કોરોનાથી કાતિલ ચેપી વાઇરસ: કટ્ટરવાદ અને કન્ઝ્યુમરિઝમ ?
અનાવૃત - જય વસાવડા .
એલઆઇસી - કે પીપીએફ વગેરેમાં ફરજીયાત થતી બચત ક્રમશ: ઘટશે. લોકોના હાથમાં લાંબા ગાળા માટે રોકેલા પૈસા આવશે, ને ફરી ક્યાંય સેવિંગ નહિ થાય તો ઉડશે, વપરાશે ને કોર્પોરેટ માંધાતાઓ જ એના થકી વધુ અમીર બનશે
કોરોના.
મોબાઈલની કોઈ નવી બ્રાન્ડ જેવું નામ ધરાવતો વાઇરસ આપણી પડોશના ચીનને બાનમાં લઇને બેઠો છે. એટલે નેચરલી, ગટર પર ઉભીને પાણીપુરી ખાઈને ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવતા ભારતને ય ચિંતા થાય. આપણે તો ખૂણેખૂણેથી કોરોનાનો તોડ કાઢવાના ઉપચારોના મેસેજ ફરતા થઇ ગયા છે.
સાર્સ, એઇડ્સ, બર્ડફ્લુ, સ્વાઇન ફ્લુ વગેરેની જેમ આ જીવલેણ વાઇરસ પણ જમરાજાનો મેસેન્જર બનીને પ્રાણીસૃષ્ટિમાંથી માનવજાતમાં આવ્યો છે. મેસેજ લાઉડ એન્ડ ક્લીઅર છે. પરીસ્થિતિગત ભલે આપણા પૂર્વજો શિકારી-માંસાહારી થયા, અને 'આપદ્ધર્મ' તરીકે એ સ્વીકાર્ય હોય -ત્યારે નેચરલ બેલેન્સ જળવાતું. શિકાર કરવા માટે માણસે દોડવું પડતું, શ્રમ કરવો પડતો સિંહ-વાઘની જેમ. એની પાસે હાઈટેક હથિયાર નહોતા. આજે તો એ શાકાહારમાં ય જળવાતું નથી.
ખેતી-પશુપાલનની મહેનત વિના જ આપણી ભરપેટ થાળી પણ શરીરને ભારે પડીને ભારેખમ બનાવે છે. ત્યારે કતલખાના અને મીટના માસ પ્રોડકશન પાછળ ગાંડીતૂર પ્રજા સંતુલન ખોરવી દે છે. બટેટાની જેમ માંસ પણ મોટા ભાગે તો ફ્રોઝન હોય છે. એમાં વળી ચીનમાં તો કિસમકિસમના પ્રાણી પંખીઓ ખાવામાં આવે છે. એમાં હુઆન સ્ટેટમાં એક છોકરીએ ચામાચીડિયું ખાધું (થક્ !) એમાં આ વાઇરસે માણસને પકડી લીધો.
એની વે, હજુ તો ચીનના કડક ત્વરિત પગલાં અને ઝડપી સાવચેતીને આપણે ગભરાવા જેવું નથી, પણ આપણે ત્યાં બીજા કેટલાક વાઇરસ ઘૂસી ગયા છે, એનું શું ?
ગાંધીનિર્વાણ દિને સમાચારોમાં ચમકેલો 'રામભક્ત ગોપાલ' વાસ્તવમાં તો નાથૂરામભક્ત હતો. ને ગોપાલે તો અન્યાયીને હણવાની છૂટ પણ યુધ્ધ થાય ત્યારે આપી છે. એ અટકાવવા દૂતકાર્ય કર્યા પછી. નિ:શસ્ત્ર પર ગોળીબાર કરનાર જો હિન્દુ ધર્મની દૂહાઈ દેતો હોય તો નેચરલી એનો અભ્યાસ વોટ્સએપ વિષવિદ્યાલયનો છે, અને લોકઅપમાં એને ધરાર સાંખ્યગ્રંથો અને ષડદર્શનના પાઠ ભણાવવા પડે, જુવેનાઇલ સમજીને સજા ઓછી ને ઘડતર વધુ કરવા માંગો તો.
