ડર સે મત ડર, કુછ અલગ કર... આગે બઢ, ફત્તેહ કર...
અનાવૃત - જય વસાવડા .
કેમ ન થાય એના કારણો શોધવામાં સમય બરબાદ કરવાને બદલે જાગ્યા ત્યારથી સવાર ગણીને આ કેવી રીતે થાય એ દિશામાં વિચારવામાં સમય રોકશો તો ફાયદો થશે !
ઓસ્ટ્રેલિયા પાસે ગ્રેટ કોરલ રીફ યાને દરિયામાં પરવાળાંની આખી સૃષ્ટિ છે. ત્યાં એક માછલી છે : ટસ્કફિશ. એનું આવું નામ એટલે પડયું કે એ નાનકડી માછલીને આગળ નાનકડા હાથીદાંતની માફક બહાર નીકળેલા ટચૂકડા દાંત છે. બીબીસીની 'બ્લ્યુ પ્લેનેટ' નામથી દરિયાના પેટાળના રહસ્યોની સિરીઝ બનાવટી ટીમને આ ટસ્કફિશનું એક કૌતુક જોવા મળ્યું. નેચરલી. માછલીને હાથપગ તો હોય નહિ. પણ પોતાના બચુકલા દાંતની મદદથી એ માછલીએ પોતાના ખોરાક માટે એક બંધ છીપલું પકડયું. છીપમાં અંદર મૃદુકાય જીવ હોય જેણે માછલીઓ ખાય.
પણ નક્કર 'શેલ' એવા એ બંધ છીપને તોડવું કઈ રીતે ? આ અઘરી ચેલેન્જ. આપણે ય શ્રીફળ કે અખરોટને તોડવા માટે દસ્તા કે સાણસી કે પથરાની મદદ લઈએ છીએ હાથ હોવા છતાં. માછલીને તો હાથપગ પણ નહિ. ટસ્કફિશે અસ્તિત્વ ટકાવવા માટે પ્રકૃતિએ ખીલવેલું ભેજું વાપર્યું, એમ કહો તો ખોટું ગણાય. કરણ કે વૈજ્ઞાાનિક રીતે નાનકડી માછલીઓમાં મોટું કોઈ દિમાગ હોતું નથી. પણ જેને કઠોર પરિશ્રમ જ કરવો છે એને વળી બહુ બધા વિચારવાયુની શી જરૂર ?
તો એ માછલી મોંમાં કડક છીપ લઇ પરવાળાંના નક્કર બનેલા પથ્થર જેવા ભાગ સુધી ગઈ. ત્યાં એ પેલી છીપને મોઢાથી સામેના નક્કર પથરા પર લાગ જોઈ પછાડે. એની પાછળ હાથની પક્કડનું જોર હોય નહિ, એટલે એમ છીપ તૂટે નહિ. નીચે પડે. ફરી મોઢામાં ઉંચકે. ફરી પછાડે. ન થાકે, ન કંટાળે.બસ, આમ મથ્યા કરે. સંશોધકોએ નોંધ્યું કે આમ પૂરા પચાસેક પ્રયાસો બાદ અંતે છીપલું તૂટયું ને એ મહેનતકશ માછલીને મનગમતું ભોજન મળ્યું ! આ ઘટનાનો વિડીયો પણ યુટયુબ પર આસાનીથી મળી જશે . શોધજો અને જોજો.
આ શું છે ? આ છે પ્રબળ જીજીવિષા. હરિવંશરાય બચ્ચનના નામે ચડી ગયેલી પણ પેલી સોહનલાલ દ્વિવેદીની મૂળ કવિતા : કોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી, કુછ કિયે બીના હી કભી જયજયકાર નહીં હોતી ! સતત અને સખત પ્રયત્ન. માછલી બહુ વિચારી નથી શકતી, એ એના માટે દુ:ખ ને બદલે સુખ છે. એ થાકતી નથી. હાર માનતી નથી. બસ, ક્યારેક તો સફળતા મળશે જ માનીને મચી પડે છે. એક વાર બે વાર, બાર વાર, બાવી વાર, બત્રીસ વાર, બેતાળીસ વાર... શરમ શાની શ્રમ કરવામાં ? પ્રયાસ ન કરે એને થાવું જોઈએ કે દુનિયા શું કહેશે ? જે પ્રયત્નમાં જ મસ્ત તલ્લીન છે, એને શું પરવા જગતના ટીકાટિપ્પણની ?
