2020 : સોચા થા ક્યા... ક્યા હો ગયા!
અનાવૃત જય વસાવડા .
૧૯૧૧માં રોયલ કોલેજ ઓફ સર્જયન્સમાં બોલતા ડૉ. રિચાર્ડ ક્લેમેન્ટે આગાહી કરેલી કે માણસના પગની ન વપરાતી આંગળીઓ ઘસાઈને નામશેષ થઈ જશે, અને ૨૦૨૦ સુધીમાં એક મોટો અંગૂઠો જ રહી જશે !
દેશને એકવીસમી સદીમાં લઈ જવાની વાતો કરતા રાજીવ ગાંધી કેલેન્ડર મુજબ દેશ એકવીસમી સદીમાં પહોંચ્યો, ત્યારે અકાળે ચિરવિદાય લઈ ચૂક્યા હતા. એ રીતે રાષ્ટ્રપતિ બન્યા પૂર્વે પહેલી વાર ટ્વેન્ટી-ટ્વેન્ટી યાને ૨૦૨૦નું વિઝન આપનાર ડૉ. એપીજે અબ્દુલ કલામ પણ સાચ્ચે જ ૨૦૨૦ બારણે ટકોરા મારે છે, ત્યારે સદ્ગત થઈ ગયા છે. પણ ઘણાં સમયથી ૨૦૨૦ની વાતો આપણે ત્યાં એ આંકડો જાદૂઈ અને કેચી લાગવાને કારણે ચર્ચાતી રહે છે. ૨૧મી સદી જવાન થઈ ગઈ છે. અને આયખામાં ભાગ્યે જ એકાદવાર જોવા મળે એવા આંકડાવાળું વર્ષ 'ઢૂંકડું' આવી પૂગ્યું છે.
આમ તો, કેલેન્ડરમાં વર્ષ બદલાયું છે. હજુ આપણે ત્યાં બાકી બધું એનું એ જ છે. ઉપર ઉપરથી પરદેશથી જે 'પરબારી' ટેકનોલોજી આવી એટલો વિકસીત ફેરફાર થયો આપણા જીવનમાં. ડિજીટલયુગ, સ્માર્ટફોન, એપ્સ, વેબ સ્ટ્રીમિંગ, ઓનલાઇન બુકિંગ, ગ્લાસ ડોર્સ, ફેન્સી પેકેજીંગ, સ્ટાઇલિશ ડેકોરેશન વગૌરાહ વગૈરાહ. આ બધું તો અમેરિકાથી ચીન સુધીનું ઉધારઉછીનું છે. પણ બાકી અંદર જૈસે થે.
એ જ જ્ઞાાતિવાદની અહંકારી આભડછેટ, એ જ હિન્દુ મુસ્લિમ ઈસાઈ શીખના ઝગડા, એ જ જલનની હુંસાતુંસી અને ઈર્ષાની ટાંટિયાખેંચ, એ જ આભાસી વાયદાઓ આપતા વાયડા નેતાઓ, અને એ જ અવૈજ્ઞાાનિક વાતોના ટોળાં જમાવતા ધર્મગુરૂઓ, એ જ દુભાતી બટકણી લાગણીઓ, ભ્રષ્ટાચાર, છોકરીને છેડતી, ગયોડી ટીકાઓ, વિદેશનો મોહ અને એ જ પ્રેમ અને એના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતી સેન્સરઘેલી સામંતશાહી, એ જ નફાખોર વેપારી વૃત્તિમાં ગૂંગળાતી ક્રિએટીવિટી...
