Get The App

ઝાંગજિયાજિ નેશનલ ફોરેસ્ટ પાર્ક (ચીન)

ઈશ્વરની આર્ટ-ગૅલરી - રીતેશ ક્રિસ્ટી

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
ઝાંગજિયાજિ નેશનલ ફોરેસ્ટ પાર્ક (ચીન) 1 - image


સામ્યવાદની લોખંડી બેડીમાં જકડાયેલા ચીનમાં કુદરતે મન મૂકીને સુંદરતા વેરી છે. ચીનના હુનાન પ્રાંતમાં આવેલા નયનરમ્ય વુલિંગ્યાઉન પ્રદેશમાં એકથી એક ચડિયાતા નેશનલ પાર્ક આવેલા છે પરંતુ એમાં ઝાંગજિયાજિ નેશનલ ફોરેસ્ટ પાર્ક સિરમોરસમો છે. વુલિંગ્યાઉન સીનિક એરિયા તરીકે જાણીતો પ્રદેશ તો આશરે ૩૯૭ ચોરસ કિલોમીટર જેટલા વિશાળ ક્ષેત્રમાં પથરાયેલો છે. એમાં ૧૯૮૨માં ચીનના સૌપ્રથમ નેશનલ પાર્ક તરીકે અસ્તિત્ત્વમાં આવનારો ઝાંગજિયાજિ નેશનલ ફોરેસ્ટ પાર્ક ૪૮૧૦ હેકટર જેટલો વિસ્તાર આવરે છે.

યુનેસ્કોએ વુલિંગ્યાઉન સીનિક એરિયાને ૧૯૯૨માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યો છે અને ઝાંગજિયાજિ  નેશનલ પાર્કને ને ગ્લોબલ જિયોપાર્ક તરીકે માનવંતુ સ્થાન આપ્યું છે. ઝાંગજિયાજિ પાર્કનું મુખ્ય આકર્ષણ છે આખાયે પાર્કમાં પથરાયેલા ગગનચુંબી સ્તંભો જેવી કરાડો. જેમ્સ કેમેરૂનની વિખ્યાત ફિલ્મ અવતારમાં જોવા મળતા હવામાં ઝળુંબતા વિશાળ ખડકોની પ્રેરણા આ કરાડોમાંથી લેવામાં આવી છે. અવતાર ફિલ્મ બાદ તો આ સ્થળની પ્રસિદ્ધિમાં જોરદાર વધારો થયો છે. ચીનની સરકારે પણ ૩૫૪૦ ફૂટ ઊંચી એક કરાડનું નામ અવતાર હાલેલૂયા માઉન્ટન રાખ્યું છે.

ઝાંગજિયાજિ પાર્કમાં આવી કરાડો તો ત્રણ હજાર કરતાયે વધારે છે. સામાન્ય રીતે જમીનમાંથી ઉપર તરફ નીકળતી આવી પિલર જેવી રચના કાર્સ્ટ તરીકે ઓળખાતા લાઇમસ્ટોન ખડકોના ધોવાણથી સર્જાતી હોય છે. પરંતુ ઝાંગજિયાજિ પાર્કના સ્તંભાકાર ખડકોની રચના લાખો વર્ષોના ઘસારાથી સર્જાઇ છે. સંશોધકોના મતે શિયાળામાં આ કરાડો પર જામતા બરફ અને તેના પર ઊગેલી વનસ્પતિ ઉપર હવામાનની અસર થવાના કારણે આકાર પામી છે.

ઝાંગજિયાજિ પાર્કના ખડકોના જંગલની સુંદરતાને ઊંચાઇએથી માણવા માટે અહીંયા કાચની એક લિફ્ટ બનાવવામાં આવી છે. દુનિયાની સૌથી ઊંચી આઉટડોર લિફ્ટ તરીકે જાણીતી થયેલી આ લિફ્ટ ૧૦૭૦ ફૂટ ઊંચાઇ સુધી જાય છે અને તેનું નામ પણ એના ભવ્યતાને અનુરૂપ હન્ડ્રેડ ડ્રેગન્સ સ્કાય લિફ્ટ રાખવામાં આવ્યું છે.

