mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

હે જી રે... સોરઠમાંથી કોરોનું એક, છુટ્ટું થઈને નાઠું છેક !

અનાવૃત - જય વસાવડા .

Updated: Mar 17th, 2020

હે જી રે... સોરઠમાંથી કોરોનું એક, છુટ્ટું થઈને નાઠું છેક ! 1 - image


પ્રકૃતિએ નેચરલ ગિફ્ટસ આપી, તમે આર્ટીફિશ્યલ લાઈફ જીવતા થઇ ગયા. એણે તમને ધાતુ અને માટી અને લાકડું આપ્યું તો તમે એને પ્લાસ્ટિક ને કેમિકલ આપ્યા. એણે શાક આપ્યા તો તમે પેસ્ટીસાઈડસ. એણે ખનીજો આપ્યા ને તમે ધુમાડો. એણે સૂર્યચંદ્ર આપ્યા ને તમે આંખો આંજતી લાઈટ્સ

કોરોના ઇન કાઠિયાવાડ !

ને પછી ઇવડું ઈ કોરોનું આયાં કોઈ બઉ સાબુથી હાથ ન ધોતા હોઈને મનમાં ચેપ ફેલાવવાના મોજના તોરા ફૂટે એમ મલકાતું કાઠિયાવાડની માલી'પા ભૂલું પડી ને ઘરી ગ્યું... 

ટું ટું ટું...

ને આયાં કેડે તો પેલા ટરાફિકમાં ઝ એના મોતિયાં મરી ગ્યા ! રીક્ષાવાળાઉં ડાબા ટાંગા ધરીને સાઈડું આપે ને રોયાપીટયા બાઈકુંવાળા બડફાવ બાપનો બગીચો સમજીને ડાબી કોર્યથી ધોડયા જ આવે કાન ફાડતા કકળાટીયા હોરનનો હોહાગોકીરો કરતા મનફાવે ઈમ... ટું ટું ટું

ચીન, કોરિયા ને ઈરાન, ઈટાલી ઘમરોળીને રાજાપાઠમાં મગન થયેલા ચાઈગલા કોરોનાની તો આમાં જ પિદૂડી નિહરી ગૈ. હાળું ઘરની બાર્ય નેહર્યા ભેગો આયાં તો ઠીકોઠીકનો જીવહટોહટનો મામલો સે, એવું ઇણે જોયું.

આયાંકેડે તો હેલ્મેટું હચોડા કોઈ પે'રતા નથી ને પોલીસવાળા ગોદા મારે તો ય કારુંમાં સીટબેલટું હોતેન માળા બેટા બાંધતા નથી ઈ જોઇને તો કોરોનાને તમ્મર આવી ગ્યા ! ને રીક્ષા ને ગાડી ને બસુમાં આડાઅવળા જે  હંધાય ભરાતા ને ઉભરાતા હતા ઠોંસા ઠોકતા ને આંગળીયું કચરતાં ને હાંકડમોંકડ શેડાં બાયુંથી લૂઈને બગલું હૂંઘતા ઈ જોઇને ઓલું હું ક્યે વાલામૂવું 'કોરણતાઇણ' ને બળ્યું પેલું 'આઈસ-લોશન' એની જાહોજલાલી એને યાદ આવી ગઈ હો બાપલિયા ! આયાં તો જ્યાં જુઓ ન્યાં માનવીયુંના મેળા જ મેળા ચારેકોર્ય. ગાડીયું ને ટ્રકું કચરવા નીકળી હોય એમ ઝ સિગ્નલુંની હાડીબારી વિના ઝમઝમાટ પસાર થી ઝાય રોડવચાળે ને હવા ટાઈટ થી ગઈ કોરોનાની તો ઇની ઝપટે. ટું ટું ટું...

કોરોનું ઘીસ ખાઈ ગ્યું માણહું ને વાહનુંની ભીડ જોઇને. હેઠે હાલવા તો ગાયના છાણના પોદળામાં હલવાઈ ગ્યું. માંડ બારે નીકળું તી એની વાંહે શેરીના રખડતા કૂતરાં ભસવા લાઈગા. વંડી ઠેકવા ગ્યું તો બાયુંએ લૂગડાં ધોઈ કાઢેલા સાબુના પાણીમાં લહરી ગ્યું હહરીનું. માંડ ખૂણો ગોતી જરાક હાહ હેઠો બેહાડવા પો'રો ખાતું'તું ત્યાં સોસાયટીમાં ધોળે દહાડે એક ભૂંડડુ ચાવી ગ્યું એને. જેમતેમ કરી છટક્યું તો કોક ઘરની દીવાલ પછીતે મૂતરતું ઉભા હાંઢીયા ઘોડયે, એની ધારમાં પલળીને ગંધાઈ ગ્યું.