પણ એના પ્રોફાઈલ પર વિડિયોમાં ઉશ્કેરાયેલા ઝોમ્બી ટોળા જેવી બિરદાવલિઓની કોમેન્ટસ શરૂ થઇ પછી ક્વિકલી એ પ્રોફાઈલ ફેસબૂકે ડિલીટ કર્યો. ન્યુઝીલેન્ડમાં મસ્જીદમાં ઘૂસી ગયેલા વ્હાઇટ આતંકવાદીનું સમર્થન કોઈ સોશ્યલ મીડિયા કે વ્હાઇટ સુપ્રિમસી ધરાવતી મહાસત્તાઓ, ન્યુઝીલેન્ડ, ન્યુઝીલેન્ડ ગર્વનમેન્ટે નહોતું કર્યું.
અહીં તો વળી એ રા.ભ.ગો. પછી એક બીજો ય આવો નારાબાજ ફાયરિંગ કરતા પછી ઝડપાયો છે. ગૃહમંત્રી અમિત શાહે તરત ઘટના વખોડવી પડી અને રક્ષામંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં અન્ય ઉત્સાહીઓના નિવેદન પર ટાઢુંબોળ પાણી રેડતું 'સબ કા સાથ, સબ કા વિશ્વાસ'નું નિવેદન ઓલરેડી કરેલું જ હતું.
મુદ્દો એ છે કે કટ્ટરવાદ એક ઝેરી ચેપી માનવભક્ષી વાઇરસ જ છે. શરજીલ ઇમામ જેવા ઉગીને ઉભા થતાં છોકરડાં સરાજાહેર દેશના ટૂકડા કરવાની વાત કરે, એ કોઈ કાળે ન જ ચલાવી લેવાય. એની ગર્લફ્રેન્ડના છટકામાં એને ઝડપી લેવાયો એ બરાબર જ થયું. પણ એ લૉ એન્ડ ઓર્ડર કાર્યવાહી હતી. કોઈ ઉશ્કેરે ને લબરમૂછિયા છોકરાઓ બજારમાંથી ગાજરમૂળા લેતા હોય એમ કટ્ટા (દેશી તમંચા) લઇ ધોળે દહાડે પોલિસની હાજરીમાં ફાયરિંગ કરવા ચાલી નીકળે એ જોખમી છે, આપણા માટે.
કારણ કે, પાકિસ્તાનની બરબાદી, ઇરાની બરબાદી, ઇજીપ્ત અને તૂર્કીની બરબાદી, સીરિયાની બરબાદી આવા જ ચડાઉ ધનેડા જેવા ઘરગથ્થુ કટ્ટરવાદી જુવાનિયાઓ બેકાબૂ બનવાને લીધે થઇ છે. આજે એણે ન ગમતા પ્રોટેસ્ટ સામે સીધી હિંસક ગોળીબારી કરી એને સમજાવવા જતા એક એવા મુસ્લિમ વિદ્યાર્થીને ગોળી મારી, જે તો રામલીલામાં નાચતો હતો.
પણ કાલે કોઈને હેલ્મેટ પહેરવો નહિ ગમે ને ગોળીબાર કરવા લાગે લાકડી લઇને ઉભેલા કોઈ ટ્રાફિક પોલીસ પર તો ? અમેરિકાના ચાળે નાપાસ થયેલ કોઈ માથાભારે શિક્ષક સામે બંદૂક લઇ ઉભો રહી જાય તો ? મૂળભૂત રીતે આપણે બધા પશુ છીએે. અંદર વાયોલન્સ હોય જ. એ ટીકા, ગાળ, મુઠ્ઠી પછાડવાથી બહાર નીકળે એથી આગળ બીજા પર ઘાતકી હુમલા કરવા માટે નીકળે તો દેશમાં કાયદાનું રાજ કદી સ્થપાય જ નહિ, માટે લોકશાહીના વાવેતર માટે જમીન સમથળ કરવા ગાંધીજીએ અહિંસા મુશ્કેટાટ પકડી રાખી હતી.
