ભારત અને મલેશિયા વચ્ચેનું પામ ઓઇલ પોલિટિકસ
હસમુખ ગજજર .
આજના ગ્લોબલાઇઝેશનના સમયમાં વેપારની ગરજ બે દેશો વચ્ચેના સંબંધો ટકાવી રાખે છે પરંતુ આર્ટિકલ 370 અને નાગરિકતા કાનુન જેવા આંતરિક મુદ્વે મલેશિયાએ ચંચૂપાત કરતા ભારતે પામઓઇલ ખરીદી બંધ કરીને પાઠ ભણાવવાનું નકકી કર્યુ છે
ભારત અને મલેશિયા વચ્ચેના ૬૦ વર્ષથી મજબૂત સંબંધોમાં આર્ટિકલ ૩૭૦ અને નાગરિકતા કાનુનના કારણે ગુંચ ઉભી થઇ છે. પાકિસ્તાન જેવા ભારત વિરોધી દેશ જેવું અળવીતરુ વલણ મલેશિયાના વડાપ્રધાન મોહમદ મહાથિરે કાશ્મીર અને નાગરિક કાનુન મુદ્વે અપનાવ્યું છે. ભારતે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરી ત્યારે તૂર્કી અને મલેશિયાને બાદ કરતા કોઇએ પાકિસ્તાનનો પક્ષ તાણ્યો ન હતો.
તૂર્કીના વડા રેસેપ તાયિપ એર્દોઆન અરબોના મસિહા બનવાના અભરખા ધરાવે છે જુદી વાત છે પરંતુ મલેશિયાના ૯૩ વર્ષના વિશ્વના સૌથી વૃધ્ધ વડાપ્રધાન મહાથિર પણ ૨૪ સપ્ટેમ્બરના રોજ યુએનની સામાન્ય સભામાં ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું. મહાથિરે જમ્મુ કાશ્મીર પર ભારતે ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હોવાનું જુઠાણું ચલાવતા ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધો ખાટા થયા હતા. ભારતે મલેશિયાની શાન ઠેકાણે લાવવા પામ ઓઇલ ખરીદવાનું બંધ કરવાનું નકકી કર્યુ.
પામ ઓઇલની ખરીદી સાથે સંકળાયેલા ભારતના ટ્રેડર્સને મલેશિયા સાથે સોદા નહી કરવા સૂચના આપી હતી. પામઓઇલએ મલેશિયાની ઇકોનોમીની આવકનો સૌથી મોટો સોર્સ છે અને ભારત તેનું સૌથી મોટું ગ્રાહક છે. એક માહિતી મુજબ મલેશિયા પામઓઇલના કુલ વેચાણનું ૨૪ ટકા વેચાણ ભારતને કરે છે. ગત વર્ષ ભારતે મલેશિયા પાસેથી ૪૪ લાખ ટન પામ ઓઇલ ખરીદયું હતું જયારે વર્તમાન વર્ષમાં સોદાઓ અટકી ગયા છે.
આજના ગ્લોબલાઇઝેશનના સમયમાં વેપારની ગરજ બે દેશો વચ્ચેના સંબંધો બગડવા દેતી નથી પરંતુ મલેશિયાને જાણે કે આની કાંઇ પડી ના હોય એમ આર્ટિકલ ૩૭૦ પછી ભારતમાં નાગરિકતા કાનુન પસાર થયો તેનો પણ વિરોધ કર્યો હતો. વડાપ્રધાને મહાથિરે એવી શેખી મારી કે માત્ર પૈસા માટે જો ખોટી વાતને સમર્થન કરીશું તો તે આપણા માટે ખોટું ગણાશે.
જમ્મુ કાશ્મીર અને નાગરિકતા કાનુન જેવા ભારતના અનેક આંતરિક મુદ્વે પાકિસ્તાનનો ચંચૂપાત નવાઇ નથી પરંતુ મલેશિયા ભારતની આંતરિક બાબતોમાં માથું મારે એ આંચકા સમાન હતું. ભારતે ઇન્ડોનેશિયા પાસેથી પામ ઓઇલની ખરીદી શરુ કરતા મલેશિયાને આર્થિક ફટકો પડવાની શરુઆત થઇ છે.
વિશ્વમાં પામઓઇલનું ૭૦ મીલિયન ટન જેટલું ઉત્પાદન થાય છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા વિશ્વમાં પામઓઇલનું ૮૦ ટકા જેટલું પ્રોડકશન કરતા હોવાથી બંને દેશ વચ્ચે હરિફાઇ રહે છે. ઇન્ડોનેશિયા સાથે પામઓઇલની ખરીદી માટે સંપર્કમાં હોય એવા ભારતીય કારોબારીઓને મલેશિયા મનાવવા પ્રયાસ કરી રહયું છે.
મલેશિયાનું પામ ઓઇલ એસોસિએશન પણ ભારત દ્વારા લાદવામાં આવેલા અઘોષિત પ્રતિબંધથી ટેન્શનમાં છે. ખૂબ સમય પછી ગત સપ્તાહ નરમ વલણ દાખવીને મલેશિયાના પી એમ મહંમદ મહાથિરે સ્વીકારવું પડયું કે અમે (ભારત)ને પહોંચી શકીએ એટલા મોટા નથી. ભારત, કોફી, કોટન, મશીનરી,લોખંડ અને ઇલેકટ્રિક સામાન મલેશિયાને મોકલે છે તેના પર મલેશિયાએ કોઇ પગલા ભર્યા નથી.
ભારત અને મલેશિયા સાથે પ્રાચીન ઐતિહાસિક સંબંધો ધરાવે છે. આ દેશના વિકાસમાં ભારતીય મૂળના સમુદાયનો મોટો ફાળો છે. મલેશિયામાં આઇટી, હેલ્થકેર અને બેન્કિંગ સહિતના આર્થિક ક્ષેત્રોમાં ભારતનું રોકાણ છે. મલેશિયામાં કુશળ અને અકુશળ મળીને ૧.૫ લાખ ભારતીયો કામ કરે છે. તો પછી મલેશિયા શા માટે ભારતની કાશ્મીર અને નાગરિકતા કાનુન જેવા આંતરિક મુદ્વે વિરોધી વલણ ધરાવે છે તે સમજવું જરુરી છે.
મલેશિયાના વડાપ્રધાન મોહમદ મહાથિર રાજકારણના અઠંગ ખેલાડી છે. ૧૯૪૫માં જાપાને મલેશિયા પરથી કબ્જો છોડયા પછી ની મલય રાજનીતિના સાક્ષી છે. તેઓ એક સમયે ગેર મલેશિયાઇઓને નાગરિકતા આપવાના વિરોધ આંદોલનમાં પણ જોડાયેલા હતા. મલેશિયાના પૂર્વ પી એમ અબ્દુલ રહેમાન, અને અબ્દુલ રઝાક હુસેનના રાજકિય કાળમાં પણ તેઓ મહત્વનું સ્થાન ધરાવતા હતા. ૧૯૮૧માં રઝાક હુસેને બીમારીના પગલે મલેશિયાની સત્તા છોડી ત્યારે મોહમદ મહાથિરને ઉતરાધિકારી બનાવ્યા હતા.
મહાથિર સળંગ ૧૯૮૧ તી ૨૦૦૩ સુધી પણ સત્તામાં રહી ચુકયા છે. આ ગાળા દરમિયાન ભારત અને મલેશિયા વચ્ચેના આર્થિક અને રાજકિય સંબંધો મજબૂત બન્યા હતા. જયારે ૧૦મી મે ૨૦૧૮માં તેઓ ફરી સત્તામાં આવ્યા તે પછી પાકિસ્તાન અને મલેશિયા વધુ નજીક આવ્યા છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ભારત વિરોધી કાશ્મીર નીતિ અંગેનું માર્ગદર્શન મહાથિર પાસેથી મેળવે છે.
રાજકિય પંડિતો ટિખળ કરે છે કે ઇમરાનખાન જયારે ક્રિકેટના મેદાનમાં બોલિંગ કરતો હતો ત્યારે પણ મહાથિર મલેશિયાના લિડર હતા. તેમની પાસે દેશ અને વિદેશની બાબતોમાં અનુભવોનું જે ભાથું છે તે ઇસ્લામના પરીપેક્ષ્યમાં ઇમરાનને આપે છે. નવેસરથી મલેશિયાની ગાદી સંભાળ્યા પછી બદલાયેલા મહાથિર ઘર આંગણે મલય મુસલમાનોને વધુ મહત્વ આપવા માંડયા છે. રાજકિય પંડિતોનું માનવું છે કે મહાથિરની ચાલ મલેશિયાને મુુસ્લિમ વર્લ્ડમાં લિડર દેશ બનાવવાની છે.