કોરોનું ઘરમાં ગર્યું એક તો કો'ક ડોહો બીડી પીને ખાંસી રોકવા મથતો'તો ઈ જોઇને પરબારું પોબારા ગણી ગ્યું. બીજે કોક માજી જોરશોરથી ઠામડા ઉટકાતા હોય એવા સાદે ચેનલું જોઇને ભજન લલકારતા હતા તી એના કાનના પડદા ફાટી ગ્યા. એક સોફો જોઈ સળવળતું આડો વાહોં કરી હૂતું તે કોઈ લેડીઝ બેઠી એની માથે ને ટીવી ચાલુ કરીને સાસુવઉની સિરીયલ ચાલુ કરીને એનું માથું પકવી દીધું. એક ખાટલે ચડવા ગ્યુતો ન્યાં બાઈમાણહ યુટુબમાં રસોઈનો વિડીયો ચાલુ કરીને આળોટતી હતી. એનું ધિયાન જ નઈ કોરોના પર. કોરોનાને ઓછું આવી ગ્યું તી એક છો'રો પકડવા ગ્યું તો ઈ ટિકટોકનો વિડિયો બનાવવા એટલો વાંકોચૂંકો થતો'તો તી કોરોનાની કેડય બટકી ગઈ. ટું ટું ટું...

એક શેઠિયો હોઈધો તો ઈ લેણદારો ને એના કરમચારીનું લોહી જ પીતો તો એકધારું. કોરોનું છળી મર્યું ને એક ઘરમાં પાછુ દુકાન મેલીને ઘર્યું તો નર્યા ભરબપ્પોરે હંધાય ઘોરતા'તા નસકોરા બોલાવતા ને બારે લખી જ નાઈખું'તું કે આંયા બપોરે ટપાલ દેવા ય આવવું નૈ. કોરોનાએ એક ભાભો ઝાલ્યો હાંજે તો ઈ કપૂરની ધુમાડી કરીને લવિંગ ચાવતો ધારમિક ચેનલુંમાં ભપકાવાળી સોભાજાતરા જ ઝોયા કરતો'તો. કોરોનાને થ્યું કે હાળાવ આમે ય બીમાર જ છે જૂની વાત્યુંમાં આને  ચ્યમ બીમાર કરવા પાછા હેં ? રાતના એક ડાયરામાં ગાદલામાં ગલોટીયાં ખાવા ગ્યું તો એની માથે રૂપિયાની નોટું વરસવા લાગી. માંડ હારમોનિયમની ધમણમાંથી ભાગીને કોઈની છાતીમાં ઘરવા ગ્યું તો ચાર બટન ખુલ્લા ને ધડસા ઝેવો સોનાનો ચેઈન. એની કડીયું ને વીંટીયુંમાં એવું ગૂંચવાણું કે એને રસ્તો ઝ નો જડયો મોઢા ને નાકની માલીપા ગરવાનો.

ઈમાં એણે એક ખુલ્લું નાક જોયુંને જેવું અંદર ગ્યું ન્યા તો એક મેલી આંગળી આવી ગૂંગા ખોતરવા ને હડપ દેતું'ક બારે ફેંકાઈ ગ્યું. એક મોઢું ખુલ્યું ને ટેસમાં આવીને ઠેકડો માર્યો તો પલાસટીકમાં મસળેલો માવો ગળફા જોડે ગંધાય કંઈ બાકી. કોરોનાને ઉલટી જેવું થવા લાઈગું. બીજું મોઢું જોઈ મોજમાં આઈવું. પણ ઈ હરખું વગર માસકે ય ખુલે જ નઈ. નજીક ગ્યું તો ઝેરી ગુટકાની ભયાનક માથું ફાડી નાખતી બદબૂ આવી. ભાઈગું તો કારનો દરવાજો ખોલીને કોઈકે પિચકારી મારી એના પર લાલ ! સીધું ઘૂમરી લેતું દવાખાને જવા ગ્યું તો એની ધોળી દીવાલે એ જ લોહી જેવા કોગળા. ગંધથી કોરોનું મુઠ્ઠીયું વાળી નાઠું. હાંભળતું ગ્યું કે આયાં તો અમુક રાખ્ખહ છોડી હોય તો ગરભમાં ગળાટૂંપો દઈ દે. ને મોટી થાય ને મરજીથી લગન કરવા જાય તો કટકા કરીને કાપી ય નાખે નાતબા'રનો વેદવાર હોય તો. ટું ટું ટું 