આમ થાય ત્યારે તરત જાવ પેલા મુસલમાનને કહો વાળી દલીલ બહુ આવે છે. દગાખોરો તો કાશ્મીરના પેલા સમાચારમાં ચમકી ગાયબ શીખ ડીઆઈજી પણ હોય છે. કેન્સર વોર્ડમાં બીજા દરદીઓની ખબર પુછવાથી આપણું કેન્સર મટી જતું નથી.
રેડિકલ જેહાદી ઇસ્લામના કટ્ટરવાદી તાલિબાની વલણે જ જગતમાં જમણેરી કહેવાતું ધુ્રવીકરણ કર્યું, અને સ્વભાવગત રીતે ઉદાર, સહિષ્ણુ, માનવતાપ્રેમી હિન્દુઓ તો ભોળાભાવે એમને જોઈ જોઇ નકલ કરવાના રિએકશનમાંથી થોડુંક શીખ્યા, એ હકીકત છે. પણ કોરોના વાઇરસ તો ચીનમાં છે, આપણે કેમ ત્યાંથી આવે એને દેખરેખ નીચે રાખવા લાગ્યા ? અહીં તો હજુ એનાથી કોઈ મર્યું જ નથી ને ચીનમાં સેંકડોને એ ભરખી ગયો છે તો ય ?
જવાબ છે : અગમચેતી. દુર્યોધન-કૌરવો-જરાસંઘ સામે નડનાર કૃષ્ણ પોતાના પરિવારમાં દારૂ-જુગાર વગેરેનું છાકટાપણું દેખાયું તો કાઉન્ટરલોજીકથી બચાવ કરવા તો ઠીક, ઉપદેશ આપવા પણ રોકાયા નહિ, સીધી યાદવાસ્થળી શરૂ કરી ઘરડેઘડપણ કહેવાય એ અવસ્થાએ. કોઈપણ સમજદાર હિતેચ્છુનો પ્રતિભાવ આ ગોપાલમાર્ગનો જ હોય.
કટ્ટરવાદી વાઇરસમાં મુસ્લિમો પાયમાલ થયા, ઇસલામ જગતમાં શંકાની નજરે જોવાવા લાગ્યો, પ્રગતિના સ્થાને અધોગતિ થઈ, સ્ત્રી સ્વાતંત્ર્ય, વૈજ્ઞાાનિક અભિગમ કે આધુનિક આનંદના પાયાના મૂલ્યો પણ સાઇડટ્રેક થઇ ગયા અને બહારના આક્રમણ વિના ઘરમાંથી જ બધું સળગવા લાગ્યું.
એ જોઇને બાકીનાઓ શાણા હોય તો એમણે ચેતવાનું હોય. કોરોનાથી જેમ એ આવીને ફેલાય એની રાહ જોવાને બદલે આવતા જ રોકવાનો હોય ! હિન્દુ ધર્મે આ ખાસ શીખવાસમજવા જેવું છે. શાહીનબાગમાં ધાર્મિક આદેશથી ચહેરો ઢાંકતા બુરખા લઇને મુક્તિની વાત કરતી મહિલાઓના વિરોધાભાસ પર ચર્ચા શરૂ કરી શકાય.
સીએએ પ્રેક્ટિકલી ભારતના મુસ્લિમોને અસર કરતો નથી, ને એનઆરસી આવ્યો નથી. આસામનું ઉદાહરણ જોતાં દાયકાઓની કસરતે આવે એમ છે, જો આવે તો ય ! એ મુદ્દો ઉપાડી શકાય. પણ એના નામે સતત દેશના જ નાગરિકો પર સળી કરતા ગપ્પા અને ઉશ્કેરાટથી ભરપૂર મેસેજીઝથી દેશને કોઈ ફાયદો નથી થવાનો.
