સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડિપ્રેશનથી કેવી રીતે બચવું?
અધ્યયન - હિરેન દવે .
સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ ખુબજ મોટા પાયે આવી સમસ્યાઓનો સામનો કરતાં જોવા મળ્યા છે. જ્યારે જૂજ બેઠકો માટે લાખો ઉમેદવારોની સ્પર્ધા હોય છે ત્યારે ખુબજ માનસિક દબાણ હેઠળ કામ કરવાનું થાય છે. ક્યારેક ધારી સફળતા મળતી ન હોય કે કુટુંબનું માનસિક દબાણ હોય તો 'ડિપ્રેશન' જેવી સમસ્યાઓનો શિકાર બની શકાય છે. આવા સમયને કેવી રીતે સાચવી લેવો અને તેમાથી બહાર નીકળી ફરી 'નોર્મલ' જીવનની શરૂઆત કરવી તેની ચર્ચા આપણે કરીશું.
ડિપ્રેશન એક એવી પરિસ્થિતી છે કે જેમાથી અનેક લોકો પસાર થાય છે ૯૦% લોકો તેમાથી રિકવર થઈને સાધારણ જીવન ટૂંકમાં શરૂ કરી શકે છે. પણ કેટલાક લોકો આ સમસ્યામાથી સહેલાઇથી નીકળી શકતા નથી અને આલ્કોહોલ, વ્યાસનો, ડ્રગ્સ જેવા રવાડે ચડી જાય છે. 'ડિપ્રેશન'નું મુખ્ય લક્ષણ 'નિષ્ક્રિયતા' છે.
કોઈ પણ કામમાં રસ ન પડે. અરુચિ કે અભાવ આવી જાય અને નિષ્ક્રિય બેસી રહેવાય. આ પરિસ્થિતિ એક ચક્રીય સ્થિતિનું નિર્માણ કરે છે. ડિપ્રેશન નિષ્ક્રિયતા પ્રેરે છે અને નિષ્ક્રિયતા વધુ ડિપ્રેશન લાવે છે. આ પરિસ્થિતી નિવારવા સૌપ્રથમ એકલતામાથી બહાર આવો. એકલા મનુષ્યને અનેક નકારાત્મક વિચારો આવે છે અને તે વધુ નિરાશ થાય છે. આથી તમારા પરિવારના લોકોને મળો. જો હોસ્ટેલમાં કે દૂર રહેતા હોવ તો ફોન પર વાત કરો. મિત્રો સાથે વાત કરો. નકારાત્મક વિચારોમાંથી બહાર આવો.
ડિપ્રેશનમાથી બહાર આવવાનો બીજો સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે સૂર્યપ્રકાશ મેળવવો. અભ્યાસથી એવું પુરવાર થયું છે કે સૂર્યપ્રકાશ ડિપ્રેશન દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જે દેશોમાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે તેમાં ડિપ્રેશન વધુ આવે છે. તમે તમારી જાતને દિલ પર હાથ મૂકી એક સવાલ પૂછો કે છેલ્લે સૂર્યોદય કે સૂર્યાસ્ત ક્યારે જોયો હતો. આપણે મોટા ભાગે આપના પોતાનામાં એટલા ઉલઝયેલા હોઈએ છે કે વર્ષમાં ક્યારેક એકવાર પણ સૂર્યોદય કે સૂર્યાસ્ત જોયો હોતો નથી.
ત્રીજો સરળ ઉપાય છે કે તમારી ગમતી પ્રર્વૃત્તિમાં મન પરોવો. મૂવી જોવું, મ્યુઝિક સાંભળવું, ડાયરી લખવી, ચિત્ર દોરવું, પુસ્તક વાંચવું, લોંગડ્રાઇવ પર જવું વગેરે. ચાલવું એ પણ ડિપ્રેશન નિવારવાનો સારો વિકલ્પ માનવમાં આવે છે. અભ્યાસથી એવું પુરવાર થયેલ છે કે ચાલવાથી ડિપ્રેશનમાથી આપોઆપ બહાર આવી શકાય છે અને નકારાત્મક વિચારો દૂર કરી શકાય છે.