કોરોનાને થ્યું આ ફાટેલ મગજના આભડછેટમાં જ ઉકલી જવાના છે, આની સિવિલ હોસપિટલુંમાં જનમતાવેંત સોકરા મરી ઝાય સે. સિનેમાઘરુંમાં ઉંદરડા ધોડાધોડી કરતા હોય સે ને મુનસિપાલટીની ઓફિસ સામે મછરિયાં થતા હોય સે ને ઉભે ગળે વાસી માવાની મીઠાયું ને ખોરા તેલનું ફરસાણ તો નળીયું બલોક થાય એમ રોઝ નાસતામાં ઝાપટે સે, શિયાળામાં આઈસકરીમ ને ઉનાળામાં કારબાયડની કેરીયું ખાઈને કાદવમાં આઠમ ઉજવી નોરતા નાચીને ગટર પર ઊભીને પાણીપૂરીયું ઝોંહટી લેતી પરજા સે. ઠેરીવાળી સોડામાં મુઠ્ઠી મીઠું લાગે ને મધરાતે ફુલેકાં કાઢીને લગનમાં રોડ પર ફટાકડા ય ફોડે. આંયાં તો માઈતમા ગાનધી ય ઉપવાસ પડતા મેલીને વયા ગ્યા'તા. આંયાં તો એ ય ને બસોને બાવી તો રજવાડા હતા ને કૈંક બા'રવટીયા ય હતા ને આયાં તો તરાસવાદી ય બોમ્બડો ફોડવા નથ આવતો તો આનું વાઈરસ હું ઉખાડી લેવાનો હતો.

એટલે કોરોનો ભૂરાંટો થઈને ભાયગો, કાઠિયાવાડ છોડતાં એક હાઈવે હોટલમાં એણે ભીડ જોઈ. હિનદુ ને મસલમાન ને બધા ધરમવાળાઉંના ટોળા ચાનાઇસતા માટે ઝપાઝપી બોલાવતા હતા. એને થ્યું કે આંયા હુમલો થઇ શકશે. એટેએએએકના બરાડા નાખતા એણે ફાળ ભરી તિયાં તો પબલિક સંડાસમાં પડયો, ને મગજમાંથી મૂતરપિન્ડ સુધી ગંધારી વાસ એવી તો ફેલાઈ ગઈને ગંદકીમાં એણે પોતે બાપગોતર નો ભાળ્યા હોય એવા એવા બીજા મલકમાં દીઠા નો જડે એવા વાઈરસું ન્યા ખઈદબદતા જોયા ને હેઠો પડી ગ્યો હો કોડોટણપો કોરોનો !

તી વાઈરસના વાઇસર છૂટી ગ્યા ને હડી મેલતો ગોલી થઈ ગ્યો કાઠિયાવાડની ધીંગી ધરા પડતી મેલીને બાપ.  

ટું ટું ટું.

કોરોના ઇન 

કોલેજ કેમ્પસ.

ભાતીગળ ભોમકા ભારતની જોયા બાદ કોરોનાને થયું કે જ્યાં થોડું વેસ્ટર્નાઇઝ્ડ વાતાવરણ હોય ત્યાં જ એન્ટ્રી મારવી જોઈએ. ને પહેલા માહોલ બરાબર ચેક કરી લેવો જોઈએ. સરકારી હોસ્પિટલના કડવા અનુભવ પછી સરકારી સ્કૂલથી તો આઘા જ રહેવાનું એણે નક્કી કરેલું. જ્યાં વિદ્યાર્થી માંડ આવે ને આવે ત્યાં પાછા એના ભોજનમાં કાંકરા નીકળે એવા સમાચારો વાંચીને હવે એ ચેતી ગયેલું. એટલે સ્કૂલ ને કોલેજ ને બધું હોય એવા સ્વાયત્ત યુનિવસટી ટાઈપના પ્રાઈવેટ કેમ્પસમાં એણે ઠાઠથી એન્ટ્રી મારી.

