Get The App

શેલ્ટનહેમ બેડલેન્ડ્ઝ (કેનેડા)

ઈશ્વરની આર્ટ ગૅલરી - રીતેશ ક્રિસ્ટી

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
શેલ્ટનહેમ બેડલેન્ડ્ઝ (કેનેડા) 1 - image


સંસ્કૃતિ, આધુનિકતા અને પ્રાકૃતિક સૌંદર્યના અદ્ભૂત મિશ્રણ વડે રચાયેલો કેનેડા દેશ પર્યટકોના લિસ્ટમાં ટોચના સ્થળોમાં સ્થાન ધરાવે છે. અહીંયાના રમણીય સ્થળોનું આકર્ષણ દુનિયાભરના સહેલાણીઓને દોડી આવવા માટે મજબૂર કરી દે છે. અનેક સંસ્કૃતિઓને એક સાથે લઇને આગળ વધતું કેનેડા એક શાંતિપ્રિય રાષ્ટ્ર છે. મન મોહી લે તેવા નઝારા અને આકર્ષક સ્થળો ધરાવતું કેનેડા આકારની દૃષ્ટિએ રશિયા બાદ બીજા નંબરનો સૌથી વિશાળ દેશ છે. દુનિયાભરમાંથી લોકોના ધાડેધાડાં કેનેડાના લીલાછમ ઘાસથી ભરપૂર મેદાનો, બરફાચ્છાદિત પહાડો અને નિર્મળ જળથી છલોછલ સરોવરો નિહાળવા ધસારો કરે છે.  

જોકે આ તમામ અદ્ભૂત જગ્યાઓ વચ્ચે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં કુદરતે એક અનોખા અને વિચિત્ર ભૂભાગનું નિર્માણ કર્યું છે. ઓન્ટારિયોના કેલિડોન નામના એક નાનકડા શહેર પાસે આવેલો શેલ્ટનહેમ બેડલેન્ડ્ઝ આમ તો જમીનના ધોવાણના પરિણામે સર્જાયેલો વેરાન પ્રદેશ છે. આપણે જેને ધરતી કહીએ છીએ એનું નિર્માણ ખડકોના લાખો કરોડો વર્ષોના ધોવાણના પરિણામે અસ્તિત્ત્વમાં આવ્યું છે. જમીનનું ધોવાણ ભૌતિક અને રાસાયણિક એમ બે રીતે થતું હોય છે. ગરમી, ઠંડી, વરસાદ, પવન, પાણી થીજી જવાથી, પાણીના પ્રવાહથી, દરિયાના મોજાથી અને હિમનદી દ્વારા ધોવાણને ભૌતિક ધોવાણ કહે છે. જ્યારે ખડકોમાં રહેલા ખનીજોની પાણી સાથેની વિવિધ પ્રક્રિયા તેમજ ઓક્સિડેશન અને રિડક્શન જેવી રાસાયણિક પ્રક્રિયાઓના કારણે થતાં જમીનના ધોવાણને રાસાયણિક ધોવાણ કહે છે. 

કુદરતી રીતે જમીન બનવાની પ્રક્રિયા અત્યંત ધીમી છે અને વર્ષો બાદ ફળદ્રૂપ જમીન તૈયાર થાય છે પરંતુ જમીનના ધોવાણની પ્રક્રિયા અત્યંત ઝડપી છે. એક અંદાજ મુજબ સામાન્ય પરિસ્થિતિમાં કુદરતી પરિબળો વડે જમીનનો એક સેન્ટિમીટરનો થર બનતા એક્સોથી ત્રણસો વર્ષ લાગે છે પરંતુ વરસાદ તેમજ પવનના ઘસારા દ્વારા રચાયેલું જમીનનું પડ માત્ર બાર જ વર્ષમાં ધોવાઇ જાય છે. કુદરતી પરિબળો ઉપરાંત જમીનના અયોગ્ય ઉપયોગ, અનિયંત્રિત ચરિયાણ અને ખામીભરી વાવેતર પદ્ધતિ જેવી માનવીય ભૂલોના પરિણામે પણ જમીનનું ધોવાણ થાય છે. શેલ્ટનહેમ બેડલેન્ડ્ઝનું સર્જન પણ ખેતીની અયોગ્ય પદ્ધતિના કારણે જ થયું છે. 

