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ એવું સંશોધન કર્યું છે કે ડિપ્રેશન, કોઈના વાગ્બાણથી આવેલી હર્ટ ફીલિંગ, ઉદાસી, બ્રેકઅપ, નિષ્ફળતાની નિરાશા બધા મૂડ ચાલવાને લીધે બ્રેઈનના નેગેટિવ ઈમોશન્સ ખાળતા કિસ્સામાં ઝબકારા થવાથી ઘટી શકે છે ! અલબત્ત, એ વોક ટ્રાફિક વચ્ચે, ભીડભાડમાં, અટકતા-રોકાતા, ધીમે ધીમે કે બહુ ઉત્તેજીત થઈ ચિલ્લાતા ન થવું જોઈએ. જગતની ૫૦ % વસતિ નગરોમાં છે. પણ કમનસીબે મોર્નિંગ વોક જેટલો નાઈટવોકનો મહિમા ન હોઈને રાતના મોડે સુધી ખુલ્લા રહેતા બગીચાઓ કે સલામત સ્વચ્છ મેદાનો ભાગ્યે જ જોવા મળે !
સ્ટ્રેસ હેર્મોન કોરિસ્ટ્રોલ ઘટાડી હેપિનેસ હોર્મોન એન્ડ્રોફિન વધારતું વોકિંગ એક થેરાપી છે. જો એ માટેની આસાનીથી ઉપલબ્ધ જગ્યાઓ અને એકાંત રોજ મળે તો. પ્રિન્સન્ટન યુનિવર્સિટીના રિસર્ચર્સે પણ સાબિત કર્યું છે કે ચાલવાથી મગજ શાંત થાય છે. પણ એ વોકિંગ ટ્રેડમિલના બેલ્ટ પર ચાર દીવાલો વચ્ચે હોય તો સ્નાયુની કસરત સિવાય માનસિક ફાયદો નથી મળતો. પણ પ્રકૃતિની મોકળાશ હોય ને ઘોંઘાટ-ભીડ ઓછા હોય એવા વાતાવરણમાં હોય તો મનને વિરામ મળે છે. ઝગારા મારતી સ્ટ્રીટ-મોલની લાઈટ્સ કરતા ગ્રીન સ્પેસ દિમાગના એટેન્શન સેન્ટર્સ કન્ટ્રોલ કરે છે.
સ્વીડનમાં તો 'આર્સગંગ' નામનો ઉત્સવ ઉજવાય છે. જેમાં ફરજીયાત નવા વર્ષના સ્વાગત માટે રાતના વગડા/જંગલમાં ચાલવા જવાનું હોય છે ! જેથી મૃત આત્માઓ અને અદ્રશ્ય દેવતાઓ સાથે સંવાદ થાય. મધરાતે જ નીકળવાનું ! જેમાં બાળકોને સફેદ દેવતાઈ ઘોડો મળે અને મોટેરાંઓને 'હુલ્ડ્રા' નામની માયાવી સુંદરી જે એમને પરણવા માટે લઈ જઈને ગાયબ કરે એવી લોકવાર્તાઓ છે !
મધરાતે ચાલીને પીધેલું શીતળ જળ પણ વાઈન જેવું લાગે. અને એના ઘૂંટડે રજાઈમાં લપેટાઈને સપનાના પરીપ્રદેશમાં પહોંચતા હોઈએ ત્યારે વળી સ્વ. રાવજી પટેલની આજે અઘરા લાગતા ગુજરાતીની કવિતાથી પરોઢ ઉઘડતું હોય...
ધીરે રહી પરમતું પરભાતિયું ને
માંચી મહી બચબચ્યું શિશુ
કાન વાગ્યા કો' શ્વાનના
સળવળ્યો પથ, શાંત પાછો.
ચોપાસ મંદ પ્રસરે ભળુંભાખળું થૈ તંબૂર.
ને મત વિષે કશી રિક્ત શાંતિ.
ઉતાવળી ગરગડી થઈ કો'ક કૂવે
ખેંચ્યે જતી ઘટ (ઘડો) હવે.
સણકોરાયો અગ્નિ સ્વયં.
ખળભળ્યું મન કો' વલોણે.
ઓ સીમમાં સકલ ભાંભરતી
ગમાણો ચાલી ગઈ,
નયનબહાર ઘડીમાં તો.
ભીની જગા કલકલી ઉઠી,
સ્પર્શ મ્હોર્યો પાસે.
ફરે કર, કઠોર પડેલ સાંઠી
કેવે સમે સૂરજ પૂર્વ વિષે પ્રકાશ્યો !
ખોળ્યાં કરું હજી ય ભસ્મ મહીં.
ઝિંગ થિંગ:
''ભણતર તમને ઉભા રહેતા શીખવે પણ મેઘધનુષ જોવા તો બહાર નીકળી ચાલવું પડે !'' (સમિત રે)