પહેલા જ કેન્ટીનમાં ગુ્રપમાં બેઠેલા ટોળામાં કાઠિયાવાડથી આવ્યો હોઈને હરખપદૂડો થી કોરોનો ધૂસ્યો. એમાં જરાક સુસ્ત પડેલા એક જવાન જોડાને જોઈને એની દાઢ સળકી. હવે તો હું 'હૂ' એ જાહેર કરેલ મહારોગ છું એવા વહેમમાં એન્ટ્રી કરી એના નાકમાં તો અચાનક બધું ચકળવકળચક્કરભમ્મર થઇ ગયું. આસપાસ મેઘધનુષી વલયો એને નાચતા દેખાવા લાગ્યા. અવાજો દૂરની ગુફામાંથી આવતા હોય એવું લાગતું હતું. હવામાં સ્લો મોશનમાં ઉડતા વાદળો પર લહેરાતું હોય એવી ફીલિંગ આવી. પણ હવે દેશ-પરદેશ ફરવા મળ્યું હોઈને અનુભવી થયેલ કોરોનાને સમજાઈ ગયું કે આ તો કોઈ ડ્રગની ઈફેક્ટ છે. કોરોનાથી રહેવાયું નહિ. એણે પેલા ટીનએજરના કાનમાં બરાડા ચાલુ કર્યા. ને નશાની અસર હેઠળ એણે વાતો શરુ કરી. 

''અલ્યા, તને ખબર છે. માત્ર મોટી ઉંમર ને બીજી કોઈ બીમારી ન હોય તો તારે મારાથી બહુ બીવા જેવું નથી. હું તો મહેમાન થઇ પછી થોડાક દિવસમાં જતો રહીશ. તારે માત્ર ત્યાં સુધી બહુ બધાને મળવાનું નહીં બહાર નીકળીને. પણ આ તું આવડી ઉંમરમાં આ ડ્રગના રવાડે ચડી ગયો છો, તો શરમ નથી આવતી ? તારા ઘરમાં ખબર પડશે તો ?'' કોરોના ઉવાચ.

''અરે યાર, પકાવવાનું નહીં. ઓલરેડી આ એક પછી એક આવતી એક્ઝામ ને ટનબંધ હોમવર્ક છે. પેરન્ટસ ટીચરની માર્ક્સ માટેની એક્સ્પેકટેશન છે. ઉપરથી તું પ્રીચ કરવા લાગ્યો. ચિલ મારને કા લાઈફ મેં. જલસા કર બાપુ જલસા કર.'' જવાન જવાબ.

''અબે, મારા જેવો એક વાઈરસ ભટકાય તો ધંધા બંધ થઇ ગયા છે જેના એને પૂછ કે જલસા કરવાના પૈસા ક્યાંથી આવશે ? મહેનત કરે એ લિજ્જતથી જીવે. પણ પપ્પાના પૈસે ખર્ચા કરે ને મમ્મી લંચથી લોન્ડ્રી કરે એમાં તો તું ય મારા જેવો વાઈરસ જ છો. પેરેસાઈટ. પરોપજીવી. પારકા પૈસે લહેર કરનારો. પછી મોટો થઈને કામ કરવું નહિ ગમે તો શેરબજારમાં જુગારી સટ્ટાની આ સૂટ્ટા લગાવે છે એવી ટેવ પડશે. ને પછી તમારા પાપે શેરબજાર ઊંધું વળી જશે ને નામ મારું આવશે. છોડ નશો આ ને તારા શરીરની ઈમ્યુનિટી સાચવ દોસ્ત. શરાબ, સિગારેટ, ગુટકા, ડ્રગ્સની આદતો પડતી મુકીને. ક્યારેક બધું ય ચાલે પણ કાયમ કરશો તો મારા કરતા ય વહેલું મોત ભરખી જશે. હું તમને અસીને છુટ્ટો થઇ જઈશ. પણ આ વ્યસનો કેડો નહી મૂકે. જંક ફૂડ પણ રોજેરોજ એકધારું ખા-ખા ના કરવાનું હોય. ઉજાગરા સામે આરામ કરી લેવાનો હોય. આ બધું વાઈરસ મારા જેવો આવે તો ય ન સમજાય ?''