કાણાને ખેંચી ઝભ્ભો ફાડવામાં આવે એમ વિભાજન વધવાનું છે. દિલ્હી ઇલેકશન સુધી રાજરમત તો આવી ચાલ્યા કરે. પણ આજે જે અમુક મુસ્લિમ માતા-પિતા છોકરાઓ ઇન્ટરનેટ ને ફોન પર કઇ ધાર્મિક ઉન્માદની પટ્ટી પઢતા હતા, એ ખબર નથી તણી વ્યથાના વીતક માંડે છે, એ આપણે ત્યાં કરવું છે ? કોઇક ગોરક્ષકો યુપીમાં ઇન્સ્પેકટરને મારી નાખે, કોઈ પત્રકારની હત્યા થાય - આ બધા ઝેરીલા કાતિલોની ફેકટરી બને એ હિન્દુ ધર્મને મંજૂર નથી. નહિ તો પ્રહલાદો ને નચિકેતાઓની વાર્તાઓ સાચવી ન હોત આપણે.
પોઇન્ટ ઇઝ આ બધું ફિલ્મી સ્ટાઇલમાં આપણા પક્ષે થતું હોય તો બહુ રોમાંચક લાગે, રોમેન્ટિક લાગે, પણ લાંબા ગાળે એ વાઇરસ પોતાના 'હોસ્ટ'ને પાકિસ્તાનની જેમ ખતમ કરી નાખે. હિટલરે કટ્ટરવાદનું ઝેર શરૂ કર્યું ત્યારે ઉન્માદમાં આવેલા જર્મની કે ઓસ્ટ્રિયાની જાતમુલાકાત લો તો ખબર પડે કે એમને મર્સીડિસ કે મોઝાર્ટથી ઓળખાવું છે. હિટલરથી નહિ.
ત્યાં એનું નામોનિશાન નથી રહેવા દેવામાં આવ્યું. જર્મનીમાં હમણા એક ગામના મેળાવડામાં જોકરની જેમ ફન ખાતર હિટલરનો કોસ્ચ્યુમ કોઇએ પહેર્યા, તો ય એની ધરપકડ અને તપાસ થઇ ! કારણ કે આપણે સિવિલ વોર ને મહાયુધ્ધ ફિલ્મોમાં જોયું છે. એમણે નજર સામે જોયા છે. આંગળા દૂધમાં દાઝ્યા પછી છાશ ફૂંકીને પીવે છે. બેકાર યુવકોને એવો રાષ્ટ્રપ્રેમ ઉભરાતો હોય તો માર્ગ કે મોબાઈલ પર બૂલીઇંગની દબંગાઈ કરવાને બદલે લશ્કરમાં ભરતી થવા કેમ નથી જતા, ડીસીપ્લીનની ટ્રેનિંગ લઇને સાચે દેશને કામ કેમ નથી આવતા ?
અમેરિકા કે બ્રિટન બીજે કટ્ટરવાદને સ્પોન્સર કરી એમને કાયમ એમાં જ ગૂંચવાયેલા અને પાયમાલ રાખવાના ખેલ ક્યુબાથી સાઉદી સુધી કરશે, પણ પોતાને ત્યાં નવી પેઢી ટેરરિસ્ટને બદલે સાયન્ટીસ્ટ કે આર્ટિસ્ટ થાય, એવો જ માહોલ ને સીસ્ટમ બનાવશે, અને આપણા હિન્દુવાદી નેતાઓ ય આ અંદરથી સમજે જ છે. રાજકીય વારસદાર બની સત્તામાં આવે એ સિવાય કદી કોઇ આવા આગેવાનોની દીકરા-દીકરીને તમે ઝેરી કટ્ટરવાદમાં જોયા એમના પુત્ર-પુત્રીઓ ઉચ્ચ અભ્યાસ માટે દેશ-પરદેશમાં ભણે છે.
