વેવ રૉક (ઓસ્ટ્રેલિયા)
ઈશ્વરની આર્ટ ગૅલરી - રીતેશ ક્રિસ્ટી
કુદરતે ધરતી પર લખલૂટ સુંદરતા વેરી છે એ તો સૌ જાણે છે અને આપણે મોટે ભાગે તો પ્રાકૃતિક સૌંદર્યના જાણીતા ભાગો જોઇને જ રાજી થઇ જતાં હોઇએ છીએ. પરંતુ પ્રકૃત્તિએ કેટલીક એવી ચીજો અને સ્થળો સર્જ્યાં છે જેની કારીગરી સમજવી પણ મુશ્કેલ છે અને એ જોયા પછી તો તેને ભૂલવા પણ મુશ્કેલ છે. ધરતી પરના આશ્ચર્યકારક સ્થળોમાંના કેટલાંક તો દેખાવે પણ વિચિત્ર છે અને ઘણી કુદરતી અજાયબીઓ જોતાં તો એવું જ લાગે કે તે કૃત્રિમ કે માનવસર્જિત હશે. પરંતુ આવા અદ્ભૂત અને અનોખા ચમત્કાર જ સાબિત કરે છે કે પ્રકૃત્તિ કેટલી અજાયબ કલાકાર છે.
દક્ષિણ ગોળાર્ધમાં આવેલા હોવાના કારણે ડાઉન અંડર તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયાને પ્રકૃત્તિએ અનેક અજાયબીઓ વડે નવાજ્યું છે. દુનિયાના સૌથી મનમોહક દરિયા કિનારા, આભને આંબતા પહાડો, લીલાછમ વનો અને ચામડી દઝાડતા રણપ્રદેશો જેવા કુદરતના દરેક રૂપ અહીંયા જોવા મળે છે. એક તરફ હિન્દ મહાસાગર અને બીજી તરફ પેસિફિક મહાસાગર વડે ઘેરાયેલું ઓસ્ટ્રેલિયા દુનિયાના સૌથી નાના ખંડ તરીકે જાણીતું છે. એ સાથે જ ઓસ્ટ્રેલિયા દુનિયાના સૌથી મોટા ટાપુ તરીકેનું બહુમાન પણ ધરાવે છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયા જ એક માત્ર એવી જગ્યાં છે જે એક સાથે ખંડ, ટાપુ અને રાષ્ટ્ર ગણાય છે.
વિસ્તારની દૃષ્ટિએ દુનિયાના છઠ્ઠા સૌથી મોટા દેશ ગણાતા ઓસ્ટ્રેલિયાનો ઘણો ખરો ભાગ વેરાન અને ઉજ્જડ રણપ્રદેશોનો બનેલો છે. તેની ઘણી ખરી વસ્તી પેસિફિક મહાસાગર તરફના પશ્ચિમી દરિયાકાંઠાના સિડની, મેલબોર્ન અને બ્રિસ્બન જેવા શહેરોમાં જ વસે છે. હિન્દ મહાસાગર તરફ આવેલો પશ્ચિમ ઓસ્ટ્રેલિયા કહેવાતો પ્રાંત ઓસ્ટેટ્રેલિયાના સૌથી મોટા રાજ્ય ઉપરાંત રશિયાના યાકુતિયા પ્રાંત બાદ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય પણ ગણાય છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા પ્રાંત સમગ્ર ઓસ્ટ્રેલિયાનું લગભગ ત્રીજા ભાગ જેટલું ક્ષેત્રફળ ધરાવે છે પરંતુ ત્યાં વસતી સાવ પાંખી છે અને એમાંની ઘણી ખરી વસતી પણ દરિયાકાંઠે આવેલા પર્થ શહેરમાં વસે છે.
