ગોલ્ડન હોર્ન બીચ (ક્રોએશિયા)
ઈશ્વરની આર્ટ-ગૅલરી - રીતેશ ક્રિસ્ટી
એકમેકથી ચડે એવું કુદરતી સૌંદર્ય ધરાવતા સ્વીટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, ગ્રીસ, પોર્ટુગલ કે ઇટાલી જેવા યુરોપી દેશો વચ્ચે ક્રોએશિયાનું નામ ખાસ જાણીતું ન હોય એ સ્વાભાવિક છે પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી આ નાનકડો દેશ દુનિયાભરના લાખો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. ભૂમધ્ય સમુદ્રની સાવ ઉત્તરે આવેલો દરિયાનો પાતળો પટ્ટો ઇટાલી અને બાલ્કન પ્રદેશોને વિખૂટા પાડે છે અને આ દરિયાઇ વિસ્તાર એડ્રિયાટિક સમુદ્ર કહેવાય છે. એડ્રિયાટિક સમુદ્રના કિનારે આવેલો ક્રોએશિયા ક્ષેત્રફળમાં તો હિમાચલ પ્રદેશ જેટલો નાનો છે અને વસતી પણ છે માંડ પિસ્તાળીસ લાખ. એમાંયે કુલ વસતીના ૨૦ ટકા એટલે કે આઠ લાખ લોકો તો તેના ઝાગરેબ નામના પાટનગરમાં જ વસે છે.
થોડા વર્ષો પહેલાં જ એટલે કે ૧૯૯૧માં યુગોસ્લાવિયામાંથી સ્વતંત્ર થયેલું ક્રોએશિયા હાલ યુરોપિયન યુનિયનનું સભ્ય છે. નજીકના ભૂતકાળમાં જ જોઇએ તો વીસમી સદીના ઉતરાર્ધમાં યુરોપમાં યુગોસ્લાવિયા નામનો દેશ અસ્તિત્ત્વ ધરાવતો હતો પરંતુ આજે એ દેશનું નામોનિશાન નથી. ૧૯૯૦ના દાયકામાં યુગોસ્લાવિયા તૂટયા બાદ તેમાંથી એકાદ-બે નહીં પરંતુ પાંચ દેશો બન્યા.
આ પાંચ દેશોમાં ક્રોએશિયા ઉપરાંત મોન્ટેનેગ્રો, સર્બિયા, મેસેડોનિયા અને બોસ્નિયા-હર્ઝેગોવિના જેવા દેશોનો સમાવેશ થાય છે. ક્રોએશિયામાં આમ તો એક હજારથી વધારે ટાપુઓનો સમાવેશ થાય છે પરંતુ એમાંના માત્ર ૬૭ ટાપુઓ પર જ લોકો વસે છે. પરંતુ કુદરતી સૌંદર્ય તો તમામ ટાપુઓ પર વિખેરાયેલું પડયું છે.
ત્રણેક દાયકા પહેલાં જ લોહિયાળ સંઘર્ષના સાક્ષી બની ચૂકેલા ક્રોએશિયામાં હાલ શાંતિ છે. યુરોપમાં જ પરંતુ ભૂમધ્ય સમુદ્ર તરફ આવેલો હોવાના કારણે ક્રોએશિયાનું હવામાન હુંફાળું અને ખુશનુમા રહે છે. શ્વેત શરીર પર કાળા કાબરચીતરાં કાળા ટપકાં ધરાવતા ડાલ્મેશિયન શ્વાનની મૂળ ભૂમિ એવા ડાલ્મેશિયા નામે ઓળખાતા ક્રોએશિયાના પ્રાંતમાં બ્રાક ટાપુ ખાતે બૉલ નામના શહેરથી બે કિલોમીટર છેટે ગોલ્ડન હોર્ન નામનો સુંદર બીચ આવેલો છે. સ્થાનિકોમાં ઝ્લત્ની રેટ નામે મશહુર બીચ યુરોપના ટોચના દરિયાકિનારાઓમાં સ્થાન પામે છે.
બીજા બધાં દરિયાકાંઠા કરતા અનોખા એવા ગોલ્ડન હોર્ન બીચ તેના નામ પ્રમાણે જાણે કે રેતાળ ભૂમિનું શિંગડું દરિયામાં લંબાયું હોય એવો આકાર ધરાવે છે. સમુદ્રના ભૂરાં જળની વચ્ચે શ્વેત રેતીનો એક કિલોમીટર લાંબો પટ્ટો દેખાવે જ અદ્ભૂત લાગે છે. ગોલ્ડન હોર્ન બીચનો રેતાળ પટ્ટો સમુદ્રમાં બંને બાજુએ આશરે ૬૩૪ મીટર લંબાય છે. જોકે આ બીચની ખાસિયત એ છે કે તે અવારનવાર પોતાનો આકાર બદલતો રહે છે. સમુદ્રના પ્રવાહ, ભરતીઓટ અને પવન જેવા પરિબળો તેના આકાર બદલવામાં ભાગ ભજવે છે. છેલ્લા એક દાયકામાં જ આ બીચ ચાર વખત પોતાનો આકાર બદલી ચૂક્યો છે.
એડ્રિયાટિક સમુદ્રનું હુંફાળું હવામાન અને રેતીમાં પડયા રહીને તડકો શેકવાની મજા માણવા માંગતા સહેલાણીઓ માટે તો ગોલ્ડન હોર્ન બીચ સ્વર્ગસમાન છે. બીચના કિનારે રહેલું પાણી અત્યંત નિર્મળ અને હુફાળું છે. અહીંયા સમુદ્રનો પ્રવાહ પણ ખાસો તેજ હોય છે તેમજ પવનની ગતિ પણ વધારે હોય છે જેના કારણે સર્ફીંગની મજા લેવા માટે લોકોનો ધસારો થાય છે.
એમાંયે બપોર પછી વાતો પશ્ચિમતરફી પવન વિન્ડસર્ફીંગ માટે અનુકૂળ રહે છે. જોકે બીચની બંને તરફ પ્રવાહ સામસામો વહેતો હોવાના કારણે તરવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે. ખાસ કરીને બીચથી થોડે દૂર તરીને જવામાં જોખમ રહેલું છે કારણ કે સામા પ્રવાહના કારણે પાછા ફરવામાં કઠણાઇનો સામનો કરવો પડે છે. એટલા માટે સહેલાણીઓને કિનારાથી દૂર ન જવાની સલાહ આપવામાં આવે છે. એમાંયે ભરતી વખતે તો દરિયો તોફાની બની જતો હોવાના કારણે સાવધ રહેવાની જરૂર રહે છે.
બીચની બરાબર મધ્યમાં વળી પાછું પાઇન એટલે કે દેવદાર વૃક્ષોની લીલીછમ કતાર છવાયેલી છે. તડકાથી અકળાયેલા લોકો આ વૃક્ષોની છાયામાં આરામ ફરમાવી શકે છે. કુદરતી સૌંદર્યને કેમેરામાં કંડારવા માંગતા પ્રવાસીઓ માટે તો ગોલ્ડન હોર્ન બીચ જાણે પરીકથાના અવર્ણનીય દૃશ્યસમાન છે. મન મોહી લે એવો આ લેન્ડસ્કેપ એટલા માટે જ ક્રોએશિયાની પ્રવાસનપોથીમાં સ્થાન ધરાવે છે. કુદરતી પરિબળોના કારણે આકાર બદલતો ગોલ્ડન હોર્ન બીચ ક્રોએશિયાની સરકારે સંરક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે.