ફરી બળબળતો ઉનાળો આવ્યો તમારા શરીરનું રક્ષણ કેવી રીતે કરશો?
હેલ્થ ટીટ્બિટ્સ - મુકુન્દ મહેતા
કસરત કરતાં હો ત્યારે એક સાથે વધારે પાણી પીવાને બદલે થોડી થોડી વારે થોડું પાણી પીવાની ટેવ રાખો
તમે જન્મ્યા ત્યારથી રૂતુચક્ર પ્રમાણે શિયાળો, ઉનાળો અને ચોમાસુ તો આવ્યા જ કરવાના શિયાળામાં ઠંડી લાગવાની, ઉનાળામાં તાપ લાગવાનો અને ચોમાસામાં જો વરસાદ પડે તો તમે ભિજાવાના પણ ખરા. મોટી ઉમ્મરના અને અનુભવીને પણ મૂંઝવણમાં મૂકી દે તેવો આપણાં દેશનો ઉનાળો હોય છે. થાક લાગી જાય એ તો ઠીક પણ ઘણીવાર 'હિટ સ્ટ્રોક' લાગી જાય તેવી ઉનાળાની ઋતુમાં તમારા શરીરનું કેવી રીતે રક્ષણ કરશો તે જાણવું તમારે માટે ખૂબ જરૂરી છે.
શું કરશો ?
૧. ખૂલતાં સુતરાઉ કપડાં પહેરો જેથી પરસેવો થાય તે ઊડી જાય અને તમને વધારે તાપ ના લાગે. સિન્થેટીક કપડાં પહેર્યા હોય ત્યારે તેમાં પરસેવો ચોટી જાય અને એના એ કપડા પહેર્યા હોય તે બીજાને ગંધાય. માટે રોજ ધોયેલાં સુતરાઉ કપડાં પહેરો.
૨. નિયમિત કસરત કરતાંહો ત્યારે પણ વહેલી સવારે કસરત કરો અને તે પણ થોડી ધીમેથી કરો અને થોડી ઓછી કરો. કસરત કરતી વખતે ચોખ્ખા પાણીની બાટલી હાથ વગી રાખશો. કસરત કરતાં હો ત્યારે એક સાથે વધારે પાણી પીવાને બદલે થોડી થોડી વારે થોડું પાણી પીવાની ટેવ રાખો. કસરત વધારે કરી હોય કે શ્રમ વધારે લીધો હોય ત્યારે પૂરતું પાણી નહીં પીઓ તો 'હિટ એકઝોશન' કે 'હિટ સ્ટ્રોક' થશે જે એક મેડિકલ ઇમરજન્સી કહેવાય જેનાથી મૃત્યુ પણ થઇ શકે. આ વાત ખાસ ધ્યાન રાખશો.
૩. જરૂર વગર તડકામાં બહાર નીકળો જ નહીં, ચાલતા કે બાઈક પર જવાનું હોય ત્યારે તમારા માથાનું રક્ષણ 'હેલ્મેટ'થી કરો અથવા કપડાંથી માથું ઢાંકીને બહાર જાઓ. આંખોનું તડકાથી રક્ષણ કરવા ગોગલ્સ (કાળા ચસ્મા) પહેરવાનું ભૂલતા નહીં. આ ઉપરાંત બજારમાં મળતા સન સ્ક્રીન લોશન શરીરના ખુલ્લા ભાગ પર લગાડીને બહાર જશો. આ બંને ક્રિયાથી તમે તમારી આંખોનું અને ચામડીનું રક્ષણ કરશો.
૪. બીજી ઋતુમાં કુલ બે લિટર પાણી અને બીજા પ્રવાહી પીતા હો તો આ ગરમીની ઋતુમાં પરસેવાને કારણે શરીરમાંથી પાણી નીકળી જવાને કારણે ઠંડા પીણાં, ચા, કોફી અને ચોકખું ઠંડુ પાણી મળીને ત્રણથી ચાર લિટર જેટલું પીશો. એક વાત યાદ રાખશો કે પાણી પીવાની તરસ લાગે એ શરીરમાંથી પાણી ઓછું થઇ ગયું છે એની નિશાની નથી માટે તરસ લાગે ત્યાં સુધી પાણી પીવાની રાહ ના જોશો. બહાર જાઓ ત્યારે ચોખ્ખા પાણીની બાટલી સાથે રાખશો.
૫. રોજના ખોરાકમાં ઘરમાં તૈયાર કરેલો ગાજર અને બિટનો રસ, લસ્સી, લીંબુ અને મધ નાખેલું શરબત લેશો. આ ઉપરાંત ભૂખ લાગે ત્યારે બહારના કે ઘરના ગરમ ખોરાક, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનો તેમજ પચવામાં ભારે તેવી મીઠાઈઓનો ખોરાકમાં બને તેટલો ઓછો ઉપયોગ કરશો તેને બદલે રસવાળા ફળો, તરબૂચ, નારંગી, મોસંબી, કેરી, પાઈનેપલ વગેરેનો ખોરાકમાં ઉપયોગ કરશો. એક વાત ખાસ યાદ રાખશો રસ્તા પર મળતા ખુલ્લા અને 'અન હાઇજેનિક' લસ્સી અને શેરડીના રસ કે બીજા ઠંડા પીણાં કદાપિ પીશો નહીં.
૬. કસરત કરતી વખતે અથવા એમને એમ તમને પરસેવો વધારે થતો હોય તો જે પાણી પીતા હો તેમાં થોડું મીઠું નાખીને પીશો. બહાર જવું જ પડે તેમ હોય તો પાણીની બોટલ સાથે રાખશો.
૭. ખૂબ ગરમી લાગતી હોય અને પરસેવો થતો હોય ત્યારે પંખાનો ઉપયોગ કરો. બારીઓ ખોલી નાખો, ટેબલ ફેન કે સીલિંગ ફેન ફાસ્ટ ચલાવો અથવા એ.સી. ચલાવો.
૮. રોજ દારૂ પીવાની ટેવ હોય તો તે છોડી દેજો. આ ઉપરાંત કેફિન વધારે આવે તેવા પીણાં (ચા, કોફી વગેરે) પીવાની ટેવ હોય તો ઓછી કરજો અથવા બંધ કરશો.
૯. ગરમીની ઋતુમાં નાના બાળકો ને ગરમ બ્લેકેંટમાં કે જાડા સિન્થેટીક કપડાં પહેરાવશો નહીં. બહાર જવા માટે કાર વાપરતા હો ત્યારે ખાસ ધ્યાન રાખીને કોઈ વખત ૪ કે ૫ વર્ષના બાળકોને બંધ કારમાં એકલા મૂકી શોપિંગ કરવા કદાપિ ના જશો.
૧૦. મોટી ઉમ્મરના વડીલોને ખાસ સૂચના કે ઘરમાં હો ત્યારે કે બહાર જવાનું હોય ત્યારે તમારા શરીરને ખૂબ સાચવો. ગરમીની ઋતુમાં ખાસ કરીને ખરે બપોરે સવારના ૧૧ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી બિલકુલ બહાર નીકળવું જોઇએ નહીં. ગયા વગર ના ચાલે તેમ હોય ત્યારે એ.સી. વાળી કારમાં જશો.