Get The App

સંવાદ કૌશલ્ય (કમ્યુનિકેશન સ્કીલ્સ) ચુટકીમાં સુધારવાના સરળ નુસખા!

અધ્યયન - હિરેન દવે .

Updated: Feb 18th, 2020

GS TEAM

Google News
Google News
સંવાદ કૌશલ્ય (કમ્યુનિકેશન સ્કીલ્સ) ચુટકીમાં સુધારવાના સરળ નુસખા! 1 - image


રોજબરોજના જીવનમાં સંવાદ કૌશલ્ય ખુબ જ જરૂરી છે. પ્રભાવશાળી અને અસરકારક સંવાદકૌશલ્ય દ્વારા જીવનમાં પ્રત્યેક ક્ષેત્રે ઉપયોગી બની શકે છે. સંવાદ કૌશલ્યના બે મુખ્ય પાસા છે. શાબ્દિક સંવાદ કૌશલ્ય અને બિન શાબ્દિક સંવાદ કૌશલ્ય. આજે આપણે 'શાબ્દિક સંવાદકૌશલ્ય' વિષે વાત કરીએ.

આ કૌશલ્ય વિક્સાવવા માટે સૌથી પહેલા તો સારા શ્રોતા બનવું પડે ! જેવું સાંભળશો- તેવું વિચારશો- બોલશો. સારા વક્તાઓને સાંભળો ! તેમની કમ્યુનિકેશન સ્કીલ્સનું વિશ્લેષણ કરો. સારા વક્તાઓ જ્યારે વાત કરે છે. ત્યારે કાને પડતા શબ્દો સીધા હૃદયમાં ઉતરી જાય છે. તમે જે વાત માનવા તર્કબદ્ધ રીતે તૈયાર ન થાવ તે પણ તમને વિચારવા- માનવા ફરજ પાડે છે ! તેનાથી શ્રેષ્ઢ અનુભવ મળશે. કોઈપણ વાત કેવીરીતે અસરકારક રીતે રજૂ થઈ શકે તે શિખવા મળશે.

સંવાદનું માધ્યમ ભાષા છે અને જ્યાં સુધી ભાષા પર અસરકારક પ્રભુત્વ ન હોય ત્યાં સુધી સંવાદ અસરકારક ન હોઈ શકે ! આથી આપણી પાસે ભાષાકૌશલ્ય હોવું જરૂરી છે. જે કઈ બોલીએ તે સ્પષ્ટ અને વ્યાકરણની દ્રષ્ટીએ સાચું હોવું જોઈએ. આ ઉપરાંત તેમાંથી જાણેઅજાણ્યે પણ કોઈ બે અર્થ નીકળતા ન હોવા જોઈએ. તમારા વાક્યનું એક અને માત્ર એક જ અર્થઘટન શક્ય બને તેટલું સ્પષ્ટ- વેલ ડિફાઈન્ડ હોવું જોઈએ. જેમકે એક ઉમેદવારને ઇંટરવ્યુમાં પુછવામાં આવ્યું કે તમારો હોબી શું છે ? તેણે કિધુ મને વાચનનો શોખ છે. આ જવાબ અપુર્ણ કહેવાય. વધુ સ્પષ્ટ ઉત્તર એ હોય કે મને ગુજરાતી નવલકથા વાંચનનો શોખ છે. તો પ્રશ્નો તેમાંથી જ આવી શકે ! વાચનનો શોખ એ ખુબજ વ્યાપક વિષય થાય. આથી ઇંટરવ્યુઅર માટે પ્રશ્નો પૂછવાનું ખુબ મોકળું મેદાન મળી જાય. વાચનમાં નવલકથા કે ટૂંકી વાર્તા. સેલ્ફ- હેલ્પ લિટરેચર, ધાર્મિક પુસ્તકો, અખબારો કે સામાયિકો એમ 'વેલ ડિફાઈન્ડ' ઉત્તર હોવો જોઈએ.