ઠીક છે. ૨૦૨૦માં ય આખું વરસ આ સબ્જેકટસનો દુકાળ નથી. પણ આપણે આ તબક્કે ૨૦૨૦માં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે જરા જુદી રીતે પાછળ ફરીને જોઈ લઈએ. ટ્વેન્ટી ટ્વેન્ટીનો આંકડો એવો મોહક છે કે દાયકાઓથી દુનિયામાં એની આગાહીઓ થતી રહે છે. ના, જ્યોતિષવાળી નહિ. અનુમાનવાળી. અંગ્રેજીમાં પ્રેડિકશન કહે છે, એવી આપણે આર્થિક-સામાજીક પ્રગતિના રૂટિન સપનાઓ જોયા ત્યારે જગતમાં ઘણાએ સાયન્સમાં શું થશે, એના ખ્વાબ આગોતરા જોયેલા. વાસ્તવમાં ૨૦૨૦ આવ્યું ત્યારે એનો ક્વિક રિકેપ ભારે ફની લાગશે. અલબત્ત, અંગ્રેજી સામયિકો-વેબ પરથી સંકલિત વિગત જ છે. પણ જરાક ડોકિયું કરવામાં લિજ્જત આવશે કે ૨૦૨૦ વિશે માણસો કેવું કેવું ધારીને બેઠા હતા !
જેમ કે, છેક ૧૯૧૧માં રોયલ કોલેજ ઓફ સર્જયન્સમાં બોલતા ડૉ. રિચાર્ડ ક્લેમેન્ટે આગાહી કરેલી કે માણસના પગની ન વપરાતી આંગળીઓ ઘસાઈને નામશેષ થઈ જશે, અને ૨૦૨૦ સુધીમાં એક મોટો અંગૂઠો જ રહી જશે ! ખીખીખી. તો ૧૯૯૪માં ઈન્ટરનેટ અને સ્પેસ પ્રોગ્રામમાં જેનું કોન્ટ્રિબ્યુશન છે, એવા આરએએનડી કોર્પોરેશને અમેરિકામાં એવું ભાખેલું કે ૨૦૨૦ સુધીમાં વેલ ટ્રેઈન્ડ એપ્સ (યાને મોબાઈલ એપ નહિ, વાનર પ્રજાતિ ગોરિલા, ચિમ્પાન્ઝી, ઉરાંગઉટાંગ વગેરે) ઘરની સાફસફાઈ ને કાર ડ્રાઈવિંગ કરી શકે, એટલા ટ્રેઈન્ડ થઈ જશે ! હૂપાહૂપ, ગપાગપ !
આ તો ઠીક જેમના નામે આવતીકાલની સચોટ આગાહીઓની સાયન્સ ફિકશનનો ગરવો ઈતિહાસ બોલે છે, એ '૨૦૦૧ : સ્પેસ ઓડિસી'થી અવકાશની સફર તાખતા આથેર સી. કલાર્ક જેવા વિજ્ઞાાન લેખકે વળી આજે હજુ ફિલ્મોમાં જોવા મળે, એવું ભાવિ ૨૦૨૦નું ભાખેલું કે એમાં 'મૂવેબલ' મકાનો હશે. દરેક કોલોની, મકાન એવા મટીરિયલથી હરતા ફરતા હશે કે સરનામું સ્થિર નહિ. મન પડે એમ બેકગ્રાઉન્ડ બદલતું જાય ! એમ તો વળી જગતના સૌથી મહાન ઈન્વેન્ટર ગણાતા અને લાઇટ બલ્બથી મૂવી કેમેરા સુધીનું શોધી કાઢનારા થોમસ આલ્વા એડિસને ૧૯૧૧માં મિયામી મેટ્રોપોલિસ અખબારને ઈન્ટરવ્યુ આપતા કહેલું કે ૨૦૨૦ સુધીમાં મકાનો આખેઆખા સ્ટીલના જ બનતા હશે ! ફર્નિચર પણ સ્ટીલનું જ હશે. ઉલટું સ્ટીલ તો ઘટતું ચાલ્યું વપરાશમાં.
તો ૧૯૨૦થી ૧૯૫૦ સુધી ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા ધરખમ સમાચાપત્રના સાયન્સ એડિટર રહેનાર વોલ્ડેમાર કેમ્ફેટે વળી એવા મકાનોની કલ્પના કરી જેમાં સાવરણી, વેક્યુમ ક્લીનર ઝાપટિયાંની જરૂર જ નહિ. ૨૦૨૦માં હોઝ પાઈપથી ધોઈ નખાય એવું જ ફર્નિચર. સોફા કવર કે કાર્પેટ પણ વોશેબલ સિન્થેટિક મટીરિયલની ! ૧૯૫૦માં 'પોપ્યુલ મિકેનિક્સ' મેગેઝીન માટે લખેલા આર્ટિકલમાં ૨૦૨૦ની એમણે કરેલી આગાહીમાં 'ભોજનની ઈંટો'ની વાતો કરેલી.