સહેલાણીઓને આ લિફ્ટ તળિયેથી ટોચે માત્ર બે મિનિટમાં પહોંચાડી દે છે. આ લિફ્ટમાં ત્રણ વિભાગ પાડવામાં આવ્યાં છે અને દરેક વિભાગમાં એક સાથે ૫૦ પર્યટકોને ઉપર પહોંચાડવાની વ્યવસ્થા છે. ચારે તરફ કાચની દીવાલો ધરાવતી લિફ્ટમાં સડસડાટ ઉપર જવાની મજા જ ઓર છે.

ઝાંગજિયાજિ નેશનલ ફોરેસ્ટ પાર્ક (ચીન) 2 - image

પ્રવાસીઓના રોમાંચમાં વધારો કરવા માટે પાર્કમાં ત્રણસો મીટરની ઊંચાઇએ કાચનો એક પુલ બનાવવામાં આવ્યો છે. ઝાંગજિયાજિ ગ્રાન્ડ કૅન્યન ગ્લાસ બ્રિજ નામનો આ પુલ ૧૪૧૦ ફૂટ લાંબો છે દુનિયાના સૌથી લાંબા અને ઊંચા કાચના પુલ તરીકે નામના પામ્યો છે. ૨૦૧૬માં ખુલ્લો મૂકાયેલો આ બ્રિજ સહેલાણીઓના ધસારાના કારણે તેર દિવસ બાદ જ બંધ કરી દેવામાં આવ્યો હતો. કારણ કે વધુ પડતા લોકોના વજનના કારણે તેના તૂટી પડવાનો ભય ઊભો થયો હતો. બાદમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કર્યા બાદ આ બ્રિજ ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

પાર્કના વિશાળ વિસ્તારમાં ફરવા માટે બસની વ્યવસ્થા છે. ઉપરાંત ઊંચાઇવાળા સ્થળોએ પહોંચવા માટે કેબલ કાર અને મોલોરેલ પણ ઉપલબ્ધ છે. આ તમામ સુવિધા છતાં ઘણો ખરો વિસ્તાર તો પગપાળા ફરીને જ જોવો પડે છે. જોકે સાહસિકો તો તમામ સુવિધાઓને બાજુએ મૂકીને આ પહાડી વિસ્તારને પગપાળા ખૂંદતા પર્વતારોહણ કરવાનું જ પસંદ કરે છે. વળી, છેલ્લા થોડા સમયથી તોતિંગ કરાડો પરથી બંજી જમ્પિંગ જેવી એન્ડેવચર ગેમ પણ શરૂ થઇ છે.

ગીચ વનરાજીના કારણે સમગ્ર પ્રદેશનું હવામાન લગભગ બારેમાસ ભેજવાળું રહે છે. ખાસ કરીને એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન અહીંયાનું તાપમાન ઘણું વધારે હોય છે. એમાંયે વરસાદ તો ગમે ત્યારે તૂટી પડે છે. વર્ષાઋતુ દરમિયાન ખડકોમાંથી નાના નાના ઝરણાં પણ ફૂટી નીકળે છે જે આ પ્રદેશની સુંદરતામાં વધારો કરે છે. પ્રાચીન સમયથી આ વિસ્તાર સ્થાનિક લોકો ખુંદતા આવ્યાં છે જેના કારણે અહીંયા વસતા લોકોના ચિત્રકામ તેમજ અન્ય કળામાં આ અનેરા વિસ્તારનું વર્ણન થતું આવ્યું છે. 

છેલ્લા એક દાયકાથી ઝાંગજિયાજિ નેશનલ પાર્કની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે અને હજારો લોકો અહીંયાના અનોખા સૌંદર્યને માણવા દોડી આવે છે. પાર્કમાં ટિઆન્ઝી શાન, યાન્ગજિયાજિ, યુઆનજિયાજિ, ગોલ્ડન વ્હીમ સ્ટ્રીમ અને હુઆંગશી વિલેજ એમ પાંચ મુખ્ય જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે. જોકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે એક જ દિવસમાં તમામ સ્થળોના દર્શન થઇ જાય છે.

Tags :