નવરાબેઠાં કદી એમને ઓનલાઇન ટ્રોલિંગ કરતા કે ઓફલાઇન ફાયરિંગ કરતાં જોયા છે ? શાંતિથી નામજોગ બધાના (રાજકીય વારસદાર સિવાયના) યુવા સંતાનો શું કરે છે, એનો રિસર્ચ કરજો. એટલી સારી જો કટ્ટરવાદની વાનગી છે, તો એમના ઘરમાં કેમ ખાવા દેવામાં નથી આવતી અને બીજા ઝનૂની ટોળાઓને પીરસાય છે ? આટલું ઊંડું જોઇ શકે, એને સાધુતા ખાતર દીકરો ગુમાવીને ય પોતડી ન છોડનાર ગાંધી સમજાય ?
ગીતામાં કહ્યું છે એમ મહાજનો કરે એનું જાણ્યે-અજાણ્યે ઘણા અનુસરણ કરે. કુણાલ કામરા દોઢ થાય તો એના પર જે ઝડપે પ્રતિબંધ મૂકાય એટલી ઝડપે એરલાઇનમાં સાવ ખોટા મુદ્દે માથાકૂટ કરનાર સાંસદ સાધ્વી પ્રજ્ઞાા ઠાકુર સામે નહિ લેવાય. શ્રીરામમાંથી ગોડસે નથૂરામ જ જો આદર્શ અમુક અંદરખાનેથી ગણે તો બંધારણીય રીતે ચૂંટાયેલા લોકો જાહેરમાં તમારી છોકરીઓ સલામત નહિ રહેનો અર્થ નીકળે એવા ગુંડાગીરી જેવા નિવેદનો (પ્રવેશ વર્મા, દિલીપ ઈટીસી ઈટીસી) આપે.
આમાં વિદેશયાત્રાઓ કરીને મોદીસાહેબ જે બ્રાન્ડબિલ્ડિંગ કરી આવે નવા ભારતની એનું પાછળથી ધોવાણ થતું જાય જગતમાં ને પાંચમા પૂછાતા ત્યાંના અખબારો આપણા મેકઅપ વિનાના આવા ચહેરા જોઇ ઈન્વેસ્ટમેન્ટના રેટિંગ ઘટાડે ને દેશના રાજ્ય કક્ષાના નાણામંત્રીશ્રી અનુરાગ ઠાકુરજી બજેટની ચિંતા કરવાને બદલે ગોળી મારવાની હાકલો કરે - તો આપણા અને કટ્ટરવાદી તાલિબાનોમાં ધીરે ધીરે ગેપ ઘટતો જશે.
જેની સામે લડીએ એના જેવા ન થઇ જઇએ એનું તો ખાસ ધ્યાન રાખવું જોઇએ. રામે રાવણને પડકારી સામી છાતીએ માર્યો પણ સીતાહરણના જવાબમાં મંદોદરીહરણ નહોતું કર્યું !
ઔરંગઝેબની ધર્માંધતાના કુકર્મોનું વેર ધર્મઝનૂની થઇ દારા શિકોહ સામે લીધા કરવાનું હોય એવું માનનારાઓ કાઉન્ટરરિએકશનમાં કટ્ટરવાદ વધારશે, ને કર્મબંધન પણ !
૨૦૨૦ના બજેટમાં જે ચેન્જ ઈન્કમટેક્સમાં આવ્યો એ ઈન્ટરેસ્ટિંગ છે. કન્ફયુઝિંગ શબ્દ નથી વાપર્યો. ઈન્ટરેસ્ટિંગ છે. અને એમાં ય એક હિડન વાઇરસ છુપાયેલો છે. જે હજુ વિજ્ઞાાનની ભાષામાં પ્રચ્છન્ન / સાયલન્ટ છે. પણ થોડા વર્ષોમાં એક્ટિવેટ થાય તો પછી એનો ય રોગચાળો નાથવો મુશ્કેલ બને એમ છે !
