Get The App

એક થા સુલતાન: અમનપસંદ ગુજરાતીઓનું પ્યારું ઓમાન!

અનાવૃત - જય વસાવડા .

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
એક થા સુલતાન: અમનપસંદ ગુજરાતીઓનું પ્યારું ઓમાન! 1 - image


ભારતના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા ઓમાન ગયેલા, ત્યારે પ્રોટોકોલ તોડીને સુલતાન કાબૂસ ખુદ એમને જાતે ડ્રાઇવ કરી તેડી આવેલા ! કહેલું કે, 'રાષ્ટ્રપતિ પછી, પણ એ મારા ગુરુ પહેલા છે.' 

સુલતાને ટોલરન્સની મિસાલ પૂરી પાડેલી. બાબરી મસ્જીદની ઘટના વખતે મસ્કતમાં રહેલા પ્રાચીન શિવમંદિર અને હવેલીને કોઈ અળવીતરાંઓ નુકસાન ન પહોંચાડી જાય, એ માટે ખાસ પોલિસ રક્ષણ આપીને એને ખુલ્લા રખાવેલા. ઓમાનમાં આવા હિંદુ મંદિરો સરસ સચવાઈને ઉભા છે

''એ એક અદ્ભુત રાજવી હતા. લીડર એન્ડ ફ્રેન્ડ. મારા પત્ની સાથે એમની મહેમાનગતિ હજુ એક વર્ષ પહેલાં માણી હતી, એ ક્ષણો યાદ આવે છે. સમગ્ર આરબ વિશ્વમાં શાંતિ અને સ્થિરતાની એ ધરી હતા. હું અમારા દેશ વતી ઓમાનની જનતા માટે ઉંડુ દુ:ખ પ્રગટ કરું છું.''

રાજદ્વારી સંબંધોમાં આવી શોકાંજલિ નોર્મલ ગણાય. સ્વાભાવિકપણે હમણાં પૂરા ૫૦ વર્ષના એકચક્રી શાસન બાદ ૭૯ વર્ષની વયે વિદાય લઈ ગયેલા ઓમાનના સુલતાન કાબૂસને અપાયેલો શોકસંદેશો છે. પણ આને લગીરે રૂટિન ફોર્માલિટી ગણવા જેવો નથી. કારણ કે, આ ઔપચારિક લાગતું સ્ટેટમેન્ટકોણે આપ્યું છે, એ જાણ્યા પછી એ સ્પેશ્યલ લાગે એમ છે. આ શબ્દો છે, ઇઝરાએલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂના ! જેમને ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં ઇઝરાએલ સાથે આરબોના 'છત્રીસના આંકડા' જેવા સંબંધોની થોડીઘણી પણ ખબર હોય એ સફાળા ચોંકી જાય એવી ઘટના છે !

પણ મરહૂમ સુલતાન કાબૂસના વ્યક્તિત્વની જેમને ખબર હોય, એમને નવાઈ નહિ લાગે. એકબીજાના ઘોર વિરોધી દેશો સાથે ય હૂંફાળા સંબંધો સાચવવાની આજે દુર્લભ ગણાતી મુત્સદ્દીગીરીની ડિપ્લોમસીની એમની હથોટી હતી. ભારત સરકારે એમના માનમાં એક દિવસનો સંપૂર્ણ રાષ્ટ્રીય શોક જાહેર કરેલો.

આજે સામસામા ખરીઓ પછાડી છીંકોટા નાખતા અમેરિકા- ઇરાનની થોડા વર્ષો પહેલાં પરમાણુ સંધિ એમની મધ્યસ્થી પછી શક્ય થઈ હતી ! બ્રિટને પ્રિન્સ ચાર્લ્સ અને વડાપ્રધાન બોરિસ જોન્સન (અર્થાત્ રાજપરિવાર અને દેશના વડા બેઉ)ને રૂબરૂ ઓમાન શોક પ્રગટ કરવા મોકલ્યા હતા ! યહૂદી ઇઝરાએલ અને શિયા ઇરાનની ગૂડબૂકમાં એક આરબ સુલતાન એકસાથે રહી શકે, એ અચરજમાં આંખો ચોળવી પડે એવી વાત હતી.