મતલબ ફ્રોઝન કૂડના ચોસલાં જ સીધા ઓર્ડર મુજબ ઘેર આવશે. શાક-ફળ કશું લેવાનું નહિ. અન્ડરવેર પણ એવા મટીરિયલના જેની કેન્ડી થઈ જાય રિસાઇકલ થઈને ! થોડાક ગ્રામોફોન વાજાંના શોખીનો જેવા જ ગરમ રસોઈ કરતાં હશે. વેલ, ફ્રોઝન ફૂડને ઓવનમાં ગરમ કરતાં રેસ્ટોરાં ને સ્વીગી ઝોમેટો તો આવ્યા. પણ રસોઈ યથાવત છે હજુ !
એમ તો ગુજરાતી 'સાયન્સ' મેગેઝીનો ઘણી વાર જેની સ્ટોરીના ઉતારા મુકી દે છે, એ 'ન્યૂયોર્ક ટાઈમ્સ'માં જ ૧૯૧૩માં અમેરિકન મીટ મેકર્સ એસોસિએશનના પ્રમુખ ગુસ્તાવ બિશ્ચોફે કહેલું કે ૨૦૨૦ સુધીમાં તો આખી દુનિયા શાકાહારી થઈ ગઈ હશે. નો ડાઉટ, પહેલા કરતાં 'વીગન' વાયરા વધુ છે તે વેજીટેરિયનઝિપ (જેમાં એગ્સ-ફિશ સમાઇ જાય છે ઘણા દેશોમાં)નો પ્રચાર-પ્રસાર ખાસ્સો વધ્યો છે. પણ હજુ આખી દુનિયા શાકાહારી થાય એ સપનું જ રહ્યું છે.
એવું જ સપનું ઉપરકોપ્ટર (ન્યૂયોર્ક, પેરિસ જેવા શહેરોમાં હેલિકોપ્ટર સેવા ટેક્સીને બદલે) શરૂ થયા પછી 'પોપ્યુલર મિકેનિક્સ'ની ૧૯૫૧ની ભવિષ્યવાણીનું રહ્યું છે, જેમાં માત્ર બે કે ચાર જણા બેસે એવા પર્સનલ હેલિકોપ્ટર જ બધા પાસે કારની અવેજીમાં હશે, એવું કહેવાયેલું ! જે વળી સિમ્પલ કેરોસીન કે સોલાર પાવર પર ચાલતા હશે ! તો એ જ મેગેઝીનમાં ૧૯૫૭ના લેખમાં છપાયેલું છે કે અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં રોડ નેટવર્ક નીકળી જઇ શકે છે, અને ૨૦૨૦ આવતા સુધીમાં બધું ટયુબ યાને ટ્રેનના વ્યવહારથી જ ચાલતું હશે. કાર ઘરથી સ્ટેશન સુધી જવા પુરતી જ જોઇશે ! નો પાર્કિંગ પ્રોબ્લેમ, નો ગડકરી ટ્રાફિક ચાલાન !
