એલોવેરા (કુવારપાઠું) આરોગ્ય માટે કેટલું ઉપયોગી ગણાય?
હેલ્થ ટીટ્બીટ્સ - મુકુન્દ મહેતા
શરીરના સાંધામાં પાણી ભરાવાથી સોજા આવે અને દુખાવો થાય છે તેમાં 'એલોવેરા'ના રસની રોજ માલીસ કરવાથી આરામ થાય છે
એલોવેરા (કુમારપાઠું)ના છોડના લીલા જાડા અને ઝીણા કાંટા વાળા પાંદડામાંથી નીકળતા ઘાટા રંગ વગરના થોડા ચીકણા રસના હજારો વર્ષથી ચહેરાની સુંદરતા આપવાના, દવા તરીકે વાપરવાના અને શરીરની ચામડીને સરસ રાખવાના અદ્ભૂત ગુણોને કારણે જગતભરમાં પ્રખ્યાત છે.
કુમારપાઠાના છોડ એલો વેરાનો ઉપયોગ કઈ રીતે ફાયદાકારક છે ?
૧) એલો વેરામાં ૧૮ જેટલા 'એમીનોએસિડ' છે જેનાથી તમને મોટાભાગના ચેપી રોગો સામે રક્ષણ મળે છે..૨) એલો વેરામાં કેલ્શ્યમ, મેગ્નેશ્યમ, પોટાશ્યમ, કોપર, સેલેનિયમ, સોડિયમ, મેંગેનીઝ જેવા ખનીજ પદાર્થો (મિનરલ્સ) છે. ૩) તેમાં ખૂબ પાવરફૂલ એન્ટિઓક્સિડંટ્સ વિટામીન એ, વિટામીન સી અને વિટામીન ઇ, વિટામિન બી-૧૨ અને ફોલિક એસિડ છે.
જે પોલીફેનોલ્સ તરીકે ઓળખાય છે. ૪) આ ઉપરાંત એલોવેરામાં શરીરને જરૂરી ૨૨ જેટલા 'એમીનો એસિડ અનેક પ્રકારના ફેટી એસિડ અને હોર્મોન પણ છે જેને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટિ)ને ખૂબ વધે છે. અને શરીરમાં દાખલ થયેલા અને શરીરને નુકશાન કરનારા ફ્રી રેડિકલ્સ નાશ કરે છે એટલે તેનાથી ચેપી રોગો સામે રક્ષણ મળે છે.'૫) તેમાં આઠ એન્ઝાઈમ પણ છે એટલે એલોવેરા રસ લગાડવાથી ચામડી ઉપર થયેલા સોજો મટી જાય છે. ૬) તેમાં રહેલા 'એનથ્રોકવિનોન (લેટેક્સ)ને કારણે પેટ સાફ રહે છે અને કબજિયાત રહેતી નથી.'
એક કપ (૨૫૦ સી.સી.) જેટલા 'એલો વેરા'ના રસમાં શું હોય ?
૧૩૨ કેલરી, ૦,૩ ગ્રામ્સચરબી, ૫ મિલિગ્રામ્સ સોડિયમ, ૩૨૨ મિલી. ગ્રામ્સ. પોટાશ્યમ, ૩૧.૯ કારબોહાયડ્રેટ અને ૦.૯ પ્રોટીન એલો વેરાનો રસ અને તેમાથી બનાવેલી વસ્તુઓ, સાબુ, કોસ્મેટિક્સ, ડીટર્જટ્સ, અને પીવાની તેમજ ખાવાની વસ્તુઓ હવે બજારમાં ખૂબ પ્રમાણમાં ખાસ કરીને હર્બલ મેડિસિનના સ્ટોરમાં બધી જ વસ્તુઓ મળશે.
એલો વેરાના ઉપયોગથી થતાં આરોગ્ય ના ફાયદા:
૧) એલોવેરાના રસમાં 'પોલીસેકેરાઈડ્સ' છે જેનાથી ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) વધે છે અને પેટના તેમજ લોહીના ચેપી રોગો સામે રક્ષણ મળે છે. ૨) એલોવેરા નિયમિત લેવાથી પાચન શક્તિ વધે છે, ૩) ક્રીમની માફક એલોવેરાના રસનો ચામડી ઉપર માલિશ કરવાથી ચામડીને નવજીવન મળે છે. કરચલી પડતી નથી અને ખંજવાળ દૂર થાય અને લાંબો સમય ઉપયોગ કરવાથી ચામડીના રોગ 'સોરાએસિસ'માં ફાયદો થાય છે. ૪) વાગવાથી થએલા ઘાને રૂઝવવા માટે એલોવેરાનો રસ જાદુઇ કામ કરે છે.
