Get The App

ઓનલાઈન શિક્ષણ ફજ ઓફલાઈન શિક્ષણ

અધ્યયન - હિરેન દવે .

Updated: Mar 17th, 2020

GS TEAM


Google News
Google News
ઓનલાઈન શિક્ષણ ફજ ઓફલાઈન શિક્ષણ 1 - image


ભાવિ શાળાઓમાં વિદ્યાર્થીઓ વિડિયો થકી જ લેકચર નિહાળતા હશે અને વર્ગખંડના સમયનો ઉપયોગ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ અને ચર્ચા કે પરિસંવાદ માટે જ થતો હશે ! 

વર્ષ ૨૦૧૧ના મે મહિનામાં એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ અને માઈક્રોસોફટ કો-ફાઉડર બિલ ગેટ્સની મુલાકાત થઈ. સ્ટીવ જોબ્સ કેન્સર સામે ઝઝુમી રહ્યા હતા ત્યારે તેમના મૃત્યુ પહેલા કમ્પ્યુટર ક્ષેત્રના બન્ને માંધાતાઓ વચ્ચે આ અંતિમ મુલાકાત હતી.બંનેએ ૩ કલાકથીવધુ સમય ચર્ચા કરી. સૌથી વધુ ચર્ચા શિક્ષણ ક્ષેત્રની થઈ.કમ્પ્યુટર અને ઈન્ટરનેટ આવ્યા બાદ આરોગ્ય, કાયદો, વ્યાપાર જેવા અનેક ક્ષેત્રોમાં ધરમુળથી પરિવર્તન આવ્યા છે પણ શિક્ષણ એક એવું ક્ષેત્ર છે કે જેમાં નહિવત અસર થઈ છે. બિલ ગેટ્સે પોતાના વિચારો રજુ કર્યા  કે ભાવિ શાળાઓમાં વિદ્યાર્થીઓ વિડિયો થકી જ લેકચર નિહાળતા હશે અને વર્ગખંડના સમયનો ઉપયોગ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ અને ચર્ચા કે પરિસંવાદ માટે જ થતો હશે ! ગેટ્સના મતે શિક્ષણ ક્ષેત્રે કમ્પ્યુટર ટેકનોલોજીએ સફળ થવા વધુ પર્સનલાઈઝ અભ્યાસ અને મોટીવેશનલ ફિડબેક પર ધ્યાન આપવું પડશે.

પરંપરાગત રીતે શિક્ષણ પુસ્તકોના માધ્યમથી, વર્ગખંડોમાં અનુભવી શિક્ષકો દ્વારા આપવામાં આવતું હતું. ભારતમાં આ પરંપરા યુગો જુની છે. 'ઉપનિષદ' શબ્દ છે. જેનો શાબ્દિક અર્થ 'ગુરૂના સાનિધ્યમાં રહી આપવામાં આવતું શિક્ષણ' એવો થાય છે. સદીઓથી ચાલતી આ પરંપરા એ થોડા સમયથી ખૂબ ઝડપી પરિવર્તન પામી રહી છે. માહિતી અને સંચાર પ્રૌધ્યોગિકિના આ યુગમાં બીજા અનેક ક્ષેત્રોની જેમ શિક્ષણમાં પણ 'ડિસરપ્શન' થઈ રહ્યું છે. શિક્ષણની પરિકલ્પના ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. યુટયુબ, વિકિપેડિયા, કંટેટ મેનેજમેન્ટ સાઈટસ વગેરેનો પ્રભાવ અને એપ બેઝ્ડ કોચિંગ એ શિક્ષણના ક્ષેત્રે ધરમૂળથી ફેરફાર લાવી રહ્યું છે.

શિક્ષણ અને ટેકનોલોજીનો સંગમ 'એડ-ટેક' નામે ઓળખાવવા લાગ્યો છે. જેમાં ભારતની કમ્પની બાયજુ વિશ્વની સૌથી મોટી એડ-ટેક કંપની ગણાય છે. ત્યારબાદ ટોપર, અનએકેડેમી, વેદાંતુ, ઉડાસીટી વગેરે કાઠું કાઢ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્રારા આર્ટિફિશિયલ ઈંટેલિંજસ પર આધારિત સૌથી મોટા શિક્ષણિક પ્લેટફોર્મ 'એમ્બાઈબ'માં ૧૮૦ મિલિયન ડોલરનું મુડીરોકાણ કરવામાં આવશે ! આ ટેકનોલોજીના પ્રયોગથી રિલાયન્સ ૧.૯ મિલિયન શાળાઓ અને ૫૮૦૦૦ વિશ્વવિદ્યાલયોને જોડવા માંગે છે. આમ આગામી થોડા વર્ષોમાં શિક્ષણ જગત મોટા પરિવર્તનોનો સામનો કરશે !