વેલ ડીઅર સ્ટુડન્ટસ. ધેટ્સ કી. ધેટ્સ ધ ફોર્સ. એક્ઝામ કોઈ પણ હોય, કસોટી અને કટોકટી પૂછીને નથી આવતા જીવનમાં. પણ આપણે હાર્યા વિના બસ, જીત માટે ઝઝૂમતા જવાનું. કેટલા ઓછા દિવસ છે એમ ન વિચારો, હજુ તો કેટલા બધા કલાકો બાકી છે એમ વિચારો. અને શરુ કરો આજ , અભિ, અબ ઘડી તૈયારી. જેવી થાય એવી. જેવું આવડે એવું. આપણું ધ્યાન આપવાનું કર્મમાં. બધા સરસ પાસ થનારા કાયમ સકસેસફૂલ જ રહે છે, એવું નથી એમના ય દાંડિયા ડૂલ થઇ શકે. બધા નાપાસ થનાર નિત્ય પરાજય પામે છે, એવું ય નથી. ઉનકા ટાઈમ ભી આયેગા. ભારતની ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામે એક સીરિઝ ૫-૦ થી જીતી, બીજી ૩-૦ થી હારી ! થયા કરે. ઇટ્સ ગેઈમ. રોહિત એક વાર ઝીરોમાં આઉટ થાય તો ઝીરો લેવલ પ્લેયર નથી બની જતો. બૂમરાહ એક વાર ધોવાય એમાં વર્લ્ડ ક્લાસ બોલર માટી નથી જતો. અંતે તો ટોટલ સરવાળાના અંતે કરિઅર બેસ્ટ ફિગર બનતા હોય છે.
હમણાં જ આપણા ક્રિકેટ કોચ અને પૂર્વ ક્રિકેટર-કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ મસ્ત વાત કરી. એક સમયે આ શાસ્ત્રીસાહેબ અતિશય ધીમું ટીચૂક ટીચૂક રમવાથી ટેવાયેલા. ત્યારે જો કે, ટીમ ની એ જરૂરિયાત રહેતી. આપણે મેચને ડ્રોમાં લઇ જવા રમવું પડતું, જીતવાના સપના ન આવતા. બબ્બે દિવસ અવિચળ રહીને ધીમું રમી વિકેટ બચાવનાર શાસ્ત્રીનો હુરિયો બોલાતો. શાસ્ત્રીએ હમણાં એ યાદ કરી સરસ કહ્યું કે, 'ભવિષ્યમાં ક્રિકેટ સ્કોર કાર્ડમાં મારી સેન્ચુરીઝ અને હાફ સેન્ચુરીઝ બોલશે. પણ હુરિયા ક્યાંય રેકોર્ડબુકમાં નહિ હોય !'
ધેટ્સ એટીટયુડ. આપણી ટીકા થાય તો ય તપસ્યામાં ધ્યાન આપો. કાલ ઉઠીને જગત એવી આલોચના ભૂલી જાશે, અને એચિવમેન્ટસ યાદ રાખશે. પડવારડવાના બનાવો બધાની જીંદગીમાં આવે, પણ એને મંઝિલ નહિ એક પડાવ માનો તો સફર જેમ ઉંચે જશે એમ એ ખરાબ નેગેટિવ ઘટનાઓ દૂર નાનકડી બની પછી આંખ સામેથી ઓઝલ થઇ જશે ! ચાલુ રાખો બસ વધુ ઉપર ચડવાનું, આગળ વધવાનું. અનિલ કપૂરની જેમ. એણે ફિટનેસ અને શરીર ટકાવ્યું. એના સમકાલીનો માર્કેટીંગમાં જાહેરાતો કરતા હતા એનાથી દૂર રહ્યો. એ નવા બહાદૂરીભર્યા પ્રયોગો કરવામાં લાંબો સમય સુપરસ્ટાર ન રહ્યો પણ બીજા બધા ભૂલાયા ત્યારે હજુ ય એ ટકેલો છે, યુવા અભિનેતાઓને તગડી ટક્કર આપી શકે એમ છે. ઇનિંગ લાંબી ચાલે તો સ્કોર મોટો થયા જ કરવાનો છે.