એ શું એ સમજવા માટે આર્થિક નિષ્ણાતો બહુ અઘરી અટપટી ભાષામાં ભમરાળી સમીક્ષાઓ કરે, એ છોડી પાયાની વાત પકડીએ. રિઝર્વ બેન્ક લેવલનું નોલેજ ધરાવતા રિયલ એક્સપર્ટસ તો આ નાડ બરાબર પારખી ચૂક્યા છે.
નાણામંત્રીએ બજેટમાં જે ઈન્કમટેક્સમાં બદલાવ કર્યા અને જૂના બચત, લોન વગેરેના સ્ટાન્ડર્ડ ડિડકશનનું ય મોડલ ઓપ્શનમાં રાખ્યું, એમાં ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ પણ ચકરાવે ચડી ગયા. કોને કયા ઓપ્શનમાં કેટલો ફાયદો એનો કોઇ આમાં જનરલ વ્યૂ નથી. બધાએ જાતે ગણવું પડે ને કોમ્પ્લિકેટેડ હોઇ એક્સપર્ટની ઈન્કમ વધારવી પડે ફી ચૂકવીને એવો ઘાટ છે.
પણ મૂળ વાત એ છે કે સતત વધતી બેકારી અને ઘટતા વિકાસ સામે માંગ બજારમાં ઊભી કરવા માટે સરકારે લોકોની બચતમાં ઈન્ડાયરેક્ટ છિદ્ર પાડયું છે. ૫ વર્ષમાં રિયલ એસ્ટેટ, ટેક્સ્ટાઇલ, જ્વેલેરી, ઓટો, બેંકિંગ, ટેલિકોમ, એવીએશનમાં મંદીનો માહોલ છે. લોકો ફિલ્મ જુએ કે ધામધૂમથી લગ્ન કરે, એટલે તેજી આવી ગઇ હોય એમ ન કહેવાય. એ તો દેવાળિયા થઇ ગયેલા દેશોમાં ય ચંદ અમીરો હોય. બચતના પૈસા વપરાતા હોય, લોન પર ખર્ચ થતા હોય ને બજારમાંગ જુદી જ માયા છે.
ભારતનું આધ્યાત્મિક દર્શન ઘણા સંસ્કૃતિની વાતો કરનારાઓ ય સરખું નથી સમજ્યા, પણ એ સંતોષ અને પછેડી એટલી સોડ તાણવાનું છે. 'ઋણં કૃત્વા દ્યૃતં પીબેત'ના ઓપિનિયનને સાદર સાઇડમાં રખાયો છે. એટલે બચત આપણા હાડમાં છે. ડીએનએમાં છે. સોનાચાંદીના ઘરેણાની લગ્નમાં આપ-લે પણ ઈન્વેસ્ટમેન્ટ સેવિંગ સ્કીમ છે.
આખી પેટર્ન પાછળનું લોજીક એ છે કે બજારને અસર કરતા મિડલક્લાસનું સેવિંગ્સ પાછળનું આકર્ષણ કે હેતુ જ ખતમ થઇ જાય. પશ્ચિમના અમુક દેશોમાં તો લોંગ ટર્મ બેન્ક ડિપોઝિટ પર વ્યાજ નહિ, દંડ છે. એ દિશામાં ભારત જાય. લોકો ધરાર, પરાણે થતી બચત બંધ કરે એટલે તાત્કાલિક એમની 'ફ્રીઝ' થઇ ગયેલી, યાને થીજી ગયેલી મૂડીનું રૂપાંતર રોકડામાં થાય, એ હાથમાં આવે.
કેશ હોય ને સાચવવાથી ફાયદો ન હોય, તો માણસ શું કરે ? ખર્ચ કરે ! ફરવા જાય, જરૂર ન હોય તો ય નવી ચીજવસ્તુઓ ખરીદે, જીમમાં મેમ્બર થાય, નેટફલિક્સનું લવાજમ ભરે, નવી કાર કે બાઇક લે, બહાર જમવા જાય - માટે ગ્રાહકની ખરીદી ઝપાટાબંધ વધે. માંગ આવતા બજારમાં ઉત્પાદન વધે ને રોજગાર વધે ને ફરી ધીમું પડેલું આર્થિક વિકાસનું એન્જીન ધમધમતું થાય.