પણ યુરોપમાં વિશ્વયુદ્ધ વચ્ચેના તટસ્થ સ્વીત્ઝર્લેન્ડ જેવી જ છાપ ઓમાનની સુલતાન કાબૂસ ઉભી કરી શક્યા હતા. સદીઓથી ઇસ્લામમાં શિયા- સુન્ની સંઘર્ષ ચાલે છે, એ વચ્ચે એ 'ઇબાદી' નામના ઇસ્લામના ઓછા જાણીતા ફાંટાના હતા, જે મુસ્લિમો આફ્રિકાના થોડા વિસ્તાર સિવાય બહુમતીમાં કેવળ ઓમાનમાં જ છે.

જવાન ઉંમરના સુલતાન કાબૂસ થયા, ત્યારે એમના રૂઢિચુસ્ત પિતાએ ઓમાનમાં જૂનવાણી માનસિકતાથી પ્રતિબંધોનો ઢગલો કરી દીધો હતો. છત્રી, રેડિયો, ગોગલ્સ, સંગીત, પરદેશપ્રવાસ બધા પર બૅન મૂકી દેવાયો હતો એને 'સંસ્કૃતિ પર પરદેશી આક્રમણ' ગણીને ! ગુલામીની જગતમાંથી નાબૂદ થયેલી પ્રથા કાયદેસર ગણવામાં આવી હતી.

પહેલેથી જ આફ્રિકાથી ભારત સુધીના વિવિધ વેપારી વસાહતીઓના થાણા રહેલા ઓમાનમાં આ ગુંગળામણ ધાર્મિકતાના નામે અસહ્ય હતી. (ધડો અહીં સંસ્કૃતિના નામે જડસુ વાતો ઠોકી બેસાડવાની હિમાયત કરનાર બૂડથલોએ પણ લેવા જેવો !) રાજાશાહી- ઓમાનમાં ચૂંટણી તો હતી નહિ. પણ આવી જડતા સામે ઇરાન અને બ્રિટનની મદદ લઈ સુલતાન કાબૂસે જ પિતા સામે બળવો કર્યો, અને ઓમાનનું શાસન હાથમાં લીધુંત્યારેમાત્ર દસ કિ.મી.ના રસ્તા અને ત્રણ સ્કૂલો એ સાવ ખખડી ગયેલા અને વેરાનકંગાળ ભાસતા દેશમાં હતી.

સિંગાપોરના લી ક્વાન જેવી ક્રંતિ આજે ય ૪૬ લાખની વસતિ ધરાવતા ઓમાનમાં સુલતાન કાબૂસે ત્યાર બાદ શરૂ કરી હતી. પોતે ભારતમાં ભણેલા ફાઇનાન્સ, ડિફેન્સ જેવા બધા વિભાગો ખુદના કબજામાં રાખી, રિફોર્મ્સ એન્ડ ડેવલપમેન્ટ પર ફોક્સ કર્યું. શિક્ષણ, રસ્તા, ટેકનોલોજી, ખોરાકપાણી જેવા વિકાસકાર્યો પર ફોક્સ કર્યું.

આજે મસ્કતમાં પગ મૂકો તો જાહોજલાલી ઉડીને આંખે વળગે ! ચોખ્ખાઈ અને સુરક્ષાનો આહ્લાદક અહેસાસ થાય. ઓમાન પાસે પેટ્રોલિયમ બીજા અખાતી દેશોના પ્રમાણમાં ઓછું છે, પણ કુનેહપૂર્વક સુલતાન કાબૂસે એવો વિઝનરી વહીવટ કર્યો કે ૨૦૧૦ સુધીમાં ચાર દસકામાં પ્રગતિની હરણફાળના સૂચકાંકોમાં ઓમાન કમ્પેરેટિવલી ચીનથી આગળ હતું !