૧૯મી સદીમાં એક બાળકનો અમેરિકામાં જન્મ થયો. પરિવાર સમૃદ્ધ પણ એ છોકરાની તબિયત બહુ નબળી. આંખે ઓલમોસ્ટ અંધાપો એક વાર આવી ગયો. પેટની તકલીફોને લીધે કાયમી ડાયેટ પ્લાન. પીઠદર્દ બચપણથી જ કાયમી. ભણવામાં ચિત્ત ચોંટે નહિ. એને ચિત્રકાર બનવાનું સપનું, પણ અનેક પ્રયત્નોએ ચિત્રકળા ન જ ફાવી. દરમિયાન એનો મોટો ભાઈ હેન્રી જેમ્સ વિખ્યાત નવલકથાકાર બની ગયો એટલે આ છોકરાને કોમ્પ્લેક્સ વધી ગયો નિષ્ફળ ગુમનામ જીવનનો, અને મરવાના વિચાર આવવા લાગ્યા.
પિતાની વગને લીધે એને હાવર્ડ જેવી પ્રતિતિ શિક્ષણસંસ્થામાં ભણવા મળ્યું. કોર્સ તો એણે સમજીને પૂરો કર્યો સાયકોલોજી ડોકટરનો, પણ એને થતું કે એ ખુદ ડોક્ટર નહિ, પણ દર્દી છે ! ઘટમાળમાંથી છટકવાના મરણિયા પ્રયાસ તરીકે એ એમેઝોન રેઇનફોરેસ્ટના પ્રવાસમાં જોડાયો. એ વખતે એ આલાંબોે અને આકરો પ્રવાસ જરાય સહેલો નહોતો. લાંબી સમુદ્રી મુસાફરીએ માંદા માણસને ઓર બીમાર બનાવી દીધો ને જંગલમાં ગયો તો ખરો પણ શીતળાનો ચેપ લઇ આવ્યો ને ભયંકર અશક્ત બનતા મહિનાઓ સુધી માંદો રહ્યો. માંડ ઉગરી પિતાના ઘેર પાછો ફર્યો ત્યારે ત્રીસ વર્ષની ઉંમર, સમાજમાં ઉપહાસનું પાત્ર અને કરિઅર શૂન્ય. બીમારી અને એક પછી એક નિષ્ફળતા. ડિપ્રેશનના ઘેરા એટેકમાં એણે મરી જવાનું નક્કી કર્યું.