પણ જાણકાર અભ્યાસુઓના મતે ચિંતાની વાત એ છે કે અત્યારે ઓલરેડી આ 'આજનો લ્હાવો લીજીયે, કાલ કોણે દીઠી છે'ની એટિટયુડ વધી જ ગઇ છે. પણ એને લીધે 'કન્ઝ્યુમર ડેટ' યાને 'ઉપભોક્તા કર્જ' વધતું જાય છે. આપણા ઓલરેડી ગબડી પડેલા જીડીપીમાં છેલ્લા એક દાયકામાં ઘરગથ્થુ બચતનો ફાળો ૨૩.૬%નો હતો, જે હવે ૧૭.૨% ઘટીને થઇ ગયો છે.
હવે એથી ય ઓછો થશે. રિઝર્વ બેન્કની રિઝર્વ પણ સરકારે લીધી અને સરકારનું સૌથી સારું ચાલતું પબ્લિક સેક્ટર યુનિટ, જે સાચે જ બેસ્ટ પ્રોફેશનલ મેનેજમેન્ટમાં ભરોસાપાત્ર છે, ને સરકારને ઉધાર આપે એવું સાહસ છે - જીવન વીમા નિગમ એલઆઇસીનો હિસ્સો સરકારે આઇપીઓ થકી વેચવા કાઢ્યો છે ! આ તો નકામા દારૂડિયા છોકરા માટે ડાહ્યા કમાઉ છોકરાને વૈતરું કરવા ઘર બહાર મોકલવો પડે, એવું થયું !
એની અસર એ આવશે કે એલઆઇસી - કે પીપીએફ વગેરેમાં ફરજીયાત થતી બચત ક્રમશ: ઘટશે. બધા જમીન કે સોનું લઇ ન શકે. લે તો સાચવી ન શકે. ને એટલા પ્રમાણમાં એ ઉપલબ્ધ પણ ન હોય.
હવે લોકોના હાથમાં લાંબા ગાળા માટે રોકેલા પૈસા આવશે, ને ફરી ક્યાંય સેવિંગ નહિ થાય તો ઉડશે, વપરાશે ને કોર્પોરેટ માંધાતાઓ જ એના થકી વધુ અમીર બનશે. પણ ભાવિ અનિશ્ચિતતાઓ માટે કશું સચવાયેલું નહિ હોય ! કોઇ અણધારી આફતને પહોંચી વળવા 'ગુલ્લક' નહિ હોય, ને લોકો ત્યારે વધુ લાચાર, ઉધાર પર જીવતા ભિક્ષુકવૃત્તિના કે વધુ લુચ્ચા ઉસ્તાદ હેરાફેરીવાળા થતા જશે એવું ય બને !
લોકો જ શા માટે લોકોની લોંગ ટર્મ બચત ઘટે અને સરકાર પાસે લોકોએ પૈસા અલગ-અલગ યોજનામાં જમા રાખ્યા હોય એ ય ઘટે. એટલે સરકાર પણ 'વલ્નરેબલ' થાય, અને પબ્લિક સેકટર ડિસઈન્વેસ્ટમેન્ટ પછીની આવક સરકારે સ્વતંત્ર ઊભી કરવી પડે કારણ કે પેલી થાપણો (ડિપોઝિટ્સ) હવે ન રહી હોય !
અને આવી અવળવાણી કોઇ વામપંથી ભ્રમમાં 'હાય રે ઉપભોક્તાવાદ'નો ઠૂઠવો મૂકવા નથી કાઢી. એવા ડોબા ડાબોરીઓ તો સાદગી-સમાનતાના નામે સુખ-સ્પર્ધાના જ વિરોધીહોય છે. અપુન તો બોલતા હૈ - જલસા કરો, લહેરથી ખાવ, પીવો, મોજ ઊડાવો. પણ પારકા પૈસે નહિ. પોતાના પરિશ્રમના પૈસે.