''અરે તું પહેલા બોરિંગ લેંગ્વેજમાં લખાયેલ આઉટડેટેડ સિલેબસ જો. લાગવગથી વહીવટમાં લાયકાત વિના ગોઠવાઈ ગયેલા કેળવણીકારો, સંચાલકો અને પદાધિકારીઓ જો. રસ વિનાના ટીચર્સ જો. માથે ચડી બેસીને બધા સાથે કમ્પેર કેપેસિટી કાર્ય વિના કરતા પેરન્ટસ ને કસ્ટમર સમજીને કષ્ટ વધારતું એજ્યુકેશન સેટ અપ જો. ગમે તેટલું ભણો પછી નોકરી માટે ય એડમિશન જેટલી જ લાઈનો. એમાં ય એક્ઝામ દીધા કરવાની ને આંદોલનો કરી ને બેકાર બેસવાનું. આ બધામાં રિલેશનશિપ પણ રહે નહી ને ડેટ પણ છોડી દે ને બીજે રોમાન્સ મૂકી પેરન્ટસ કહે એમ પરણી જાય એના ટેન્શન. ઇન્સ્ટા કે ફેસબુક પર લાઈક ન મળે તો ટવીટર પર ટ્રોલ થઇ જઈએ. ઇટ્સ ફ્રસ્ટ્રેટિંગ બોસ, આ લાઈફ જ એક રોગ છે !' હવે બાજુમાં ટૂંકા વાળની લટ ગૂંચવતી કન્યા ઊંઘરેટા બોરડમવાળા અવાજમાં ટહૂકી.

''લો બોલો, મને તો એમ કે તમને લોકોને રોગની બીક લાગતી હશે. તમે તો ખુદ જ એમ ને એમ જ બીમાર બનીને બેઠાં છો.''

''અરે, લાઈફ ઈઝ ડિઝીઝ, એન્ડ ડેથ ઈઝ ક્યોર. જો ધાર્યું પરિણામ ન આવે તો મરી જવું સારું બીજાના ક્રિટિસીઝ્મ સહન ન થાય આપણાથી.''

''અલ્યા સ્ટુપિડ ઇડિયટસ. આમ જરાક દુ:ખ આવે તો સહન કરતા શીખો. આપઘાતનું વિચારતા શરમ નથી આવતી ?''

''અરે, યહાં જિંદગી સે ભી હૈ મૌત સસ્તી. મનફાવે એમ કોમવાદી રમખાણો ફાટી નીકળે એમાં વાઈરસ જેટલા લોકો અહીં મારતા રહે છે. આખી દુનિયામાં કોરોનાથી મરે એથી અનેકગણા વધુ તો રોડ એક્સિડેંટમાં મરે છે. ડુ યુ નો ? આ દેશમાં કુપોષણ લીધે હજારો લોકો અકાળ મરે છે. હમણાં અમારે એક સેમિનારમાં કોઈક સાહેબ આવેલા એ કહેતા હતા કે ત્રીસ ટકા વસતિ માત્ર એક ટંક ખાય છે ને ગરીબી ને બ્લા બ્લા. ને એમાં પેટ્રોલના ભાવ વધે પાછા ને ઈકોનોમી ડાઉન થાય. અહીં તારાથી કોણ ડરે અમારી પાસે કાળોતરા જેવા કરુપાર્ટીના વિષાણું બેઠાં છે.''

''વોટ્સ ધેટ ?''

''બ્લડી હેલ પોલિટીશ્યન્સ એન્ડ બ્યુરોક્રેટ્સ. એમની સાથે નેક્સસ કરતા જગતને જાગીર સમજતા ધર્મગુરુઓ ને કોર્પોેરેટ માંધાતાઓ. એમની આંગળીએ નાચતા રહેતા સ્પોર્ટ્સ કે આર્ટના સ્ટાર સેલિબ્રિટીઝ. આ બધા વળગી ગયા છે અમને વર્ષોથી. એમના પક્ષ અલગ હશે. જ્ઞાાતિ કે ધર્મ અલગ હશે. પણ એજેન્ડા એક જ છે. સ્વાર્થ. વાતો જુદી જુદી કરવી પણ અંતે પહેલા પોતાની ખુરશીમાં ખુશી શોધવી. જે નબળા લાગે એનું શોષણ કરવું. એકબીજાને પાડી દેવા માટે ગપ્પા ફેલાવવાના ખેલ કરવા ને ઓલ ધેટ. આ કેમ્પસમાં એવા દિમાગો છે જે આખો દિવસ આજ કર્યા છે. એમની પાસે પોતાની તારા જેવા વાઈરસની જેમ ખુદની કોઈ આઈડેન્ટીટી જ નથી. ધે આર શેડોઝ ઓફ સમ ડર્ટી રોટન નેરો માઇન્ડેડ રિગ્રેસીવ થોટ્સ. એ લોકો એમ જ મારે છે ને મરે છે. હુ કેર્સ?''

