Get The App

ફિંગલ્સ કેવ (સ્કોટલેન્ડ)

ઈશ્વરની આર્ટ-ગૅલરી - રીતેશ ક્રિસ્ટી

Updated: Dec 17th, 2019

GS TEAM

Google News
Google News
ફિંગલ્સ કેવ (સ્કોટલેન્ડ) 1 - image


ઇંગ્લેન્ડની ઉત્તરે આવેલો સ્કોટલેન્ડ નામનો પ્રદેશ આમ તો યૂનાઇટેડ કિંગડમનો ભાગ ગણાય છે પરંતુ તેની સંસ્કૃતિ અને રહેણીકરણી ઇંગ્લેન્ડના અંગ્રેજોથી સાવ ભિન્ન છે. એક જમાનામાં ઇંગ્લેન્ડના એંગ્લો-સેક્શન જાતિના લોકો અને સ્કોટલેન્ડના સેલ્ટ જાતિના લોકો વચ્ચે બાપે માર્યા જેવું વેર હતું. પરંતુ પાછળથી અંગ્રેજો તરીકે ઓળખાયેલા એંગ્લો-સેક્શન લોકો વધારે શક્તિશાળી નીવડયા અને કાળક્રમે તેમણે સેલ્ટ લોકો પર આધિપત્ય જમાવ્યું. ૧૭૦૭માં બંને પ્રદેશો એક થયા અને યુનાઇટેડ કિંગડમ ઓફ બ્રિટનનો જન્મ થયો. જોકે આજે સ્કોટલેન્ડમાં અલગતાવાદી સૂર ઊભા થવા લાગ્યા છે.

સ્કોટલેન્ડ યુરોપનો સમૃદ્ધ અને પ્રાકૃતિક સૌંદર્યથી ઉભરાતો પ્રદેશ છે. ઊંચા ઊંચા પહાડો અને હરિયાળીથી આચ્છાદિત મેદાનો ધરાવતા સ્કોટલેન્ડમાં એકથી એક ચડિયાતા જોવાલાયક સ્થળો છે. સ્કોટલેન્ડની પશ્ચિમે ઇનર હેબ્રીજિસ આર્કિપેલાગો ખાતે સ્ટાફા નામના ટાપુ પર આવેલી ફિંગલ્સ કેવ જગવિખ્યાત છે. આ ટાપુને સ્ટાફા નામ પ્રાચીન સમયમાં વાઇકિંગ જાતિના લોકોએ આપ્યું હતું જેનો અર્થ થાય છે સ્તંભોનો ટાપુ. સ્ટાફા ટાપુ પર રચાયેલા બેસાલ્ટના તોતિંગ સ્તંભો વાઇકિંગ લોકોને તેમના વૃક્ષોના થડો પર બંધાયેલા ઘરની યાદ આપતા હતા એટલા માટે તેમણે આ ટાપુને પિલર આઇલેન્ડ તરીકે ઓળખાવ્યો.

અઢારમી સદીમાં સર જોસેફ બેન્ક્સ નામના પ્રકૃતિ વિજ્ઞાાનીની આ ટાપુ પર શોધખોળ કરતા બેસાલ્ટના ઊભા સ્તંભો વડે રચાયેલી આ ગુફા મળી આવી અને તેણે તેને ફિંગલ્સ કેવ નામ આપ્યું. માંડ એકાદ કિલોમીટર લાંબા સ્ટાફા ટાપુ પરની ફિંગલ્સ કેવને નિહાળવા સહેલાણીઓ ધસારો કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ અનોખી ગુફા રચાવા પાછળ જ્વાળામુખીય પ્રવૃત્તિ જવાબદાર છે. કિનારાથી દૂર ફાટેલા જ્વાળામુખીમાંથી વહેતા લાવાના એક પછી એક એમ અનેક વહેણ ધીમી ગતિએ દરિયાકાંઠે પહોંચ્યા અને પાણીના સંપર્કમાં આવતા ઠરીને ખડક સ્વરૂપ ધારણ કર્યું. બેસાલ્ટના આ સ્તરોએ સ્તંભોની રચના કરી અને આ સ્તંભો એકબીજા સાથે ભીંસાતા ષટ્કોણીય આકારના બન્યાં.