આમ, આ પરિવર્તન કોઈ એક ક્ષેત્ર માટે મર્યાદિત ન રહેતા કે-૧ર, સીએ, એમબીએ, યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જેઈઈ, એનઈઈટી વગેરે તમામ ક્ષેત્રે આવરી લે છે. અનેક યુટયુબ ચેનલથી માંડીને એપબેઝ લર્નીંગ દિવસે દિવસે વધી રહ્યું છે. ભારતની સૌથી મશહુર એડ-ટેક કંપની બાયજુ શિક્ષણને ડિઝનીફાય કરવાની વાત કરે છે. તેની દૃષ્ટિએ શાળાનું શિક્ષણ જો વિવિધ ડિઝનીના પાત્રો દ્વારા આપવામાં આવે તો વધુ પ્રોપ્યુલર બની શકાય.

અહીં સૌથી મુંઝવણ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે છે. શિક્ષણ ઓનલાઈન કે ઓફલાઈન ક્યા માધ્યમથી ગ્રહણ કરવું. ? બંને શિક્ષણના પોતપોતાની વિશેષતાઓ - મર્યાદાઓ છે. જેમ કે ઓનલાઈન શિક્ષણ વધુ સુલભ અને સસ્તુ છે. ૪જી  નેટ આવ્યા બાદ તમામ વિસ્તારમાં આ શિક્ષણ પહોંચી શકે છે. ગામડે-ગામડે વિદ્યાર્થીઓને જોડી શકે છે. પણ ઓફલાઈન કોચિંગ પણ ઓછું ઉપયોગી નથી. જેમ કે ૩૦ -૩પ વિદ્યાર્થીઓ એકઠા થાય અને વર્ગનો માહોલ-એમ્બીયંસ જે બને તે ઓનલાઈન કોચિંગમાં નથી. આથી ઓનલાઈન વિડિયો મોટાભાગે ર૦-રપ મિનિટના હોય છે. વધુ લાંબા કોઈ જોઈ શકતા નથી. શિક્ષક સામે હોય અને જે મોટિવેશન મળે તે ઓનલાઈન શિક્ષણમાં મળતું નથી. પર્સનલ ટચ નથી ! હાલમાં કેટલાક એવા મિલેનિયલ્સનો વર્ગ ઉદભવતો જાય છે કે જેમના માટે પુસ્તક વાંચવા 

કરતા તમામ વાંચન અભ્યાસ ઓનલાઈન જ પસંદ કરે છે ! પણ હજી સારા પુસ્તકથી તમામ ફંડામેન્ટલ જેવા મજબૂત થાય તેવા છુટક ઓનલાઈન વાંચનથી થતી નથી. વળી, ઓનલાઈન મોટાભાગના સોર્સ ઈનફોર્મલ પ્રકારના હોય છે. તેની ગુણવત્તાની કોઈ ગેરંટી નથી. સોશિયલ મિડિયામાં ફેક ન્યુઝને લીધે વોટ્સઅપ યુનિવર્સિટીના હુલામણા નામે ઓળખવવા લાગ્યું છે. ! વિકિપેડિયા પર પણ અનેક ખોટા સમાચારો મળી આવે છે. !

આમ  આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ કયા અભિગમથી અભ્યાસ કરે છે તે તેમની સફળતા કે નિષ્ફળતા માટે ખૂબ જ આવશ્યક છે. કોઈપણ વિદ્યાર્થીએ પ્રેકટીકલ બની કોઈ એક માધ્યમને સ્થાને બંનેનો 'વિવેકપૂર્ણ' ઉપયોગ કરવો જોઈએ. ઓફ કોર્સ, વધુ ભાર ઓફલાઈન કોચિંગ પર જ આપવું જોઈએ. સારા અને પાયાના પુસ્તકો ઉપયોગ કરવો જોઈએ. સારું ગુ્રપ બનાવી કોઈ શિક્ષણના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરવો જોઈએ. પરંતુ તેમા જે કોન્સેપ્ટ ક્લિયર ન થાય તેના માટે નેટ સર્ફ કરવું કે યુટયુબ પર વિડિયો જોવા જોઈએ. પણ  દિવસમાં જો ૮ કલાક વાંચન કરતા હોવ તો તેમનાથી મહત્તમ ૧ કલાક ઓનલાઈન ઓડિયો-વિઝ્યુઅલ ર્સોર્સ માટે આપી શકાય. બાકીનો સમય ઓફલાઈન વાંચન, એકાગ્રપૂર્ણ વાંચન, મનન અને ચિંતન માટે જ આપવો જોઈએ. જો વધુ સમય આ મોહમાયામાં ફસાઈ જાવ તો તમારી કારકીર્દીના ઉદ્દેશથી ભ્રમિત થઇ જાવ અને ખોટી દિશામાં ફંટાઈ જાવ તેવી સંભાવના નકારી શકાય નહિ !

આમ આજનો સમય માહિતીના વિસ્ફોટનો યુગ છે. કોઈપણ વિષય પર એક ક્લિક પર સેંકડો તથ્યો મળે છે પણ દરેક વિદ્યાર્થી પાસે સમય અને યાદશક્તિ મર્યાદીત છે. આવા સમયમાં માહિતીના સાગરમાંથી જે જ્ઞાાનના કન્સેપ્ટરૂપી મોતી શોધવાની કળા વિકસાવે તે સ્પર્ધામાં ઝડપી સફળતા મેળવશે.

Tags :