દુનિયાભરના પર્યટકોમાં પૂર્વ ઓસ્ટ્રેલિયા ખાતે આવેલા સ્થળો વધારે લોકપ્રિય છે અને પ્રમાણમાં વેરાન કહી શકાય એવો પશ્ચિમ કિનારો વધારે પર્યટકોને આકર્ષતો નથી પરંતુ ઓસ્ટ્રેલિયાના આ ભાગમાં પણ પ્રકૃત્તિએ કેટલાંક અનોખા સર્જન કર્યાં છે. શ્વેત સુંવાળી રેતીવાળા સમુદ્રીતટ, અફાટ રણપ્રદેશ, જંગલી ફળોથી ભરપૂર વનપ્રદેશો, ઉબડખાબડ ખીણપ્રદેશો અને અનોખી ખડકાળ
ભૂમિ ધરાવતા સ્થળોમાંના કેટલાંક
નવાઇ પમાડે તેવી પ્રાકૃત્તિક સંપત્તિ છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થથી આશરે ત્રણસો કિલોમીટર દૂર આવેલા હેડન નામના નાનકડા નગર પાસે વેવ રૉક નામની અજાયબી જોતાં જ ચકિત થઇ જવાય છે.
વેવ રૉક તેના નામ પ્રમાણે જ છે તો ખડક પરંતુ દેખાવે જાણે સમુદ્રનું કોઇ વિશાળ મોજું હોય એવો આભાસ સર્જે છે. આ ખડક ૧૪ મીટર એટલે કે આશરે ૪૭ ફૂટ જેટલો ઊંચો છે અને ૧૧૦ મીટર એટલે કે ૩૫૦ ફૂટ જેટલો લાંબો છે. હેડન રૉક નામની નાનકડી ટેકરીનો ઉત્તર છેડો વેવ રૉક વડે રચાયેલો છે. વેવ એટલે પાણીમાં ઉઠતી લહેર અને વેવ રૉક એ પણ પાણીના મહાકાય મોજાએ ખડકનું સ્વરૂપ લીધું હોય એવો દેખાવ સર્જતો ખડકાળ વિસ્તાર છે. પાણીની વિશાળ લહેર જુદાં જુદાં રંગોને સમેટીને ખડકના આકારમાં ધસી આવતી હોય એવો દેખાવ સર્જાયો છે. એવું લાગે કે જાણે કોઇ ચિત્રકારે ખડકરૂપી કૅનવાસ ઉપર વિવિધ રંગોની પીંછી વડે અદ્ભૂત રચના કરી હોય.
દુનિયામાં બીજા કેટલાંક સ્થળોએ પણ આવી ખડકાળ મોજા જેવી રચનાઓ સર્જાઇ છે જેની પાછળ પાણીના ધસમસતા પ્રવાહ અને ભારે વેગ ફૂંકાતા પવન જવાબદાર છે પરંતુ વેવ રૉકની રચના ભૌગોલિક કરતા રાસાયણિક પરિબળોના કારણે થઇ હોવાનું વૈજ્ઞાાનિકોનું માનવું છે. અનેક વર્ષોની રાસાયણિક પ્રક્રિયાઓના કારણે ગ્રેનાઇટને ઘસારો પહોંચતો રહ્યો. વળી આ પ્રકારનું ધોવાણ ખડકોના ઉપલા સ્તરના સ્થાને ભૂમિગત ભાગનું વધારે થયું જેના કારણે વેવ રૉક જેવી અજાયબી અસ્તિત્ત્વમાં આવી.
રાતા, પીળા અને ભૂખરાં રંગોના શિરોલંબ પટ્ટાઓ ધરાવતા વેવ રૉકને કેમેરામાં કંડારવા આંગળીઓ તરસી ઉઠે છે. વલયાકાર અને વમળાકાર ભાતની તસવીર લેવા માટેનો આદર્શ સમય બપોરનો મનાય છે. સૂર્યના પ્રકાશમાં ખડકનું કોતરકામ અવનવા રંગો વડે ઝળહળી ઉઠે છે. સહેલાણીઓને અહીંયા સાવધાનીપૂર્વક ફરવા માટેની સૂચના આપવામાં આવે છે જેથી કરીને ખડકમાં રચાયેલી લહેરોને નુકસાન ન પહોંચે.