સુલતાન કાબૂસ ખુદ આર્ટ એન્ડ રીડિંગના અચ્છા શોખીન. નેતાન્યાહૂ સાથેની દોસ્તી 'કોમન બુક્સ'ના લીધે કેળવાઈ હતી. ન્યાયપ્રિય, શિસ્તમાં કડક અને શાંતિવાદી. એમણે આરબવિશ્વ માટે અઘરો કોયડો આગોતરો ગણી લીધો કે સહઅસ્તિત્વથી પ્રજામાં સુમેળ-સંપ હશે તો જ વિકાસ વેગવાન થશે, મોડર્ન ગણાતા યુએઇ (દુબાઈ, અબુધાબી, શારજાહ વગેરે) કે શ્રીમંત સાઉદી અરેબિયા બધા કરતા એમણે નોખો ચોકો માંડયો.

ખુદની ધાર્મિક આસ્થા રજવાડા તરીકે બરકરાર રાખી, પણ બીજાની શ્રદ્ધા પર પ્રહાર કર્યા વિના. ઓમાન મુલાકાત વખતે જેની ભવ્યતા જોવા મોદી સાહેબ ગયેલા એ 'ગ્રાન્ડ મોસ્ક' પ્રવાસીઓ માટે તો કોઈ બંધન વિના ખુલ્લી જ, પણ એ બનાવનાર અને એમાં અદ્ભુત કોતરણી કરનાર પણ ભારતીયો !

યૌવન ભારતમાં વીતાવ્યું હોવાને લીધે સુલતાનનો એ કિસ્સો તો વાઇરલ થયો છે, કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા ઓમાન ગયેલા, ત્યારે પ્રોટોકોલ તોડીને સુલતાન કાબૂસ ખુદ એમને જાતે ડ્રાઇવ કરી તેડી આવેલા ! કહેલું કે, 'રાષ્ટ્રપતિ પછી, પણ એ મારા ગુરુ પહેલા છે.' ત્રણ દિવસ સુધી શર્માજીના માનમાં શાહી રસોડે શાકાહારી ભોજન બનેલું.

એક થા સુલતાન: અમનપસંદ ગુજરાતીઓનું પ્યારું ઓમાન! 2 - image

ઇંગ્લેન્ડ પણ ભણવા ગયેલા કાબૂસ ભારત ભણતા હતા, ત્યારે શંકરદયાળ શર્મા એમના અધ્યાપક હતા. ગુરૂવંદનાની આ લાજવાબ મિસાલ આપનાર સુલતાનને ભારતીય વાનગીઓ, મીઠાઈ ખૂબ ભાવતી અને દ્વારકાના બ્રાહ્મણ રસોઈયા પ્રવીણ રાજ્યગુરૂ એમના માટે તૈયાર કરતા !

ગુજરાતીઓ માટે ઓમાનમાં આગવા માનપાન ને સ્થાન રહ્યા છે. એમાં સિંહફાળો કચ્છનો. કચ્છી ઉદ્યોગ સાહસિકોએ દોઢસો વર્ષ પહેલાં દરિયો ખેડવાનું શરૂ કર્યું ને ઓમાન પહોંચ્યા. પોતાની આસ્થા ટકાવી, આત્મબળથી શૂન્યમાંથી સર્જન કરી બતાવ્યું. સુમેર અને હરપ્પન સંસ્કૃતિઓ વચ્ચે જળમાર્ગે વહેવાર હતો, એનું આધુનિક સ્વરૂપએવું કે, ૧૮૩૬માં અરબનો પ્રવાસ ખેડતા જે. આર. વેલસ્ટેડે 'મરચન્ટ હિન્દુઝ ઓફ ઓમાન' તરીકે ગુજરાતીઓનો ઉલ્લેખ કરેલો છે !