''વ્હાય યુ આર સીઈંગ ઓન્લી નેગેટીવ ? જે ના ગમતું હોય એવા ખુદ ન બનો. આ એંગર, આક્રોશ સાચવીને રાખો ને જ્યાં સાચે અન્યાય થતો હોય ખોટું થતું હોય ત્યાં વાપરો ને ? તમારા રોડ તૂટેલા છે ને ખાવા પીવાની ચીજોમાં ભેળસેળ છે - આ એજ્યુકેશન અપગ્રેડ કરવાનું છે ને કરપ્શન કાઢવાનું છે. સેન્સરશિપ ને આભછેટ બંધ કરવાની છે, અને મોડર્ન પ્રોગ્રેસીવ થોટ્સ ડિજીટલ ગેજેટ્સ સાથે જ ઇન્સ્ટોલ કરવાના છે. કલ્ચરનો આખો ખજાનો પડયો છે મ્યુઝિયમથી મ્યુઝિક સુધી. અરે, લાઈફ વેસ્ટ લાગતી હોય તો પેઈન્ટિંગ શીખો ને. દોરતા ન આવડે તો જોતા શીખો. હોબીઝ રાખો. રખડો.કૂકિંગ શીખો. ખેતીવાડી બાગબાની કરો. ઝુંપડામાં જઈને બાળકો ભણાવો. આ સસ્તા થયેલા ભાડામાં ફરો પહેલા તમારો દેશ ને પછી બીજા દેશો. થિંક પ્રોએક્ટીવ. સારી બૂક વાંચી છે કદી ?

એનિમેશન મૂવીઝ જુઓ બાળકોના. પણ મારવાની વાત ન કરો. આપઘાત કોઈ સોલ્યુશન નથી. જે ગમતાઓને તમે નિષ્ફળ મોં ન બતાવીને દુ:ખી નથી કરવા માંગતા એ તમારી લાશ જોઈ કેટલા દુ:ખી થશે એ જાણો છો ? આમ ફગાવવાની હોય લાઈફ ? જગતમાં અમારાથી બચવા કેટલા વડીલો ય સંઘર્ષ કરી રહ્યા છે , એ તો જુઓ. દવા નથી, હોસ્પિટલમાં જગ્યા નથી, તો ય એમને આયુષ્યની એક કલાક માટે લડવું છે ને તમારે આખી જવાની ફગાવી દઈને મરી જવું છે ? તો આર્મીમાં જતા રહો ને દેશની ?''

''બસ, હવે તારું જ એક ભાષણ સાંભળવાનું બાકી હતું !''

''હા, તમને આસપાસ બધા વાઈરસ જેવા લાગે છે,કારણ કે તમે આખો દેશ પરોપજીવી ને પ્રમાદી બની શોર્ટ કટ શોધતો થઇ ગયો છે. જાતે ટેલન્ટના જોરે સફળ થવાને બદલે જે મહેનત કરી થયા છે એનું લોહી પીતા જીવડાં થવામાં તમારી જીંદગી પૂરી થઇ જાય છે. વાઈરલ ઇન્ફેકશન તો મટી જાય પણ ફેમિલીમાં ય પોલિટિક્સ રમ્યા કરો છો. તમે અંદરોઅંદર લડવાનું ભૂલીને ફફડીને કેવા એક થઇ ગયા બધા ? જરાક મારો પરચો આવ્યો ત્યાં સ્વીગીઝોમેટોના રેડીમેઈડ ફૂડ છોડી ઘેર બેસવા લાગ્યા ને. તો સારું,મોંઘા ભાવની સ્કૂલમાં જેલની જેમ સોંપાઈ જતા ઘરના બાળકો ને વૃદ્ધાશ્રમના ફર્નિચરની જેમ ખૂણામાં રહેતા વડીલો સાથે વાત કરવાનો સમય મળશે. કમાણી માટે ગાંડા થઈને ઘેલા ઘોસ્ટની જેમ ભાગભાગીમાં જીવતા હતા, ધંધા તૂટયા તો જરાક શાંતિથી ઘેર બેઠાં. કોન્સ્ટન્ટ માર્કેટ ને મોબાઈલથી નિરાંત આપી. મરવાના તો બધા છો જ કોઈક દિવસ. એ પહેલા જીવવા માટેની તક મળી , રિફ્રેશ થઈને. તો મેં તમને બધાને વેલકમ બ્રેક આપ્યો. વેલ્યુ ધેટ. મારી માની ઈચ્છા પૂરી થઇ.''