કુદરતની કલાકારીગરી વિશે વિચારીએ તો એવું જણાયા વિના નથી રહેતું કે તે સૃષ્ટિની અદ્ભૂત સ્થાપત્યકળાકાર છે. પ્રકૃત્તિએ સર્જેલી અજાયબીઓમાં એકથી એક ચડિયાતી એવી કૃતિઓની ભરમાર છે કે જેમને જોયા પછી મન અચંબિત થયા વિના રહેતું નથી. એ સાથે એવો વિચાર પણ આવે છે કે છેવટે આવી અનોખી અને મનમોહક રચનાઓ સર્જવા પાછળ નિસર્ગનું પ્રયોજન શું હશે? શું પ્રકૃત્તિએ માત્ર કૌતુક પેદા કરવા માટે જ આવી અજાયબ વસ્તુઓ સર્જી હશે કે પછી એની પાછળ તેનો કોઇ ઉદ્દેશ હશે? ગંભીર મંથન કર્યા બાદ તો એવું જ લાગે છે કે પ્રાકૃત્તિક તત્ત્વો દ્વારા અવનવા સર્જન કરવા પાછળ કુદરતનો ધ્યેય એ હશે કે તે માનવીને 

પ્રેરણા આપે કે તે પોતાની પ્રવૃત્તિઓ દ્વારા રચનાત્મક સર્જન કરે વિધ્વંશાત્મક નહીં. 

કદાચ એટલા માટે જ તે કદી કલ્પના પણ ન કરી હોય એવા પદાર્થો અને ઓજારો વડે અનોખા સર્જન કરે છે. શેલ્ટનહેમ બેડલેન્ડ્ઝ ખાતે પણ કુદરતે એવો જ અનોખો ચમત્કાર કર્યો છે. અહીંયા ખરાબાની જમીન પર ધોવાણ દ્વારા નાની નાની રાતી ટેકરીઓ રચના પામી છે. મનુષ્યની આંખોને જેમ રંગબેરંગી ચીજો જોવી ગમે છે એમ જ પ્રકૃત્તિ પણ જાણે રંગોની શોખીન હોય એમ કલ્પના પણ ન કરી હોય એવા સ્થળોએ અને વિસ્મય જન્માવે એવી રાસાયણિક અને ભૌગોલિક પ્રક્રિયાઓ કરીને આંખો પર વિશ્વાસ ન થઇ શકે એવા સ્થળો ઘડી કાઢે છે. શેલ્ટનહેમ બેડલેન્ડ્ઝની જમીન પણ વિવિધરંગી છે. 

આ રંગબેરંગી ભૂભાગ આશરે ૪૦ કરોડ વર્ષ પહેલાં પ્રાચીન સમુદ્રના તળિયે રયાયો હતો. ભૂસ્તરીય પ્રક્રિયાઓના પરિણામે જળ ત્યાં સ્થળ બન્યું અને રાતા રંગના મૃદુ ખડકો વડે બનેલો પ્રદેશ અસ્તિત્ત્વમાં આવ્યો. ક્વીન્સ્ટન શૉલ તરીકે ઓળખાતા ખડકો ઉપર લાઇમસ્ટોન, સેન્ડસ્ટોન, રેતી અને કાંપના થરો જામતા ગયાં. એક જમાનામાં અહીંયાની જમીન અત્યંત ફળદ્રુપ હતી અને કેનેડાના મૂળ નિવાસીઓ અહીંયા ઘઉં, બટાટા અને કઠોળના પાક લેતાં હતાં. બાદમાં આ જમીન ચરિયાણ તરીકે વપરાવા લાગી અને બસ એમાં જ તેનો દાટ વળી ગયો. 

ઘસારાના પરિણામે જમીન વેરાન બની ગઇ અને માટી નીચે દબાયેલો ખડકાળ પ્રદેશ બહાર આવી ગયો. ઉજ્જડ બની ગયેલી જમીન પર વરસાદના પાણીએ પોતાની કારીગરી અજમાવી. ખડકોમાં રહેલા આયર્નનું ઓક્સિડેશન થતાં આયર્નનાં વિવિધરંગી ઓક્સાઇડ રચાયા અને ભૂમિ રંગબેરંગી બની ગઇ. આમ ખરાબાની જમીનને પ્રકૃત્તિએ દર્શનીય સ્થળમાં પરિવર્તિત કરી દીધી.

Tags :