આમ હોશિયાર તો ખરો ને વિચારશીલ પરિવારનું ફરજંદ. એટલે આપઘાતના વિચાર કરતાં કરતાં એણે જાત સાથે ડાયલોગ કર્યો અને ચિત્તમાં એક ઝબકારો થયો. ડાયરી હાથમાં લઇ એણે લખવાની શરૂઆત કરી. એ રાતથી એક વરસ માટે એણે જાત સાથેનું એક એગ્રીમેન્ટ કર્યું ! કે આવતીકાલથી સંજોગો, નસીબ, ફલાણા-ઢીંકણા કોઈનો ય દોષ કાઢવાને બદલે એના જીવનમાં જે કંઈ પણ બૂરું થશે, એનો દોષ એ પોતે સ્વીકારશે. સેલ્ફ રિસ્પોન્સિબિલીટી. જાતજવાબદારી. પણ સેલ્ફ પિટી યાને આત્મદયા ( અરરર હું જ બિચારો બાપડો કમનસીબ એવું ) નહીં. રોદણા રોઈ વધુ ડિપ્રેસ થવાને બદલે હવે એ સ્વીકાર કરશે કે આ સ્થિતિ મારી જીંદગીમાં છે તો એ માટે પહેલી જવાબદારી મારી જ બને છે. તો હવે એનો ઉકેલ હું કઈ રીતે લઇ આવું ?બીજાના વાંક કાઢવાને બદલે કે બીજાની રાહ જોવાને બદલે જાતે જ કેવી રીતે એ સ્થિતિમાંથી બહાર આવી ઉગરવાની દિશામાં કામ શરુ કરું. ભૂલો કરી છે, એનું પુનરાવર્તન ટાળું અને પોઝિટીવ ચેન્જ લઇ આવી વિપરીત સંજોગો બદલવા મેક્ઝીમમ એફર્ટસ કરું.
એણે નક્કી કર્યું કે એક વર્ષ સુધી એ ફાઈટ આપશે, અપેક્ષા કે કારણોને બદલે કપરા કાળના નિવારણ માટે જાતે મહેનત કરશે. માત્ર આફતોનો સ્વીકાર નહિ કરે, પણ એની સામે લડવાની જવાબદારી સ્વીકારી એની સામે શક્ય એટલા પડકાર ફેંકશે. જો આ પ્રામાણિક પ્રયાસો પછી કશું જ નહિ બદલાય, તો આ જ નીયતિનો આખરી ચૂકાદો છે, એમ માની એક વરસ પછી એ આત્મહત્યા કરી લેશે કે મારું કશું જ ચાલતું નથી. પણ થોડોકે ય ફેરફાર થશે તો કૈંક પ્રયત્ન કરી બદલી શકાય છે, એવો ભરોસો રાખીને એ વધુ મુકાબલો કરવા જાતને મજબૂત બનાવી પરિશ્રમ કરશે.
અને એક નહિ, અનેક વરસો વીતતા ગયા. એનો ખુદ પરનો ઉઠી ગયેલો ભરોસો વધતો ગયો. લગ્નજીવન પાટા પર ચાલ્યું. કારકિર્દી જામવા લાગી. તબિયત સુધરવા લાગી. પંદર વર્ષ પછી આ જાત પરે કરેલા પ્રયોગ પર એણે એક યાદગાર વ્યાખ્યાન આપ્યું : વિલ ટુ બિલિવ. અને એમાં કહ્યું કે માણસે ધામક હોય કે ન હોય, પણ શ્રધ્ધાવાન બનવું જોઈએ. ખુદામાં નહિ તો ખુદમાં શ્રધ્ધા રાખવી. કોઈક હાયર ગોલ્સ / ઉચ્ચ લક્ષ્યાંકો રાખીને એ સપના કે કોઈ ચોક્કસ મૂલ્યો ( ઉદારતા, પ્રામાણિકતા, સત્યપાલન, સમયપાલન, કસરત, વાચન, સેવા વગેરે કશું પણ )માં અતૂટ શ્રધ્ધા રાખીને દ્રઢ સંકલ્પ કરવાથી ઘણી વાર અશક્ય લાગતા પરિણામો આસાનીથી મળે છે. પણ જરૂર ધીરજ અને ખંતથી ટકી રહેવાની છે.
એ વ્યક્તિ એટલે વિલિયમ જેમ્સ. આખી દુનિયામાં સાયકોલોજીનું પીઠું ગણાતા અમેરિકામાં અમેરિકન સાયકોલોજીનો જે માણસ પિતા ગણાયો અને બર્નાન્ડ રસેલ જેવા અનેક વિખ્યાત ફિલોસોફરોની પ્રેરણામૂત બન્યો એવો એ જીવ.