પ. વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે એલોવેરાના રસમાં રહેલા 'મેક્રોફ્રેજ'ને કારણે ખૂબ પ્રમાણમાં 'નાઇટ્રિક ઓક્સાઈડ'ઉત્પન્ન થાય છે જેને કારણે 'કેન્સર' સામે રક્ષણ મળે છે. ૬) શરીરના સાંધામાં પાણી ભરાવાથી સોજા આવે અને દુખાવો થાય છે તેમાં 'એલોવેરા'ના રસની રોજ માલીસ કરવાથી આરામ થાય છે. ૭) ઉબકા અને ઉલ્ટી થતી હોય તેવા કિસ્સામાં ત્રણ ચમચી એલોવેરાનો રસ પીવાથી રાહત થાય છે. ૮) ખાધેલો ખોરાક ઉપર આવતો હોય જેને 'એસિડ રિફ્લક્સ' કહેવાય અને તેનાથી છાતીમાં બળતરા થતી હોય (હાર્ટ બર્ન) તેવી તકલીફમાં એલોવેરાના રસ લેવાથી તરત ફાયદો થાય છે.
૯) માથાના વાળની દરેક જાતની તકલીફમાં એલોવેરાનો રસ વાળના મૂળ (સ્કાલ્પ)માં નિયમિત ઘસવાથી નવા વાળ ઉગે છે. સુવાળા થાય છે. ૧૦) એલોવેરાનો રસ નિયમિત બે ચમચી સવારે અને સાંજે પીવાથી લોહીમાં સુધારો થાય છે અને 'કોલેસ્ટ્રોલ'નું તેમજ 'ટ્રાઈગ્લિસરાઇડ્સ'નું પ્રમાણ ઓછું થવાથી હાર્ટ એટેકનો ડર રહેતો નથી તેમજ મોટી ઉંમર સુધી હૃદયનું કાર્ય સરસ રીતે ચાલે છે તેવું નેચરોપથી ના ડોક્ટરો જણાવે છે ૧૧) એલોવેરાના રસના પાવડરથી નિયમિત બ્રશ કરવા થી દાત ચોકખા થાય છે અને અવળા મજબૂત થાય છે. ૧૨) એલોવેરાના રસમાં ફેનોલ અને સલ્ફર છે જેનાથી બેક્ટેરિયા, વાઈરસ અને ફન્ગસ નાશ પામે છે.
એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરશો
૧) તમારી જાતે એલોવેરાના પાન બગીચામાંથી લાવીને તેનો રસ કાઢીને પીવાથી કે તેને ચામડી ઉપર લગાડવા માટે નુકશાન થશે. માટે હંમેશા હર્બલ મેડિસિનના સ્ટોરમાં મળતી પ્રોસેસ કરેલી એલોવેરાની જુદા જુદા પ્રકારની વસ્તુઓ વાપરશો. ૨) એલોવેરાનો ઉપયોગ કરતાં પહેલા કોઈ નેચરોપથીની પ્રેક્ટિસ કરતા અનુભવી ડોક્ટરની સલાહ અવશ્ય લેશો. ૩. બને ત્યાં સુધી જે સ્ટોરમાં ફ્રેશ સારી રીતે પેક કરેલી હોય તેવી એલોવેરાની બધા જ પ્રકારની વસ્તુઓ લેશો.
એલોવેરાની આડઅસર
૧) ગર્ભવતી સ્ત્રીઓએ એલોવેરાનો રસ કે તેમાંથી બનાવેલી વસ્તુઓ લેવી ના જોઈએ એનાથી ગર્ભ પર અસર પડે છે.
૨) ઘણી વખત 'પ્રોસેસ' કર્યા વગરનો એલોવેરાનો રસ તેના પાનમાંથી કાઢીને તેનો સીધો ઉપયોગ કરવાથી પેટની ગરબડ થઈ ઝાડા અને ઉલ્ટી થઈ શકે છે અને શરીરને ફાયદો થવાને બદલે નુકશાન થાય છે એ યાદ રાખશો. ૩) જેઓ ને લોહીમાં સાકરનું પ્રમાણ ઓછું રહેતું હોય તેઓ એ એલોવેરાના રસનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ તેનાથી લોહીમાં સાકરનું પ્રમાણ એકદમ ઓછું થાય છે અને દર્દીને ફાયદો થવાને બદલે નુકશાન થાય છે.