'શબ્દ'નું સારું એવું ભંડોળ હોવું અનિવાર્ય છે. વળી, શબ્દના ઉપયોગ માટે એ નોંધવું પડે કે ભાષાનો પ્રત્યેક શબ્દ અલગ છે. સમાનર્થી શબ્દો પણ કંઈ વાસ્તવમાં એક જ નથી. પ્રત્યેક શબ્દના અનેક પરિમાણો- ઝાય છે. જેમાં ક્યાંક અને ક્યાંક બે શબ્દો ચોક્કસપણે જુદા પડે જ છે. આથી ક્યા શબ્દનો ક્યારે ઉપયોગ કરવો તેની સમાજ કેળવવી જોઈએ. આ સમજ બહોળા વાચનથી કે અનુભવથી કેળવી શકાય. તથા જ્ઞાાની લોકોને સાંભળવાથી અને તેનું મનન તથા ચિંતન કરવાથી તે વિકસાવી શકાય.

બંધારણીય દ્રષ્ટીએ 'કેન્દ્ર સરકાર' કરતા 'સંઘ સરકાર' વધુ સાચો શબ્દપ્રયોગ છે. લિંગસમાનતાના દ્રષ્ટિકોણથી 'ચેરમેન' કરતા 'ચેરપર્સન' વધુ સારો શબ્દપ્રયોગ છે. 'સેક્સ' કરતા 'જેંન્ડર' વધુ સારો શબ્દ છે. ભાવાર્થના દ્રષ્ટિકોણથી 'ટેક્સનેટ' કરતાં 'ટેક્સબેઝ' વધુ સારો શબ્દપ્રયોગ છે.

કેટલાક લોકોને એકનાએક શબ્દોને અનેક વખત પ્રયોજવાની ટેવ હોય છે. જેમકે, 'બાય ધ વે' ઓકે-ઓકે વગેરે ! આવી ટેવને માવજતપુર્વક સુધારવી જ રહી !

આ ઉપરાંત ભાષાનું ઉચ્ચારણ વધુ સ્પષ્ટ હોવું જોઈએ. સ્થાનિક બોલીઓ જેમકે 'કાઠીયાવાડી' 'સુરતી''પટણી' કે 'ચરોતરી'ના લહેકાને સ્થાને શુદ્ધ ભાષા બોલવાની પ્રેક્ટિસ કરો.

ઓછા શબ્દોમાં વધુ કહેવાની ક્ષમતા 'લાઘવ' કેળવવું અત્યંત મહત્વનું છે ! કોઈપણ બાબતે સમગ્રલક્ષી રીતે ઓછા શબ્દોમાં કેવી રીતે કહી શકાય તે યોગ્યરીતે વિકસાવવાની કળા છે. ટુંકમાં કહેવામાં તેના કોઈપણ પરિમાણ રહી જવા જોઈએ નહિં.

આ ઉપરાંત ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે બોલતી વખતે અવાજ બહુ મોટો કે ધીરો ન હોવો જોઈએ. કેટલાક લોકો સામેવાળાના પ્રશ્નો કે દલીલોથી અસહેમત થતા ખુબજ મોટા અવાજે તેનો વિરોધ નોંધાવે છે. જે યોગ્ય નથી ! અવાજનો ટોન ખાસ ધ્યાનમાં રાખવો. વધુ પડતા મોટા અવાજે વાત કરનાર વ્યકિત એગ્રેસીવી મનોવૃત્તિ કે સામે વાળા પર ચડી બેસવાની મનોવૃત્તિ ધરાવે છે, તેવું માનવામાં આવે છે. તેની સામે વધુ પડતા ધીરા અવાજને આત્મવિશ્વાસનો અભાવ માનવામાં આવે છે. આમ શબ્દોનું પ્રોજેક્ષન કેવી રીતે કરવું તે પણ એક લક્ષમાં લેવા જેવું પરિણામ છે.

જો આ પ્રેક્ટિસ કરશો તો થોડા સમયમાં પરિણામ દેખાશે. સંવાદ કૌશલ્ય જીવનમાં પ્રત્યેક ક્ષેત્રે મહત્વનંય છે. માત્ર અભ્યાસના ભાગરૂપે પરીક્ષામાં ગુણ મેળવવા માટે નહિ, પરંતુ નોકરી મેળવવા અને ત્યારબાદ રોજબરોજના વર્કપ્લેસ પરના રોજબરોજના પ્રશ્નોના નિરાકરણ સુધી કે જીવનમાં સામાજિક ક્ષેત્રે વાર્તાલાપ માટે ભાષાકૌશલ્ય સફળતાની ચાવી છે. સારા સંવાદ કૌશલ્યથી તમારી વાત અસરકારક રીતે સામી વ્યકિત સુધી પહોંચાડી શકો છો અને ગેરસમજ થવાની શક્યતાઓને નિવારી શકો છો.

Tags :