કોઇ પણ ક્ષણે જીવનમાં ખર્ચાળ વળાંક આવી શકે છે, એ માટે જરા સાવધ રહીને. જે દેશો બચત નથી કરવા દેતા પબ્લિકને ત્યાં વિકાસ પૂર્ણ થયેલો છે. શેરીઓ ચોખ્ખી છે. ટ્રાફિકમાં અંધાધૂંધી નથી. પાણી નળમાંથી સીધું પીવાય છે. દૂધ-શાકમાં ભેળસેળ નથી. લોઅર લેવલે લાઇફમાં કરપ્શન નથી. સરકાર ભણતર-આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા આપે છે.
આપણે ત્યાં હજુ એજ્યુકેશન ને હેલ્થકેર ઘણા માટે લકઝરી છે. ગવર્નમેન્ટ સ્કૂલ-હોસ્પિટલોના ધોરણ ઊંચા નથી. અભણ અશક્ત લોકો છાપરાં વિના રઝળે છે, ત્યારે બચતનો અભિગમ તૂટતા તેજી તો થોડો સમય આવે, પણ સ્ટીરોઇડ ઈન્જેકશન જેવી. મસલ્સ વધે અને ફેટ વધે એમાં ફરક. એકમાં ફિટનેસ લાંબા ગાળે સુધરે, બીજામાં બગડે.
શું થશે એ અત્યારે કહેવું વધુ પડતું છે. પણ એટલું તો ખરું કે શોખથી રંગીન જીંદગી જીવો, પણ મોજ અને ઉડાઉગીરીનો ફરક સમજીને. આજે ભારત જે કંઇ મજબૂત દેખાય છે, એ આપણી ઘેરઘેર થતી જૂની બચતના જોર પર. પેટ્રોલિયમની જેમ એ ભંડારનું તળિયું આવે ત્યારે મોંઘુ ન પડે એ ધ્યાન રાખવું. આંધળુકિયા દેખાદેખીમાં કરવા, એ કન્ઝ્યુમરિઝમ પણ એક ઘાતક વાઇરસ છે. પ્લાસ્ટિક (ક્રેડિટકાર્ડ) ઈકોનોમીમાં પરિવારો નશાની જેમ બરબાદ પણ થઇ શકે છે ! બધું જ હોવું જોઇએ એ ભૂખ આર્થિક નહિ, માનસિક રીતે ય બીમાર જાનવર જેવી સોસાયટી બનાવે !
કટ્ટરવાદ કે કન્ઝ્યુમરિઝમ આપણે ત્યાં છે નહિ હજુ બહુ, ને ક્યાં મોકાણ માંડી એવું લાગે તો સમજવું કે શરીર કોઇ પણ મોટા રોગના સીમ્ટોમ્સ / ચિહ્નો બતાવતું હોય છે. ધીમા સિગ્નલ્સ આપે છે.
પણ તોરમાં ને જોશમાં આપણે એને ગણકારતા નથી, પછી રોગ વકરે ત્યારે મોડું થઇ જાય છે. રોગો થાય નહિ એ પ્રતિકારશક્તિ જ શ્રેષ્ઠ આરોગ્ય છે. બાકી, પેલા અબજપતિ અમેરિકન ખેલાડી કોબે બ્રાયન્ટની જેમ જગતથી ઉંચે ઊડવા જે પ્રાઇવેટ હેલિકોપ્ટર વસાવ્યું, એમાં જ અકાળે દીકરી સાથે જીવનનો ભોગ લેવાઇ ગયો ! ઊડના જરા સંભલ કે.
ઝિંગ થિંગ
When you trust someone fully, either you get person for lift, or you get lesson for life !