જાણીતી વાત છે કે ધરમશી નેન્શી શેઠ ઓમાની પ્રોટોકોલના શેખવાળા વસ્ત્રો ધારણ કર્યા વિના ગમે ત્યારે સુલતાનના મહેલમાં ધોતિયું, અંગરખો (લાંબો ઝભ્ભો), ટોપી પહેરીને જઈ શકતા. સુલતાન એમને કૌટુંબિક વડીલ ગણતા અને એમને ઓમાનનું સર્વોચ્ચ સન્માન આપેલું. એમના વારસદારો અશ્વિનભાઈ- બિપીનભાઈના ચેરિટી વર્કથી સૌરાષ્ટ્ર સુપેરે પરિચિત છે. કચ્છની ખીમજી રામદાસની પેઢીના ગોકુળદાસ ખીમજી અને કનકશી શેઠ અને અનિલ ખીમજી તો શેઠ સાથે 'શેખ' પણ બન્યા !

જી હા ! જગતના સર્વપ્રથમ અને એકમાત્ર 'હિન્દુ' શેખ ! ખીમજી રામદાસી પરિવારને એમનો ધર્મ બદલાવ્યા વિના જ શેખની પદવી સુલતાને આપી. રાજકાજ કે સામાજિક વ્યવહારોની સત્તા મળે એવો એ હોદ્દો. નાગરિક બનાવી પોતાના ગણ્યા. 'શેખ' અનિલ ખીમજીની ઘેર વૈષ્ણવ હોઈ ભવ્ય ઠાકોરજીનું મંદિર પણ જોવા મળે, જેમાં પ્રમુખસ્વામી પૂજન કરી ગયા છે ! (સંભવત: મૂર્તિ જ એમના હસ્તે પધરાવાઈ હતી !) વિવિધ ક્ષેત્રે અબજોનો કારોબાર અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી ખીમજી રામદાસ પેઢીને લીધે ઘણાં ભારતીયોને રોજગારી ત્યાં મળી.

એ પેઢીના પંકજ ખીમજીએ સુલતાનને શ્રદ્ધાંજલિ આપતા સરસ વાત કરી કે, 'સુલતાન સાહેબની દ્રષ્ટિ એ હતી કે માત્ર કોઈ પહેરવેશથી ઓમાની હોવાનો ગર્વ અનુભવે એટલું પૂરતું નથી. પણ બધી રીતે ઓમાન એવું રાષ્ટ્ર હોવું જોઈએ કે જ્યારે બહાર જઈએ ને કોઈને ઓમાની હોવાનું કહો ત્યારે દેશની સિદ્ધિઓને લીધે દુનિયા તમને આદરથી નિહાળે ! એમના ગયા પછી નવા સુલતાન હાઇતીમ તારીકને સત્તાનું હસ્તાંતરણ પણ કોઈ વિવાદ વિના આસાનીથી થયું !'

જેમના લગ્ન થોડો સમય જ ટકેલા એવા સુલતાન કાબૂસ નિ:સંતાન હતા. ૨૦૧૫માં જર્મનીમાં એમને કેન્સર ડિટેક્ટ થયું, પછી સ્વસ્થ થયેલા અને અનુગામીનું નામ એક સીલબંધ કવરમાં મૂકી ગયેલા. નવા સુલતાન ઓક્સફર્ડમાં ભણેલા અને સુલતાન કાબૂસના હાથ નીચે ઘડાયેલા ડિપ્લોમેટ છે. સુલતાન કાબૂસ કેન્સરની સારવાર માટે બેલ્જીયમ ગયેલા ને ખ્યાલ આવ્યો કે એનો ઇલાજ શક્ય નથી. તયારે પણ ત્યાંની યુરોપીયન ગરીબ બાળકોને જમાડતી સંસ્થાને માતબર સહાય કરીને આવ્યા !