''માની ઈચ્છા ? તારી વળી કોણ મોમ છે ?''

''મધર નેચર. મારી જન્મદાત્રી. તમારી ય એ જ માતા છે. આ ધરતી. આ પ્રકૃતિ. એણે ખાલી માણસ નથી બનાવ્યો. પણ માણસ જ નેચરલ પ્રોગ્રામમાંથી આઉટ ઓફ કન્ટ્રોલ થઇ ગયો. એણે તમને પ્રેમ આપ્યો વારસામાં ને તમે એને હેવાનિયત જેવો રેપ આપ્યો ! એણે નેચરલ ગિફ્ટસ આપી, તમે આર્ટીફિશ્યલ લાઈફ જીવતા થઇ ગયા. એણે તમને ધાતુ અને માટી અને લાકડું આપ્યું તો તમે એને પ્લાસ્ટિક ને કેમિકલ આપ્યા.

એણે શાક આપ્યા તો તમે પેસ્ટીસાઈડસ. એણે ખનીજો આપ્યા ને તમે ધુમાડો. એણે સૂર્યચંદ્ર આપ્યા ને તમે આંખો આંજતી લાઈટ્સ. એણે સોનુરુપું આપ્યું ને તમે હત્યાલૂંટ. સોશ્યલ નેટવર્કમાં કનેક્ટ થવાને બદલે ઝગડવા લાગ્યા. ચારે બાજુ તમારા કચરાનું પોલ્યુશન કરો છો.  મારી માની કેવી હાલત થાય છે એ વિચાર કર્યો છે ? તમે દરિયામાં તેલ ઢોળો. તમે સડક પર છી કરો. જયાને ત્યાં થૂંકાથૂંક કરી મુકો. મન મુકીને છોકરાં પેદા કરીને બેફામ વસતિ વધારો છો.

બીજા સજીવોને રાક્ષસની જેમ ખાઈ જાવ છો. રહેવા માટે ઝાડ ને પંખીનો સોથ વાળી દો. પહેલા જંગલો બાળ્યા ને બિચારા પશુઓને હોમી દીધા. કરણ કે તમે મારી તમને સાચવીને થાકી ગયેલી ઘરડી માનું હજુ ય લાડકું સંતાન છો. પણ તમને તો વૃક્ષ મરે કે પ્રાણી મરે એનાથી પેટનું પાણી નથી હલતું ! એટલે અંતે મને વોર્નિઁગ આપવા મોકલ્યો. તો ય કહ્યું છે કે બીવડાવવા છે એટલાને મારવાના નથી. પહેલા જીવી લીધું હોય એવા સિનીયર લોકોને જ લેજે એટલે આવતીકાલની પેઢી શીખીને સુધારો લઇ આવે !''

'' ઓહ સોરી. પ્લીઝ મેસેજ મળી ગયો અમને . હવે તમે જાવ તમારી મમ્મીના ખોળે પાછા. બહુ બીક લાગે છે. બધા બરબાદ થઇ રહ્યા છે, રોજગારી ઠપ્પ થઇ ગઈ છે.''

'' એ તો મને ય બહુ રોકાવા જેવું લાગતું નથી માણસમાં, પણ તમે બધા ભૂલકણાઓ છો. યાદ રાખજો. મારો નાશ શક્ય નથી. હું વધુ વિકરાળ સ્વરૂપે આવું એ માટે મને મજબૂર ન કરતા પાછા. બેલેન્સ કરવા હું આવીશ પછી એમાં સારાખરાબ જોવાની આંખ ને દિલ નથી મારી પાસે. જે હડફેટે ચડશે એ પીડાશે. અને વિચારજો...'

'શું?'

''હું તો વાઈરસ જ છું. પણ તમે ખરેખર માણસ છો ?''

ઝિંગ થિંગ 

''કોરોનાના સમાચારોના ધમાસાણને લીધે હવે ઉનાળામાં 'કેરીનો રસ' બોલો તો ય કોરોના વાઈરસ જ સંભળાય છે !''

Gujarat