જેણે ૬૮ વર્ષની નામના અને કીતથી ભરપૂર આયુષ્ય ભોગવ્યું ને આજે ય એનું નામ એના ક્ષેત્રમાં આદરથી લેવાય છે ! દુનિયાનો દોષ કાઢી કારણો શોધીને જાતને પંપાળવાને બદલે એણે જાતજવાબદારી લઈને સુધારો કરવાની મક્કમ શરૂઆત તળીયેથી કરી તો શિખર સુધી યાત્રા થઇ ગઈ ! જૂની ને જાણીતી વાત : કેમ ન થાય એના કારણો શોધવામાં સમય બરબાદ કરવાને બદલે જાગ્યા ત્યારથી સવાર ગણીને આ કેવી રીતે થાય એ દિશામાં વિચારવામાં સમય રોકશો તો ફાયદો થશે !
આજકાલ યંગથીંગ્સમાં પબ્જી જેવી એક્શન ગેઇમનો ક્રેઝ હોય છે. દરેક ગેઈમમાં રૂલ્સ હોય છે. એ મુજબ લાઈફલાઈન મળે, જીવતદાન કે એક્સ્ટ્રા પોઈન્ટ્સ મળે, ને ખોટો દાવ રમો તો એ કપાઈ જાય. એ ઉતારચડાવમાં તો એ રમવાનું એક્સાઈટમેન્ટ લાગે, મજા આવે. એમાં એકથી ઉપર બીજા લેવલમાં જવાનું હોય.
લાઈફ પણ એક ગેઈમ છે. ફર્સ્ટ લેવલ છે સર્વાઈવલ. રોટી, કપડાં ઔર મકાન. બેઝિક નીડ્સનો જુગાડ કરવો. સંઘર્ષ કરતા શીખવું. સેકન્ડ લેવલ છે એજ્યુકેશન એન્ડ લોંગ પ્લાનિંગ. ઝટ મરવાના નથી એમ માની, આગળ જીંદગીમાં શું કરવું છે એના ધ્યેય બનાવી, ખોટા પ્રલોભનો હટાવીને નવું શીખવું. શું કરવું છે (કે નથી કરવું) એ બાબતે કલીઅર થઇ એમાં સમય આપવો. થર્ડ લેવલ છે : આઈડેન્ટીટી સચગ એન્ડ અનગ. ખુદની કોઈ નાની શી પણ આગવી ઓળખ બનાવવી, મિત્રો બનાવવા, સંબંધો કેળવવા અને જ્ઞાાન કે આવડતનો ઉપયોગ કરી કમાવું. ફોર્થ લેવલ છે : ગુ્રપ એન્ડ ગ્રોથ. છીએ એનાથી વધુ વિસ્તાર કરવો, ટીમ બનાવવી અને ચોક્કસ લોકોની કંપની સાથે રહી પ્રગતિ કરવી. બિઝનેસ હોય કે લાઈફ, યોગ્ય પાર્ટનર સાથે સેટ થવું. પૈસા કે જ્ઞાાન જ નહિ પણ પ્રેમના આદાનપ્રદાનથી લાગણીઓની ડિપોઝીટ સમૃદ્ધ બનાવવી. ચાહી શકાય અને આદર આપી શકાય એવા લોકોને ઓળખવા, મેળવવા.
ફાઈનલ પાંચમુ લેવલ છે : હ્યુમન બ્રાન્ડ. કશુક ખુદ માટે મહત્વનું કાર્ય કરવું જે બીજાને પણ ઉપયોગી હોય અને એથી આપોઆપ બીજાને મદદ મળે. આનંદ મળે. જેથી લોકો તમને શોધે, તમારી સાથે કનેક્ટ થવામાં આનંદ કે ગૌરવ અનુભવે ને તમારી પાછળ જોડાઈને તમને અનુસરે ને તમારું કામ આસાન બનાવે, તમારું નામ આલીશાન બનાવે. પછી બોનસ લેવલ આવે... સ્પિરિચ્યુઅલ પ્લેઝર, સેલ્ફ એસ્ટીમ એન્ડ ફન વિથ ફ્રેન્ડસ એન્ડ ફેમિલીનું.