ડિપ્રેશનથી બચવા આરોગ્યનું ધ્યાન રાખો. મોટાભાગના ડિપ્રેશનથી પીડાતા લોકોની ઊંઘ પૂરી હોતી નથી. સમયસર સુવા ન મળે,અનિંદ્રાથી પીડાતા લોકો ડિપ્રેશનનો શિકાર બને છે. જો ૮ કલાક જેટલી નિયમિત ઊંઘ લેવામાં આવે તો ડિપ્રેશનથી બચી શકાય છે. ખોરાકમાં જંકફૂડ એવોઈડ કરવું જોઇયે.
આપણા ત્યા વિદ્યાર્થીઓમાં જંકફૂડનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુ છે! ડિપ્રેશનના સમયમાં વધુ ગળી- ખાંડવાળી વસ્તુઓ ખાવાથી સુગરકીક મળે છે અને સારું લાગે છે : કોક પીવી, કેડબરી કે ચોકલેટ ખાવી.તેનાથી ઘણું સારું ફિલ થાય છે. વિટામિન બી ૧૨ની ઉણપથી પણ ડિપ્રેશન આવે છે. આથી બી ૧૨ વાળો ખોરાક ખાવો જોઇયે.
નેગેટિવ વિચારો છોડી પોઝિટિવ એપ્રોચ વિકસાવો. તમને જ્યારે અંદરથી ખુબજ નેગેટિવ વિચારો આવે ત્યારે તેને સ્થાને તમે જે કઈ સારું કામ કર્યું છે તેને યાદ કરો. તમને સારું લાગશે. મારાથી પાસ નહીં થવાય તેવું ન વિચારો. બહુ બધી તૈયારી બાકી છે, હું તો આ કામ ક્યારેય ન કરી શકું એવું ન વિચારો. તેને સ્થાને નાની નાની તૈયારીથી શરૂઆત કરો.
નાના નાના કામ કરો તે પૂરા કરવાનો આનંદ અને સંતોષ થશે. જે વિષય ટફ લાગે છે તે પૂરો કરતાં તો ૬ માહિનામાં પણ નહીં થાય એવું ન વિચારો. આજે શું થઈ શકે તે વિચારો. જેમકે આજના દિવસમાં પ્રથમ કામ એ વિષયનું એક પુસ્તક તો ખરીદી શકાય! આમ કરવાથી ઘણું સારું લાગશે. નિષ્ક્રિયતામાથી બહાર આવશો અને ડિપ્રેશનમાથી રિકવર થઈ શકશે!
આ ઉપરાંત યોગા, મેડિટેશનનો પ્રયોગ કરી શકાય.
પરંતુ વ્યસનો, દારૂ કે ડ્રગ્ઝના રવાડે ક્યારેય પણ ચડવું નહીં! અનેક લોકો ડિપ્રેશનથી બચવા વ્યસનોને રવાડે ચડી નવી સમસ્યાઓ પેદા કરે છે! પણ જો આ બધુ કર્યા બાદ પણ ડિપ્રેશનમાથી બહાર ન આવી શકાય તો ડોક્ટરની સલાહ લઈ તરતજ દવા ચાલુ કરવી જોઇયે.
અહી ધ્યાન રાખવું કે પોતાની રીતે દવા ક્યારેય ન લેવી. ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. જોકે આપણે ત્યાં મોટાભાગના લોકો મનોચિકિત્સકની સલાહ લેવાનું પસંદ કરતાં નથી. આ અભિગમ બદલવાની જરૂર છે. અમેરિકામાં આખા દેશની વસ્તીના ૧૦% લોકો ડિપ્રેશન વિરોધી દવાઓનો ઉપયોગ કરે છે.
ડિપ્રેશન આવવું એ નોર્મલ છે. બી કૂલ! દરેકને જીવનમાં ક્યારેક તો તેનો સામનો કરવો જ પડે છે. પરંતુ આવા સમયને યોગ્ય રીતે સાચવી ન લેવાય તો વ્યસનોનો ભોગ લોકો બને છે. આત્મહત્યાના પ્રયત્નો કરે છે. આ પરિસ્થિતી નિવારવા પાણી આવે તે પહેલા પાળ બાંધી ડિપ્રેશન મેનેજ કરવું.