સમુદ્રી ગુફા હોવાના કારણે ફિંગલ્સ કેવમાં હોડી મારફતે જ પ્રવેશ કરી શકાય છે. ૧૧૩ મીટર લાંબી આ ગુફામાં ૧૬.૫ મીટરની ઊંચાઇના વિશાળ કમાનાકાર પ્રવેશદ્વાર દ્વારા દાખલ થઇ શકાય છે. સ્ટાફાના માનવરહિત ટાપુ પર આવેલી ફિંગલ્સ કેવ પહોંચતા જ જાણે કોઇ સ્વપ્નસૃષ્ટિમાં પહોંચી ગયા હોઇએ એવો અનુભવ થાય છે. સમુદ્રની સપાટીથી ૬૯ મીટર ઊંચે ઝળુંબતી ગુફા તેના વિશાળકાય ષટ્કોણિય સ્તંભોના કારણે મોર્ડન આર્ટનું કોઇ મ્યૂઝિયમ હોય એવું લાગે છે. ગુફાની તમામ દીવાલો છ ખૂણા ધરાવતા મહાકાય સ્તંભો વડે રચાઇ છે. 

ફિંગલ્સ કેવ (સ્કોટલેન્ડ) 2 - image

ગુફાની બહાર અને અંદર લગભગ સંપૂર્ણ કહી શકાય એવા ષટ્કોણિય આકારના વિશાળ સ્તંભોને જોતા પહેલી નજરે તો એવું જ લાગે કે આ મોર્ડન આર્ટ જેવી લાગતી ગુફાની 

રચના માનવીએ કરી હશે. પરંતુ આ અપ્રતિમ સર્જન કુદરતના અદૃશ્ય હાથોએ કર્યું છે. પ્રકૃત્તિએ સર્જેલા અદ્ભૂત સ્થાપત્ય ઉપરાંત ફિંગલ્સ કેવમાં અવાજની અજાયબ જાદુગરી પણ સાંભળવા મળે છે. ગુફાની આંતરિક રચનાના કારણે ધ્વનિના અનોખા પડઘા પડે છે. દરિયાના મોજાના અવાજ સાથે ભળીને ગુફામાં પડઘાતા અવાજ અનોખો લય ઉત્પન્ન કરે છે. ગુફામાંના સ્તંભો સાથે વારંવાર અથડાઇને ધ્વનિની એવી તો સૂરાવલિ વહે છે કે જાણે કોઇ કેથેડ્રલમાં સંગીત વાગતું હોય. સંમોહિત કરી દે એવી આ સૂરાવલિના કારણે જાણે કે કોઇ વિશાળ કેથેડ્રલમાં આવી ચડયા હોઇએ એવી અનુભૂતિ થાય છે. 

ગુફાની બહારના દરિયાના બહાર સામેના છેડે નોર્ધર્ન આયર્લેન્ડ ખાતે આવી જ બેસાલ્ટના ષટ્કોણિય ખડકોની બનેલી જાયન્ટ્સ કૉઝ વે નામની બીજી અજાયબી આવેલી છે. આ બંને સ્થળોની પ્રાકૃતિક રચના લગભગ સરખી જ હોવાના કારણે લોકવાયકા છે કે ફિંગલ નામના શત્રુ રાક્ષસ સાથે લડવા માટે ફિન મેક કમહિલ નામના રાક્ષસે આ મહાકાય સેતુ રચ્યો હતો જે કાળક્રમે સમુદ્રના મોજાની થપાટોના કારણે ધોવાઇ ગયો. વિજ્ઞાાન ગણો કે દંતકથા, પરંતુ ફિંગલ્સ કેવને નિહાળવાનો લ્હોવો કદી ભૂલી ન શકાય એવો જરૂર છે.

Tags :