આ જ કારણથી ઓમાનમાં વસતા પચાસ હજારથી વધુ ગુજરાતીઓ એમને ફાધર કિંગ ગણતા. મસ્કત અને આખા અખાતમાં હરિયાળી લીલોતરીવાળો દરિયાકાંઠો ધરાવતા સલાલામાં ઘણા ગુજરાતી પરિવારો સ્થાયી થયેલા છે. સલાલા તો અદ્ભુત કુદરતી સૌંદર્ય ધરાવતો વેકેશન વિહાર કરવા જેવો પ્રદેશ. સુલતાન કાબૂસ ત્યાં જ પેદા થયેલા. મસ્કત પાસે પણ નદી અને ભેખડોથી છવાયેલા વાડીશબ જેવા બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પિકનિક પ્લેસીઝ. પરિવાર સહિત ત્યાં હરતાફરતા ભારતીયો જોવા મળે.

ગોંડલથી વર્ષો સુધી મસ્કતમાં રહેલા બિપીનભાઈ ત્યાં થયેલા મોરારિબાપુ (૨૦૧૦)અને રમેશભાઈ ઓઝા (૨૦૦૧)ની જાહેર કથાઓ યાદ કરતા કહેછે કે, સુલતાને ટોલરન્સની મિસાલ પૂરી પાડેલી. બાબરી મસ્જીદની ઘટના વખતે મસ્કતમાં રહેલા પ્રાચીન શિવમંદિર અને હવેલીને કોઈ અળવીતરાંઓ નુકસાન ન પહોંચાડી જાય, એ માટે ખાસ પોલિસ રક્ષણ આપીને એને ખુલ્લા રખાવેલા.

ઓમાનમાં આવા હિંદુ મંદિરો સરસ સચવાઈને ઉભા છે, ભવ્ય મ્યુઝિયમોની પડખે. બજારની નજીક જ આજે ય જોઈ શકો એવું આરંભકાળના ગુજરાતીઓનું ગુજરાતીમાં જ નામ લખેલું 'રમેશ ભુવન' મકાન જોવા મળે ! સુલતાનનો ગુજરાતીઓ પરનો ભરોસો એટલો કે બિપીનભાઈએ એક વાર જોયું કે એરપોર્ટ પર પાકિસ્તાની અને અફઘાનિસ્તાનીની બેગો ખોલીને ચેક કરાઈ, પણ ગુજરાતીઓની નહિ !

નિષ્ઠાવાન અને મહેનતુ ગુજરાતી વેપારીઓએ સાદગીથી સમૃદ્ધિ સુધીની સફર ખેડીને જમાવેલી આ શાખ. મસ્કતમાં જોબ કરતા કવિતાબહેન પવાણી આ કટારના રીડર બિરાદર એ કહે કે, 'ગલ્ફમાં એક જ દેશ એવો છે કે જ્યાં આપણી નવરાત્રિ જાહેરમાં દર વર્ષે ઉજવાય ! એકલી રહેતી સ્ત્રીને પણ મધરાતે ય અસલામતી ન લાગે. કારણ એ કે, સુલતાન જે કોઈ જાહેર અનુશાસન અને સલામતીના કાનૂનો હોય એનું ચુસ્ત પાલન થાય એની જાત દેખરેખ રાખતા.' ઓમાનની મુલાકાતો દરમિયાન હોલિવૂડ ફિલ્મ બનાવતા આલીશાન મલ્ટીપ્લેક્સ, મોલ, બેન્ટલી કાર ખુલ્લા માથે સેલ્ફ ડ્રાઇવ કરતી સ્ત્રીઓ, ભલે બધી જ આયાત કરેલી પણ વર્લ્ડ બેસ્ટ ક્વોલિટીની ચીજવસ્તુઓ, ટ્રાફિકના નિયમો, શાંતિ, સ્વચ્છતા, ગ્લોબલ રેસ્ટોરાં બધું નજરે નિહાળેલું છે. એ વખતે ચંદ્રકાંતભાઈ ચોથાણીએ કહેલું કે કચ્છ અને ઓમાન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ હોય તો વધુ અંતર નથી. અમને આ કર્મભૂમિ માટે ય વતન જેટલો લગાવ છે !

