માઉન્ટ રોરાઇમા (વેનેઝુએલા)
ઈશ્વરની આર્ટ-ગૅલરી - રીતેશ ક્રિસ્ટી
દક્ષિણ અમેરિકાની પાકારાઇમા પર્વતમાળામાં આવેલા ટેપુઇ ઉચ્ચપ્રદેશમાં સૌથી ઊંચો પહાડ છે માઉન્ટ રોરાઇમા. માઉન્ટ રોરાઇમાનું સૌથી પહેલું વર્ણન અંગ્રેજ શોધક સર વૉલ્ટર રાલીએ છેક ૧૫૯૬માં કર્યું હતું. માઉન્ટ રોરાઇમાનું શિખર ૩૧ ચોરસ કિલોમીટર જેટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવે છે. ટેબલ જેવા સપાટ શિખરની ફરતે ૧૩૦૦ ફૂટ ઊંચા સીધી દીવાલ જેવા ખડકોની રચના છે.
વેનેઝુએલાના ૩૦ હજાર ચોરસ કિલોમીટર જેટલા વિશાળ પ્રદેશમાં ફેલાયેલા કાનાઇમા નેશનલ પાર્કના અગ્નિ ખૂણે આવેલો માઉન્ટ રોરાઇમા ગુયાના શિલ્ડ તરીકે ઓળખાતી પઠારનો એક ભાગ છે. આ સપાટ પર્વત ઉપર વેનેઝુએલા, બ્રાઝિલ અને ગુયાના એમ ત્રણ દેશોની સરહદ મળે છે. ટેપુઇ ઉચ્ચપ્રદેશનો ૮૫ ટકા જેટલો હિસ્સો વેનેઝુએલામાં આવેલો છે. તો પાંચ ટકા જેટલો પ્રદેશ બ્રાઝિલના રોરાઇમા રાજ્યમાં આવેલો છે. ગુયાનામાં આ પઠારનો દસ ટકા જેટલો પ્રદેશ આવેલો છે અને માઉન્ટ રોરાઇમા ગુયાનાનો સૌથી ઊંચો પર્વત પણ ગણાય છે.
સપાટ શિખર ધરાવતા ટેબલટોપ માઉન્ટન દુનિયામાં બીજા કેટલાંક ઠેકાણે પણ છે પરંતુ માઉન્ટ રોરાઇમાની મુલાકાત માટે એક કરતા વધારે કારણો છે. માઉન્ટ રોરાઇમા અને સમગ્ર ઉચ્ચ પ્રદેશ દુનિયાની સૌથી પ્રાચીન ભૌગોલિક રચનાઓમાં સ્થાન ધરાવે છે. આ પર્વતીય પ્રદેશનું સર્જન પ્રિકેમ્બ્રિયન યુગ એટલે કે આશરે બે અબજ વર્ષ પહેલાં થયું હોવાનું અનુમાન છે. વર્ષના લગભગ આઠેક મહિના તો સમગ્ર પર્વત ફરતે ધુમ્મસની ચાદર વીંટળાયેલી રહે છે જેના કારણે માઉન્ટ રોરાઇમા જાણે પરીકથામાં હોય એવો પર્વત જણાય છે.
લગભગ બારે માસ વરસાદ વરસતો હોવાના કારણે પર્વતની આસપાસના સીધા ખડકોમાંથી ઠેકઠેકાણે અનેક ધોધ ફૂટી નીકળે છે. રોરાઇમા પર્વત પર ઊગી નીકળતી વનસ્પતિ પણ બેજોડ અને દુર્લભ ગણાય છે. ખાસ કરીને માંસાહારી છોડમાં વર્ગીકરણ પામતો પીચર પ્લાન્ટ અને નાનકડી ઘંટડી જેવા આકારના કેમ્પાનુલા બેલફ્લાવર અહીંયાની વિશેષતા છે.