એમ તો ઈમેઈલ આવ્યા એ પહેલા સપાટાબંધ ટપાલ પહોંચાડતા ઈન્ટરકોન્ટિનેન્ટલ રોકેટ્સ હશે, એવું ય ૨૦૨૦નું ભવિષ્ય ૧૯૫૯માં અમેરિકન જનરલ આર્થર સમરફિલ્ડે ભાખેલું. આ હવાઇ ટપાલનો તુક્કો સાવ હવાઇ એટલે નહોતો કે એજ વર્ષે અમેરિકન નેવી સબમરીન યુએસએસ બાર્બેરોએ પ્રેસિડેન્ટ આઇઝનહોવર સહિત ત્રણેક હજાર
વીઆઇપી (વાંચો રાજકારણીઓ)ની ટપાલ પહોંચાડી હતી. નેવલ ફોર્સે ન્યુક્લીઅર વોરહેડ તરીકે વપરાતાં મિસાઇલના ટોપકાંની જગ્યાએ ટપાલના કન્ટેનર મૂકેલા. રેલ્વે કે સ્ટીમરથી પત્રો જાય, એ યુગમાં ભારત હોય કે ઓસ્ટ્રેલિયા, કલાકોમાં મિસાઇલથી પત્રો જાય એ ફાસ્ટ કોમ્યુનિકેશન ભારે આકર્ષક લાગ્યું હતું. આ ઝંખના ફળી ખરી. પણ ઈન્ટરનેટના રસ્તે ! મિસાઇલની વાતો ભૂલાઇ જ ગઇ. પણ એમ તો ઈન્ટરનેટ આવી ગયા પછી હમણા ૨૦૧૪ની બૂક 'શિફ્ટ ૨૦૨૦' માઇકલ જે. ઓફેરેલે (જે મોબાઇલ ઈન્સ્ટિટયુટ નામની કંપનીના સ્થાપક અને ટેક ઈન્ડસ્ટ્રીમાં આદરપાત્ર નામ ગણાય છે) લખેલું કે ૨૦૨૦માં મેસેજ ટેલિપથીથી મોકલવાની શરૂઆત થશે અને ૨૦૪૦ સુધીમાં પ્રવાસ ટેલિપોર્ટેશનથી થશે !
ટેલિપથી એટલે વિચાર બીજાના મનમાં પહોંચાડી એના મનની વાત જાણવાનું ભારતના આધ્યાત્મિક વારસામાં ચમત્કારરૂપે વર્ણવવામાં આવ્યું છે, એ શક્તિનું શાસ્ત્ર. ટેલિપોર્ટેશન એટલે બધા અણુઓના જ બનેલા છે, તો ફિઝિકલી ટ્રાવેલ કરવાને બદલે 'સ્ટાર ટ્રેક' સિરિયલમાં બતાવ્યું હતું, એમ એક સ્થળે અદ્રશ્ય થઇ (અણુ વિભાજીત કરી) બીજે અણુઓમાંથી આપણા કસ્ટમાઇઝ્ડ બંધારણ મુજબ આકાર લઇને પ્રગટ થવાની ઘટના. આપણી પુરાણકથાઓ સિવાય હજુ તો આ ફેન્ટેસી ક્યાંય હકીકત બની હોય એવું લાગતું નથી.
એવું જ માનવીની મંગળયાત્રાનું છે. વિજ્ઞાાનકથા તો ઠીક, 'વાયર્ડ' મેગેઝીનના ૧૯૯૭ના અંકમાં ૨૦૨૦માં માણસ ચંદ્રની જેમ મંગળ પર પહોંચી જશે, એવું પ્રેડિકશન હતું. કારણ એટલે કે ૨૦૨૦માં ધરતીની વસતિ ૧૧ અબજની હશે. વસતિ આજે ઘણી વધુ પણ સાડા સાત અબજ જેટલી છે. અને આપણે જો બેહદ 'લકી' રહ્યા તો કદાચ વહેલામાં વહેલા ૨૦૩૦ સુધીમાં મંગળ પર માંડ પહોંચીશું એવું સ્પેસ જાયન્ટ 'નાસા'નું માનવું છે. એમ જ એ આર્ટિકલમાં ૨૦૨૦ની સાલ સુધીમાં ચૂંટણીઓ ઘેરબેઠાં 'ઈવોટિંગ'થી બધે થશે, એવું સપનું હતું. હજુ તો આ વર્ષની અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ય આપણા ઈવીએમ પણ નથી આવ્યા !
આવી આજે રમૂજી લાગતી આગાહીઓ અપરંપાર છે. ૧૯૫૫માં વેક્યુમ ક્લીનર કંપની ચલાવતા એલેક્સ લિવેટે વળી 'ન્યુક્લીઅર પાવર'થી ચાલતા વેક્યુમ ક્લીનરની વાતો કરેલી. ૧૯૩૯માં બ્રિટિશ વૉગ સામયિકમાં પ્રોડક્ટ ડિઝાઇનર ગિલ્બર્ટ રહોડે કપડાંમાંથી ટાઇ, બટન, ખિસ્સા અને કોલર નીકળી જશે, મોજાં ડિસ્પોઝેબલ હશે ને હૅટમાં રેડિયો એન્ટેના હશે (એને વળી ટીવી કે સ્માર્ટફોનનો અંદાજ નહોતો આવ્યો) એવું કહેલું ! ટીશર્ટનું ચલણ વધ્યું ને ટાઇ તો સાવ નકામી જ છે - પણ હજુ મોજૂદ છે.
૧૯૩૭માં આજના ઈલન મસ્ક જેવા સંશોધક ઉદ્યોગપતિના આદર્શ એવા મહાઈન્વેસ્ટર નિકોલા ટેમ્લાએ એવું કહેલું કે ૨૦૨૦ સુધીમાં ચા, કોફી, તમાકુ, નામશેષ થઇ જશે. ટોટલી ઓબ્સોલેટ. એ બાપડાને હતું કે ત્યારે માણસો એટલા શાણા થઇ ગયા હશે કે શરીરમાં ઝેર નહિ નાખે જાણી જોઇને ! બાપડો ટેસ્લા કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે તો ચા-માવા-ગુટકાથી બેહોશ થઇ ૨૦૧૦ની સાલમાં પહોંચી જાય !
બ્લડ બેન્કની જેમ ૧૯૪૭માં પત્રકાર લેસ્ટર ડેવિડે મુકેલ ટૂથ બેન્ક (માણસને બીજા માણસનો કુજરતી દાંત ફિટ થાય તે) ૨૦૨૦માં ભૂલાઇ ગયો છે. ૨૦૦૫માં 'ધ સિંગ્યુલારિટી ઈઝ નીઅર' બૂકમાં રે કુહવેઇલે ભોજનને બદલે 'નેનોબૉટ્સ' જ શરીરને પોષણ આપી અંદરનો કચરો ૨૦૨૦માં સાફ કરશે ને ખાવું નહિ પડે એવી આગાહી જરા ઉતાવળે કરેલી હતી ! તો સ્મિથસોનિયન મેગેઝીનમાં ૧૯૫૦માં લખવામાં આવેલું કે ૨૦૨૦માં સ્ત્રીઓ 'વન્ડરવુમન' જેવી છ ફીટ ઊંચી, કસરતી સ્નાયુબદ્ધ શરીરના પેકવાળી વધુ પોષણવાળા ખોરાકથી થઇ જશે ! સ્મિથસોનિયનના જ જોન વૉટકિન્સ જુનિયરે અંગ્રેજી આલ્ફાબેટમાંથી નકામા એવા સી, એક્સ અને ક્યુ ૨૦૨૦માં નેસ્તનાબૂદ થઇ શકે એવું માનેલું. ને ૧૯૬૬માં 'ટાઇમ' મેગેઝીને આર્થિક પ્રગતિ બેસુમાર વધી જતા, ઓટોમાઇઝેશન આવી જતાં બેઠાં-બેઠાં જ બધા લાખો કામ કર્યા વિના કમાતા હશે, એવું લાજવાબ ખ્વાબ જોયેલું ! કાશ....
રોબોટિક લવરથી ઈલેક્ટ્રોનિક હથેળી સુધીની આગાહીઓ હજુ ફિલ્મોમાં જ રહી છે. ભવિષ્ય ભાખવું એટલું આસાન ભલભલા ભેજાબાજો માટે કાયમ નથી હોતું. વેલકમ ૨૦૨૦.
ઝિંગ થિંગ
'૨૦૨૦ની સાલ સુધીમાં ભવિષ્ય કેવું હશે એનું અનુમાન કરતા ફ્યુચરીસ્ટો જ નહિ હોય ! ડેટા અને એનાલિસિસ આંગળીના ટેરવે હશે, દરેક માણસ એક્સપર્ટ હશે'
(ડેવ ઈયાન્સ, ૨૦૧૨)