આના ભાગરુપે જ તેમણે પાટનગર કવાલાલમ્પુરમાં વર્લ્ડ મુસ્લિમ સમિટનું આયોજન કર્યુ હતું. જો કે એ પણ હકિકત છે કે મુસ્લિમ વર્લ્ડમાં સાઉદી અરેબિયા મહંમદ મહાથિર નો ગજ વાગવા દે તેમ નથી, બીજુ કે ઘર આંગણે મહાથિર ને વિપક્ષો અને બિન મુસ્લિમ સંગઠનો તરફથી મજબૂત રાજકિય પડકાર મળી રહયો હોવાથી તેઓ જાણી જોઇને ધર્મનું પાનું રમી રહયા છે. ૩.૧૮ કરોડની વસ્તી ધરાવતો મુસ્લિમ બહુલ દેશ મલેશિયા, ઇન્ડોનેશિયા જેટલો ઉદારમતવાદી જણાતો નથી.
મલય મુસલમાનો જ પોતાને મૂળ મલેશિયન સમજે છે. મલેશિયામાં સંખ્યાબળના જોરે મલય મુસલમાનો વધારે રાજકિય મહત્વ મળતું હોવાથી રાજકિય ક્ષેત્રે મુસલમાન અને બિન મુસલમાન એવી સ્પષ્ટ ભેદરેખા જોવા મળે છે. નોકરીઓથી માંડીને વ્યવસાયમાં ડગલેને પગલે અન્ય ધર્મના લોકો સાથે થતા ભેદભાવની ખાઇ પહોળી થઇ રહી છે.
મલેશિયા જયાં સુધી ઝડપથી આર્થિક વિકાસ કરી રહયું હતું ત્યાં સુધી વાંધો ન હતો પરંતુ વિકાસના ફળ વહેંચવાની વાત આવતા મલય મુસલમાનોનો જ હાથ ઉપર રહે છે. આથી મલેશિયાની રાજકિય સ્થિતિમાં ખ્રિસ્તી અને હિંદુ સંગઠનો પણ પોતાની રીતે અલગ અસ્તિત્વ જાળવીને રહે છે.
મલેશિયાના કાયદા અને વહિવટમાં ગેર મુસ્લિમો સાથે અન્યાય જેવો વ્યહવાર વધ્યો છે. ૩ વર્ષ પહેલા મલેશિયાના પેનાંગના એરા કુદામાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ તોડવાની ઘટના બની હતી. મલેશિયામાં ૬ ટકા હિંદુ, ૯ ટકા ખ્રિસ્તી અને ૧૯ ટકા જેટલા બૌધ્ધ રહે છે. ભારતીયોની વાત કરીેએ તો હિંદુ તમિલોની સંખ્યા સૌથી વધારે છે. ૩ વર્ષ પહેલા ૭૦૦૦ જેટલા હિંદુઓના આઇ કાર્ડ પર જાણી જોઇને મુસલમાન લખવામાં આવ્યું ત્યારે ઉહાપોહ થયો હતો.
મલેશિયામાં ગેર મુસલમાનોએ અલ્લાહ શબ્દ બોલવા પર ૧૯૮૦થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગેર ઇસ્લામિક સંદર્ભમાં પણ ઇશ્વરના સ્થાને અલ્લાહ શબ્દ લખવાની મનાઇ છે. જો કોઇ આનો ભંગ કરે તો ૧ વર્ષ જેલની સજાની જોગવાઇ છે. મલેશિયાએ ભારતના વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકિર નાઇકને સ્થાઇ નાગરિકત્વ આપ્યું છે.
નાઇક પર ભારતમાં મની લોન્ડરિંગના મામલો ચાલતો હોવાથી ભારત તેનું પ્રત્યાર્પણ ઇચ્છે છે પરંતુ મહાથિર માનતા નથી. મલેશિયા પોતાના પાકિસ્તાન પ્રેમ અને ભારત વિરોધી વલણમાં ઘટાડો નહી કરે તો ભારતનું પામ ઓઇલ પોલિટિકસ મલેશિયાને ભારે પડવાનું છે એમાં શંકાને સ્થાન નથી.