લાઈફ જો ગેઈમ જ છે, તો ગેઈમનો ફન્ડામેન્ટલ રુલ છે : અણધાર્યા વળાંકો. અનએક્સ્પેક્ટેડ ટ્વીસ્ટસ.થોડા થોડા સમયે અચાનક કશુક બન્યા કરે. ક્યારેક ફાયદાકારક તો ક્યારેક નુકસાનકારક. એ તો થવાનું જ. પ્રોબ્લેમ્સ લાઈફ થ્રો કરશે આપણી ઉપર ગેઈમની માફક. ટ્રિક એ છે કે એને ગૂંચવીને આપણા તરફથી એમાં નવા પ્રોબ્લેમ ઉમેરવાના નહિ, જે કુદરતી આવ્યા છે એને બેશક પૂરજોશથી હંફાવવાના. પણ આવેશમાં, હતાશામાં કે ઉત્સાહના અતિરેકમાં હાથે કરી બીજા નવા પ્રોબ્લેમ્સ એમાં ઉમેરાય નહિ એનું ખાસ ધ્યાન રાખવું. ઓલરેડી સખાવતી સ્કોલરશિપ પર ભણતા હો તો નશામાં આડેધડ બાઈક ચલાવી એક્સિડેંટના નવા ખર્ચા નોતરવા નહી એવું કૈંક.
અને પ્લેયર ગેઈમમાં શું કરે ? જે સિચ્યુએશન ક્રિએટ થાય એને રિસ્પોન્ડ કરે. આ રિએકશન લાઈફ ગેઈમમાં બે રીતે આવે સોલ્યુશન એન્ડ સિડકશન. સિડકશન એટલે લલચામણા પ્રલોભનો. આપણું ધ્યાનભંગ કરે, એકાગ્રતા તોડે એવા એવા પરિબળો. લપસણા માર્ગો.એટલે લટકામટકા કરી ઋષિનું તપોભંગ કરવા નાચતી અપ્સરા જ નહિ. કોઈ વ્યસન,કોઈ વખત ભણવાનું કે ઓફિસનું / ઘરનું કામ મૂકી હાથમાં લેવાતો મોબાઈલ, કોઈ વેબ સિરીઝ કે વોટ્સએપ લવ ચેટનું વળગણ આ બધા સિડકશન્સ જ છે. જે મૂળ સોલ્યુશનથી ભટકાવી દે અને સમય ખાઈ જાય કિંમતી.
પરીક્ષા બોર્ડની હોય કે લાઈફની, જેટલા સોલ્યુશનના રસ્તે આગળ વધશો એમ લેવલ અપ થતું જશે. જેટલા સિડકશનના માર્ગે ફંટાશો એમ લેવલ ડાઉન થતું જશે. આ ઓટોમેટિક પ્રોસેસ છે, અને થોડા સમય બાદ બેમાંથી જે વધુ કરો એની ટેવ મનને પડી જતી હોય છે. ટાઈમપાસ મસ્તી કાર્ય જ કરશો તો એની આદત વધશે. નિયમિત અનુશાસન કેળવશો તો એ સુટેવ વધશે. શરીર ૨૧ દિવસમાં હેબિટ ડેવલપ કરી લે એવું સાયન્સ કહે છે. આપણે કહીએ કે ત્રણ મહીના થાય. ત્રણ મહીના ઊંઘ કે આહારમાં જે પ્રેક્ટિસ એકધારી કરો એ મુજબ શરીર પણ સેટ થઇ જ જાય.
મજાઓ કરવી જ નહિ કે બોરિંગ બોચિયા લોભિયા થઈને જીવવું એવું હરગીઝ નહી. જલસાથી જીવવાનું બિન્દાસ. પણ ધ્યાન રાખવાનું કે આપણી ગેઈમના માસ્ટર કમાન્ડ આપણા કન્ટ્રોલમાં રહે. બીજાના નહી. કોઈના કહેવાથી વાંચવાનું છટકી જાય ને વિડીયો જોવાઈ જાય તો સોલ્યુશનમાંથી સિડકશનમાં જતા રહેશો. પછી નાનામોટા ઈમોશનલ પ્રોબ્લેમ્સ સતાવ્યા કરશે, ને એ વધતા જ જશે. આદત એવી પાડવાની કે વર્ક મોડમાં આવો, તો પ્લે મોડ આપો આપ ઓફ થઇ જાય ને વાઈસા વર્સા. એ કમિટમેન્ટનું બળ જીવનમાં બહુ કામ લાગશે, ઇવન હેલ્ધી રિલેશનશીપમાં ય.
સો ચેમ્પ્સ, બી ફોકસ્ડ. સૂર્યના કિરણો જો મેગ્નીફાઈંગ ગ્લાસથી ફોકસ થાય તો રૂંવાટી ભડકો કરી સળગાવે. પણ વેરવિખેર છે એટલે બાળતાદઝાડતા નથી. એકઠું કરો આવું વેરવિખેર વ્યક્તિત્વ ને હિમ્મતથી એકાગ્ર બાની તૂટી પડો તડામાર તનતોડ તૈયારીમાં. હમણાં પોલેન્ડના સીસિલિયન ઓપન બોક્સિંગમાં આપણી મેરી કોમે ૪૮ કિલો વેઇટ કેટેગરીમાં ભાગ લેવા સતત ૧ કલાક દોરડાં કૂદીને બે કિલો વજન સ્થળ પર ઘટાડયું હતું !
ગત વર્ષે દસમાની સીબીએસસીમાં ટિયા સિંઘ નામની છોકરી ૯૨.૪%નો સ્કોર કરી આવી. એ એક્ઝામ દેવા ગઈ એના આગલા જ દિવસે રોડ એક્સિડેંટમાં એકસાથે એના પપ્પા અને ભાઈનું અકાળ મૃત્યુ થયેલું. એ આખી રાત રડી. પણ આવું સબળ કારણ હોવા છતાં એણે એક્ઝામ છોડી નહિ, સવારે ઉઠી સ્વસ્થ થઇ જાતજવાબદારી લઈને બહાના કાઢવાને બદલે મક્કમ મનોબળથી પરીક્ષા આપવા ગઈ અને ઉત્તમ રિઝલ્ટ લઇ આવી. એની માર્કશીટ ભૂલાઈ જશે, પણ એનું આ અનુભવે જે ઘડતર થયું એ એને આજીવન માર્ગ બતાવ્યા જ કરશે !
તો લલકાર કરો મૈદાને જંગમાં અને શેરદિલ બની સામનો કરો સવાલોનો. બી પ્રિપેર્ડ. બી રિલેકસ્ડ. ઓલ ધ બેસ્ટ ફોર એકઝામ્સ. વીર યોધ્ધા તાનાજીની જેમ.. ઘમંડ કર, પ્રચંડ કર,તાંડવ સા યુદ્ધ કર ભયંકર...જીત કા ગુમાન કર, પ્રહાર કર, પ્રહાર કર.... ( શીર્ષક : હૃતિક રોશન )
ઝિંગ થિંગ
झकादो आकाश को
मुश्कील हो या नामुमकिन हो,
एसी कोर्ई बात नहीं,
तुम्हारा सामना कर सकें
कीसी में औकात नहीं,
दंगल हो या मंगल हो,
अपने झंडे गाड दो,
नदियों का रुख मोड दो,
बोना कर दो पहोड को.
समंदर हो तुम आसमां हो तुम,
नए जमाने के सिकंदर हो तुम,
चांद पे जाने की शक्ति है तुज में,
अब मंगल करने की ठान लो,
मिटा दो मन के डर को,
होसिल करो आत्मविश्वास को,
जीत लो जमीं को.
बवंडर से भी तेज हो तुम,
तूफान से तुम्हारा मुकावला क्या ?
तुम्हारे कदमों मे आकाश है,
ऊची उडान से मुकाबला क्या ?