એક થા સુલતાન: અમનપસંદ ગુજરાતીઓનું પ્યારું ઓમાન! 3 - image

સુલતાન કાબૂસ આખા દેશને ઝગમગતો કરી પોતે સાદી એવી કબરમાં પઢી ગયા. ઓમાનીઓ સાથે ભળી ગયેલા ગુજરાતીઓ ય શોકગ્રસ્ત. પચાસ વરસ સુધી એક જ શાસક, નીતિરીતિ, વહીવટ જોયો હોય એ જાય પછી વસમુ લાગે. ગોંડલના પ્રજાપ્રેમી રાજવી ભગવતસિંહજીની યાદ આ ઘટનાક્રમને જોઈને આવી જાય. એમણે ય છ દાયકા રાજ કરી, વેસ્ટર્ન વર્લ્ડના એજ્યુકેશનનો ભરપૂર કસ કાઢી 'ગોંડલ એબાઉ ઓલ' કડક અને કુશળ રાજકાજથી ઘડેલું.

૨૦૧૧માં જે આરબ સ્પ્રિંગનું રાજવટ સામે બળવાખોરીનું વાતાવરણ ઇજીપ્ત, લિબીયા બધે હતું. એનો થોડો ગણગણાટ ત્યાં હતો. પણ સિફતપૂર્વક સુલતાને એ હેન્ડલ કરી લીધેલો. પછી સેન્સરશિપના નિયમો થોડા કડક કર્યા (ભારત એટલે અંધાધૂંધી છતાં વ્હાલું લાગે. મોકળાશને લીધે જે સાચવવાની છે આપણે) પણ ૫૦,૦૦૦ નવી નોકરીઓ ઉભી કરી અને યુરોપિયનોના હસ્તે તૈયાર થયેલા આલાતરીન ઓપેરા હાઉસની ભેટ આપી.

જો કે, સુલતાન બીમાર પડયા અને ગ્લોબલ રિસેશનની અસર ઓમાનમાં ય હવે દેખાય છે. હોટલ્સ, બીચ, પાર્ટીઝ બધું છે. ટુરિઝમ પણ છે, ને છતાં ભવિષ્ય અંગે જગત આખાને ચિંતા છે. પણ એક માણસ આજના જમાનામાં ય સારો રાજા કેવીરીતે દેશની સાથે દિલ પર રાજ કરે એનું ઉદાહરણ આપી ગયા છે.

એમણે એમની ફેઇથ કે કલ્ચર છોડયું નહોતું પણ મંદિર, ગુરૂદ્વારા, મસ્જીદ વગેરે ભિન્ન કલ્ચર તરછોડયું પણ નહોતું. અરેબિક નામોનો જ્ઞાાનકોશ તૈયાર કરાવનાર સુલતાને પર્યાવરણ બાબતે યુનેસ્કોનું પ્રાઇઝ મેળવીને સાયન્સના શિક્ષણને ય આગળ વધાર્યું હતું. સિક્રેટ શું ? એ જ કે એ ભેદ કરીને રાજ કરવાને બદલે, બધાને સાથે રાખતા. હુકમ તો એમનો જ ચાલે પણ એમાં નિયમપાલનની અડગ અમલ. અહંની અણી નહિ ! જગતને આવા વધુ લીડર્સની જરૂર છે, ત્યારેએક સુલતાન હવે હકીકત મટી વાર્તા બની ગયા !

ઝિંગ થિંગ

''વરસાદ પડે ત્યારે પહેલા છાંટા પડે પછી મુશળધાર વરસેે. વિકાસનું આવું જ છે. એ આવે ત્યારે આપણે આવનારી પેઢીઓ તરફની ફરજ ભૂલ્યા વિના હળીમળી ખીલીએ.'' (સુલતાન કાબૂસ)

Tags :