તો રાપાટિયા નામનો જાંબુડિયા ફૂલવાળો છોડ પણ સપાટ શિખર પર ઊગી નીકળે છે. જોકે અનરાધાર વરસાદના કારણે શિખરનો ઘણોખરો ભાગ વેરાન સેન્ડસ્ટોનરૂપે જ રહ્યો છે. ક્યાંક છુટાછવાયા ઝાડીઝાંખરા અને લીલ જોવા મળે ખરાં. પહાડની સપાટી ઉપરથી વરસાદના પાણીના ધસમસતા પ્રવાહના કારણે ઘણાંખરાં પોષક દ્વવ્યો ધોધમાં વહી જતાં હોવાના કારણે ખાસ વનસ્પતિ જોવા મળતી નથી.
માઉન્ટ રોરાઇમા ખાતે કેટલીક જીવજગતની કેટલીક દુર્લભ પ્રજાતિઓ પણ વસવાટ કરે છે. આવા પ્રાણીઓમાં રોરાઇમા બુશ ટોડ તરીકે ઓળખાતો મોટા કદનો દેડકો મુખ્ય છે. હાલ દેડકાની આ પ્રજાતિ વિલુપ્ત થવાના આરે છે. ખાસ કરીને આ દેડકો મોટે ભાગે દિવસે અને ખુલ્લામાં વિચરણ કરતો હોવાના કારણે પ્રવાસીઓ દ્વારા તેને નુકસાન થવાની ભીતિ રહે છે. એટલા માટે માઉન્ટ રોરાઇમાની મુલાકાતે આવતા સહેલાણીઓને આ દેડકાને હાનિ ન પહોંચાડવા અંગે તાકીદ કરવામાં આવે છે. યુરોપના લોકોનું દક્ષિણ અમેરિકામાં આગમન થયું તેના લાંબા સમય પહેલાથી માઉન્ટ રોરાઇમાનું સ્થાનિક લોકોમાં ઘણું સાંસ્કૃતિક મહત્ત્વ રહ્યું છે.
અહીંયાના લોકોની પ્રાચીન દંતકથાઓમાં પણ માઉન્ટ રોરાઇમાનું અનેરું સ્થાન છે. વેનેઝુએલાના ગ્રાન સબાના નામના પ્રદેશમાં વસતા પેમોન અને કપોન જાતિના લોકો આ પર્વતને પ્રાચીન કાળના એક વિશાળ વૃક્ષનું થડ માને છે. આ લોકોની દંતકથા પ્રમાણે પ્રાચીન સમયમાં આ વિશાળ વૃક્ષ ઉપર દુનિયાના તમામ ફળફળાદિ અને શાકભાજી ઊગતા હતાં. જોકે માકુનાઇમા નામના એક રાક્ષસે આ વૃક્ષને જમીનદોસ્ત કરી નાખ્યું જેના પરિણામે સમગ્ર પ્રદેશમાં ભયંકર પૂર આવ્યું. આમ પણ પેમોન ભાષામાં 'રોરોઇદનો અર્થ થાય છે લીલો અને 'માદનો અર્થ થાય છે વિશાળ જેના ઉપરથી આ પર્વતને રોરાઇમા નામ મળ્યું છે.
સીધું ચઢાણ હોવાના કારણે માઉન્ટ રોરાઇમા પર પર્વતારોહણ કરવું અત્યંત કઠિન મનાય છે પરંતુ સાહસિક લોકો વર્ષોથી આ આકરા પર્વતને સર કરતા આવ્યાં છે. સર એવરાર્ડ ઇમ થુમ નામના સાહસિક પર્વતારોહકે છેક ૧૮૮૪માં આ પહાડ ઉપર પહેલી વખત ચઢાઇ કરી હોવાનું નોંધાયું છે. વેનેઝુએલાના સૌથી પ્રખ્યાત પર્વતારોહણ થતા પર્વતોમાં માઉન્ટ રોરાઇમા સ્થાન ધરાવે છે. જોકે આ પહાડના સીધા ઢોળાવ પર ચઢાણ કરવું અઘરું હોવાના કારણે ખાસ તાલીમબદ્ધ લોકોને જ પરવાનગી મળે છે